• 17 December, 2025 - 12:29 AM

પરણિત દંપતિઓમાં કૃત્રિમ ગર્ભાધાનઃ કૂદકે ને ભૂસકે વધી રહેલો બેબી મેકિંગનો બિઝનેસ

આઈવીએફ-ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશનનો બિઝનેસ વાર્ષિક 15થી 20 ટકાનાદરે વધી રહ્યો છે, આઈવીએફનું માર્કટે 2024માં $1.4 અબજનું હતું તે 2034 સુધીમાં વધીને $4.9 અબજને વળોટી જાય તેવી સંભાવના

વીમાનું પૂરતું કવચ ન હોવા છતાં ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશનનો બિઝનેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. એક અંદાજ મુજબ આજે ભારતમાં આઈવીએફની સારવાર આપતી અંદાજે 2,600થી વધુ ક્લિનિકો સક્રિય છે. આ ક્લિનિકો પરણિત દંપતિઓને ગર્ભધારણ કરવામાં મદદરૂબ બને છે. આઈવીએફની દરેક સાઈકલ સફળ જ જશે તેની ખાતરી ન હોવા છતાં તેની સારવાર લેનારી સ્ત્રીઓ તથા પુરુષોની સંખ્યા વધી રહી છે.  IVF-ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશન તરીકે ઓળખાતી આ સારવારમાં ઘણું ખોટું પણ થઈ રહ્યું છે. પતિ-પત્ની બંનેના રિપોર્ટ નોર્મલ હોવા છતાં તેમને ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશનમાં લઈ જવામાં આવતા હોવાના કિસ્સાઓ બની રહ્યા છે. હા, તેમને ગર્ભાધાન થવામાં કેટલીક તકલીફો નડતી હોય તેવી શક્યતા રહેલી છે. આ પ્રકારના દંપતિઓ દરેક આઈવીએફ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે અને તે નિષ્ફળ જાય ત્યારે નવજાત શિશુ ગુમાવ્યું હોય તેવો કલ્પાંત પણ કરે છે. હા, લોકોની નજર સામે તેઓ રડી પણ શકતા નથી. આઈવીએફની શરૂઆત કર્યા પછી તેના વિકાસના વિડીયો જોઈને જાત જાતના સપનાંઓ તેઓ જુવે છે. પરંતુ આખરે હતાશા આવે ત્યારે સંતાન ગુમાવ્યું હોય તેવા શોકની ગર્તામાં ધકેલાઈ જાય છે.

તેજીના તોખારની જેમ આગળ વધી રહેલા આઈવીએફના બિઝનેસમાં આ પ્રકારની કરુણ પળો પણ હોવાનું જોવા મળે છે. તેથી જ નેશનલ ART એન્ડ સરોગસી રજિસ્ટ્રીએ આપેલા આંકડાંઓ મુજબ 13 ડિસેમ્બર 2025 સુધી ભારતમાં નોંધાયેલી 2,616 IVF ક્લિનિકો છે. તેમાં દસથી પણ ઓછા સરકારી કેન્દ્રો છે. આ સરકારી કેન્દ્રોમાં ઓછા ખર્ચે કે મફતમાં આઈવીએફની સારવાર મળે છે. ભારતના સૌથી ઓછા કુલ પ્રજનન દર-ટોટલ ફર્ટિલિટી રેટ ધરાવતા રાજ્યોમાંનું એક તામિલનાડુ છે. તામિલનાડુનો TFR 1.3 છે. આ ટીએફઆર રિપ્લેસમેન્ટ રેટ 2.1 કરતાં પણ ઓછો છે. તામિલનાડુમાં આઈવીએફની 669 ક્લિનિકો છે. ત્યારબાદ ગુજરાત (357) અને તેલંગાણામાં 276 આઈવીએફ ક્લિનિકો છે.

વાસ્તવમાં મોટા શહેરોમાં જ નહિ, પરંતુ ખાનગી IVF ચેઇન્સ નાના શહેરોમાં પણ બહુ જ ઝડપથી વિસ્તરી રહી છે. આઈવીએફ સેન્ટરો ઘણીવાર અત્યંત આકર્ષક વચનો સાથે માર્કેટિંગ કરે છે. તેમાં AI આધારિત એમ્બ્રિયો-સ્ત્રી બીજની પસંદગીના વાયદા, ઘરેથી IVF સાયકલ કરી આપવાની ખાતરી આપવામાં આવે છે. તેની સાથે સાથે જ સોય વિનાના ઇન્જેક્શન્સથી સમગ્ર પ્રક્રિયા કરી આપવાની ખાતરી આપવામાં આવે છે.

આમ દરદીની ઇચ્છા મુજબ આઈવીએફના ઢાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે મૂળ પ્રક્રિયા એ જ રહે છે. તેમાં ઓવરીઝ-સ્ત્રી બીજ જનરેટ કરતાં અંડાશયને ઉત્તેજિત કરવાની અને તેમાંથી સ્ત્રીબીજ-એગ કાઢવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તેમ જ સ્ત્રી બીજને લેબોરેટલીમાં જ ફર્ટિલાઇઝ કરવાની એટલે કે પતિના શુક્રાણુ સાથે મેળ કરાવીને તેને વિકસવા દેવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તદુપરાંત સ્ત્રીબીજને-એમ્બ્રિયો થોડા દિવસ સુધી વિકસવા દેવા અને પછી થોડાં એમ્બ્રિયો ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે.

આમ તબીબની સહાયથી પ્રજનન પદ્ધતિઓ વિશેની અજ્ઞાનતા અને સામાજિક કલંકને કારણે  ઘણા દંપતિઓ આઈવીએફની સારવાર લેવા માટે પણ મોડા પહોંચતા હોવાનું જોવા મળે છે. તેઓ વહેલા પહોંચે તો તેમને ફોલિક્યુલર સ્ટિમ્યુલેશન, જીવનશૈલીમાં ફેરફાર લાવીને ગર્ભાધાન કરાવવાની પદ્ધતિનો લાભ મળી શકતો નથી. તેમ જ IUI (ઇન્ટ્રાયૂટરિન ઇન્સેમિનેશન) જેવી સરળ પદ્ધતિઓ પહેલાં કામ આવી શકતી હોય છે. ફોલિક્યુલર ઇન્સેમિનેશનને જ ઘણીવાર આઈવીએફ ગણી લેવામાં આવે છે. વાસ્તવમાં આઈવીએફની કોઈ જ સ્ટાન્ડર્ડ પદ્ધતિ મોજૂદ નથી, જેને ફોલિક્યુલર ઇન્સેમિનેશન તરીકે ઓળખાવી શકાય. બહુધા ઇન્ટ્રા યુરિન ઇન્સેમિનેશનને જ મોટાભાગના ડૉક્ટર ફોલિક્યુલર ઇન્સેમિનેશન તરીકે ઓળખાવી દે છે.

ફોલિક્યુલર ઇન્સેમિનેશનમાં સ્ત્રીના અંડાશયને દવાનો હળવો ડોઝ આપીને ઉત્તેજિત કરવામાં આવે છે. આ તબક્કે અંડાશયમાંથી સ્ત્રી બીજની ચોક્કસ પ્રકારના પ્રવાહી ભરેલું સ્ત્રી બીજ છૂટું પડે છે. આ સ્ત્રી બીજી 18થી 22 એમએમનું થાય ત્યારે છૂટું પડે છે.  આ તબક્કે જ ગર્ભાશયમાં પતિના શુક્રાણુઓને ગર્ભાશયમાં ઇન્જેક્ટ કરી દેવામાં આવે છે. શુક્રાણુને ફોલિકલ એટલે કે સ્ત્રીબીજમાં સીધા ઇન્જેક્ટ કરવામાં આવતા નથી. તેથી તેને ફોલિક્યુલર ઇન્સેમિનેશન તરીકે ઓળખાવી શકાય નહિ. પરંતુ ઇન્ટ્રા યુરિન ઇન્સેમિનેશન તરીકે ઓળખાવી શકાય છે. છતાંય તેને ફોલિક્યુલર ઇન્સેમિનેશન તરીકે જ ઓળખાવવાનું વલણ ડૉક્ટર્સમાં જોવા મળે છે. તેનું બીજું એક કારણ એ છે કે ફોલિક્યુલર ઇન્સેમિનેશનને તબીબી માન્યતા મળેલી નથી. આમ ફોલિક્યુલર મોનિટરિંગ એટલ કે સ્ત્રીબીજની ગતિ પર દેખરેખ રાખીને ઇન્ટ્રા યુરિન ઇન્સેમિનેશન જ કરાવવામાં આવે છે.

આ સમગ્ર પ્રક્રિયા અત્યંત ખર્ચાળ છે. તેથી જ કુદરતી રીતે બાળક ન થતુ હોય તેઓ બાળક મેળવવાની આશામાંને આશામાં માનસિક તણાવની સાથે સાથે જ પ્રચંડ નાણાકીય દબાણ અનુભવવા માંડે છે. કારણ કે IVF-ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશનની એક સાયકલ માટે રૂ.1.5 થી રૂ. 3 લાખ સુધીનો ચાર્જ લેવાય છે. આઈવીએફમાં મોટા ભાગના દંપતિઓને બેથી ત્રણ સાયકલ તો કરાવવી જ પડે છે. તદુપરાંત દવાઓ, વધારાની પ્રક્રિયાઓના ખર્ચા અલગથી આવે છે. તેમ જ કોઇ દંપતિને અસામાન્ય સમસ્યા હોય તો ખર્ચમાં બીજા કેટલાંક લાખ ઉમેરાઈ જાય છે.

આરોગ્ય વીમો હોય તો પણ વીમા કંપનીઓ સાથે પણ તેમણે સંઘર્ષ કરવો પડે છે. વીમા કંપનીના દલાલો કહે છે કે IVF કરાવનાર લગભગ 90 ટકા દંપતિઓને આર્થિક રીતે તૂટી જાય તેટલો ખર્ચ બોજ વેંઢારવો પડે છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે અંદાજે 2 થી 2.5 લાખ IVF સાયકલ થાય છે. તેમાંથી અંદાજે માત્ર 5 ટકા પાસે જ કોઈ વીમા-ઇન્શ્યોરન્સ સપોર્ટ હોય છે. છતાંય IVF માર્કેટ દર વર્ષે 15થી 20 ટકાના દરે વધી રહ્યું છે. કારણ કે હવે ક્લિનિકો પોતાનાં અર્ધ-ઇન્શ્યોરન્સ જેવા પ્રોડક્ટ્સ વેચી રહી છે. તેનું એક ઉદાહરણ છે. યલ્લો IVF. યલ્લોમાં ₹2.1 લાખમાં બે IVF સાયકલ બુક કરાવનાર દંપતિને ખાતરી આપવામાં આવે છે કે જો બન્ને સાયકલ નિષ્ફળ જશે તો માત્ર રૂ. 50,000 ભરીને ત્રીજા સાયકલ કરવામાં આવશે. તેનો વાસ્તવિક ખર્ચ ભલે વધારે હોય તો પણ રૂ. 50,000માં ત્રીજી સાયકલ કરી આપવામાં આવશે. આ પ્રકારની ઓફર નાણાંકીય દ્રષ્ટિએ આકર્ષક લાગે છે, પરંતુ તે સંપૂર્ણપણે Assisted Reproductive Technology (Regulation) Act, 2021-ART એક્ટના કાર્યક્ષેત્રની બહારની છે.

દેશના જાણીતા આઈવીએફ સેન્ટર

જિંદલ IVF, બિરલા ફર્ટિલિટી એન્ડ IVF, ઈંદિરા IVF, Seeds of Innocens, Yellow IVF; મિલાન ફર્ટિલિટી એન્ડ બર્થિંગ હોસ્પિટલ, GyKnow મેડિકેર સેન્ટર; DSS Imagetechનું IVF વર્ટિકલ, Hanahealth (વિશિષ્ટ IVF/ART સેવાઓ અને પ્રોડક્ટ્સ)નો સમાવેશ થાય છે. તેમ જ  IntegriMedicalની સોય વગરની ઇન્જેક્શન સિસ્ટમ IVF સારવાર આપતા કેન્દ્રોનો પણ સમાવેસ થાય છે. કસ્ટમ્સ માર્કેટ ઇન્સાઈટ્સ રિપોર્ટ અનુસાર ભારતમાં IVF સેવાઓ બજાર 2024માં $1.4 અબજનું હતું, તે 2034 સુધીમાં વધીને $4.9 અબજને વળોટી જાય તેવી સંભાવના છે.

ગ્રામ્ય વિસ્તારો તરફ વિસ્તરણ

હવે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આઈવીએફની ડિમાન્ડ વધી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં આઈવીએફનું મોડલ સામાજિક કલંક જેવા અવરોધો દૂર કરવામાં મદદરૂપ બને છે. તેમાં પુત્ર સંતાન અને પુત્રી સંતાનની સમસ્યા પણ નડી રહી છે. કેટલાક દંપતિ માત્ર પુત્ર સંતાન મેળવવા માટે આઈવીએફના વિકલ્પનો આશરો લે છે. માત્ર ભારતમાં જ આ માનસિકતા છે તેવું નથી. ચીન, ઓસ્ટ્રેલિયા તથા ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં થયેલા અને  પ્રકાશિત કરવામાં આવેલા સંશોધનો પણ દર્શાવે છે કે IVF થકી થતાં સંતાનોમાં પુત્ર થાય તેવી  માનસિકતા વધુ જોવા મળી છે. અલબત્ત વિજ્ઞાનીઓ કહે છે કે વૈજ્ઞાનિક રીતે PGT (પ્રિ-ઇમ્પ્લાન્ટેશન જિનેટિક ટેસ્ટિંગ દરમિયાન એમ્બ્રિયોના તબક્કામાં ફલીકરણ થયેલું બીજ પુત્ર સંતાનનું છે કે પુત્ર સંતાનનું છે તે જાણી શકાય છે. પરંતુ ભારતમાં આ ઓળખ કરી આપવી કાયદાકીય જોગવાઈ હેઠળ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. માત્ર ને માત્ર કોઈ રેર-દુર્લભ જિનેટિક કારણોસર કે પછી કોઈ ગંભીર રોગ માત્ર એક જ લિંગને અસર કરતો હોય તેવા કિસ્સામાં જ લિન્ગ જોવામાં આવે છે.

બાળકો પેદા કરી આપવાના એટલે કે ચાઈલ્ડ મેકિંગના બિઝનેસમાં વર્તમાન નિયમનાત્મક માળખાં IVFમાં લિંગ ઓળખ કરવાની પ્રક્રિયા જોખમી છે. તેમ જ ચોક્કસ લિંગનું જ સંતાન જોઈએ તેવી આઈવીએફ સારવાર કરાવનારાઓ માટે આઈવીએફની સારવાર વધુ ખર્ચાળ બની જાય છે. તેમાંય વળી વીમા કંપનીઓ આ ખર્ચને માન્ય રાખતી નથી. છતાં આઈવીએફનો ઉદ્યોગ સતત વધી રહ્યો છે. પરિણામે તેને માટે નક્કર નીતિ ઘડવી જરૂરી છે. તેમાં વીમા કંપનીઓએ કે પછી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટેએ વંધ્યત્વ અને ART કવરેજ અંગે માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ. તેમાં કયા પ્રકારની સારવારનો ખર્ચ માન્ય રાખવામાં આવશે અને કયા પ્રકારની સારવારનો ખર્ચ માન્ય રાખવામાં આવશે નહિ તેની વિગતો જાહેર થવી જરૂરી છે. તેમ જ તેને માટેના પેકેજ શાં હોઈ શકે છે તેની વિગતો પણ તેમણે આપવી જોઈએ.

ફર્ટિલિટી કેમ ઘટે છે

વિકસિત પશ્ચિમી દેશોમાં ફર્ટિલિટી રેટમાં ઘટાડાનું કારણ મહિલાઓને સંતાન પ્રાપ્તી માટે નોકરીમાંથી કામચલાઉ ધોરણે કે પછી કાયમી રીતે દૂર કરી દેવાના કારણને પણ જવાબદાર ગણે છે. તેનાથી પણ ફર્ટિલિટીમાં ઘટાડો થતો હોવાનું જોવા મળ્યું હોવાનું તેઓ કહી રહ્યા છે. તદુપરાંત યોગ્ય આહારનો અભાવ, વધતો તણાવ, યોગ્ય વ્યાયામ કે ઊંઘનો અભાવ પણ ફર્ટિલિટીના ઘટાડા માટે જવાબદાર છે. તેને કારણે ફેલોપિયન ટ્યુબમાં બ્લોકેજ થાય છે અને પોલિસિસ્ટિક ઓવરીઝના રેઝિસ્ટન્ટ પ્રકારના કેસ વધે છે. આ સમસ્યાઓ તબીબી સારવારને પ્રતિસાદ આપતી નથી. પરિણામે લોકોએ IVFનો આશરો લેવાની ફરજ પડે છે.

Read Previous

સહકારી બેન્કમાં દસ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર તરીકે સેવા આપનારાઓને હવે છૂટા કરવામાં આવશે

Read Next

રૂપિયો પહેલી વાર 91 ને પાર, છેલ્લા પાંચ સત્રમાં 1% થી વધુ ઘટ્યો, રૂપિયો કેમ સુધરતો નથી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular