ગુજરાતમાં ઘઉંનું બમ્પર વાવેતર, મસાલા પાક, વરિયાળી અને જીરૂના વાવેતરમાં ઘટાડો, બટાટાનું વાવેતર જોરમાં, ડૂંગળીની સ્થિતિ જાણો
શિયાળુ મોસમના મુખ્ય ગણાતા અનાજ પાક ઘઉંના વાવેતરમાં તીવ્ર વધારો થયો છે. પાણીની સગવડ ખૂબ સારી છે અને ઘઉંના ભાવ પણ ઉત્તમ મળી રહ્યા હોવાથી ખેડૂતોએ ખૂબ વાવેતર કર્યું છે. ઘઉંની માફક ચણાના વાવેતર પણ ખાસ્સા વધારે થયા છે. મંદીવાળા મસાલા પાક વરિયાળી અને જીરૂના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.
ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ગયા વર્ષના 4.85 લાખ હેક્ટર સામે 6.02 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. ઘઉંનું વાવેતર 24 ટકા વધારે થયું છે. વાવણીની 47 ટકા કામગીરી થઇ ગઇ છે. કુલ સાડા 12 થી 13 લાખ હેક્ટર સુધી ગુજરાતમાં વાવેતર થતું હોય છે.
શિયાળાના મુખ્ય કઠોળ ચણાનું વાવેતર સરેરાશની તુલનાએ 58 ટકા થઇ ગયું છે. ગયા વર્ષમાં 3.87 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતુ. તેની સામે અત્યારે 4.86 લાખ હેક્ટરમાં વાવેતર છે. 25 ટકાનો વધારો પાછલા વર્ષની સરખામણીમાં જોવા મળ્યો છે.
ગુજરાતમાં શિયાળુ પાકનું કુલ વાવેતર 8 ટકા વધી ગયું છે પણ જેના વિષે સૌથી વધારે ઇંતેજારી આ વર્ષે છે તે જીરાના વાવેતર હવે પ્રથમ વખત સરકારી ચોપડે ઘટતા દેખાયા છે. જીરુંના વાવેતર ઘટશે એવી ચર્ચા વેપારી અને ખેડૂત આલમમાં જોરશોરથી થતી હતી. જોકે સરકારી આંકડાઓ ઉંચા આવતા હતા. હવે સરકારે 10 ટકા ઓછું વાવેતર બતાવ્યું છે.
રાજ્યભરમાં જીરૂનું વાવેતર 1.94 લાખ હેક્ટરમાં થઇ ગયું છે. અગાઉના વર્ષના 2.11 લાખ હેક્ટર કરતા એમાં 10 ટકાનો ઘટાડો દેખાયો છે. સરેરાશ વાવેતર ગુજરાતમાં 3.81 લાખ હેક્ટર થતું હોય છે. જીરુંમાં પાછલા બે વર્ષથી ખેડૂતોને સંતોષકારક ભાવ મળ્યા નથી. એની અસરથી વાવેતરમાં ખેડૂતોને બહ્ન રસ નથી. છતાં જ્યાં ઓછાં પાણી છે, માવઠાં નથી થયાં કે જમીનોમાં ભેજ ઓછો હતો ત્યાં વાવેતર થયા છે. અલબત્ત અગાઉ કરતા વાવણી ઘટશે. વેપારીઓ 30 ટકા વાવેતર ઘટ જોઇ રહ્યા છે. જોકે ખેડૂતો પચ્ચાસ ટકા ઘટશે તેમ કહે છે, આ તરફ સરકારે 10 ટકા વાવેતર ઘટાડો બતાવ્યો છે. અત્યાર સુધીમાં 50 ટકા વાવેતર પૂરું થઇ ગયું છે.
જીરૂની માફક વરિયાળીનું વાવેતર પણ ગુજરાતમાં ઘટી ગયું છે. 73થી 74 હજાર હેક્ટર વચ્ચે વાવેતર સરેરાશ થતું હોય છે. એની સામે અત્યાર સુધીમાં 24 ટકા અર્થાત 18,262 હેક્ટરમાં વાવેતર થયું છે. અગાઉના વર્ષમાં 20,40 હેક્ટર વાવણી થઇ હતી. નબળા ભાવને લીધે વરિયાળીને અસર થઇ છે.
જોકે ધાણાના વાવેતરમાં વધારો દેખાયો છે. અત્યાર સુધીમાં 55,333 હેક્ટરમાં વાવેતર થયેલું છે. ગયા વર્ષની તુલનાએ 32 ટકાનો વધારો થયો છે. પાછલી સીઝનમાં 41,721 હેક્ટરમાં વાવણી છે. ઇસબગુલનું વાવેતર 4526 હેક્ટરથી વધીને 4862 હેક્ટર રહ્યું છે.
મસાલા પાકમાં લસણનો વિસ્તાર 6,947 હેક્ટર રહ્યો છે. ગયા વર્ષમાં 5,518 હેક્ટરમાં વાવેતર થયું હતુ. સુવાનો વિસ્તાર અડધાથી પણ ઓછો થઇ જતા 3922 હેક્ટર થયું છે.
સરકારી ચોપડે ડુંગળી અને બટાટાના વાવેતર સારાં છે. ડુંગળીનો વિસ્તાર 40,216 હેક્ટર છે, જે ગયા વર્ષના સ્તરે છે. મંદી છતાં ખેડૂતોએ શિયાળુ રોપલી વાવી છે. જોકે અંતિમ વિસ્તાર આવે ત્યારે જ પાક ઘટશે કે વધશે તેનો ખ્યાલ આવશે. બટાટાનું વાવેતર ગુજરાતમાં 1,30,080 હેક્ટરમાં થયું છે. ગયા વર્ષ કરતા 13 ટકાનો વધારો નોંધાયો છે. જોકે વાવેતર સરેરાશ 1.31 લાખ હેક્ટર થતું રહે છે, એ જોતા વાવેતરની કામગીરી 100 ટકા થઇ ગઇ છે.



