• 19 December, 2025 - 9:23 AM

પૂરતી ચકાસણી વિના જ અબજો રૂપિયા ડાયરેક્ટ બેનિફિટના ખાતામાં ટ્રાન્સફર થઈ રહ્યા છેઃ CAG

કેગના ઓડિટમાં ડીબીટીના નાણાં અન્યત્ર ડાયવર્ટ કરી દેવામાં આવતા હોવાનું પણ બહાર આવ્યું

ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ (CAG) સંજય મૂર્તીએ સરકારની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) વ્યવસ્થામાં ગંભીર માળખાગત ખામીઓ તરફ ધ્યાન દોર્યું છે. તેમણે ચેતવણી આપી છે કે વિભાગો વચ્ચે પૂરતી ડેટા ઇન્ટિગ્રેશન ન હોવાથી ફરજિયાત ચકાસણી વિના હજારો કરોડ રૂપિયા લાભાર્થી ખાતાઓમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે. પરિણામે આ નાણાં યોગ્ય લાભાર્થી સુધી પહોંચે છે કે નહિ તે જ એક મોટો સવાલ છે.

નાગપુર સ્થિત નૅશનલ અકૅડમી ઑફ ડાયરેક્ટ ટેક્સિસમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS)ના અધિકારીઓના પ્રથમ બેચને સંબોધતા કરતાં સંજય મૂર્તીએ જણાવ્યું હતું કે લાભાર્થી ડેટાની ડુપ્લિકેશન અટકાવવા અને ક્રોસ-વેરિફિકેશનની વ્યવસ્થામાં ગાબડે ગાબડાં હોવાનું જણાઈ રહ્યું છે.

સરકારી વિભાગો એક બીજા સાથેના સંકલન વિના જ કામ કરી રહ્યા છે. એક જ વિભાગમાં અલગ-અલગ જોઇન્ટ સેક્રેટરીઓ પણ એક જ ડેટાબેઝનો સંદર્ભ લેતા નથી. તેથી એક જ મંત્રાલયની અંદર પણ ઊંડા સમન્વયના અભાવનો હોવાનું જોવા મળે છે. ભારત સરકાર ભલે નાણાકીય સમાવેશન-ફાઈનાન્શિયલ ઇક્લુઝનના આધારસ્તંભ તરીકે જનધન યોજના, આધાર કાર્ડ અને મોબાઇલ નંબર-(JAM) ત્રિવેણીની વારંવાર વાત કરીને યોજનાના પરફેક્શનની વાત કરતી હોય, પરંતુ ડેટાબેઝની પરિપક્વતા અને પરસ્પર સુસંગતતા (Interoperability) હજી પણ પૂરતી નથી.

અમે જનધન, આધાર અને મોબાઇલ ફોન સાથે જોડાયેલા ડેટાબેઝની વાત કરીએ છીએ, છતાં ડેટાબેઝ ક્યાં સ્તરે અમલમાં મૂકાયા છે તે જોવામાં આવે અને તેમાંય ખાસ કરીને અમે જે અહેવાલો બનાવીએ છીએ તે પરથી જણાઈ રહ્યું છે કે આ ડેટાબેઝમાં મોટી ક્ષતિઓ રહી ગઈ છે.

CAG-કોમ્પ્રોટલર જનરલનું એવું અવલોકન છે કે દરેક યોજનાઓને આધારકાર્ડ-આધારિત યોજના તરીકે રજૂ કરવામાં આવે છે, છતાં DBT મિશન હેઠળ જરૂરી ડી-ડુપ્લિકેશન અને ડેટા બેઝના ક્રોસ વેરિફિકેશન એટલે કે ડેટાબેઝ ચકાસણી ઘણીવાર ગેરહાજર હોય છે. પરિણામે ફાઈનાન્શિયલ ઇન્ક્લુઝનની યોજનાઓમાં મૂળભૂત ચકાસણી વિના હજારો કરોડ રૂપિયા જઈ રહ્યા છે. ભારતનું વિશાળ કદ અને વૈવિધ્યતાને કારણે તમામ રાજ્યોમાં એકસરખો માપદંડ લાગુ કરી શકાતો નથી. તેથી પણ આ ક્ષતિને સુધારવામા તકલીફ પડી રહી છે. ભારત એક વિશાળ દેશ છે અને દરેક જગ્યાએ એક સરખા જ માપદંડ રાખી શકાતા નથી. દક્ષિણ ભારતના રાજ્યો ટેક્નોલોજી અપનાવવામાં આગળ હોવાથી તેમની પાસે દેશના અન્ય રાજ્યો કરતાં ઑડિટ માટે વધુ પરિપક્વ ડેટા ઉપલબ્ધ છે.

સરકારની ડીબીટી આપવાની સિસ્ટમમાં ઇરાદાપૂર્વક ખામી રહેવા દેવામાં આવી ન હોવા છતાંય નબળી અમલવારીને માફી આપી શકાય નહીં કે તેની સામે આંખ આડા કાન પણ કરી શકાય નહિ.  સરકારી યોજનાઓ અમલમાં મૂકતી વખતે મૂળભૂત નિયંત્રણો લાગુ કરીને તેમાં સમતુલા ઊભી કરવી (Check and balances)અનિવાર્ય છે, કારણ કે લાભાર્થી ઓળખ અને ચુકવણીઓની ચોકસાઈ અત્યંત મહત્વની છે. અન્યથા ખોટી વ્યક્તિ સુધી લાભ પહોંચી જવાની સંભાવના રહેલી છે.

DBTમાં રહેલી ખામીઓ અંગે CAGની ચિંતા અગાઉના ઑડિટ તારણોને પ્રતિબિંબિત કરે છે કે અયોગ્ય અથવા અવસાન પામેલા લાભાર્થીઓને પણ ચુકવણીઓ થતી રહે છે. આ પ્રકારના કિસ્સાઓ પણ બહાર આવ્યા જ છે. ઑગસ્ટ 2023ના એક અહેવાલમાં રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP)ના CAG પરફોર્મન્સ ઑડિટનો ઉલ્લેખ છે, જેમાં 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2,103 લાભાર્થીઓના અવસાન પછી પણ રૂ.2 કરોડની પેન્શન ચુકવાઈ હોવાનું સામે આવ્યું હતું. તેમ જ નાણાંકીય વર્ષ 2017-18થી 2020-21 આવરી લેતા આ ઑડિટ દરમિયાન જોવા મળ્યું છે કે મૃત્યુ પામેલા, સ્થળાંતર કરી ગયેલા અથવા લાભ મેળવવાની પાત્રતા ગુમાવવાના કિસ્સામાં તરત ચુકવણી બંધ કરવાની NSAPની સ્પષ્ટ માર્ગદર્શિકાઓ હોવા છતાં પેન્શન ચુકવણીઓ ચાલુ રહી હતી. લાભાર્થીઓના સરવેના કે ચકાસણીના8,461 કિસ્સામાંથી 290માં અવસાન પછી પણ ચુકવણીઓ ચાલુ રહી હોવાનું જાણવા મળ્યું હતું. આ હકીકત ડીબીટીના રિપોર્ટિંગ અને ડેટા અપડેટિંગમાં ગંભીર ખામીઓ હોવાનું દર્શાવે છે.

આ જ ઑડિટમાં ફંડ ડાયવર્ઝન પણ દર્શાવવામાં આવ્યું હતું. NSAP હેઠળ મળેલી માહિતી પ્રમાણે શિક્ષણ અને સંચાર (IEC) પ્રવૃત્તિઓ માટે ફાળવાયેલા રૂ.2.83 કરોડ અન્ય યોજનાઓના પ્રચાર માટે વપરાયા હતા. છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં NSAPથી અસંબંધિત હેતુઓ માટે રૂ.57.45 કરોડ ફાળવી દેવામાં આવ્યા હોવાનું એક સામાયિકે પકડી પાડ્યું હતું.

સંજય મૂર્તીએ IRS પ્રોબેશનરોને જણાવ્યું હતું કે ટેક્નોલોજીના ઉપયોગથી ઑડિટની સમયમર્યાદામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હવે સામાજિક ક્ષેત્રના ઑડિટ અંદાજે 45 દિવસમાં પૂર્ણ કરી શકાય છે. CAG હવે એક સાથે સાત યોજનાઓનું ઑડિટ કરી શકે છે અને વિવિધ પ્લેટફોર્મ્સ પરથી ડેટાને પરસ્પર જોડીને પણ વિશ્લેષણ કરી શકે છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ મંત્રાલય, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નેટવર્ક તથા રાજ્ય સ્તરના ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ્સ જેવી એજન્સીઓ દ્વારા જાળવાતા ડેટાબેઝ યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો તે માહિતીનો ખજાનો સાબિત થઈ શકે છે.

પરંતુ તાજેતરની ટિપ્પણીઓ એક સતત વિસંગતિને રેખાંકિત કરે છે. કલ્યાણકારી યોજનાઓની ડિજિટલ ડિલિવરીમાં સરકારનું ભારે રોકાણ હોવા છતાં નબળા સંકલન કે ચુસ્ત વ્યવસ્થા, અપૂરતી હોવાથી જાહેર નાણાંને લીકેજ વધુ થઈ રહ્યું છે. તેમાં ડુપ્લિકેશન ઓફ પેમેન્ટની શક્યતા વધી જવાની અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વ્યવસ્થાનો દુરુપયોગ થવાની સંભાવના વધી રહી છે. આ સ્થિતિ ભારતની ફ્લેગશિપ DBT રચનાની મજબૂતી અંગે પ્રશ્નો ઊભા કરે છે.

Read Previous

ખાદ્ય સામગ્રીના ડિજિટલ ઓર્ડર વધી જતાં રોજગારી નિર્માણમાં મોટી સફળતા મળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular