બાયોફ્યુઅલનો હવે જનસેટ અને સ્ટેટિક એન્જિનમાં ઉપયોગ વધારી ધંધો મેળવવાની નવી તક

પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિક્સ કરવાના ટાર્ગેટને ભારતે સમય પહેલા જ પૂરો કરી લીધો
ઇથેનોલની સતત વધી રહેલી ઉત્પાદકતાઓ ઇથનોલના વપરાશ વધારવાના નવા વિકલ્પોની તલાશ ચાલુ કરવાની ફરજ પાડી
ઇથેનોલના અલગ વપરાશના બિઝનેસ ડેવલપ કરવાની નવી તક નિર્માણ થઈ
ભારતનું ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) કાર્યક્રમ દેશના ઊર્જા પરિવર્તન ક્ષેત્રમાં સૌથી સફળ પહેલોમાંથી એક માનવામાં આવે છે. પરિવહન ક્ષેત્રમાં પેટ્રોલ સાથે ઇથેનોલ મિશ્રણનો ઉદ્દેશ રાખી શરૂ કરાયેલ આ યોજના હેઠળ ભારતે 20 ટકા ઇથેનોલ મિશ્રણ (E20) નો લક્ષ્યાંક સમય પહેલાં જ હાંસલ કરી લીધો છે. જોકે 18 ટકા ઇથેનોલ પેટ્રોલમાં ભેળવ્યા પછી વાહનના એન્જિનના પરફોર્મન્સ પર વિપરીત અસર આવતી હોવાનું એન્જિનિયરિંગ સેક્ટરના નિષ્ણાતોનું કહેવું છે. આ સિદ્ધિથી ભારતની ઊર્જા સુરક્ષા મજબૂત બની છે અને હવે ઇથેનોલ માટે પરિવહનથી આગળ વધવાની નવી તકો ઊભી થઈ રહી છે.
એનર્જી સેક્ટરના નિષ્ણાતોનું કહેવું છે કે હવે જનરેટર સેટ્સ (gensets), સ્ટેટિક એન્જિન- સ્થિર એન્જિન અને કૅપ્ટિવ પાવર એપ્લિકેશન્સમાં પણ બાયોફ્યુઅલનો ઉપયોગ કરવાના રસ્તાઓ ખૂલી ગયા છે. પરિણામે ખેતઉપજમાંથી ખેતઉપજમાંથી બાયોફ્યુઅલનો બનાવવાના ઉદ્યોગ સાથે સંકળાયેલા સાહસિકો માટે હવે પ્રશ્ન એ નથી કે ઇથેનોલ કામ કરશે કે નહીં, પરંતુ એ છે કે તેને કેટલાં ઝડપથી અને અસરકારક રીતે નવી એપ્લિકેશન્સમાં સમાવી શકાશે
EBPની સફર: નીતિથી અમલ સુધી
ભારતમાં ઇથેનોલ મિશ્રણની સફર સંકલિત અમલનું ઉત્તમ ઉદાહરણ છે. ભારત સરકારની સ્પષ્ટ નીતિ અને મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકોએ વાહનોમાં વપરાતા પેટ્રોલમાં ઇથનોલ બ્લેન્ડિંગના ટાર્ગેટ સમય પહેલા જ પાર કરી લીધા છે. સરકારના સ્પષ્ટ લક્ષ્યાંકોને પરિણામે ઇથેનોલના ઉત્પાદકો માટે નિશ્ચિત માંગ ઊભી કરી દીધી હતી.
બીજું, ફીડસ્ટોકમાં વૈવિધ્યતા – C અને B મોલેસિસ, શેરડીનો રસ, વધારાનો ભાત, બગડેલું અનાજ અને મકાઈમાંથી ઇથેનોલ ઉત્પાદન કરીને ટાર્ગેટને પહોંચી વળવું શક્ય બન્યું છે. તેની સાથે જ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે પણ વ્યાજ સબસિડી યોજના અને OMC દ્વારા લાંબા ગાળાના ખરીદી કરારો કર્યા હોવાથી ડિસ્ટિલરી ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો હતો. ત્રીજું, બજારે આ પરિવર્તનને સ્વીકારી લીધું હતું. એન્જિનિયરિંગ સેક્ટરના સાહસિકોએ અને વાહન ઉત્પાદક કંપનીઓએ E20 અનુકૂળ એન્જિન્સ પણ વિકસાવ્યા હતા. પરિણામે 2025માં જ ભારતે E20ના ટાર્ગેટને પહોંચી વળવામાં સફળતા મેળવી હતી. આજે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઇથેનોલ ઉત્પાદક અને વપરાશકર્તા દેશ બની ગયો છે.
પરિવહનથી આગળ કેમ વિચારવું જરૂરી છે?
પરિવહન ક્ષેત્ર સિવાયના ક્ષેત્રોમાં ઇથેનોલનો ઉપયોગો પણ એટલા જ મહત્વપૂર્ણ છે. ડીઝલ જનસેટ દર વર્ષે કરોડો લિટર ઈંધણ વાપરે છે. તેથી ઇથેનોલ તેનો વિકલ્પ બની શકે છે. તેનાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થઈ શકે છે. બાયોજેનિક ઇથેનોલ જીવનચક્ર આધારિત ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડે છે. ટેલિકોમ, હોસ્પિટલ, ડેટા સેન્ટર જેવા ક્ષેત્રોમાં ઇથેનોલ આધારિત જનસેટ્સ સ્વચ્છ બેકઅપ પાવર પૂરી પાડી શકે છે. ઇથેનોલનો વધતો ઉપયોગ ગ્રામ્ય અર્થતંત્ર સાથે જોડાયેલો છે. ખેતી માટેના વૉટરપંપ અને નાના એન્જિનમાં ઇથેનોલનો ઉપયોગ સ્થાનિક કૃષિ ઉત્પાદન સાથે ઊર્જાની જરૂરિયાત જોડે છે.
તકનીકી શક્યતાઓ
છેલ્લા દાયકાના સંશોધન અને પાયલટ પ્રોજેક્ટ્સ દર્શાવે છે કે પેટ્રોલ જનસેટ્સ – સ્પાર્ક ઇગ્નિશન જનસેટમાં E100 ઇથેનોલથી વધુ કાર્યક્ષમતા અને ઓછી ઉત્સર્જન જોવા મળ્યું. છે. ડીઝલ જનસેટ્સમાં ઇથેનોલનો સીધો ઉપયોગ મુશ્કેલ છે, પરંતુ ઇથેનોલ-ડીઝલ ઇમલ્શન અને કો-ફાયરિંગથી સકારાત્મક પરિણામો મળ્યા છે. કૅપ્ટિવ પાવર માટે પણ ઇથેનોલનો ઉપયોગ શક્ય છે. ઇથેનોલ બનાવતી ડિસ્ટિલરીઓ પહેલેથી જ ઇથેનોલના બાય-પ્રોડક્ટ્સથી વીજ ઉત્પાદન કરે છે. આમ ઇથેનોલના વપરાશનું ફલક વિસ્તારવું ટેકનિકલી શક્ય છે, પરંતુ વ્યાપારી સ્તરે અમલ માટે નીતિ અને બજાર આધાર જરૂરી છે.
ઇથેનોલના નવા વપરાશ સામેનાપડકારો
ઇથનોલથી ચાલે તે માટે એન્જિન સુસંગત હોવા જરૂરી છે. મોટાભાગના જનસેટ ડીઝલ આધારિત છે; ઇથેનોલથી તેને ચાલતા કરવા માટે માટે ફેરફાર કરવા જરૂરી છે. ફ્યુઅલ સ્ટોરેજ અને લોજિસ્ટિક્સ ઇથેનોલ માટે અલગ હેન્ડલિંગ અને સ્ટોરેજ વ્યવસ્થા હોવી જરૂરી બની ગઈ છે. ઇથેનોલ અને ડીઝલના ખર્ચમાં સંતુલન લાવવા સરકાર તરફથી પ્રોત્સાહન મળવું જરૂરી છે.
ઉદ્યોગ માટે આગળનો રોડમૅપ
ટેલિકોમ ટાવર, હોસ્પિટલ, કોલ્ડ ચેઇન અને ડેટા સેન્ટરમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા જરૂરી છે. બીજું, E100 અને ડ્યુઅલ-ફ્યુઅલ જનસેટ વિકાસ થવો અનિવાર્ય છે. ઇથેનોલ-ડીઝલ ઍડિટિવ્સમાં R&D કરવા પર ફોકસ કરવું જરૂરી છે. ઇથેનોલ ઉત્પાદન ઝોન નજીક ક્લસ્ટર આધારિત અમલ વ્યવસ્થાને અમલમાં લાવવી જરૂરી છે. તેના પરના GSTના દરમાં ઘટાડો કરીને પણ પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેમને ઘસારા- ડિપ્રિસિએશન લાભ અને જાહેર ખરીદીમાં પ્રોત્સાહન આપવાનું સરકાર પગલું લઈ શકે છે.
EBP કાર્યક્રમથી સાબિત થયું છે કે યોગ્ય નીતિ અને સહયોગથી ઇથેનોલ રાષ્ટ્રીય સ્તરે અપનાવી શકાય છે. હવે સમય છે કે ઇથેનોલને પરિવહનથી આગળ, જનસેટ અને સ્થિર એન્જિન ક્ષેત્રમાં મજબૂત વિકલ્પ બનાવવામાં આવે તે જ સમયની માગ છે.


