• 17 December, 2025 - 9:20 PM

13 હજાર કરોડના કૌભાંડના ભાગેડુ આરોપી મેહુલ ચોકસીની પ્રત્યાર્પણ સામેની અરજી બેલ્જિયમ સુપ્રીમ કોર્ટે ફગાવી

પી.એન.બી. કૌભાંડના ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને મોટો ઝટકો લાગ્યો છે. બેલ્જિયમની સુપ્રિમ કોર્ટે પણ ભારત પ્રત્યાર્પણ વિરૂદ્ધની અરજી ફગાવી દીધી છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત કોર્ટ ઓફ કેસેશન દ્વારા એન્ટવર્પની અપીલ કોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો છે. તેથી રૂા. 13,000 કરોડના કૌભાંડમાં ચોકસીનું ભારત પ્રત્યાર્પણ હવે ઝડપથી આગળ વધશે. યાતના અને રાજકીય મુકદ્દમાની દલીલોને પણ પાયાવિહોણી ઠેરવાઈ છે.

પંજાબ નેશનલ બેન્કમાં 13,000 કરોડના કથિત કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત ‘કોર્ટ ઑફ કેસેશન’ દ્વારા મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. કોર્ટે ભારત પ્રત્યાર્પણને પડકારતી ચોક્સી દ્વારા દાખલ કરવામાં આવેલી અંતિમ અપીલને પણ ફગાવી દીધી છે.

આ નિર્ણય ભારતની તરફેણમાં આવ્યો છે અને હવે ચોક્સીના પ્રત્યાર્પણની ઔપચારિક પ્રક્રિયા બેલ્જિયમમાં ઝડપથી આગળ વધી શકે છે. આ બાબત સાથે જોડાયેલા અધિકારીઓએ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી હતી. બ્રસેલ્સમાં થયેલી સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે એન્ટવર્પ કોર્ટ ઑફ અપીલના 17 ઑક્ટોબરના નિર્ણયને માન્ય રાખ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહૃાું કે ભારત મોકલવા પર તેને યાતના અથવા ન્યાયથી વંચિત રાખવાનું જોખમ છે, તેવા ચોક્સીના દાવાઓ પાયાવિહોણા છે.

બ્રસેલ્સના મહાધિવક્તા હેનરી વેન્ડરલિન્ડેને ઈમેલ દ્વારા પુષ્ટિ કરી કે સર્વોચ્ચ અદાલતે ચોક્સીની અપીલ ફગાવી દીધી છે, તેથી નીચલી અદાલતનો ચુકાદો જ અસરકારક રહેશે. અગાઉ, ઑક્ટોબરમાં એન્ટવર્પ કોર્ટ ઑફ અપીલે ચોક્સીની દલીલોને ફગાવી દેતા જણાવ્યું હતું કે, ભારતમાં તેની સામે રાજકીય મુકદ્દમો થવાની કોઈ સંભાવના નથી. ભારતમાં તેને યાતના કે ન્યાયથી વંચિત રાખવાનું કોઈ જોખમ નથી. 2021માં એન્ટિગુઆ અને બાર્બુડામાં તેનું અપહરણ ભારતની મદદથી કરાયું હોવાના દાવાઓનો કોઈ નક્કર પુરાવો નથી. તેમ જણાવી એન્ટવર્પની અદાલતે મુંબઈની વિશેષ અદાલત દ્વારા મે 2018 અને જૂન 2021માં જારી કરાયેલા ધરપકડ વોરંટને અમલ કરવા યોગ્ય ગણાવ્યું હતું. અને તેની સામે બેલ્જિયમની સુપ્રિમ કોર્ટમાં થયેલી અપીલ ફગાવી દેવાયા પછી હવે ભાગેડુ આરોપીના પ્રત્યાર્પણની કાર્યવાહી ઝડપથી શરૂ થશે, તેવી આશા રખાઈ રહી છે.

Read Previous

પાણીને મોલે વેચાતા શેર્સમાં રોકાણ કરવાની ઉત્તમ તક

Read Next

ઈન્ડિગોનાં ફ્લાઈટ્સ કાપથી સ્પાઈસજેટને લોટરી લાગી,સ્પાઇસજેટ રોજની 100 ફ્લાઇટ્સ ઉડાડવાની તૈયારીમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular