યુવાપેઢીનો પગાર મોટો પણ બચત નાની, કારણો જાણવા આટલું વાંચો

શાક માર્કેટમાં ભાવતાલ કરવાથી કંગાળ દેખાતા હોવાની યુવાનોની માનસિકતા તેમના ખર્ચ વધારે છે
બાજું વાળા વિદેશ ગયા તેથી અમારે પણ વિદેશ જવું જ જોઈએ, સોશિયલ મિડીયા પર તેની પોસ્ટ મૂકવી જોઈએ તેવી માનસિકતા પણ યુવા પેઢીને દેવાના બોજ તળે કચડી રહી છે
આપના માતા-પિતા ઓછી આવક હોવા છતાં પણ સરળતાથી બચત કરતા હતા. મારા પિતાનો સળંગ 33 વર્ષની નોકરીનો પગાર માત્રને માત્ર 3.28 લાખ હતો. 1948થી 1981માં તેમણે મુંબઈની ખાલસા કૉલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરી હતી. છતાં બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટ અને કંપનીઓની ફિક્સ્ડ ડિપોઝિટમાં તેમણે નાણા મૂક્યા હતા. આવકવેરો પણ ભરતાં હતા અને છ છોકરાઓનો ઊછેર પણ કરતાં હતા.
પરંતુ આજકાલ તગડો પગાર હોવા છતાં મહિનાના અંતે બચાવવા માટે કંઈ રહેતું નથી. આ રહ્યા તેના કારણો. જીવનના બધાં સુખ અત્યારે જ માણી લેવાની માનસિકતા. એક પછી એક લોન લઈને ઘરમાં નવી નવી વસ્તુઓ વસાવતા રહેવાની માનસિકતા. હા, મારા એક મિત્રનો પગાર રૂ. 30,000નો હતો. તેના ઈએમઆઈ વધીને રૂ. 32000 થઈ ગયા હતા. આ સ્થિતિમાં એક નાનકડાં પુત્ર અને પતિપત્ની માટે ઘર ચલાવવું કેમ તે એક સમસ્યા બની ગઈ હતી. આમ આજના દૈનિક ખર્ચા અને દેખાદેખીવાળી જીવનશૈલીને કારણે આવક થાય તે સાથે જ પૈસા ખર્ચાવાની વ્યવસ્થા થઈ જ જાય છે. પરિણામે આવકમાંથી બચત કરવાનો વિચાર શુદ્ધા આવતો નથી.
હવે પૈસા બચવામાં કયા મુદ્દાઓ અવરોધ ઊભા કરે છે તે સમજી લઈએ. તેમ જ બચત કરવા શું કરવું જોઈએ તે પણ સમજી લઈએ. આજે તો બજેટિંગ એપ્સ પણ મોબાઈલમાં ઉપલબ્ધ છે. આ એપ્સનો પણ ઉપયોગ કરીને પગારની રકમ દર્શાવી ઘર ખર્ચનું આયોજન કરી શકાય છે. છતાં પગાર મોટો હોવા છતાં નાની બચત કરવી મુશ્કેલ લાગી રહી છે. પગાર આવે છે પણ ક્યારે ખર્ચાઈ જાય છે તેની ખબર પણ પડતી નથી. આ ખર્ચ ભલે દેખાવમાં વૈભવી ન હોય, પરંતુ મહિના અંતે બચત શૂન્ય હોય છે. આ પરિસ્થિતિ ચિંતા ઊભી કરનારી છે. પરિણામે દરેક યુવાનોની આવતીકાલની સલામતી સામે પ્રશ્નાર્થ લાગેલો જ રહે છે. વાસ્તવમાં પૈસાની દુનિયા ખૂબ જ બદલાઈ ગઈ છે. પૈસા કમાવા અને ખર્ચવાની આદતો બદલાઈ ગઈ છે. તેમ જ સ્ટેટસ જાળવી રાખવાના દબાણો હવે આપણા માતા-પિતાના સમયથી ઘણાં જ જુદા છે.
વધારે કમાણી એટલે વધારે બચત નહીં
આજે પગાર વધારે છે. ઘરમાં ચાર ચાર જણ કમાનારા છે. પરિવારની આવક વધી છે. પરંતુ મહિના પૂરો થતાં જ પગારની રકમ ખાલી થઈ જાય છે. ડેલાઈટ જેવી મોટી કંપનીમાં રૂ. 69000ના પહેલા પગારથી જોડાયેલી યુવતી પાસે મહિનાની 28 તારીખ આવે ત્યાં સુધીમાં પગાર ખલાસ થઈ જતો હતો. માતા-પિતાના સમયની વાત કરીએ તો એક જ વ્યક્તિ કમાનાર હતા. તેમની આવક બહુ જ નાની હતી. તેમાંથી જ ઘરભાડું, ખાધાખોરાકીનો ખર્ચ, શિક્ષણ ખર્ચ કર્યા પછીય બચત થતી હતી. આજે બે- પતિપત્ની બંનેની આવક હોવા છતાં બચત મુશ્કેલ છે. તેનાય કારણો છે. એક, ભાડાંનો ખર્ચ પગારની આવકના 30 ટકા જેટલો થઈ ગયો છે. માલિકીનું મકાન લેવા જાય તો હોમલોનનો હપ્તો પગારના 30થી 40 ટકા ખાઈ જાય છે. બીજું, શિક્ષણના ખાનગીકરણ પછી શિક્ષણ ખર્ચ અગાઉની તુલનાએ સો ગણો વધી ગયો છે. સરકારી સ્કૂલમાં જાણીબૂઝીને ક્વોલિટી શિક્ષણ ન આપવામાં આવતું હોવાથી માતાપિતાએ મનેકમને ખાનગી સ્કૂલ તરફ ધકેલાવું પડી રહ્યું છે. તેમાંય એજ્યુકેશન ભલે ગમે તેવું આપે પરંતુ દેખાદેખીમાં મોટી ફી અને મોટા ડોનેશન લેતી શાળાઓમાં બાળકને મૂકીને સમાજમાં મોટા દેખાવાની માનસિકતા પણ બાજી વધુ બગાડી રહી છે. ત્રીજું, એક જમાનામાં મહિને રૂ. 300માં અપર મિડલ ક્લાસનું રસોડું ચાલી જતું હતું. આજે એ જ રસોડામાં રૂ. 12000થી રૂ. 15000નો માસિક ખર્ચ થાય છે. ચોથું ડૉક્ટરની ફી માત્ર રૂ. 10થી 25 હતી તે આજે વધીને 100, 250 અને રૂ. 500 સુધી પહોંચી ગઈ છે. દવાની કિંમતો પણ બહુ જ વધી ગઈ છે. આમ આરોગ્ય અને જીવનજરૂરી ખર્ચ સતત વધી રહ્યા છે. તેથી બચત માટે બહુ ઓછું બાકી રહે છે. પાંચમું આજે ચાલતા જવું એ કંગાલિયતની નિશાની છે. સ્કૂટર ન વસાવી શકનારાઓ પણ બાળકને સ્કૂલે લેવા અને મૂકવા માટે રિક્ષામાં જાય છે. મહિનાની રિક્ષા કે વાન બંધાવીને ખર્ચ કરી લે છે. બાળક દીઠ આ ખર્ચ મહિને રૂ. 2000થી રૂ.2500નો આવે છે. એક સવા કિલોમીટરના અંતરે શાળા હોય તો ચાલીની જઈને મૂકી આવવામાં આવે તો પૈસાની બચત થવાની સાથોસાથ જ શરીરને તન્દુરસ્ત રાખવામાં મદદ કરે છે.
નાના ખર્ચનો મોટો બોજ
તદુપરાંત માતાપિતાના જમાનામાં મોબાઈલ EMI, OTT, ફૂડ ડિલિવરી, ફિટનેસ એપ જેવું કશું જ નહોતું. તેને માટે રૂ. 299 જેવા નાનાં ખર્ચ કરવામાં આવે છે. ફિટનેસ એપ ડાઉન લૉડ કરીને તેના પર ખર્ચ કરવાને બદલે કે પછી ફૂડ ડિલીવરી એપ ડાઉનલૉડ કરીને તેના પર ઓર્ડર કરવાને બદલે ચાલીને બજારમાં જઈને ખરીદી કરીને લાવનાર આ ખર્ચમાં 20થી 30 ટકાના બચત કરી શકે છે. જે બટાકા કિલોદીઠ રૂ. 30ના ભાવે બજારમાં મળતા હતા તે જ બટાકા બજારમાં જઈને બ્લિન્કિટ પર કિલોદીઠ રૂ. 57ના ભાવે ઓર્ડર કરી દેતા આજની પેઢી ખચકાતી નથી. 500 મિલિલિટરની શક્તિ દૂધની થેલી રૂ. 31માં મળે છે. બ્લિન્કિટ પર તેનો ઓર્ડર કરો અને રૂ. 200થી ઓછી રકમનું બિલ બને તો થેલી દીઠ તેના પર રૂ. 9નો ડિલીવરી ચાર્જ લેવામાં આવે છે. આ સ્થિતિમાં જૂની પેઢીના માણસો દુકાને જઈને દૂધની થેલી લઈ આવવાનું પસંદ કરશે. પરંતું નવી પેઢીના લોકો બેઝિઝક તેનો ઓર્ડર કરી દેશે. આમ માત્ર પાંચ થેલીની ખરીદી માટે રૂ. 45 જેટલો ડિલીવરી ચાર્જ ખર્ચતા જરાય વિચાર કરતાં નથી. આ નાના નાના ખર્ચાઓ મહિનાને અંતે મોટી રકમમાં રૂપાંતરિત થઈ જાય છે. આમ તમારી બચત થવાની શક્યતા પર પડદો પડી જાય છે. શાકભાજી લેવા જાય અને બાર્ગેઈન કરવાનું આવે તો નવી પેઢીને પ્રતિષ્ઠામાં પંક્ચર પડી જતું હોવાનું જોવા મળે છે. પરિણામે ફેરિયો કે દુકાનદાર જે બોલો તે ભાવે શાકભાજી કે ચીજવસ્તુ ખરીદી લેવા તૈયાર થઈ જાય છે. તેનો ગેરલાભ ઓનલાઈન કંપનીઓ પણ ઊઠાવે છે. ઓનલાઈન માર્કેટિંગ કંપનીઓ આજની યુવા પેઢીને આળસુ બનાવી બનાવીને તેમની કમાણી વધારી રહી છે.
અન્ય ખર્ચ પર નજર નાખીએ
મેટ્રો શહેરમાં 2BHK ભાડું રૂ.25,000–40,000, શિક્ષણ રૂ. 8,000–12,000, ખોરાક રૂ. 12000થી 15,000, વીજળી-ઇન્ટરનેટ રૂ.3,000–6,000, ટ્રાન્સપોર્ટ રૂ. 4,000–6,000. આનંદ માટે એક રૂપિયો ખર્ચ્યા વગર જ ₹45,000–60,000 ખતમ થઈ જાય છે. આ સંજોગોમાં રૂ. 50000ની માસિક આવક ધરાવનારા હેન્ડ ટુ માઉથ થઈ ગયા છે. જૂના જમાનમાં પહેલા બચત કરીને પૈસા ભેગા કરવામાં આવતા હતા. ત્યારબાદ નવી મોટી વસ્તુની ખરીદી કરવામાં આવતી હતી. આજે લોકો પહેલા ખરીદી કરે છે અને પછી નાણાં ચૂકવે છે. પરિણામે EMI ખર્ચનો બોઝ વધતો જાય છે.
દેખાદેખીનું જીવન
હવે સરખામણી પાડોશી સાથે નહીં, પરંતુ સોશિયલ મીડિયામાં લોકોની પોસ્ટ જોઈને પોતાના જીવન ધોરણને તેવું બનાવવાની કોશિશ કરવામાં યુવા પેઢી લાગી ગઈ છે. તેમને બચત થાય કે ન થાય સારું ઘર જોઈએ છે. પેટ્રોલ-ડીઝલનો ખર્ચ પરવડે કે ન પરવડે મોંઘી મોટરકાર વસાવવી છે. અન્ય કપલના વિદેશ પ્રવાસ જોઈને પહોંચ હોય કે ન હોય પોતે પણ વિદેશ પ્રવાસના ખર્ચ કરીને તેમની હરોળમાં હોવાનો દેખાવ કરીને જીવવા માગે છે. તેથી આવક વધે તે પહેલા જ ખર્ચ વધી જાય છે.
નોકરીના બજારમાં અનિશ્ચિતતા વધી
પહેલા એક નોકરી વર્ષો સુધી રહેતી. આજે નોકરી બદલવાની માનસિકતા છે. થોડો પગાર વધુ મળે એટલે નોકરી બદલી લેવાની માનસિકતા યુવા પેઢીમાં જોવા મળે છે. નોકરી મળે તેમાં પણ લેઓફ મળવાની શક્યતા છે. પરિણામે આજના યુવાનો મૂનલાઈટિંગનો આશરો લે છે. મૂનલાઈટિંગમાં વર્તમાન કંપની સાથે બેઈમાની પણ કરે છે. આ અનિશ્ચિતતાને પરિણામે લાંબા ગાળાની બચત ન કરવાનું અને તાકીદની જરૂરિયાત માટે રોકડાં નાણાં રાખવાની પણ આજની પેઢી પસંદ કરી રહી છે. તદુપરાંત બચત હવે આવતા વર્ષથી કરીશની માનસિકતા પણ યુવાપેઢીને આર્થિક કંગાલિયત તરફ ધકેલે છે. તેમના ભાવિને અંધકારમય બનાવે છે. વ્યાજની આવક કરવાની તક ગુમાવી દે છે.
બચત કરવા માટે શું કરી શકાય
બચત કરવા માટે સૌથી પહેલા આયોજન જરૂરી છે. એક, પગારમાંથી દસથી વીસ ટકા રકમ અલગ તારવી લેવાની માનસિકતા કેળવવી પડશે. અલગ તારવી લીધેલી રકમ બચતમાં ફરજિયાત નાખી દેવાની રહશે. બચત થકી ઝડપી આવક થાય તેવી માનસિકતા ધરાવનારા પેઢી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરી શકે છે. જોકે તેમાંય સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્કની ફૂદડી દેખાય જ છે. ભાવિ સલામતી માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક ઉત્તમ વિકલ્પ છે. તેમાં કરેલી બચત લાખોમાં પહોંચી જાય તે પછીય તેનો ઉપાડ કરવામાં આવે તો પણ તેના પર કોઈ જ ટેક્સ લાગતો નથી. તેમ જ રોકાણ કરતી વખતે જૂની ટેક્સ રિજિમમાં વર્ષે રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ બાદ મળે છે. બેન્ક લોનના હપ્તાનું વ્યાજ પણ બાદ મળે જ છે. જીવન વીમા કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં કે બેન્ક એફડીમાં કરેલું રોકાણ પણ બાદ મળે છે. તેનો લાભ ઊઠાવવો જોઈએ. ઇક્વિટિ લિન્ક સેવિંગ સ્કીમના માધ્યમથી શેરબજારમાં રોકાણ કરીને પણ તેનો લાભ ઊઠાવી શકાય છે.
બીજું, નાના નાના ખર્ચમાં ભાવતાલ કરીને બચત કરતાં રહો. લોકો તમને જજ કરે તેની ચિંતા ન કરો. તમારા પોતાના હિતને ધ્યાનમાં રાખીને અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખરીદી કરો. લોકો તમારા ભાવિને સલામત નથી બનાવવાના. લોકો તમારા ખર્ચાનો બોજ નથી ઉપાડવાના તે સત્યને સમજી લો. તેથી તેમના ખર્ચના વલણને અનુસરવાનું છોડી દો. માસિક રૂ. 1.5 અને રૂ. 1.5 લાખથી વધુ પગાર ધરાવનાર પતિ-પત્નીએ મનસ્વી ખર્ચ કર્યા કરીને ઈએમઆઈનો બોજ એટલે વધારી દીધો હતો કે છેવટે બંનેએ આત્મહત્યા કરવી પડી હતી. તેથી જ ઇ-એમઆઈનો ખર્ચ વધારતા પહેલા વિચાર કરો. સમજી વિચારીને ચીજવસ્તુઓ વસાવો. ઘરમાંથી બહાર પગ મૂકો એટલે રિક્ષામાં જ જવાનું તેવી માનસિકતાને દૂર કરીને પણ બચત વધારી શકાય છે. આજની પેઢી મોર્નિંગ વૉક માટે સવારે ગાર્ડનમાં જઈને ગ્રુપમાં વાહવાહ કરાવવાની તક નથી ગુમાવતી, પરંતુ રિક્ષાને બદલે ચાલતા જવામાં તેમને નાનમ લાગે છે. દરેક ખર્ચ અનિવાર્ય જ છે. પરંતુ તેમાંય થાય તેટલી કસર કરી લેવાની માનસિકતા કેળવશો તો ગમે તેટલી આવક હશે તો બચત કરી શકશો.


