નેનો ખાતરોને કાયમી મંજૂરી આપતા પહેલા તેના લેબ ટેસ્ટના પરિણામોની કૃષિ મંત્રાલય ચકાસણી કરશે

નેનો ખાતરોના કૃષિ ઉપજના ઉત્પાદન પર પડતી અસર અંગે વિરોધાભાસી અહેવાલો આવતા નવેસરથી કવાયત હાથ ધરવાનું પણ આયોજન
મદાવાદઃ ભારત સરકારે નેનો ખાતરોને કાયમી મંજૂરી આપવાનું આયોજન કર્યું છે. જોકે કેન્દ્ર સરકારનું કૃષિ મંત્રાલય ઈચ્છે છે કે કાયમી મંજૂરી આપતાં પહેલાં પરીક્ષણના તમામ પરિણામોની વિગતોનું નિષ્ણાતો મૂલ્યાંકન કરી લે તે અત્યંત જરૂરી છે. અત્યારે નેનો ખાતરોને ત્રણ વર્ષ માટે જ મંજૂરી આપવામાં આવે છે. તેને બદલે હવે મંજૂરીના સમયગાળાને બદલીને કાયમી મંજૂરી આપી દેવાની યોજના તૈયાર કરી રહી છે.
નવી દિલ્હીમાં યોજાયેલી ફર્ટિલાઈઝર એસોસિએશન ઓફ ઈંડિયા (FAI)ના વાર્ષિક પરિસંવાદને સંબોધતા કરતાં કૃષિ સચિવ દેવેશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે નેનો ખાતર નવી ટેકનોલોજી હોવાથી થોડો વિરોધ આવે કે તેનો વપરાશ કરવામાં ખેડૂતો સંકોચ અનુભવે એ સ્વાભાવિક છે. જોકે આ નેનો ખાતર પાકના ઉત્પાદન અને જમીન માટે લાભદાયક હોવાથી વધુ ને વધુ ખેડૂતો તેને સ્વીકારતા થશે. કંપનીઓને તેમણે કરેલા નેનો ખાતરના પરીક્ષણોની વિગતો સરકારમાં સબમિટ કરવાની સૂચના કૃષિમંત્રાલયે આપી દીધી છે. પરિણામે મંજૂરી કાયમી બની શકે અને તેમને દર ત્રણ વર્ષે ફરીથી અરજી કરવાની જરૂર રહેશે નહિ.
નેનો ખાતર બનાવતી ઇફ્કો (IFFCO)નું નાનો-યુરિયા પહેલેથી જ નેનો ખાતર બનાવવા માટેની મંજૂરી ત્રણ ત્રણ વર્ષ માટે જ રિન્યુ કરી આપવામાં આવે છે. ઇફકો સિવાયની કંપનીઓએ નેનો ખાતરનું ઉત્પાદન કરવા માટેની મંજૂરી આગામી જૂન 2026માં મેળવી લેવાની આવશે. અલબત્ત દેવેશ ચતુર્વેદીએ ખાતર ઉદ્યોગને સીધી ચેતવણી આપતા જણાવ્યું છે કે કંપનીઓએ નેનો ખાતરો અથવા બાયો-સ્ટિમ્યુલન્ટ્સ જેવા અન્ય ઉત્પાદનોને સબસિડાઈઝ્ડ ખાતરો સાથે ટેગ કરવાનું એટલે કે જોડવાનું બંધ કરી દેવું જોઈએ. ટેગિંગને પરિણામે બિનજરૂરી ફરીયાદો ઊભી થાય છે. નેનો-ખાતર ઉપયોગી છે પરંતુ જ્યારે તેનો વપરાશ કરવાનું ખેડૂતો પર જબરજસ્તી લાદવામાં આવે ત્યારે નકારાત્મકતા ઉભી થાય છે. હા, તેને માટે તમામ કંપનીઓ ખેડૂતોને શિક્ષિત કરવાનો પ્રયાસ કરવા જણાવવામાં આવ્યું છે. સરકાર પણ ક્ષેત્રમાં કંપનીઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરશે. આ રીતે ખેડૂતોને નેનો ખાતરનો ઉપયોગ કરવા તરફ દોરી જવાનો ઇરાદો છે.
ઇફ્કોના મેનેજિંગ ડિરેક્ટર કે.જે. પટેલે જણાવ્યું હતું કે નેનો ખાતર બનાવતી કંપનીઓના અધિકારીઓને પહેલેથી જ કોઈપણ ઉત્પાદનને સબસિડાઈઝ્ડ ખાતરો સાથે ટેગ ન કરવાની સૂચના આપી દેવામાં આવેલી છે. રિટેઈલ સેલ પોઇન્ટ્સ પર સબસિડાઈઝ્ડ સાથે નોન-સબસિડાઈઝ્ડ કૃષિ ઉત્પાદનો પણ વેચાય છે. પરિણઆમે ક્યારેક રિટેલરની વિનંતિને જબરજસ્તી વેચાણ તરીકે ખોટી રીતે દર્શાવવામાં આવે છે. ઘણી વખત કંપનીઓ પહેલા હોલસેલરો પર દબાણ કરે છે, પછી હોલસેલરો રિટેલરો પર અને પછી રિટેલરો ખેડૂતો પર દબાણ કરે છે.
તેમણે કહ્યું કે જ્યારે કોઈ નવું ઉત્પાદન પડકારોનો સામનો કરે ત્યારે કંપનીઓએ કારણોનું વિશ્લેષણ કરવું જોઈએ, કારણકે ટેગિંગને કારણે ખેડૂતોમાં હંમેશાં થોડી અવઢવમાં જ રહે છે. કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીએ 9 ડિસેમ્બરે સંસદને જણાવ્યું હતું કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)નું પાંચ વર્ષનું નેટવર્ક પ્રોજેક્ટ ભારતના વિવિધ કૃષિ-પર્યાવરણીય ઝોનમાં નેનો-યુરિયાની પાકની ઉત્પાદકતા પર પડતી અસર અને નાઇટ્રોજનના ઉપયોગથી વધતા ઉત્પાદનની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. તેને મૂળભૂત હેતુ નેનો-યુરિયાના જમીનમાંના પોષક તત્ત્વો, પાક ઉપજ અને ગુણવત્તા પર લાંબાગાળાના પ્રભાવનું મૂલ્યાંકન કરવાનો છે.
ICAR દેશભરમાં હજારો સ્થળોએ નેનો-ખાતરની અસરકારકતાનું પરીક્ષણ કરવા માટે રૂ. 15 કરોડના ખર્ચે સ્વતંત્ર મૂલ્યાંકન કરી રહ્યું છે. આ પ્રોજેક્ટને ઉત્પાદક કંપનીઓ તરફથી ફંડ મળી જાય તો મૂલ્યાંકન કેટલું નિષ્પક્ષ રહેશે તે એક સવાલ છે. છતાં આ અભ્યાસ કરવો જરૂરી બન્યો છે. કારણ કે દેશની વિવિધ સંશોધન સંસ્થાઓ અને રાજ્ય યુનિવર્સિટીઓએ મિશ્ર પરિણામો જાહેર કર્યા છે. પંજાબ કૃષિ યુનિવર્સિટી, ઇંદિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલય (રાયપુર), અને વિવેકાનંદ પર્વતીય કૃષિ સંશોધન સંસ્થા (અલમોરા) દ્વારા કરવામાં આવેલા અલગ-અલગ સંશોધનોએ બતાવ્યું કે નેનો-યુરિયાના ઉપયોગની દાણા ઉપજ અને ગુણવત્તા પર નકારાત્મક અસર થઈ રહી છે. તેનાથી વિપરીત અવલોકનો પણ સંશોધકો તરફથી મળી રહ્યા છે. હૈદરાબાદ, કર્નાલ, બૅંગલુરુ અને કલ્યાણી ખાતે થયેલા કૃષિ પરીક્ષણોએ જણાવ્યું કે નેનો-યુરિયાના બે ફોલિયર સ્પ્રે પછી અનાજ અને તેલીબિયાના પાકમાં બીજોની ઉપજમાં 5થી 15 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે.


