• 23 December, 2025 - 10:01 AM

ઓમાન સાથેનું FTA નિકાસ બજારોમાં વેપારમાં વિવિધતા વધશે, વધુ સેક્ટરનો વેપાર થશે

  • ભારતમાંથી ટેક્સટાઇલ, ગાર્મેન્ટ્સ, ફૂટવેર, રત્ન-આભૂષણ, કૃષિ ઉત્પાદનો, ઇલેક્ટ્રિકલ અને એન્જિનિયરિંગ માલની નિકાસને વેગ મળશે
  • ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ડિવાઇસિસ અને ઓટોમોબાઇલ્સ ક્ષેત્રને પણ લાભ થવાની સંભાવના

ઓમાન સાથે ભારત સરકારે તાજેતરમાં જ કરેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (Comprehensive Economic Partnership Agreement – CEPA)ને પરિણામે બંને દેશો વચ્ચેના વેપારમાં વિવિધતા આવશે. સૌથી મહત્વની વાત એ છે કે પ્રસ્તુત કરારથી શ્રમ આધારિત નિકાસોને વધુ સરળતાથી બજારમાં પ્રવેશ મળશે. તેમાંય ખાસ કરીને સર્વિસ સેક્ટર- સેવા ક્ષેત્રના વ્યાવસાયિકોની અવરજવર સરળ બનશે. આમ અંદાજે 7.5 લાખ ભારતીયોની વસતિ ધરાવતા ઓમાન સાથેના સંબંધ મજબૂત પણ બનશે. ઓમાનમાં વસતા ભારતીયો તરફથી વરસે અંદાજે $2 અબજ ભારતમાં મોકલવામાં આવે છે.

ઓમાન સાથે વેપાર અને રાજનૈતિક સંબંધો મજબૂત બનાવવાનું એક મહત્વનું કારણ એ પણ છે કે આ દેશ પર્શિયન ગલ્ફના પ્રવેશદ્વાર પર વ્યૂહાત્મક વિસ્તારમાં આવેલો છે. આ વિસ્તારમાંથી જ ભારતના અડધાથી વધુ ક્રૂડની આયાત થાય છે. આ કરારને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં પણ જોવો જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્ફના ટેરિફ વૉર અને તરંગી નિર્ણયોને પરિણામે અમેરિકા જેવા પરંપરાગત બજારો પર નિર્ભરતા ઘટાડવા માટે ભારત વિશ્વના વિવિધ પ્રદેશોમાં FTAs કરવા પ્રયત્નશીલ છે. આ પ્રયાસોથી ભાવ સંવેદનશીલ અને શ્રમ આધારિત નિકાસોને ફાયદો થશે. ભલે મૂલ્યના હિસાબે તેમનો ફાળો મોટો ન હોય, પરંતુ કરોડો લોકોને રોજગાર પૂરું પાડે છે. એટલે કે, માત્ર આંકડાઓથી ઓમાન સાથેના FTAનું સંપૂર્ણ મહત્વ સમજાતું નથી.

ભારત અને ઓમાન વચ્ચેના દ્વિપક્ષીય વેપારની ભાગીદાર તરીકે ઓમાન ટોચના દેશોમાં ગણાતો નથી. ઓમાન સાથેના માલનો વેપાર કુલ $10.6 અબજ જેટલો છે. તેમ જ સેવા-સર્વિસિસના વેપારમાં $0.9 અબજનો વ્યવહાર થાય છે. માલ વેપારમાં ઓમાનને આશરે $2.5 અબજનો સરપ્લસ છે, જ્યારે સેવાઓમાં ભારતને $0.5 અબજનો સરપ્લસ છે.

ભારતના 98 ટકા નિકાસ પર ટેરિફ દૂર કરવાથી જે અગાઉ મોટા ભાગે 5 ટકાના દરે ઓમાનમાં પ્રવેશતી હતી. તે હવે દૂર થશે. તેનો ભારતના ટેક્સટાઇલ, ગાર્મેન્ટ્સ, ફૂટવેર, રત્ન-આભૂષણ, કૃષિ ઉત્પાદનો તથા ઇલેક્ટ્રિકલ અને એન્જિનિયરિંગ માલની નિકાસને મોટો વેગ મળશે, જ્યાં MSMEsનું પ્રભુત્વ છે. આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ડિવાઇસિસ અને ઓટોમોબાઇલ્સ ક્ષેત્રને પણ લાભ થવાની સંભાવના છે.

જોકે અત્યારે ભારત-ઓમાન દ્વિપક્ષીય વેપાર હજુ પણ મોટા ભાગે પેટ્રોલિયમ ઉત્પાદનો પર આધારિત છે. ઓમાન માટે ભારતની નિકાસમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો હિસ્સો 35 ટકા, પ્રોસેસ્ડ મિનરલ્સનો 9 ટકા, જ્યારે બાસમતી ચોખાનો હિસ્સો 4 ટકાથી ઓછો છે. ભારતની આયાતમાં પણ પેટ્રોલિયમ ઉત્પાદનોનો હિસ્સો લગભગ 40 ટકાનો છે. બીજી તરફ, ભારતે તેની લગભગ 78 ટકા ટેરિફ લાઇન્સ પર ટેરિફ ઘટાડ્યા છે, જેના કારણે કેટલીક પેટ્રોકેમિકલ વસ્તુઓ સસ્તી મળશે.

ઓમાન દ્વારા ભારતીય સેવા ક્ષેત્રના વ્યાવસાયિકો માટે દરવાજા વધુ ખુલ્લા કરાયા છે. કોન્ટ્રાક્ચ્યુઅલ સર્વિસ સપ્લાયર્સ માટે રહેવાની મુદત 90 દિવસથી વધારીને 2 વર્ષ કરવામાં આવી છે. કંપનીઓને પોતાના સ્ટાફને લાવવા માટેનો ક્વોટા પણ વધારવામાં આવ્યો છે. મેડિકલ, ટેક્સેશન અને એકાઉન્ટન્સી ક્ષેત્રના વ્યાવસાયિકો માટેની સરળ પ્રવેશ નીતિ પણ આ કરારનું મોટું આકર્ષણ છે.

$110 અબજની ઓમાનની અર્થવ્યવસ્થા હવે ભારત માટે વૈકલ્પિક બજારોની એક મહત્વપૂર્ણ કડી બની છે, જે વૈશ્વિક વેપાર ઉથલપાથલની અસર ઘટાડવામાં મદદ કરશે. વાસ્તવમાં, ભારત દ્વારા વધુ FTAs કરવાની રણનીતિ પાછળ સેવાઓની નિકાસ માટે નવા ગંતવ્ય સુરક્ષિત કરવાનો પણ ઉદ્દેશ છે. ખાસ કરીને ત્યારે, જ્યારે વિકસિત દેશોમાં ઇમિગ્રેશન વિરોધી ભાવનાઓ વધી રહી છે. જોર્ડન અને ઇથિઓપિયા જેવા દેશો સાથેનો સંપર્ક પણ આ જ વિશાળ વ્યૂહરચનાનો ભાગ ગણાય છે, જેનાથી ભારત પોતાની અસરક્ષેત્રોને વિસ્તૃત અથવા મજબૂત કરવા માગે છે.

 

Read Previous

અમેરિકામાં કામ કરતા સેંકડો H-1B વિઝા ધારકો ભારતમાં ફસાયા, જાણો કેમ…

Read Next

અંબુજા સિમેન્ટ્સના બોર્ડે ACC અને ઓરિએન્ટ સાથેના વિલનીકરણમાં શેર્સની કેવી રીતે ફાળવણી કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular