કોર્પોરેટ હોસ્પિટલ્સને નડી રહેલી કર્મચારીઓ છૂટા થઈ જવાની સમસ્યા

- ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ્સ એક્ટ, 2010; ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1956 તથા આરોગ્ય મંત્રાલય તથા ICMRની સેફ્ટી પ્રોટોકોલ અને તાલીમ સંબંધિત માર્ગદર્શિકા ને કાયદાઓના અમલીકરણમાં જોવા મળતી સુસ્તી
- આરોગ્ય સેવા આપતી સંસ્થાઓમાં હેલ્થકેર પ્રોફેશનલ્સને પૂરતું સંરક્ષણ આપવાનો મોટો પડકાર, નોકરી છોડી જવામાં નર્સનું પ્રમાણ 35 ટકા જેટલું ઊંચું
આજે હેલ્થકેર ઉદ્યોગ ઊંચા એટ્રિશન દરનો એટલે કે કર્મચારીઓ છોડીને બીજી સંસ્થામાં જોડાઈ જવાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. નોકરી છોડીને જનારાઓમાં નર્સની સંખ્યા ઘણી જ વધારે હોવાનું જોવા મળે છે. નર્સમાં નોકરી છોડી જવાનું પ્રમાણે 8 ટકાથી માંડીને 35 ટકા જેટલું છે. અન્ય કર્માચારીઓમાં પણ નોકરી ચોડી જવાનું વલણ 14થી 18 ટકા જેટલું ઊંચું છે. ગુજરાતની ખાનગી કે કોર્પોરેટ હોસ્પિટલ્સાં પણ તની ટકાવારી 6 ટકા જેટલી ઊંચી છે. અમદાવાદની મોટી હોસ્પિટલ્સમાં પણ આ ટકાવારી ચારથી છ ટકા જેટલી છે. આ સમસ્યાના મૂળમાં પગારમાં જોવા મળતો મોટો ગાળો (Pay gap) તથા સલામતીને (Safty)લગતા પ્રશ્નો પણ છે. વાસ્તવમાં હેલ્થ સર્વિસિસના એમ્પ્લોયી રિટેન્શન રેટની વાત કરીએ તો કોઈ પણ સંસ્થા માટે એક કર્મચારીને બદલવાનું કામ ખરેખર ખર્ચાળ સાબિત થઈ શકે છે. આ ખર્ચ છૂટા પડેલા કર્મચારીના વાર્ષિક વેતનના 30 ટકા થી 200 ટકા જેટલું હોઈ શકે છે.
ભારતમાં હેલ્થકેર સેક્ટરમાંથી દર વર્ષે 14થી 18 ટકા લોકો નોકરી છોડીને જતાં રહે છે. હેલ્થકેર સેક્ટરમાં જાહેર અને ખાનગી હોસ્પિટલ્સ, ક્લિનિક્સ, નર્સિંગ હોમ, હોમ હેલ્થ એજન્સીઓ, ફાર્મા કંપનીઓ અને મેડિટેક કંપનીઓ, રિસર્ચ સંસ્થાઓ, ચિકીત્સા કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, ફાર્મા કંપનીઓ, મેડિકલ ટેક્નોલોજી સાથે સંકળાયેલીસંસ્થાઓ, સંશોધન કરનારાઓનો સમાવેશ થાય છે. એક તરફ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સહુને પરવડે તેવા ખર્ચે પ્રાથમિક અને આરોગ્ય સારવાર મળવી જરૂરી છે ત્યારે આ સેક્ટરને છોડી જનારાઓની ટકાવારી ખાસ્સી ઊંચી છે.
નોકરી છોડીને ચાલ્યા જવા પાછળના આ રહ્યા કારણો. આરોગ્ય સેવા પૂરી પાડતા સેક્ટર સાથે સંકળાયેલા કર્મચારીઓને વર્કપ્લેસ-નોકરીના સ્થળે શારિરીક અને શાબ્દિક હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમને નોકરીએ રાખનારાઓ તેમની મારઝૂડ કરવા ઉપરાંત તેમને ભયંકર કે ન સાંભળી શકાય તેવી ગાળો ભાંડી રહ્યા છે. બીજું, આરોગ્ય ક્ષેત્રમાં નોકરી કરવાથી ચેપ લાગીને બીમાર પડી જવાનું જોખમ પણ રહેલુ જ છે. ત્રીજું, તેમણે સતત માનસિક તાણ હેઠળ કામ કરવું પડતું હોવાથી ભયંકર થાક લાગે છે. તેમના કામકાજની શિફ્ટ ગમે ત્યારે લંબાઈ જતી હોવાનું જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં તો 36 કલાકથી વધુ સયમ સુધી ઘરે જઈ શકાતું નથી.
