જિનેટીકલી મોડિફાઈડ બિયારણથી જ પાક લેવા ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દબાણ સામે ન ઝૂકવાનો ભારત સરકારનો નિર્ધાર

- આરોગ્ય, પર્યાવરણ અને ખાદ્ય સુરક્ષા મુદ્દે ચિંતાઓને કારણે જીએમ પાક ભારત માટે જોખમી બની રહ્યા છે.
ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના ઉચ્ચસ્તરીય વેપાર પ્રતિનિધિમંડળે ભારત પર દ્વિપક્ષીય વેપાર કરારની વાટાઘાટોના ભાગરૂપે અમેરિકન સોયાબીન અને મકાઈને બજાર પ્રવેશ મંજૂરી આપવા દબાણ કર્યું હતું. પરંતુ સોયાબિન અને મકાઈના પાક જનેટિકલી મોડિફાઇડ (GM) હોવાથી ભારત તે અંગે ચિંતિત છે. વાસ્તવમાં અમેરિકાના આ દબાણની પાછળ અમેરિકામાં ઊભી થયેલી ગંભીર ખેતી સંકટની પરિસ્થિતિ જવાબદાર છે. બીજીતરફ ભારતમાં ભરચક ગોડાઉનો જોવા મળી રહ્યા છે.
અમેરિકાના ઉત્પાદકોને રેકોર્ડ ઉત્પાદન, ચીન સાથેના વેપાર સંબંધોમાં તણાવને કારણે વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી ઊથલપાથલ અને બ્રાઝિલ જેવા દેશોની સ્પર્ધાનો ભારતે સામનો કરવો પડી રહ્યો છે. તેની સામે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન ભારતને એક મોટું અને મહત્વપૂર્ણ વિકલ્પ બજાર તરીકે જોઈ રહ્યું છે, તેથી જ અમેરિકાના વાટાઘાટકારો મકાઈ અને સોયાબીન સહિતના કૃષિ ઉત્પાદનો માટે ભારતના બજારમાં અમેરિકાનું વર્ચસ્વ વધે તે માટે અમેરિકા દબાણ વધારી રહ્યું છે.
ભારત સરકાર એવી દલીલ કરી રહી છે કે ભારત માટે અમેરિકા પાસેથી સોયાબીન અને મકાઈ આયાત કરવી શક્ય નથી, કારણ કે ભારતમાં જિનેટિકલી મોડિફાઈડ પાક લેવા પર પ્રતિબંધ છે. તેની સામે અમેરિકામાં નોન-જીએમ સોયાબીન અને મકાઈ કુલ ઉત્પાદનનો બહુ જ નાનો હિસ્સો છે. બીજું, અમેરિકામાં જિનિટિકલી મોડિફાઈડ પાક અને જિનિટિકલી મોડિફાઈડ ન કરાયા હોય તેવા પાકને અલગ અલગ પણ રાખવામાં આવતા નથી. તેથી ભારત સરકાર અમેરિકાની સરકારની જિનેટિકલી મોડિફાઈડ પાક લેવાની માગણીને સ્વીકારી શકે તેમ જ નથી. કારણ કે તેની આયાત કરવી ભારતભરની ખેતી માટે જોખમી બની શકે છે.
અમેરિકાના નાયબ ટ્રેડ રિપ્રેઝન્ટેટીવ(USTR) રિક સ્વિટ્ઝરના નેતૃત્વમાં અમેરિકાના મુખ્ય વાટાઘાટકાર બ્રેન્ડન લિન્ચ પણ સામેલ હતા, આ પ્રતિનિધિમંડળ ગયા અઠવાડિયે નવી દિલ્હી આવ્યું હતું. તેમણે ભારતના વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ અને ભારતના મુખ્ય વાટાઘાટકાર દર્પણ જૈન સાથે સોયા, મકાઈ, માંસ અને સંબંધિત ઉત્પાદનો સહિતના મુશ્કેલ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો દિલ્હીમાં ચાલી રહી હતી તે દરમિયાન ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. જોકે બંને પક્ષ તરફથી આવેલા નિવેદન અને પોસ્ટ્સમાં કોઈ પણ પ્રકારની વેપાર સમજૂતીના સંકેત મળ્યા નથી. ટ્રમ્પ પ્રશાસને આ વર્ષે ઓગસ્ટમાં ભારત પર કુલ 50 ટકા વધારાના શુલ્ક લાદવાનો નિર્ણય લીધો હતો. તેમાં વેપાર કરાર ન હોવાના કારણે 25 ટકા પ્રતિશોધક શુલ્ક અને રશિયન તેલ ખરીદવા બદલ 25 ટકા દંડ શામેલ છે. આ શુલ્કોથી કપડાં, ચામડાના ઉત્પાદનો, એન્જિનિયરિંગ સામગ્રી અને રત્ન-આભૂષણ જેવા શ્રમઆધારિત ક્ષેત્રોની નિકાસને નુકસાન થયું છે.
