અદાણી એન્ટરપ્રાઈસનો રાઈટનો ઇશ્યૂ લાભ કરાવશે કે પછી નુકસાન?

- 24થી 25 ટકા ડિસ્કાઉન્ટથી ઓફર કરવામાં આવેલો શેર્સના સ્ટોકમાર્કેટના પરફોર્મન્સનો આધાર કંપની પોતે અને મોટા શેરહોલ્ડર પોતે કેટલા શેર્સ માટે અરજી કરે તેના પર છે
અમદાવાદઃ અદાણી એન્ટરપ્રાઈસ-Adani Enterprises રૂ. 24,930.30 કરોડનો રાઈટનો ઇશ્યૂ-Rights Issue લઈને બજારમાં આવી છે. આમ તો આ આઈપીઓ 25 નવેમ્બર 2025થી ખૂલી ગયો છે અને 10 ડિસેમ્બર 2025ના બંધ થઈ રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઈસ કુલ રૂ. 24,930.30 કરોડ એકત્ર કરવા માટે 13.85 કરોડ પાર્શિયલી પેઈડ શેર્સનો રાઈટનો ઇશ્યૂ લઈને બજારમાં આવી છે. આ આઈપીઓમાં શેરદીઠ રૂ. 1800ના ભાવે એટલે કે 25મી નવેમ્બરના અરસાના અદાણી એન્ટરપ્રાઈસના શેરના બજાર ભાવ કરતાં 24 ટકા ડિસ્કાઉન્ટથી શેર ઓફર કરવામાં આવી રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઈસના શેરધારકો પાસે સંપૂર્ણ પેમેન્ટ થયા હોય તેવા ફૂલ્લી પેઈડ 25 શેર્સ દીઠ રાઈટના 3 શેર્સ એટલે કે 100 ફૂલ્લી પેઈડ શેર્સ પર રાઈટના ચાર શેર્સ આપવાની જાહેરાત કરી છે. 17મી નવેમ્બર 2025ના જેમની પાસે અદાણી એન્ટરપ્રાઈસના શેર્સની માલિકી હશે તેમને આ રાઈટના શેર્સ નક્કી કરેલા રેશિયો પ્રમાણે આપવામાં આવશે. રાઈટના શેર્સ મેળવવા માટે અરજી કરતી વખતે શેરદીઠ રૂ. 900 જમા કરાવવાની શરત મૂકવામાં આવી છે. આ શરત મુજબ 12મીથી 27મી જાન્યુઆરી વચ્ચે રાઈટના શેરદીઠ રૂ. 450 અને 2થી 16 માર્ચ 2026 વચ્ચે બીજા રૂ. 450 જમા કરાવવાના રહેશે. આ ઓફર આવી તે પછી ત્રણથી પાંચ ડિસેમ્બર વચ્ચે અદાણી એન્ટરપ્રાઈસના રાઈટના એન્ટાઈટલ શેર્સના ભાવમાં 23 ટકાની આસપાસનો ઊછાળો આવ્યો હતો. RE ટ્રેડિંગ વોલ્યુમ પણ ભારે વધી ગયું હતું. આ જ દર્શાવે છે કે રોકાણકારોની માંગ મજબૂત છે.
બ્રોકરેજ હાઉસ પણ અદાણી એન્ટરપ્રાઈસના રાઈટના ઇશ્યૂ અંગે પોઝિટિવ અભિપ્રાય આપી રહ્યા છે. કોટક સિક્યોરિટીઝ, મોતીલાલ ઓસવાલ અને આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ(Kotak Securities, Motilal Oswal, ICICI Direct) સહિતના બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે અદાણી એન્ટરપ્રાઈસ તેની બેલેન્સશીટ-સરવૈયાને મજબૂત બનાવવા માટે લઈને આવી છે. તદુપરાંત એરપોર્ટ, ડેટા સેન્ટર, ગ્રીન હાઇડ્રોજન, મેટલ્સ જેવા મોટા પ્રોજેક્ટ્સ માટે મૂડી એકત્ર કરવાનો પણ આ રાઈટનો ઇશ્યૂ લાવવા પાછળનો ઉદ્દેશ છે. ડિસ્કાઉન્ટેડ ભાવ અને આંશિક રીતે ચૂકવેલા શેર્સ-partly-paid structure- ની ઓફર કરવામાં આવી હોવાથી વર્તમાન શેરહોલ્ડર્સ માટે આકર્ષક ઓફર છે.
પરિણામે અદાણી એન્ટરપ્રાઈસના રાઈટના ઇશ્યૂમાં મજબૂત સંસ્થાકીય અને રિટેલ ડિમાન્ડ જોવા મળી રહી છે. તેથી જ 10 ડિસેમ્બર પહેલાં જ મોટો ભાગનો ઇશ્યૂ માટેનું subscription પૂરું થઈ ગયું હોવાનું જોવા મળી રહ્યું છે. જોકે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ રોઈટર અને બ્લુમબર્ગ રાઈટના ઇશ્યૂ અંગે અલગ મંતવ્ય ધરાવે છે. તેમનું કહેવું છે કે રાઈટના ઇશ્યૂ માટે અરજી કરતાં પહેલા વર્તમાન શેરધારકોએ Adani Group પર 2024–25 દરમ્યાન થયેલા કાનૂની વિવાદને અને કંપનીના ગવર્નન્સને લગતા સવાલોને ધ્યાનમાં લઈને પછી જ અરજી કરવી જોઈએ.
અદાણી એન્ટરપ્રાઈસ કે અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલા મોટા મૂડીખર્ચ-કેપિટલ એક્સપેન્ડિચરનું વ્યવસ્થિત મૂલ્યાંકન કરીને પછી જ અરજી કરવી જોઈએ. અદાણી એન્ટરપ્રાઈસ Rights Issue મારફતે મૂડી એકત્ર કરી રહ્યું છે, પરંતુ રોકાણકારો માટે risk factors-જોખમી પરિબળો કેટલા છે તેની આકારણી પણ કરી લેવી જરૂરી છે.
અદાણી એન્ટરપ્રાઈસના રાઈટના ઇશ્યૂના આકર્ષક પાસાંઓ
- ₹25,000 કરોડનો મોટો રાઇટ્સ ઇશ્યૂ,
- ડિસ્કાઉન્ટેડ ભાવ ઉપરાંત હપ્તાવાર ચુકવણીને કારણે shareholder demand મજબૂત,
- બ્રોકરેજ હાઉસિસ તેને બેલેન્સ શીટને મજબૂત કરવા માટેની કવાયત તરીકે જુએ છે,
વાસ્તવમાં Adani Enterprisesનો Rights Issue કંપની અને રોકાણકાર બંને માટે અનેક રીતે ફાયદાકારક છે. તેમ જ જોખમી પણ છે. પહેલા ફાયદાની વાત કરીએ તો રાઈટના ઇશ્યૂથી કંપનીની બેલેન્સશીટ મજબૂત બની રહી છે. લગભગ ₹24,930 કરોડના રાઈટના ઇશ્યૂ મારફતે એકત્રિત કરવામાં આવનારી મૂડીથી કંપની પોતાનું જૂનું દેવું ઓછું કરી શકે છે, જેનાથી debt-to-equity ratio સુધરે છે અને નાણાકીય સ્થિરતા વધે છે.
બીજું કંપની કે અદાણી ગ્રુપના વિકાસના નવા પ્રોજેક્ટ માટે નવી મૂડી મળી જશે. આ મૂડીનો ઉપયોગ એરપોર્ટ, ડેટા સેન્ટર, ગ્રીન હાઇડ્રોજન, રોડ્સ જેવી મોટી અને ભવિષ્યને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવનારા પ્રોજેક્ટ્સ માટે થાઈ શકે છે. આમ લાંબા ગાળાના વિકાસનો માર્ગ ખોલી દેશે. ત્રીજું, Rights Issue સફળ થાય અને પ્રોમોટર્સ રાઈટના ઇશ્યૂના તેના સંપૂર્ણ હિસ્સા માટે અરજી કરે તો કંપનીનું ભાવિ મજબૂત હોવાનો વિશ્વાસ રોકાણકારોમાં વધારશે. Rights Issue દ્વારા કંપનીને ઝડપથી મૂડી મળે છે. આ મૂડી વર્તમાન શેરહોલ્ડર્સ પર આધારિત પદ્ધતિથી એકત્રિત કરવામાં આવી રહી છે.
ચોથું, વર્તમાન શેરહોલ્ડર્સને ડિસ્કાઉન્ટના ભાવથી અદાણી એન્ટરપ્રાઈસના શેર્સ મેળવવાની તક મળશે. આ ડિસ્કાઉન્ટ 24થી 28 ટકા જેટલુ તગડું છે. તેથી ઓછા દામે શેર્સ મેળવવા માટે વર્તમાન શેરહોલ્ડરો તેમાં ભરપૂર અરજી કરી રહ્યા છે. પાંચમું ફ્લોટિંગ શેર્સ વધી જવાથી વર્તમાન શેરહોલ્ડર્સ રાઈટના શેર્સના ઇશ્યૂમાં ભાગ ન લે તો તેમના હોલ્ડિંગની ટકાવારી ખાસ્સી નીચે આવી જવાની સંભાવના રહેલી છે. રાઈટના ઇશ્યૂ-Rights Issueમાં અરજી કરીને વર્તમાન શેરહોલ્ડર્સ પોતાનો હિસ્સો અને મતાધિકાર જાળવી શકે છે. છઠ્ઠુ નાના નાના હપ્તામાં રાઈટના શેર્સના નાણાં જમા કરાવવાની વ્યવસ્થા હોવાથી વર્તમાન શેરહોલ્ડર્સ તેનો લાભ લેવાનું પસંદ કરશે. કારણ કે એક સામટી મોટી મૂડી જમા કરાવવાની નોબત આવશે નહિ. તેમ જ રાઈટના શેર્સ રૂ. 1800ના ભાવે મળેવીને રૂ. 2400થી ઉપરના ભાવે વેચીને કમાણી કરી લેવાની સારી તક પણ હોવાનું જોવા મળે છે.
રાઈટના ઇશ્યૂ સામે થોડા પણ જોખમો ગણાવાય છે ખરા. કંપનીના શેર્સની સંખ્યા 115.4 કરોડથી વધીને 129.2 કરોડ થઈ જશે. તેથી ટૂંકા ગાળામાં શેરના ભાવમાં ઘટાડો (dilution) થઈ શકે છે. અદાણી એન્ટરપ્રાઈસ સામે કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતા નવા પ્રોજેક્ટ્સ માટે કઈ રીતે ભંડોળની ફાળવણી કરવી તે એક મોટો પડકાર બની રહેશે. મોટા પ્રમાણમાં મૂડી એકત્ર કરવાની જરૂરિયાતને કેટલાક રોકાણકારો વધી ગયેલું દેવું ઓછું કરવા માટેના નાણાં ઊભા કરવાની કવાયત રીકે પણ જુએ છે. તેથી અદાણી એન્ટરપ્રાઈસના શેર્સના ભાવમાં ટૂંકા ગાળામાં મોટા ચઢાવ ઉતાર જોવા મળી શકે છે. મોટા રોકાણકારોએ તેમના હોલ્ડિંગની ટકાવારી ઓછી ન થઈ જાય તે માટે મનેકમને પણ રોકાણ ફરજિયાત કરવું પડી શકે છે. અદાણી એન્ટરપ્રાઈસના શેર્સ 25 ટકા જેટલા ડિસ્કાઉન્ટથી મળ્યા હોવા છતાં કંપનીનું પ્રદર્શન અથવા માર્કેટ ખરાબ થાય તો શેરની કિંમત ઘટી શકે છે. આ જ રીતે રાઈટના શેર્સ-RE વેચવાનું સમયસર ન થાય, તો હક્ક (rights) પૂર્ણપણે રદ થઈ જાય છે અને તેની કિંમત શૂન્ય થઈ જાય તેવી પણ શક્યતા રહેલી છે.