ચોથું ઇન્જેક્શન માટેની સોયને કારણે ઘણીવાર ઇજા થઈ જવાનો ખતરો રહેલો છે. તેમને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની તાલીમ પણ પૂરતી અપાતી નથી. તેથી કોઈ ઉપકરણથી ઇજા થાય તો તેમને ચેપ લાગી જવાનો ખતરો રહેલો છે. કોરોના કાળમાં દરદીઓની સારવાર કરતાં એક જ નવા ડૉક્ટરને ત્રણ ત્રણવાર ચેપ લાગ્યો હોવાનો કિસ્સો એસવીપી હોસ્પિટલમાં બનેલો છે. ખાનગી હોસ્પિટલ્સની આ પ્રકારની ઘટનાઓ બની હોય તો પણ તે જોઈએ તેટલા પ્રમાણમાં બહાર આવી નથી.
આરોગ્ય સંભાળ લેતા સ્ટાફની સલામતી માટેની વ્યવસ્થા ઓછી છે. તેમના જ સ્ટાફના અન્ય કર્મચારીઓની દાદાગીરીનો શિકાર બનવું પડે છે. રાત્રિ પાળીમાં કામ કરવું પડે તો તેવા સંજોગોમાં તેમના રહેવાની કે સૂવાની સલામત વ્યવસ્થાનો અભાવ પણ નોકરી છોડી જવા માટેનું કારણ પૂરું પાડે છે. દરદીઓ દ્વારા તેમના પર હુમલા કરવાની ઘટનાઓ પણ બને જ છે. તેમાંય ખાસ કરીને જાહેર હોસ્પિટલમાં મેટલ ડિટેક્ટર, એલાર્મની કે પછી સિક્યોરિટી ઓફિસરોની પૂરતી વ્યવસ્થા ન હોવાથી પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. આરોગ્ય સેવા સાથે સંકળાયેલા સ્ટાફની વિગતો પણ જોઈએ તેટલી બહાર આવતી નથી. તેમને ડ્યૂટી માટે આપવામાં આવતા રૂમ પણ તેમના કામને છાજે તેવા હોતા નથી. તેથી તેમની સલામતી જોખમાઈ રહી છે. આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓને માનસિક તાણ વચ્ચે રહેવું પડતું હોવાથી ડિપ્રેશન-હતાશાનો શિકાર બને છે. તેમને નિયમિત ઊંઘ ન મળતી હોવાથી તેની પણ સમસ્યા ઊભી થાય છે. તેમ જ ગંભીર કે અતિગંભીર કેસની પણ તેમના પોતાના માનસ પર અસર પડે છે. મોડી રાત્રે ઘરે જવાનું આવે તો તેવા સંજોગોમાં તેમને સલામત ઘરે પહોંચાડવાની વ્યવસ્થા પણ ઘણી હોસ્પિટલ્સમાં હોતી નથી.
આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા કર્મચારીઓની સલામતી માટેના કાયદા અપૂરતા છે. તેથી સારી ક્વોલિટીની સારવાર પણ આપી શકાતી ન હોવાના કિસ્સાઓ બને છે. કારણ કે તેમનું નૈતિક મનોબળ તૂટી જાય છે. તેથી વારંવાર રજા પાડવાનું , નોકરી પર ગેરહાજર રહેવાનું અને સમય કરતાં વહેલા નિવૃત્ત થઈ જવાના કિસ્સાઓ વધારે બને છે. આ તમામ સમસ્યાઓનો ઉકેલ ન લાવવામાં આવે ત્યાં સુધી આરોગ્ય સંભાળ સેવાની ગુણવત્તામાં સુધારો થવાની સંભાવના મર્યાદિત છે.
હેલ્થકેર કર્મચારીને કોઈ બીમારી લાગે અથવા તો પછી તેને કામકાજના સ્થળે ઇજાગ્રસ્ત થાય ત્યારે માત્ર પ્રોડક્ટિવિટી ગુમાવવી પડે છે એટલું જ નહિ, તેને પરિણામે કરવાના થતાં વધારાના ખર્ચ અને પેશન્ટની કાળજી રાખવામાં દેખાતી બિનકાર્યક્ષમતા સંસ્થાની નાણાંકીય સ્થિતિ અને નફાકારકતાને ફટકો મારે છે. તેથી જ હેલ્થકેર સંસ્થાઓએ બ્રાન્ડ રેપ્યુટેશન, ટેલેન્ટ રિટેન્શન અને દર્દીઓનો વિશ્વાસ જાળવવાનો પ્રાથમિકતા આપવી જોઈએ. ભારતે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ (OSH) કોડ, 2020 અમલમાં મૂક્યો છે, જે હેલ્થકેર વર્કર્સને પણ લાગુ પડે છે. બીજા મહત્વના કાયદાઓમાં ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ્સ એક્ટ, 2010; ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1956; અને આરોગ્ય મંત્રાલય તથા ICMRની સેફ્ટી પ્રોટોકોલ અને તાલીમ સંબંધિત માર્ગદર્શિકા સામેલ છે. છતાંય, આ કાયદાઓનું સતત અમલીકરણ અને હેલ્થકેર પ્રોફેશનલ્સનું સંરક્ષણ હજીય પડકારરૂપ છે.
અમદાવાદઃ ભારતનું હેલ્થકેર ક્ષેત્રમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. આરોગ્યના ક્ષેત્રની પહોંચનુ ફલક વિસ્તરી રહ્યું છે. અદ્યતન ટેકનોલોજીને સ્વીકારવામાં આવી રહી છે. આરોગ્યના ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધી રહી હોવાથી બજારમાં દર્દી-કેન્દ્રિત(patient centric care) કાળજી લેવાનો મહત્તમ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દરદીઓની સારામાં સારી સંભાળ લેવી જ આજકાલ સૌથી મહત્વની બની ચૂકી છે. તેને આધારે જ પેશન્ટ્સ-દરદીઓને આકર્ષવાની સ્પર્ધા કરવામાં આવી રહી છે.
છતાં આજે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા ઘણા કર્મચારીઓની હાલત ખરાબ છે. આ આરોગ્ય સેવાના સેક્ટર માટે એક વ્યૂહાત્મક જોખમ પણ બની શકે છે. આ જોખમને ઓછું કરવા માટે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાના બોર્ડના સભ્યોએ ફોકસ કરવું જરૂરી અને અનિવાર્ય બની ગયું છે. આ બાબતની લાંબા સમય સુધી તેને અવગણના કરવામાં આવે તો તે સંસ્થાની નફાકારકતા, ટેલેન્ટ પાઈપલાઇન અને બ્રાન્ડ મૂલ્યને ખોરવી શકે છે.
આ સમસ્યાને ઉકેલવા માટે હોસ્પિટલ્સના બોર્ડ, ચિકીત્સા કેન્દ્રના મેનેજમેન્ટે તેમની વહીવટી વ્યવસ્થાને વધુ ચુસ્ત અને જરૂરિયાત પ્રમાણેની બનાવવી જોઈએ. અત્યારે તેઓ માત્ર ને માત્ર દર્દીઓને મળતા સંતોષના ડેટા મેળવીને પોતાના પરફોર્મન્સને મૂલવી રહ્યા છે. હોસ્પિટલ્સ કે ચિકીત્સા કેન્દ્રના સ્ટાફની હાલત અંગે જરાય વિચાર કરતાં નથી. નર્સ કે પછી અન્ય ફ્રન્ટલાઇન સ્ટાફને સુરક્ષિત, મૂલ્યવાન અને સહાય પ્રાપ્ત થવાની અનુભવ થાય તો તેઓ નોકરીના કામ વધુ ઇન્વોલ્વમેન્ટ સાથે કરી શકે છે. તેમની નોકરી છોડી જવાની શક્યતા ઓછી રહે છે. તેમ થાય તો સ્ટાફના સભ્ય સતત, ઉચ્ચ-ગુણવત્તાવાળી દરદીઓની કાળજી રાખવા વધુ સક્ષમ બને છે. પરિણામે દર્દીઓનો વિશ્વાસ વધે છે. તેની સીધી અસર હોસ્પિટલ કે ચિકીત્સા ને સારવાર કેન્દ્રની પ્રતિષ્ઠા અને આવક પર જોવા મળે છે. તેથી જ વર્કફોર્સ સેફ્ટીના મુદ્દે ર્ડરૂમની ચર્ચાઓમાં સામેલ કરવો અનિવાર્ય છે. દરદીઓને સાજા કરનારાઓને પણ પૂરતું સંરક્ષણ મળે તે સંસ્થાના બોર્ડની એક નૈતિક ફરજ છે. હેલ્થકેર વર્કર સેફ્ટીને લાંબા ગાળાની સંસ્થાગત સફળતાનો આધારસ્તંભ બનાવવા માટે નિર્ણાયક પગલું લેવું જોઈએ.