વિત્ત વર્ષ 2024-25માં ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપારનું મૂલ્ય 131.84 અબજ ડોલર હતું અને ભારતની નિકાસ 86.5 અબજ ડોલર રહી હતી, જેના કારણે અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર અને નિકાસ બજાર બન્યું છે. અમેરિકન શુલ્કોમાં રાહત મેળવવા માટે ભારતે ઓક્ટોબરમાં ભારત-અમેરિકા વેપાર કરારના પ્રથમ તબક્કાને અંતિમ રૂપ આપવા કૃષિ સહિત અનેક ઉત્પાદનોમાં વધારાની બજાર પ્રવેશ સુવિધા ઓફર કરી હતી. પરંતુ સોયા અને મકાઈ માટે બજાર પ્રવેશની માગને કારણે અમેરિકા હજુ સુધી આ સોદો સ્વીકાર્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભારતની જીએમ પાક નીતિ અત્યંત કડક છે. છેલ્લા બે દાયકાથી વ્યાવસાયિક ખેતી માટે માત્ર બીટી કપાસને જ મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય અને સુરક્ષા, પર્યાવરણને થતી અસર (જીન ફ્લો, સુપરવીડ્સ, જૈવવિવિધતા પર અસર, મધમાખી જેવા પરાગસંચારક જીવ પર અસર), સામાજિક-આર્થિક મુદ્દાઓ તથા નિયમન સંબંધિત ખામીઓ અંગે ગંભીર ચિંતાઓ છે.
GMO પાકો શું છે?
ભારતમાં અત્યાર સુધી માત્ર Bt કપાસ જ વ્યાવસાયિક રીતે ઉગાડવા માટે મંજૂરી મેળવનારો GMO પાક છે. બી.ટી. કોટનની 2002 થી નિયંત્રણ હેઠળ ખેતી ચાલુ છે. જોકે અન્ય GMO પાક એટલે કે સોયા, મકાઈ, રિંગણ-બ્રીન્જલ, રાયડો-મસ્ટર્ડનો ગુજરાત અને ભારતમાં અમેરિકાના જિનિટિકલી મોડિફાઈડ બિયારણથી પાક લેવાતા નથી. Bt કપાસનો ઉપયોગ કરવામાં આવતા શરૂઆતમાં પાકનું ઉત્પાદન (પ્રોડક્શન) વધ્યું અને ખેડૂતોને મળતા પાકમાં બોલવર્મની સમસ્યામાં રાહત જોવા મળી હતી. પરિણામે શરૂઆતમાં Bt કપાસના કારણે જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ ઘટ્યો હતો. તેથી પ્રારંભિક વર્ષોમાં Bt કપાસ ગ્રાહકોને વધારે પાક મળતાં ખેડૂતોના ખર્ચમાં ઘટાડો અને નફામાં વધારો થયો હતો. 2002થી 2014ના ગાળામાં આ લાભ જોવા મળ્યો હતો.
ત્યારબાદ ઉત્પાદનમાં 20થી 22 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 2013–14ની સાલમાં ભારતીય કપાસની હેક્ટરદીઠ ઉપજ લગભગ 566 કિલો હતી તે 2023–24 માં ઘટીને લગભગ 436 થઈ ગઈ છે. બીટી કોટનમાં થતી જીવાતોમાં જંતુનાશક દવાઓનો પ્રતિકાર કરવાની ક્ષમતા આવી જતાં આ ઘટાડો જોવા મળ્યો હતો. આમ ઘણા GMO પાકો શરૂમાં લાભ આપતા હોવાનું જણાય છે. પરંતુ લાંબાગાળે ઉપજમાં ઘટાડો થઇ રહ્યો છે. ગુજરાત અને ભારતમાં બીટી કોટનની ખેતીમાં જંતુંનાશકોનો ઉપયોગ પણ વધી ગયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા સરવેમાં પણ જોવા મળ્યુ છે કે જિનેટિકલી મોડિફાઈલ સીડ્સ-બિયારણથી લેવામાં આવતા પાકની બીટી ટેક્નોલોજીમાં ઉત્પાદન ઘટાડો આવે છે અને જંતુંનાશક દવાઓનો વપરાશ વધે છે.



