• 17 December, 2025 - 2:12 PM

અમદાવાદની શાળાને નનામા ઇ-મેઇલથી બોમ્બ મુક્યાની ધમકી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દોડતી થઈ

વિદ્યાર્થીઓને ઘરે ફોન કરીને તત્કાળ શાળામાંથી લઈ જવાની સૂચના આપવામાં આ, માતા-પિતા દોડતા થયા

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, બુધવાર

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને બુધવારે નનામો ઇ-મેઇલ મારફતે શાળા પરિસરમાં બોમ્બ મુક્યાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતા શાળાઓએ વિદ્યાર્થીઓના માતાપિતાને મેસેજ મોકલીને તથા ફોન કરીને તેમના બાળકને શાળામાંથી વહેલા પરત લઈ જવાની સૂચના આપવામાં આવી છે. પરિણામે સમગ્ર અમદાવાદમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. વાલીઓ બધાં જ કામ પડતાં મૂકીને તેમના બાળકોને લેવા સ્કૂલે દોડ્યા હતા અને સલામત ઘરે પરત ફરી જવા તત્પર બન્યા હતા. ધમકી મેળવનારી શાળાઓમાં ઝાયડસ, અગ્રસેન, ઝેબર, આવિષ્કાર અને નિર્માણ સ્કૂલને ધમકી ભર્યા ઈ-મેઈલ મળ્યાછે.

ઇ-મેઈલની જાણ થતાં શાળાઓમાં પણ ચકચાર મચી ગઈ હતી. ધમકી મળતાની સાથે જ શાળા પ્રશાસન દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. તેમ જ શાળાઓમાં તપાસ કરવા પોલીસ પહોંચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, સવારે શાળાના અધિકૃત ઇ-મેઇલ આઈડી પર એક નનામો સંદેશો મળ્યો હતો, જેમાં શાળા પરિસરમાં વિસ્ફોટક મૂકવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સંદેશો મળ્યા બાદ કોઈ જોખમ ન લેતા શાળા સંચાલને તરત જ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતીને પ્રાથમિકતા આપી હતી.

પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક શાળા પર પહોંચ્યા હતા. શાળા પરિસરને ખાલી કરાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા દળોએ દરેક વર્ગખંડ, ઓફિસ, શૌચાલય તેમજ આસપાસના વિસ્તારોની બારીક તપાસ કરી હતી.

પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળ્યું ન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. જોકે, સંપૂર્ણ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વિસ્તારને સુરક્ષા કવચ હેઠળ રાખવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા અનામિક ઇ-મેઇલ મોકલનારની ઓળખ મેળવવા સાયબર ક્રાઇમ સેલને તપાસ સોંપવામાં આવી છે. ઇ-મેઇલના IP એડ્રેસ, સર્વર વિગતો અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે મોકલનાર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી દેશના વિવિધ શહેરોમાં ખોટી બોમ્બ ધમકીઓના બનાવો સામે આવ્યા છે અને આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. જો આ ધમકી ખોટી સાબિત થશે, તો પણ કાયદા મુજબ ગંભીર ગુનો ગણાશે.

શાળા સંચાલન દ્વારા વાલીઓને જાણ કરી જણાવાયું હતું કે વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને પરિસ્થિતિ પર પોલીસ અને પ્રશાસન નજર રાખી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જ શાળા ફરી નિયમિત રીતે શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

 

Read Previous

બાર દિવસમાં રણવીર સિહની ધુરંધરે ભારતમાં રૂ. 411.25 કરોડની કમાણી કરી

Read Next

કર્મચારીઓ ટૂંક સમયમાં ATM-UPI દ્વારા 75 ટકા પીએફ ઉપાડી શકશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular