• 26 December, 2025 - 1:50 AM

નાના અને મધ્યમ ઉદ્યોગોને સરળતાથી ધિરાણ મળે તે માટે ગ્રીન ચેનલ શરૂ કરવાની માગણી કરવામાં આવી

  • પહેલી ફેબ્રુઆરીએ આવનારા બજેટ પાસેથી MSME ક્ષેત્રની મુખ્ય અપેક્ષાઓ
  • સરકારી ખરીદીમાં ZED અથવા LEAN સર્ટિફિકેશન ધરાવતા અને સમયસર ચુકવણીનો રેકોર્ડ ધરાવતા MSMEને લોન માટે વધારાનું વજન આપવાની પણ ભલામણ 

અમદાવાદઃ GDPમાં 30 ટકાથી વધુ યોગદાન આપતા અને ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ  ગણાતા નાના, અતિશય નાના, મધ્યમ ઔદ્યોગિક એકમો આગામી પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવનારા બજેટ પાસેથી બહુ જ મોટી અપેક્ષા રાખી રહ્યા છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં એમ.એસ.એમ.ઈ. સેક્ટરનો હિસ્સો 35 ટકા કરતાં વધુ છે અને દેશના કુલ નિકાસમાં આશરે 45–46 ટકા યોગદાન આપે છે.

નાણાંકીય વ્યવસ્થામાં MSMEઓને આજે પણ ઊંચી KYC પ્રક્રિયા અને ગીરવી આધારિત લોનિંગને કારણે મુશ્કેલી પડે છે. પરિણામે નાના અને મધ્યમ એકમોને લોન-ધિરાણ મળી શકે તે માટે ગ્રીન ચેનલ બનાવવાની ભલામણ કરી છે, તેમાં સ્ટાન્ડર્ડ સ્કોરકાર્ડ અને ઝડપી લોન પ્રક્રિયાને સામેલ કરવામાં આવે તે જરૂરી છે. GST રિટર્ન, ઇ-ઇન્વોઇસ અને યુટિલિટી પેમેન્ટના ડેટા આધારિત કેશ ફ્લો લોનિંગ તરફ આગળ વધવાની પણ સલાહ આપવામાં આવી છે. MSMEઓ માટે વિશેષ લિક્વિડિટી અને ગ્રોથ ફંડ બનાવવાની પણ ભલામણ છે, જે NBFC અને ફિનટેક કંપનીઓ મારફતે વિતરણ થાય અને સરકાર પ્રથમ નુકસાન સુરક્ષા (first-loss protection) આપે.

માઇક્રોથી મિડિયમ સુધી: “મિસિંગ મિડલ” સમસ્યા

ભારતની 90 ટકા કરતાં વધુ MSMEઓ માઇક્રો એન્ટરપ્રાઇઝ છે, જેના કારણે ઉત્પાદનક્ષમતા અને વેલ્યુ ચેઇનમાં જોડાવાની ક્ષમતા મર્યાદિત રહે છે. જિલ્લા સ્તરે MSME ટ્રાન્સફોર્મેશન સેલ બનાવવાની માગણી કરવામાં આવી છે, આ ટ્રાન્સફોર્મેશન સેલમાંથી માઇક્રોથી સ્મોલ અને ત્યારબાદ મિડિયમ બનવાની પ્રક્રિયામાં ઉદ્યોગોને માર્ગદર્શન આપે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. PSU અને મોટી કંપનીઓ દ્વારા મેન્ટર–મેન્ટી મોડલ વિકસાવવા પણ સૂચન કરવામાં આવ્યું છે. સરકારી ખરીદીમાં ZED અથવા LEAN સર્ટિફિકેશન ધરાવતા અને સમયસર ચુકવણીનો રેકોર્ડ ધરાવતા MSMEઓને વધારાનું વજન આપવાની પણ ભલામણ કરવામાં આવી છે.

વૈશ્વિક વેપાર ઝટકાઓ સામે સુરક્ષા

નિકાસ આધારિત MSMEઓ માટે “ટ્રેડ રેસિલિયન્સ ફંડ” બનાવવાની ભલામણ કરવામાં આવી છે. વૈશ્વિક ટેરિફ અને સપ્લાય ચેઇન સમસ્યાઓથી સૌથી વધુ અસર પામતા રેડીમેડ ગાર્મેન્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી અને લેધર ઉદ્યોગોને આ ફંડ દ્વારા ટૂંકાગાળાની મદદ મળી શકે તેવી વ્યવસ્થા કરવી જરૂરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. MSME ક્ષેત્ર ખેતી પછીનું દેશનું બીજું સૌથી મોટું રોજગાર આપતું ક્ષેત્ર છે. વિવિધ અંદાજો મુજબ અહીં 10 કરોડથી 29 કરોડ લોકો રોજગાર મેળવે છે. તેમ છતાં MSMEના એકમોને હજી પણ નાણાંની ઉપલબ્ધતા, કુશળ માનવ સંસાધન, નિયમનકારી પાલન અને વૈશ્વિક વેપારની અસ્થિરતા જેવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

MSME ક્ષેત્ર માટે લાસ્ટ-માઇલ ક્ષમતા, વિકાસ એક મોટી ચિંતા છે. ફોર્મલાઇઝેશન અને બજાર સાથે સંકલન માટે આ અતિ આવશ્યક છે. તેમાં ડિજિટલ બુકકીપિંગ, એકાઉન્ટિંગ પદ્ધતિઓ અને ઇ-ઇન્વોઇસિંગ જેવી વ્યવહારુ મદદનો સમાવેશ થાય છે, જેથી MSMEઓ BIS, FSSAI જેવા ગુણવત્તા ધોરણો અને નિકાસ નિયમોનું પાલન કરી શકે છે. MSMEને ગુણવત્તા નિયંત્રણ, માંગ અનુમાન (demand forecasting) અને ભાવ નક્કી કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવાની તાલીમ આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ નાના ઉદ્યોગો માટે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચ સરળ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. TReDS, GeM અને ONDC જેવી ઔપચારિક ડિજિટલ પ્લેટફોર્મ પર MSMEને જોડવાનું પણ મહત્વપૂર્ણ છે. ફક્ત રજીસ્ટ્રેશન નહીં પરંતુ સક્રિય ભાગીદારીમાં વધારો થવો જોઈએ.

ગયા બજેટની મુખ્ય જાહેરાતો

ગયા વર્ષે MSMEઓ માટે ક્રેડિટ ગેરંટી મર્યાદા ₹5 કરોડથી વધારીને ₹10 કરોડ કરવામાં આવી હતી. પાંચ વર્ષમાં આશરે ₹1.5 ટ્રિલિયનનું વધારાનું ક્રેડિટ ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. નિકાસ આધારિત MSMEઓને ₹20 કરોડ સુધીની ગેરંટીયુક્ત ટર્મ લોન, સ્ટાર્ટઅપ્સ માટે ₹10,000 કરોડનું ફંડ ઓફ ફંડ્સ અને પ્રથમ વખત ઉદ્યોગ શરૂ કરનારાઓ માટે ₹2 કરોડ સુધીની લોન જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી.

 

Read Previous

ગુજરાત સરકારે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025 લોંચ કરી

Read Next

2026માં વૈશ્વિક આયર્ન ઓરનાં ભાવ થોડા ઘટી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular