• 17 December, 2025 - 12:36 PM

ફાસ્ટફૂડ બિનતન્દુરસ્ત હોવાથી તેનો ઉપયોગ ઘટાડવા તેના પર વધુ જીએસટી વધારવા વિચારણા

  • સરકારનો ફાસ્ટફૂડ-જન્કફૂડથી દૂર રહેવા પ્રચાર છતાં ફાસ્ટફૂડના વધતા વપરાશ અને વધતી આરોગ્ય સમસ્યા અંગે વિચારણા કરી નિર્ણય લેવાશે
  • ફાસ્ટફૂડમાં સુગરના અતિરેક, બિનતન્દુરસ્ત ચરબી, પોષક ઘટકોનો અભાવ હોવાથી કેન્સર, મેદસ્વિતા, ડાયબિટીસ, હૃદયરોગ, પાચનતંત્રની ગરબડ અને બંધકોશની થતી તકલીફ

તમાકુ ઉત્પાદનો પર 28 ટકા GST છે. તેમ જ કમ્પેન્સેશન સેસ સાથે કુલ અસરકારક દર 40 ટકાથી માંડીને 290 ટકા સુધી જાય છે. ખરેખર આ વેરાનો ઉપયોગ લોકોની અનારોગ્યકારી ટેવ દૂર કરવા માટે કરવો હોય તો માત્ર તમાકુ નહીં, પણ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ અને જંક ફૂડ પરના GST વિશે પણ નવો વિચાર કરવાની જરૂર છે. સરકાર પણ વારંવાર તેનાં સેવનને નિયંત્રિત કરવાની સલાહ આપે છે. ફાસ્ટફૂડના સેવનથી મેદસ્વિતા અને અનેક પ્રકારના શારિરિક રોગ થતાં હોવાથી તેને પણ તમાકુની જેમ આરોગ્યને હાનિ કર્તા ગુડ્સની કેટેગરીમાં નાખીને તેના પર વધુ જીએસટી વસૂલવો જોઈએ તેવી એક માગણી કરવામાં આવી રહી છે. નવેમ્બરમાં જીએસટીની આવકમાં ઘટાડો થયો તે પછી ચર્ચા ચાલુ થઈ હોવાનું જાણવા મળીરહ્યં છે.

બર્ગર, પિઝા, પ્રાઈડ પોટેટો ચિપ્સ જેવા ફાસ્ટફુડનું વારંવાર સેવન કરવાથી માનવ શરીર અનેક રોગોનો ભોગ બને છે. ફાસ્ટફૂડમાં સુગર વધુ હોવાથી, બિનતન્દુરસ્ત ચરબી વધારે હોવાથી તથા આવશ્યક પોષક ઘટકોનો અભાવ હોવાથી મેદસ્વિતા ઉપરાંત ટાઈપ ટુ ડાયબિટીસ, હાર્ટ ડિસીઝ-હૃદયરોગ, પાચનતંત્રની ગરબડ અને બંધકોશ જેવી સમસ્યાઓ થાય છે. ફાસ્ટ ફૂડના અતિરેકને કારણે માનસિક આરોગ્ય પણ કથળે છે. દાંત બગડવાની પ્રક્રિયા ઝડપી થાય છે. તેમ જ ચોક્કસ પ્રકારના કેન્સર થવાની સંભાવના પણ વધી જાય છે. ભારત સરકાર પ્રચાર કરીને ફાસ્ટફૂડથી દૂર રહેવા માટે વારંવાર વિનંતી કર્યા કરે છે. છતાંય ફાસ્ટફૂડનો વપરાશ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ વલણ અને ચલણ ભારતની જનતાના આરોગ્ય માટે જોખમી છે. તેથી જ સરકાર ફાસ્ટ ફૂડને સિન ગુડ્સ એટલે કે આરોગ્યને ખરાબ કરતી સામગ્રીની કેટેગરીમાં મૂકીને તેના પર વધારે જીએસટી લાગુ કરવાનું વિચારી રહી છે.

બાવીસમી સપ્ટેમ્બર 2025થી કેન્દ્ર સરકારે ગ્રાહકોને લાભ થાય તેવા સુધારાઓ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં લાગુ કર્યા તે પછી સામાન્ય ચીજવસ્તુઓ પર લાગતી GST વસૂલાતને બે જ સ્લેબ 5 ટકા અને 18 ટકાના રહ્યા હોવા છતાં GST આવકમાં નવેમ્બર 2025માં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જોકે નિષ્ણાતો માને છે કે જીએસટીની આવકમાં ઘટાડો થવાની અપેક્ષા હતી જ હતી. છતાં જીએસટીના ઘટાડાને પરિણામે ચીજવસ્તુઓના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે.

ભારતીય અર્થતંત્ર નબળું છે કે પછી મજબૂત તે માપવાનો એક સારો માપદંડ GSTની આવક છે  સરકારના મૂડી ખર્ચનો મુખ્ય આધાર પણ GSTની આવક પર જ નિર્ભર છે. તેથી જ નવેમ્બરની GST વસૂલાત ઘટીને માત્ર રૂ. 1.7 લાખ કરોડ થઈ તે ચિંતા વધારે તે સ્વાભાવિક છે. અગાઉના વર્ષ અને આ વર્ષની આવકને આધારે કહી શકાય છે કે વૃદ્ધિ દર માત્ર 0.7 ટકાનો જ રહ્યો છે. કોરોના કાળ પછીના પાંચ વર્ષમાં પહેલીવાર આટલો ઓછો વધારો જોવા મળ્યો છે.

એક તરફ આવક-રેવન્યુ ઘટી રહી છે ત્યારે બીજીતરફ આવતા વર્ષેથી તમાકુ, પાન મસાલા જેવા ‘સિન પ્રોડક્ટ્સ’ પર લાગતો કંપન્સેશન સેસ પણ સમાપ્ત થઈ રહ્યો છે. તેથી આવક યથાવત્ રાખવા બે મહત્વના બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે. GSTનો પહેલી જુલાઈ 2017થી અમલ ચાલુ કરવામાં આવ્યો ત્યાર પછી GST થકી થતી આવક ત્રણ ગણી થઈ ગઈ છે. ગયા નાણાકીય વર્ષે કુલ GST વસૂલાત ₹22.08 લાખ કરોડ રહી હતા.  આ આવક અગાઉના વર્ષ કરતાં 9.4 ટકા વધુ હતી.  ઓક્ટોબર 2025નું કલેકશન પણ ગઈ 2024ની દિવાળીના ગાળા કરતાં 4.6 ટકા વધુ હતું.
તેનું શ્રેય જીએસટીન કાયદાનું કડક પાલન અને રજીસ્ટર્ડ કરદાતાઓની સંખ્યા 65 લાખથી વધીને હવે 1.51 કરોડ થઈ તે છે.

નવેમ્બરને ‘તાત્કાલિક અસર’ તરીકે જોવું જોઈએ

નવેમ્બર 2025માં જીએસટીની આવકમાં ઘટાડો આવ્યો કારણ કે અર્થતંત્ર નવા GST દરોની ‘બેઝલાઇન’ સાથે એડજસ્ટ થઈ રહ્યું છે. GST સ્લેબ્સને સરળ બનાવવાનો નિર્ણય અત્યંત સમયોચિત હતો. જીએસટીના દરના ઘટાડા પછી કાર અને કન્ઝ્યુમર ગૂડ્સ જેવા મોટા ક્ષેત્રોમાં વેચાણ વધ્યા છે.  જે દર્શાવે છે કે વેરા રાહતનો સીધો ફાયદો ગ્રાહકો કે વપરાશકારોને થયો છે. વેરાની વસૂલીનો હેતુ માત્ર ટેક્સ વસૂલવાનો જ નથી, પરંતુ આમજનતાની ખરીદ શક્તિ અને જીવન ધોરણ સુધારવાનું પણ છે. તેથી જ વેચાણમાં વધારો કરે એવા સુધારા યોગ્ય છે.

 

Read Previous

એલન મસ્કની કંપનીને ભારતમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા, અત્યાર સુધી ટેસ્લાની કેટલી Y EV કાર વેચાઈ?

Read Next

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભરપૂર ઉપયોગ કરી રહેલી ભારતીય ફાર્મા કંપનીઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular