પાર્ટી ફંડમાં ટાટાએ ભાજપની ઝોળી છલકાવી, ભાજપને સૌથી વધુ 959 કરોડનું દાન મળ્યું, જાણો કોંગ્રેસ અને અન્ય પક્ષોને કેટલું દાન મળ્યું?
કેન્દ્રમાં સત્તારુઢ ભાજપને 2024-25 નાણાકીય વર્ષમાં ચૂંટણી ટ્રસ્ટો તરફથી કુલ 959 કરોડનું દાન મળ્યું. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને 517 કરોડથી વધુનું દાન મળ્યું. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પક્ષના યોગદાન અહેવાલ મુજબ, આ રકમમાંથી 313 કરોડનું દાન વિવિધ ચૂંટણી ટ્રસ્ટો દ્વારા જ આપવામાં આવ્યું હતું.
મુખ્ય કોર્પોરેટ ગૃહોએ કોંગ્રેસ પાર્ટીને ભંડોળનું દાન આપ્યું
અહેવાલમાં જણાવાયું છે કે આઇટીસી લિમિટેડ, હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ અને સેન્ચ્યુરી પ્લાયવુડ્સ (ઇન્ડિયા) લિમિટેડ સહિત અનેક મુખ્ય કોર્પોરેટ ગૃહોએ પણ પક્ષને યોગદાન આપ્યું હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ પાર્ટી નેતા પી. ચિદમ્બરમે કોંગ્રેસ પાર્ટીને ત્રણ કરોડનું દાન આપ્યું હતું. પાર્ટીના ભંડોળમાં યોગદાન આપનારા ચૂંટણી ટ્રસ્ટોમાં ન્યૂ ડેમોક્રેટિક ઇલેક્ટોરલ ટ્રસ્ટ અને પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટનો સમાવેશ થાય છે.
ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધનો કોઈ પ્રભાવ નથી
કોર્પોરેટ ગૃહો સામાન્ય રીતે સત્તામાં રહેલા પક્ષોને દાન આપવાનું પસંદ કરે છે. કોંગ્રેસની રાજકીય પ્રોફાઇલ સતત સંકોચાઈ રહી છે. પક્ષ સતત ચૂંટણી હારી રહ્યો છે. પરિણામે, તેના દાનમાં ઘટાડો અનિવાર્ય છે. ETના અહેવાલ મુજબ, ભાજપને 2024-25માં પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ (PET) દ્વારા આપવામાં આવેલા રાજકીય દાનમાંથી 83% મળ્યું હતું, જ્યારે કોંગ્રેસને ફક્ત 8.4% થી સંતોષ માનવો પડ્યો હતો. અહેવાલ દર્શાવે છે કે 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ મૂક્યા પછી પણ, ભાજપના દાનમાં ખાસ અસર થઈ નથી.
ભાજપને કોની પાસેથી કેટલું મળ્યું?
ભાજપને પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી 757.6 કરોડ રૂપિયા, ન્યૂ ડેમોક્રેટિક ટ્રસ્ટ તરફથી 150 કરોડ રૂપિયા, ટ્રાયમ્ફ ટ્રસ્ટ તરફથી 21 કરોડ રૂપિયા, જન કલ્યાણ ટ્રસ્ટ તરફથી 9.5 લાખ રૂપિયા, હાર્મની ટ્રસ્ટ તરફથી ૩0.1 કરોડ રૂપિયા અને આઈન્ઝીગાર્ટિંગ ટ્રસ્ટ તરફથી 7.75 લાખ રૂપિયા મળ્યા, જેનાથી પાર્ટીનું કુલ દાન આશરે 959 કરોડ રૂપિયા થયું. પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટ, જે ટાટા ગ્રુપની વિવિધ કંપનીઓ પાસેથી રાજકીય દાન એકત્ર કરે છે અને તેને પક્ષોમાં વહેંચે છે, તેણે 2018-19માં ભાજપને સૌથી વધુ દાન આપ્યું.
કોંગ્રેસને આટલું દાન મળ્યું
PET એ 2018-19માં ત્રણ પક્ષોને કુલ 545 કરોડ રૂપિયાનું દાન આપ્યું. આમાંથી, ભાજપને સૌથી વધુ રકમ, ૩56 કરોડ રૂપિયા મળ્યા. જ્યારે 55.6 કરોડ રૂપિયા કોંગ્રેસને અને 4૩ કરોડ રૂપિયા મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને દાન આપવામાં આવ્યું. રિપોર્ટ મુજબ, ભાજપને 2023-24માં ટ્રસ્ટો પાસેથી લગભગ 856 કરોડ રૂપિયા અને બોન્ડમાંથી 16.85 કરોડ રૂપિયા મળ્યા હતા. જ્યારે, કોંગ્રેસને 2024-25માં PET પાસેથી 77.3કરોડ રૂપિયા, ન્યૂ ડેમોક્રેટિક ટ્રસ્ટ પાસેથી 5 કરોડ રૂપિયા, જન કલ્યાણ ટ્રસ્ટ પાસેથી 9.5 લાખ રૂપિયા મળ્યા હતા. તેવી જ રીતે, પ્રુડન્ટે પાર્ટીને 216.33કરોડ રૂપિયા અને એબી જનરલ ટ્રસ્ટે 15 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. જોકે, આ રકમ 2023-24માં બોન્ડ દ્વારા કોંગ્રેસને મળેલા 828 કરોડ રૂપિયા કરતા ઘણી ઓછી હતી.
2024-25 માટે ચૂંટણી સત્તામંડળને વિવિધ ચૂંટણી ટ્રસ્ટો દ્વારા સુપરત કરાયેલા અહેવાલો અનુસાર, પશ્ચિમ બંગાળ પર શાસન કરતી રાજ્ય-માન્યતા પ્રાપ્ત પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને 2024-25માં 184.5 કરોડ મળ્યા હતા. આમાં ચૂંટણી ટ્રસ્ટો તરફથી 153.5 કરોડનો સમાવેશ થાય છે.



