• 17 December, 2025 - 8:45 PM

ગાંધીનગર ખાતે ENGIMACH’ એક્ઝિબિશન: 10,000થી વધુ ઉત્પાદનોનું પ્રદર્શન, દેશ-વિદેશની અંદાજે 1,100 કંપનીઓ સહભાગી બની

નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે  હેલીપેડ, ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા 17માં ‘ENGIMACH-2025’ ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન તા. 03 થી 07 ડિસેમ્બર-2025 સુધી યોજાશે.

નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા એન્જિનિયરિંગ-મશિનરી એટલે કે, ‘ENGIMACH-2025’ એક્ઝિબિશનનો ગાંધીનગર ખાતે આજે શુભારંભ થયો છે. ENGIMACHમાં કુલ 1,100થી વધુ દેશ-વિદેશની કંપનીઓ જોડાઈ છે. એક્ઝિબિશનમાં અંદાજે 50 હજારથી વધુ મુલાકાતીઓએ અગાઉથી સહભાગી થવા નોંધણી કરાવી છે પણ આ ત્રણ દિવસ દરમિયાન ચાલનારા એક્ઝિબિશનમાં 01 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે તેવી સંભાવના છે. વિશ્વના અલગ અલગ દેશોમાંથી 500થી વધુ પ્રતિનિધિઓ મુલાકાતે આવ્યા છે. એક્ઝિબિશનના માધ્યમથી ગુજરાત અને દેશના એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ ઉપલબ્ધ થશે. આ એક્ઝિબિશનના માધ્યમમાંથી કંપનીઓને બિઝનેસ મળવાની સાથેસાથે અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં હોટલ સહિત વિવિધ નાના-મોટા વેપારીઓને પણ ધંધામાં ફાયદો થવાની સાથે સ્થાનિક રોજગારી ઉપલબ્ધ થશે.

ગુજરાત-દેશની એન્જિનિયરિંગ ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ ઉપલબ્ધ થશે : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

તેમણે કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની સાથે આ વૈશ્વિક કક્ષાના એક્ઝિબિશન સેન્ટરની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી. તેના માધ્યમથી ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે ૮0 થી 100 દિવસ સુધી વિવિધ પ્રકારના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન યોજાય છે જેના પરિણામે સ્થાનિક વેપારીઓને ખૂબ મોટો વેપાર મળી રહ્યો છે. આ એક્ઝિબિશન સેન્ટર ખાતે આવનાર કંપનીઓને વધુ સારી સુવિધા આપવાના ઉદ્દેશ સાથે આગામી સમયમાં આ સેન્ટરને વૈશ્વિક કક્ષાના એક્ઝિબિશન સેન્ટર તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે એક્ઝિબિશનમાં વિવિધ કંપનીઓના સ્ટોલની રૂબરૂ મુલાકાત લઈને AI તેમજ રોબોટ આધારિત મશિનરીની માહિતીની સાથે-સાથે ટેકનોલોજીમાં અપડેટ વિશે કંપની માલિકો પાસેથી વિગતો મેળવી સંવાદ કર્યો હતો. વધુમાં આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેઈક ઈન ઈન્ડિયા’,’આત્મનિર્ભર ભારત’ અને ‘સ્વદેશી અભિયાન’ને વધુ પ્રોત્સાહન આપીને ભારતને એન્જિનિયરિંગ મશિનરી અને મેન્યુફેક્ચરિંગમાં વધુ આત્મનિર્ભર બનાવવા સૌ ઉદ્યોગપતિઓને અનુરોધ કર્યો હતો.

અંદાજે 01 લાખ ચો.મીટર જગ્યામાં યોજાયેલા આ એક્ઝિબિશનમાં 10,000 વધુ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું છે.એક્ઝિબિશનમાં વિવિધ ઉદ્યોગો વચ્ચે ‘ઇન્ટરનેશનલ બાયર-સેલર મીટ’ પણ યોજાશે.

આ ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી, ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર સહિત અગ્રણી ઉદ્યોગપતિઓ,એક્ઝિબિટર્સ અને મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Read Previous

પાર્ટી ફંડમાં ટાટાએ ભાજપની ઝોળી છલકાવી, ભાજપને સૌથી વધુ 959 કરોડનું દાન મળ્યું, જાણો કોંગ્રેસ અને અન્ય પક્ષોને કેટલું દાન મળ્યું?

Read Next

OLAએ આ બિઝનેસને અસ્થાયી રૂપે બંધ કર્યો, આ વર્ષે ઇલેક્ટ્રિક મોબિલિટી સ્ટોક 55% થી વધુ ઘટ્યો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular