• 1 December, 2025 - 8:17 AM

ફ્લોટિંગ સોલાર પેનલ વીજળી પેદા કરવા માટેનો ભારત પાસેનો એક નવો વિકલ્પ

  • તરતી સોલાર પેનલ જમીનની અછતની સમસ્યાને પહોંચી વળવામાં મદદ કરશે
  • તરતી સોલાર પેનલ થોડી ખર્ચાળ છે, પરંતુ યુનિટદીઠ વીજ ઉત્પાદનનો ખર્ચ જમીન પરની સોલાર પેનલ કરતાં ઓછો આવે છે

ભારતમાં સોલાર ઊર્જા સામાન્ય રીતે જમીન આધારિત પાર્કોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ શહેરી વિસ્તારોમાં જમીન મોંઘી અને મર્યાદિત હોવાથી પાણી પર તરતા સોલાર પેનલ Floating Solar Photovoltaic (FPV) ખૂબ જ અસરકારક વિકલ્પ બની રહ્યા છે. ભારતે 2030 સુધીમાં કુલ 500 GW નોન-ફોસિલ ફ્યુઅલ ઊર્જા ક્ષમતા મેળવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેમાંથી 280 GW સોલાર ઊર્જાથી આવશે. નવા સંશોધન મુજબ, જો ભારતમાં ઉપલબ્ધ પાણી સ્રોતમાંથી ફક્ત 10 ટકા સપાટીનો ઉપયોગ કરવામાં આવે તો લગભગ 227 GW જેટલી ફ્લોટિંગ સોલાર ક્ષમતા ઉભી કરી શકાય તેમ છે.

સોલાર પેનલ પાણી પર તરતી હોવાને કારણે પેનલોને સ્વાભાવિક ઠંડક મળે છે. તેથી તેના થકી પેદા થતી વીજળીમાં 5થી 10 ટકાનો વધારો જોવા મળે છે. તરતી સોલાર પેનલ તેઓ પાણીની સપાટી ઢાંકી દે છે. પરિણામે ડેમ અને રિઝર્વોઈરમાંથી બાષ્પીભવન ઓછું થાય છે. આ ખાસ કરીને સિંચાઈ અને હાઇડ્રોપાવર માટે ઉપયોગી થાય છે. બીજું સોલાર પાવર જનરેટ કરવા માટે જમીનના ઉપયોગની જરૂર નથી. શહેરી વિસ્તારો માટે આ એક મોટો ફાયદો છે.

ફ્લોટિંગ સોલાર માટેનો પ્રારંભિક ખર્ચ જમીન આધારિત સોલાર પ્લાન્ટ્સ કરતા વધારે છે. ફ્લોટિંગ સોલાર પેનલ માટેનું સ્ટ્રક્ચર મોંઘું પડે છે. તરતી સોલાર પેનલને એક જગ્યાએ સ્થિર રાખવાની જરૂર પડે છે. જેથી તે પવન, દરિયાના મોજા કે પછી દરિયાના પ્રવાહ સાથે ખેંચાઈ જતી નથી. તરતી સોલાર પેનલને એક જગ્યાએ સ્થિર રાખવી જરૂરી છે. તેમ થાય તો જ તેનું આયુષ્ય લાંબું રહે છે. તદુપરાંત તેમાં જનરેટ થતા પાવરને સિસ્ટમમાં ટ્રાન્સમિટ કરવા માટેની વિશેષ સુવિધા ઊભી કરવી પડે છે. તેથી આ સમગ્ર માળખું થોડું મોંઘું પડે છે. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં પણ તરતી સોલાર પેનલ બેસાડી શકાય છે. તદુપરાંત મહારાષ્ટ્ર તરતી સોલાર પેનલ બેસાડવા માટે શ્રેષ્ઠ ગણાય છે. ત્યારબાદ ઓડિશા અને કર્ણાટકનો અલમટ્ટી રિઝર્વોઈર સર્વોત્તમ ગણાય છે. આ વિસ્તારમાં સૂર્યકિરણ તીવ્રતા ઘણી જ સારી છે. તેમ જ પાણીના સ્તરમાં બહુ જ ઓછો ફેરફાર થતો જોવા મળે છે. આમ સમગ્રતયા સૌર ઉર્જાથી વીજળીનું ઉત્પાદન કરવા માટે આ વિસ્તારો ઉત્તમ ગણાય છે.

FPVનો ખર્ચ કરવો યોગ્ય છે ખરો?

તરતી સોલાર પેનલ અંગે અત્યાર સુધી થયેલા સંશોધન મુજબ કેટલીક જગ્યાઓ પર FPV નું Levelised Cost of Energy (LCOE) યુનિટદીઠ રૂ.3.16 થી રૂ. 3.80નો આવે છે. આ ખર્ચ સોલાર પાવરથી વીજળી પેદા કરવા માટેના રાષ્ટ્રીય સ્તરના સરેરાશ કિલોવૉટ દીઠ – યુનિટદીઠ વીજદર રૂ. 6.29 કરતાં ઘણો ઓછો છે. તુંગભદ્રા રિઝર્વોઈરમાં આ ખર્ચ રૂ. 3.16નો આવે છે. અલમટ્ટીમાં FPVનો ખર્ચ LPV કરતાં 12.5 ટકા વધુ આવે છે. કારણ કે તેને માટે કરવાનો થતો મૂડી ખર્ચ-Capex 15.5 ટકા જેટલો વધારે છે. સરકાર સાહસ કરનારાઓને 1.75 ટકા વ્યાજ સબસિડી અથવા 12 ટકા Capex સબસિડી આપશે તો FPV અને LPV વચ્ચેનો ખર્ચનો તફાવત સમાન થઈ શકે છે.

પ્રોજેક્ટ ટકવા અંગેની ચિંતાઓ

FPV પ્રતિ MW 970–1,167 ટન CO₂ બચાવે છે, છતાં પણ કેટલાક પ્રશ્નો ઉભા થાય છે. જળજીવ અને સ્થાનિક બાયોવિવિધતા પર તેની અસર પડતી જોવા મળે જ છે. તરતી સોલાર પેનલને પરિણામે માછીમારી અને ટુરીઝમ સામે જોખમ ઊભું થવાની સંભાવના રહેલી છે. તરતી સોલાર પેનલના પ્રોજેક્ટની મંજૂરી માટે અનેક સરકારી સંસ્થાઓની મંજૂરી લેવાની જફા કરવી પડશે. તેમ જ જે તે દરિયાઈ વિસ્તારમાં પાણીની ઊંડાઈ અંગે વિશ્વસનીય ડેટાનો અભાવ પણ કેટલીક સમસ્યા ઊભી કરી શકે છે. આ અંગે સંશોધન કરનારાઓ સાથે એટલે કે Stakeholder consultations થવું જરૂરી છે. તેમ જ લાભની વહેંચણી (benefit-sharing) જેવા મોડલ્સ અપનાવવાની ભલામણ કરી છે.

Read Previous

દરેક ઘર માટે મફત સારવાર! સરકારે આયુષ્માન કાર્ડ માટે મેગા ડ્રાઇવ શરૂ કરી, સમયમર્યાદા અને જરૂરી દસ્તાવેજો વિશે જાણો

Read Next

રેર અર્થ મેટલ્સ પર સરકારનું મોટું પગલું, કેબિનેટે 7,280 કરોડના પ્રોત્સાહન પેકેજને મંજૂરી આપી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular