આવકવેરાના રિટર્નમાં બોગસ ડોનેશન ક્લેઈમ કરનારાઓ સીબીડીટીના રડારમાં

ડોનેશનનો બોગસ ક્લેઈમ કર્યો હોય તો રિટર્ન સુધારી લેવાની ચેતવણી કરદાતાઓને આપી દેવામાં આવી
ડોનેશનના ક્લેઈમ કરનારા કરદાતાઓની સ્ક્રૂટિની કરીને પૂછપરછ કરવામાં આવશે
આવકવેરો બચાવવા માટે આવકવેરાના રિટર્નમાં ડોનેશનના ક્લેઈમ કરનારાઓના રિટર્નને રડાર હેઠળ મૂકવાનો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે નિર્ણય કર્યો છે. કરદાતાઓને એસએમએસ અને ઈ-મેઈલ મોકલીને ચેતવણી આપવા માંડી છે અને ડોનેશનને લગતા પુરાવાઓ માગવામાં આવી રહ્યા છે. તેમ જ ડોનેશનનો બોગસ ક્લેઈમ કર્યો હોય તો તે ક્લેઈમ પાછો ખેંચી લેવા રિટર્નમાં સુધારો કરી દેવાની સૂચના આપી છે.
ડોનેશનના ક્લેઈમ કરનારા કરદાતાઓની સ્ક્રૂટિની કરીને પૂછપરછ કરવામાં આવશે. તેમના રિટર્નના પ્રોસેસિંગમાં વિલંબ થશે. કારણ કે તેમના રિટર્નની બહુ જ બારીકાઈ પૂર્વક ચકાસણી કરવામાં આવશે. પરિણામે રિફંડ મળવામાં પણ વિલંબ થશે તેવી જાણકારી આપી દેવામાં આવી છે.
આ સાથે જ બોગસ ડોનેશન બતાવીને આવકમાંથી ડિડક્શન કે પછી આવક બાદ મેળવી લેનારા પોતાની રીતે જ તેમના રિટર્નમાં સુધારો કરી લે તેવું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ ઇચ્છી રહ્યું છે. તેમ કરવામાં નિષ્ફળ જશે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
આ હેતુ સાથે જ આવકવેરા વિભાગે તાજેતરના ભૂતકાળમાં રિટર્ન ફાઈલ કરવામાં મદદ કરનારાઓ અને તેમાંય ખાસ કરીને કરદાતાઓને બોગસ ક્લેઈમ કરવા માટે સમજાવી લેતા એજન્ટ્સ સામે પણ પગલાં લીધા છે. રિટર્ન ફાઈલ કરવામાં કરદાતાઓ મદદ કરનારાઓ દેશભરમાં ફેલાયેલા એજન્ટ્સના નેટવર્ક મારફતે કામ કરતાં હોવાનું જોવા મળ્યું છે. તેઓ કરદાતાઓને ખોટી માહિતી સાથેના રિટર્ન ફાઈલ કરવામાં મદદ કરે છે. આવકવેરાની જુદી જુદી કલમો હેઠળ જુદી જુદી રકમ આવકમાંથી બાદ મેળવવા માટે લલચાવીને આવકવેરાનું રિટર્ન ફાઈલ કરાવે છે. આ રીતે આવકવેરાની જે રકમ બચાવી આપવામાં આવે છે તેના પર કમિશન પણ લઈ લે છે, એમ સીબીડીટીની 13મી ડિસેમ્બરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
માન્યતા ન ધરાવતા રાજકીય પક્ષોને ડોનેશન આપીને તેમણે આવકમાંથી તે રકમ બાદ મેળવી છે. આ જ રીતે કેટલાક ચેરિટેબલ ટ્રસ્ટમાં દાન આપ્યું હોવાનું બતાવીને આવકવેરા ધારાની કલમ 80-જી અને કલમ 80જીજીસી હેઠળ તે રકમ બાદ મેળવી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. રાજકીય પક્ષો માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતા હોવાનું અને રાજકીય મોરચે તેમની કોઈ જ પ્રવૃત્તિ ન ચાલતી હોવાનું આવકવેરા ખાતાને જોવા મળ્યું છે. તેમની ઓફિસ પણ તેમણે દર્શાવેલા સરનામા પર ન હોવાનું જોવા મળ્યું છે. તેઓ માત્ર ને માત્ર ડોનેશનની રિસિપ્ટ જ બનાવી આપતા હોવાનું જોવા મળ્યું છે.
આવકવેરા અધિકારીઓ ડોનેશન લેનારા કેટલાક ચેરિટેબલ ટ્રસ્ટોની મુલાકાત પણ લીધી છે. તેમના માધ્યમથી ઘણી કંપનીઓએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીને લગતા કેટલાક દસ્તાવેજો પણ બારોબાર મેળવ્યા હોવાનું સીબીડીટીના ધ્યાનમાં આવ્યું છે. આ કૌભાંડના જૂન 2025માં દરોડા પાડીને સબીડીટીએ પર્દાફાશ કર્યો છે. આ જ રીતે આવકવેરા ધારાની કલમ 80-સી હેઠળ બોગસ ભાડાં રિસિપ્ટ રજૂ કરીને આવકમાંથી ખર્ચ તરીકે બાદ મેળવનારાઓને પણ સીબીડીટીએ ચેતવણી આપી છે. તેમણે વાસ્વતમાં ભાડું ચૂકવ્યા વિના જ રિસિપ્ટ જ રજૂ કરી દીધી હોવાનું આવકવેરા કચેરીના ધ્યાનમાં આવ્યું છે. તેથી આ કામગીરી કરવામાં સપોર્ટ કે ટેકો આપનારા કન્સલ્ટન્ટ અને ઇન્ટમિડિયરીઝ સામે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ ગરબડ કરનારા કરદાતાઓને ઝડપી લેવા માટે આવકવેરા કચેરીએ ડેટા એનાલિટિક્સની મદદથી જોખમીની કેટેગરીમાં આવતા કરદાતાઓ સુધી પહોંચી જવાની કવાયત ચાલુ કરી દેવામાં આવી છે. આ સિસ્ટમમાં કરદાતાઓની એક મોટી યાદી પણ તેમણે તૈયાર કરી દીધી છે. તેમાં ભાડું મેળવનાર સાચા ન હોવાનું બહાર આવ્યું છે. ખોટું ભાડું ક્લેઈમ કરનારા કરદાતાઓની સંખ્યા પણ મોટી હોવાનું સીબીડીટીના ધ્યાનમાં આવ્યું છે. પતિએ પત્નીના નામે કે દિયરે ભાભીના નામે ભાડાં ચિઠ્ઠી બનાવીને આવકવેરો બચાવવાની કોશિશ કરી હોવાનું ધ્યાનમાં આવી ગયું છે. આવકવેરા ખાતાની ચેતવણી પછી ઘણાં કરદાતાઓએ તેમના રિટર્નમાં સુધારો કરવાની શરૂઆત કરી દીધી હોવાનું જોવા મળી રહ્યું છે. બારમી ડિસેમ્બરથી તેમને એસએમએસ મોકલવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે.



