કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં સ્વદેશોત્સવ-૨૦૨૫નું ઉદઘાટન કર્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિત
અમદાવાદઃ અમદાવાદમાં આજે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શોપિંગ ફેસ્ટિવલની સાથે સાત જ સ્વદેશોત્સવનો આરંભ કરાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વદેશોત્સવની સંકલ્પનાને સાકાર કરાવવાની દિશામાં આ સાથે જ એક મહત્વનું કદમ ઊઠાવવામાં આવ્યું છે. અમિત શાહે શુક્રવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રવ્યાપી એક્સ્પો ૦૫ ડિસેમ્બર, ૨૦૨૫ થી ૦૯ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલશે. ગૃહમંત્રીએ ઉદ્ઘાટન સમારોહ બાદ સ્વદેશી શક્તિના પ્રતીક સમા સ્વાનુભૂતિ પ્રદર્શન પણ ખૂલ્લુ મૂક્યું હતું. જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય મહત્ત્વના વિવિધ વિષયો પર વિશેષ સેમિનારોનું આયોજન આ સ્વદેશોત્સવમાં કરવામાં આવ્યું છે.
પાંચમી ડિસેમ્બરના રોજ, સ્વદેશોત્સવના પ્રથમ દિવસે પર્યાવરણ સંકલ્પ સંમેલન થશે. ૦૬ ડિસેમ્બરે સ્ટાર્ટઅપ્સ માટેનો કાર્યક્રમ થશે. તેમ જ ઉડાન ૨૦૨૫ અને સ્વદેશી સંકલ્પ અભિયાન પર સેમિનાર યોજાશે. ૦૭ ડિસેમ્બરે માતૃશક્તિની ભૂમિકા, સાયબર સિક્યુરિટી અવેરનેસ જેવા મહત્ત્વના વિષયો પર સત્રો યોજાવાના છે.
આઠમી ડિસેમ્બરે આયુર્વેદ અને સ્વાસ્થ્ય, તથા બૌદ્ધિક સંપદા અધિકાર-Intellectual Property Rights પર અને નવમી ડિસેમ્બરે પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી, જેવા વિષયો પર સત્રો યોજાશે. મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે આયોજિત આ મહોત્સવ જ્ઞાન, કલા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવાનો અવસર પૂરો પાડશે. આ અવસરે સ્વર્ણિમ જાગરણ મંચના પદાધિકારીઓ પણ જોડાયા હતા.



