નેસ્લે ઇન્ડિયાએ લેક્ટોજન અંગે ખોટા દાવાઓ કર્યા હોવાથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ નોટિસ આપી
નેસ્લે ઇન્ડિયાએ લેક્ટોજન અંગે ખોટા દાવાઓ કર્યા હોવાથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ નોટિસ આપી
શિશુ આહારના ભ્રામક દાવાઓ સામે FSSAI લાલઘૂમ: નેસ્લે ઈન્ડિયા, એબોટ હેલ્થકેર અને ઝાયડસ વેલનેસ સહિતની કંપનીઓને નોટિસ
પ્રોટીન શરીરમાં જતા અને ડાયજેસ્ટ ન થતાં શિશુના પ્રારંભિક મહિનાઓમાં ચરબીના કોષો ઝડપથી વધે છે. તેના કારણે ભવિષ્યમાં બાળક ચાઇલ્ડહૂડ ઓબેસિટી (મેદસ્વીતા) અને ટાઇપ-૨ ડાયાબિટીસનો ભોગ બની શકે છે
નવી દિલ્હી: વિદેશી કંપનીઓ દ્વારા ભારતના અને ખાસ કરીને ગુજરાતના ગ્રાહકો તથા નવજાત શિશુઓના આરોગ્ય સાથે ચેડાં કે ભ્રામક પ્રચાર કરવાની ચેષ્ઠા સામે દેશની સર્વોચ્ચ પ્રોડક્ટ રેગ્યુલેટરી સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ કડક વલણ અપનાવ્યું છે. FSSAI દ્વારા દૂધ અને શિશુ આહાર ક્ષેત્રની જાણીતી વિદેશી કંપની નેસ્લે ઈન્ડિયા (Nestlé India)ને તેના લોકપ્રિય પ્રોડક્ટ્સ ‘લેક્ટોજન પ્રો ૧’ (Lactogen Pro 1) અને ‘નાન એક્સેલા પ્રો સ્ટેજ ૧’ (Nan Excella Pro Stage 1) પર કરવામાં આવેલા વિજ્ઞાપન અને પેકેજિંગના દાવાઓ બદલ નોટિસ પાઠવવામાં આવી છે.
શિશુ આહારના દાવાઓ પર વૈજ્ઞાનિક પુરાવા માંગ્યા
FSSAI એ નેસ્લેના ‘લેક્ટોજન પ્રો ૧’ ના પેકિંગ પર દર્શાવેલા “વે પ્રોટીન (Whey Protein) પચવામાં સરળ છે” તેવા દાવા સામે સવાલ ઉઠાવી કંપની પાસે નિર્ધારિત સમયમાં વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવા આદેશ આપ્યો છે. ઉપરાંત, ‘નાન એક્સેલા પ્રો સ્ટેજ ૧’ પર કરવામાં આવેલા “5 HMOs રોગપ્રતિકારક શક્તિ (Immune System) ને મજબૂત કરવામાં મદદ કરે છે” તેવા દાવાને પણ FSSAI નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ફૂડ સેફ્ટી એક્ટ મુજબ, કોઈપણ પરવાનગી વગર વ્યાપારી લાભ માટે રોગ કે શારીરિક સ્થિતિ સુધારવાના દાવા કરવા એ કાયદાકીય ગુનો છે. FSSAI એ નેસ્લેને ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬’ હેઠળ કાર્યવાહી કેમ ન કરવી તે અંગે ખુલાસો કરવા જણાવ્યું છે.
ઇન્ફન્ટ મિલ્ક સબસ્ટિટ્યૂટ એક્ટનું ઉલ્લંઘન
માત્ર નેસ્લે જ નહીં, પરંતુ એબોટ હેલ્થકેર (Abbott Healthcare), ન્યુટ્રિશિયા અને મીડ જોહ્નસન જેવી અન્ય બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમજ સોશિયલ મીડિયા (ઈન્સ્ટાગ્રામ) પર શિશુ આહારનું પ્રમોશન કરતી ઈન્ફ્લુએન્સર સામે પણ ‘ઇન્ફન્ટ મિલ્ક સબસ્ટિટ્યૂટ એક્ટ, ૧૯૯૨’ ના ઉલ્લંઘન બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સિવાય FSSAI એ ઝાયડસ વેલનેસ (Complan ના ‘2X ફાસ્ટર ગ્રોથ’ ના દાવા બદલ) અને ઓનલાઈન ડિલિવરી એપ ‘ઝેપ્ટો’ (એક્સપાયરી ડેટ વિતેલા બેસનની ડિલિવરી કરવા બદલ)ને પણ નોટિસ ફટકારી છે. FSSAI ની આ કડક કાર્યવાહીથી ગ્રાહકો અને ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય સાથે થતી રમતો સામે લાલબત્તી ધરાઈ છે. વાસ્તવમાં તો માતાનું દૂધ (Breast Milk) નવજાત શિશુઓ માટે શ્રેષ્ઠ અને સંપૂર્ણ આહાર ગણાય છે. જ્યારે માતાનું દૂધ અપર્યાપ્ત હોય અથવા શક્ય ન હોય, ત્યારે જ ડૉક્ટરની સલાહથી શિશુ આહાર આપવામાં આવે છે. નેસ્લે ઈન્ડિયાના ‘લેક્ટોજન’ (Lactogen) જેવા પ્રોડક્ટ્સ અંગે FSSAI એ તાજેતરમાં “વે પ્રોટીન (Whey Protein) પચવામાં સરળ છે” તેવા દાવા સામે સવાલ ઉઠાવી વૈજ્ઞાનિક પુરાવા માંગ્યા છે.
વૈશ્વિક અને રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ—જેમ કે યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી (EFSA), વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસો અને માર્ગદર્શિકાઓ મુજબ શિશુ આહારમાં પ્રોટીનની માત્રા, ગુણવત્તા અથવા તેનું અસંતુલન હોય તો બાળકના શરીરમાં ‘ઇન્સ્યુલિન’ અને ‘IGF-1’ (Insulin-like Growth Factor 1)નું સ્તર અનિયંત્રિત રીતે વધે છે. પરિણામે શિશુના પ્રારંભિક મહિનાઓમાં ચરબીના કોષો ઝડપથી વધે છે, જેના કારણે ભવિષ્યમાં બાળક ચાઇલ્ડહૂડ ઓબેસિટી (મેદસ્વીતા) અને ટાઇપ-૨ ડાયાબિટીસનો ભોગ બની શકે છે.
કિડની પર અતિશય બોજઃ શિશુઓની કિડની જન્મ સમયે સંપૂર્ણ પરિપક્વ હોતી નથી. ઉચ્ચ અથવા અસંતુલિત પ્રોટીન પાચન પછી પ્રોટીનના બાય-પ્રોડક્ટ્સ એટલે કે યુરિયા અને નાઈટ્રોજન યુક્ત કચરો લોહીમાંથી છૂટો પડે છે. બાળકની અપરિપક્વ કિડનીને આ કચરો બહાર કાઢવા માટે વધારાની મહેનત કરવી પડે છે, જેનાથી કિડની પર દબાણ વધે છે અને ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની અછત) નું જોખમ ઊભું થાય છે.
પાચનતંત્ર અને પેટની સમસ્યાઓ
પ્રોસેસ્ડ ‘વે પ્રોટીન’ કન્સન્ટ્રેટ દરેક શિશુના આંતરડા માટે સરળતાથી સુપાચ્ય હોતું નથી. જો પ્રોટીન યોગ્ય રીતે હાઇડ્રોલાઇઝ્ડ (Hydrolysed) ન હોય અથવા બાળકને ડેરી પ્રોટીન પ્રત્યે સંવેદનશીલતા હોય, તો તે નકારાત્મક અસર કરે છે. શિશુઓમાં પેટમાં ગેસ થવો, કબજિયાત, ઉલટી, પેટમાં દુખાવો અથવા ઝાડા થવાની સમસ્યાઓ જોવા મળે છે.
એલર્જી અને રોગપ્રતિકારક શક્તિ પર અસર
ગાયના દૂધમાંથી પ્રોસેસ કરીને બનાવવામાં આવતું વે પ્રોટીન માતાના કુદરતી દૂધના પ્રોટીન કરતાં બંધારણીય રીતે અલગ હોય છે. સંવેદનશીલ ત્વચા અથવા કૌટુંબિક એલર્જી ધરાવતા બાળકોમાં આ પ્રોટીન એલર્જિક રિએક્શન (જેમ કે એટોપિક ડર્મેટોલોજી/એકઝીમા અથવા શ્વાસમાં તકલીફ) ઉત્પન્ન કરી શકે છે.
FSSAI નો મુખ્ય વાંધો શું છે?
FSSAI ની મુખ્ય ચિંતા એ છે કે કંપનીઓ પેકેજિંગ પર “વે પ્રોટીન પચવામાં સરળ છે” અથવા “રોગપ્રતિકારક શક્તિ વધારે છે” જેવા સામાન્યીકૃત (Generalized) દાવાઓ કરીને માતાપિતાને ગેરમાર્ગે દોરે છે. કાયદા મુજબ, કોઈપણ ઉત્પાદક ચોક્કસ વૈજ્ઞાનિક ડેટા અને મંજૂરી વગર પોતાના પ્રોડક્ટને માતાના દૂધથી શ્રેષ્ઠ અથવા સારવાર આંકતી જાહેર કરી શકે નહીં.
(નોંધ: બાળકો માટે માતાનું દૂધ જ સર્વશ્રેષ્ઠ છે. કોઈપણ બહારનો શિશુ આહાર શરૂ કરતા પહેલા બાળરોગ નિષ્ણાત (Pediatrician) ની સલાહ લેવી અનિવાર્ય છે.)

