ક્રિપ્ટોમાં રોકાણ કરી જાહેર ન કરનારાઓ CBDTના સકંજામાં

સીબીડીટીએ ક્રિપ્ટોની અત્યાર સુધીમાં જાહેર ન કરેલી રૂ. 889 કરોડની સંપત્તિ શોધી કાઢીને 44,507 નોટિસો પણ મોકલી
આવકવેરાની ચોરી કરવા માટેના દરેક છીંડાં પૂરીને કેન્દ્ર સરકાર કસરત કરી રહી છે. ખોટું ઘર ભાંડાંભથ્થું ક્લેઈમ કરનારા કે પછી ખોટું ડોનેશન ક્લેઈમ કરનારા દરેક સામે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે રીતસર ઝૂંબેશ છેડી દીધી છે. પરિણામે કરદાતાઓમાં ફફડાટ છે. હવે ક્રિપ્ટોમાં ખાનગીમાં રોકાણ કરનારાઓ આવકવેરા ખાતાની નજરે ચઢવા માંડ્યા છે. ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓની રૂ. 890 કરોડના રોકાણ શોધી કાઢીને સીબીડીટીએ 44507 કરદાતાઓને નોટિસ મોકલી પણ આપી છે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (VDA) એટલે કે ક્રિપ્ટોકરન્સી અને બ્લોકચેન આધારિત સંપત્તિમાં કરવામાં આવેલા પણ જાહેર ન કરવામાં આવેલા રૂ. 888.82 કરોડની અસ્ક્યામતો પકડી પાડવામાં સફળતા મેળવી છે. આવકવેરા વિભાગ તેમને ઇ-મેઈલ અને SMS એલર્ટ મોકલવા માંડ્યા છે. આ કરદાતાઓને તેમના રિટર્નમાં આ રોકાણ ન બતાવીને પ્રીવેન્શન ઓફ મનીલૉન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળના નિયમોના લીરેલીરા ઊડાવી દીધા છે. ક્રિપ્ટોમાં રોકાણ કરીને જાહેર ન કરનારાઓને પકડી પાડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડેટા એનાલિટિક્સની સિસ્ટમને કામે લગાડી દેવામાં આવી છે. ક્રિપ્ટોમાં રોકાણ કરીને આવકવેરાના રિટર્નમાં ન દર્શાવનાર માટે રેડફ્લેગ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમને નોટિસો પણ પાઠવી દેવામાં આવી છે.
સીબીડીટીની માફક જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ રૂ.4,189.89 કરોડની ક્રિપ્ટો સંબંધિત આવક સ્થગિત કરી દીધી છે. તેને જપ્ત પણ કરી છે. ક્રિપ્ટોના રોકાણના માધ્યમથી પણ મોટી કરચોરી થતી હોવાનું સીબીડીટીને સમજાઈ ગયું છે. તેથી જ ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓનું વિશેષ પગેરું મેળવવામાં આવી રહ્યું છે.
ક્રિપ્ટોમાં ડીલ કરનારા કરદાતાઓને ઇમેલ અને SMS એલર્ટ મોકલવામાં આવશે. તેમણે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાં કરેલી લેવડદેવડ અને તેમણે રિટર્નમાં જાહેર કરેલી આવક સાથે મેળ ખાતી ન હોવાનું જણાવી દીધું છે. કરદાતાઓએ ઘણાં કેસોમાં એક્સચેન્જ મારફતે ઊંચી કિંમતની ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કર્યું હતું, પરંતુ રિટર્નમાં તેનો ઉલ્લેખ કર્યો નહોતો. આ પ્રકારનું મિસમેચ કરદાતાના બ્લોકચેન ટ્રાન્ઝેક્શનમાં પણ હોવાનું અન્ય દેશો સાથેના ડેટા એક્સચેન્જની સિસ્ટમ હેઠળ અને કરકપાતના સ્ટેટમેન્ટના માધ્યમથી જાણવા મળી રહી છે. આવકવેરા ખાતાના પ્રોજેક્ટ ઇન્સાઈટ વિભાગ પાસેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત મોનિટરિંગ સિસ્ટમના માધ્યમથી કરવામાં આવેલા વિશ્લેષણ બાદ રૂ. 890 કરોડની ચોરી પકડી પાડવામાં સફળતા મેળવી છે. ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓને જ નહિ, પરંતુ વચ્ચ્યુઅલ એસેટમાં રોકાણ કરવા માટેની સર્વિસ પૂરી પાડનારાના રિપોર્ટ પણ દિલ્હી સ્થિત ફાઈનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટને આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આમ વિશ્લેષણ કર્યા પછી કોઈ ગેરરીતિ અથવા શંકાસ્પદ પેટર્ન જોવા મળે તો તે ની જાણકારી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને આવકવેરા વિભાગને આપવામાં આવે ચે. તેમના થકી આ માહિતી તપાસ એજન્સીઓને મોકલવામાં આવે છે.
લોકસભામાં પણ આ મુદ્દે ચર્ચા થઈ છે. તેથી જ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાં કરવામાં આવેલા દરેક વહેવારને લગતી માહિતીને આધારે જે તે કરદાતાના રિટર્નની વિગતોની સરખામણી કરવામાં આવી રહી છે. તેમાં કોઈપણ વિસંગતતા દેખાય તો આપમેળે આગળની કાર્યવાહી માટે રેડ ફ્લેગ ડિસ્પ્લે થઈ જાય છે. તેથી જ પ્રોજેક્ટ ઇન્સાઈટની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારી ક્ષમતાને તાજેતરમાં જ અપગ્રેડ કરી દેવામાં આવી છે. તેની મદદથી જ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને ન બતાવનારા તથા નફો કરનારાઓને શોધી કાઢવાની આવકવેરા ખાતાની ક્ષમતામાં ખાસ્સો સુધારો આવી ગયો છે. આમ હવે સીબીડીટી અને કેન્દ્ર સરકાર જરા સરખી પણ આવકવેરાની ચોરીને નિભાવી લેવા તૈયાર નથી.
વાસ્તવમાં ક્રિપ્ટોના રિટેલ રોકાણકારો ટેક્સ નિયમોની પૂરતી સમજ નથી. તેથી જ કે પછી ઇરાદાપૂર્વક ક્રિપ્ટો નફો ઓછો બતાવે છે. તેમણે જાણી લેવું જોઈએ કે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાં કરેલા રોકાણ થકી થતી આવક પર 30 ટકાના દરે આવકવેરો લાગે છે. તદુપરાંત તેના પર ચાર ટકા સેસ પણ લાગે છે. તેને માટે કરવામાં આવેલા આર્થિક વહેવારમાં એક ટકાના દરે ટીડીએસ-કરકપાત કરવાનો પણ નિયમ છે. તેમ જ આવરવેરાના રિટર્નમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાં કરવામાં આવેલું રોકાણ પણ દર્શાવવું ફરજિયાત છે. તેથી જ રોકાણકારોએ બ્લોકચેન ટ્રાન્ઝેક્શન ટ્રેસ ન થઈ શકે એવી ખોટી માન્યતા ન રાખવી જોઈએ.

