વેટની રૂ. 36 કરોડની ચોરી પકડાવી, પરંતુ કાયદેસર ઇનામ મળ્યું જ નહિ

- વેટ કચેરીની રૂ. 150 કરોડના બોગસ બિલિંગના કૌભાંડને પકડાવવામાં મદદ કરનાર પ્રશાંત શાહ અને કેતન પ્રજાપતિ આજે પણ ઇનામથી વંચિત
- ડિસેમ્બર 2011માં ચોરી પકડાવી પણ અધિક કમિશનર કિશોર બચાણી અને એમ.એસ. પઠાણે અન્યાય કર્યો હોવાની ફરિયાદમાં રજૂઆત
વેટ-વેલ્યુએડેડ ટેક્સમાં બોગસ બિલિંગનું રૂ. 150 કરોડનું કૌભાંડ પકડાવનાર અમદાવાદના નારણપુરા વિસ્તારના પ્રશાંત શાહ અને દરિયાપરના કેતન પ્રજાપતિને આજે 11 વર્ષ પછીય બાતમીદાર તરીકે તેમને મળવાપાત્ર ઇનામની રકમ આજ સુધી ન મળી હોવાની એક ફરિયાદ કરવામાં આવી છે.
તેમણે આપેલી બાતમીને આધારે શાહીબાગમાં સહજાનંદ કોમ્પ્લેક્સમાં બાબુલાલ દુગ્ગલની કંપની પર વેટ કચેરીએ દરોડો પાડ્યો હતો. રૂ. 150 બોગસ બિલિંગના કૌભાડ આચરનાર પરના દરોડા દરમિયાન વેટચોરી ઉપરાંત સરકારી, અર્ધસરકારી બેન્કો, પોસ્ટ ઓફિસ અને બોર્ડર પરની ચેકપોસ્ટના મળીને બનાવટી રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા હતા. સી-ફોર્મ અને એફ-ફોર્મની અને રૂ. 7.10 કરોડની રોકડ પણ પકડાઈ હતી. આ દરોડા હેઠળ આવરી લેવામાં આવેલી કંપનીઓમાં મેસર્સ અરિહંત એન્ટરપ્રાઈસ, મેસર્સ એમ્બી એન્ટરપ્રાઈસ, મે.આલ્ફા ટ્રેડિંગ, મેસર્સ મહેશ સેલ્સ એજન્સી, મેસર્સ બોમ્બે જનરલ સ્ટોર્સ અને મેસર્સ શક્તિ એગ્રોનો સમાવેશ થાય છે.
માહિતી અધિકાર હેઠળ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રિબ્યુનલમાં આ કેસ પેન્ડિંગ હોવાથી તેનો નિકાલ ન થાય ત્યાં સુધી ઇનામ આપવાનું થતું નથી. દરોડા પછી વેટ ડિપાર્ટમેન્ટે તેમની પાસે રૂ. 36 કરોડની ડિમાન્ડ નોટિસ આપવામાં આવી હતી. તેમ જ તેમના બેન્ક ખાતા, ડિમેટ એકાઉન્ટ અને પ્રોપર્ટીને પણ ટાંચમાં લીધી હતી. બાતમીદારોએ તેમના વકીલ મારફતે ઇનામની રકમ ન ચૂકવવા માટે ડિપાર્ટમેન્ટને લીગલ નોટિસ પણ આપી છે.
એક કરોડની રિકવરી પર રૂ. 1 લાખનું ઇનામ આપવામાં આવે છે. આ નિયમને આધારે તેમને ઇનામ આપવાનું થાય છે. પરંતુ તેમને આજ દિવસ સુધી તેમને ઇનામ મળ્યું જ નથી. હા, આરંભમાં રૂ. 1500 લેખે રૂ. 9000નું નજીવું ઇનામ આપવામાં આવ્યું છે. પરંતુ રૂ. 1 કરોડની ચોરી પર રૂ. 1 લાખના ઇનામના નિયમ પ્રમાણેનું ઇનામ આજદિન સુધી આપવામાં આવ્યું નથી, એમ પ્રશાંત શાહે કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.
આ સંદર્ભમાં ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધવામાં આવતા તેમણે કહ્યું હતું કે પાર્ટી પાસેથી હજી સુધી રિકવરી આવી જ નથી. તેથી તમને ઇનામ મળી શકે જ નહિ.



