જીપીસીબીનું અજીબ મોનિટરિંગમાં ક્ષતિઓઃ બહેરામપુરામાં ધમધમી રહેલા સીલ કરેલા, ક્લોઝર આપેલા પ્રોસેસિંગના એકમો

- રોજનું અંદાજે 12થી 15 લાખ લિટર દૂષિત પાણી ટ્રીટમેન્ટ વિના જ અમ્યુકોની ગટરલાઈનમાં છોડી દે છે, રસ્તાઓ પર રેલાતા પાણી
અમદાવાદઃઅમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા સુએજ ફ્રામ રોડ અને સમ્પ -એફના સીઈટીપી સુધી જતાં ટ્રેક્ટરગલીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમોનો સરેઆમ ભંગ કરીને પ્રદુષણ ફેલાવતા 12થી 14 એકમો સક્રિય છે. ટેક્સટાઈલ પ્રોસેસિંગ અને વૉશિંગના કામકાજ કરતાં આ એકમો સીઈટીપીમાં પ્રોસેસ દૂષિત પાણી છોડી દેવાને બદલે આ પાણી અમ્યુકોની ડ્રેઈનેજ લાઈનમાં જ છોડી દે છે. એક યુનિટ રોજનું અંદાજે 1થી 1.5 લાખ લિટર દૂષિત પાણી અમ્યુકોની ગટરલાઈનમાં છોડી દે છે. તેઓ કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વિના કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યા છે. તેમના પાણીના વેગને કારણે બહેરામપુરા સુએજ ફાર્મ રોડ પર દૂષિત પાણી હોવાનું જોવા મળે છે.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના બહેરામપુરા વિભાગના અધિકારીઓ પણ સમયાંતરે બારથી ચૌદ યુનિટ્સની મુલાકાત લઈ લે છે, પંરતુ તેમના થકી થતાં પ્રદુષણને અટકાવવા માટે કોઈ જ નક્કર પગલાં લેતા નથી.ધ્વનિ ઇન્ડસ્ટ્રીઝ એક નોટોરિયસ યુનિટ છે. ધ્વનિ ઇન્ડસ્ટ્રીઝે અમ્યુકો પાસેથી નો ડ્રેનેજ સર્ટિફિકેટ લેવાનું હોય છે. પરંતુ ધ્વનિ ઇન્ડસ્ટ્રીઝે અમ્યુકો પાસે આ પ્રમાણપત્ર લીધું જ નથી. તેથી જીપીસીબી તરફથી તેને યુનિટ ચલાવવા માટેની મંજૂરી મળી જ શકે નહિ. જોકે જીપીસીબીના અધિકારીઓના મેળાપીપણામાં તેને યુનિટ ચલાવવાની ગેરકાયદે મંજૂરી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. છતાંય આ યુનિટ ધમધમી રહ્યું છે. ધ્વનિ ઇન્ડસ્ટ્રીઝે નિયમ ભંગ કર્યો હોવાથી તેને ક્લોઝરનો ઓર્ડર કરવામાં આવ્યો તે પછી ક્લોઝ પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને એકમ ચાલી રહ્યું છે. આમ તો ધ્વનિ ઇન્ડસ્ટ્રીઝનું એકમ ચાલુ કરવામાં આવ્યું ત્યારથી રેડ ઝોનમાં એટલે કે જોખમી કેટેગરીમાં તે ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ તેણે ઓરેન્જ ઝોનમાં તેનું એકમ હોવાનું જણાવીને જીપીસીબીમાંથી પરવાનગી મેળવી છે. તેના એકમથી રેસિડન્ટ 250 મીટર દૂર હોવા જરૂરી છે. પરંતુ ધ્વનિ ઇન્ડસ્ટ્રીઝની દિવાલને અડીને જ એટલેકે સાતથી દસ ફૂટના અંતરે વૈશાલી નગરના અંદાજે 1000 જેટલા રહેઠાણો આવેલા છે.
સમ્પ એફ પાસે આવેલું જિગર પ્રોસેસિંગને દોઢ વર્ષ પહેલા સીલ કરવામાં આવેલું છે. અમ્યુકોએ સીલ દૂર કર્યું ન હોવા છતાં જિગર પ્રોસેસિંગનું એકમ ચાલી રહ્યું છે. કાયદેસર રીતે જિગર પ્રોસેસિંગે સીઈટીપીમાં પાણી છોડવું જોઈએ. પરંતુ સીઈટીપી ક્લોઝરમાં હોવાથી તે પાણી અમ્યુકોની ગટરમાં છોડતું હતું. તેથી અમ્યુકોએ તેના એકમને સીલ કરેલું છે. આ એકમને સીલ કરેલું હોવા છતાંય તે ચાલી રહ્યું છે. આ એક ન સમજાય તેવી સ્થિતિ છે. કંપનીએ સીલ તોડી નાખ્યું છે કે કોઈ બીજો રસ્તો કાઢ્યો છે તે સમજાતું નથી.
ડેનિમ વૉશિંગનું કામ કરતાં કૃષ્ણા કોટન નામના એકમને પણ ક્લોઝર આપવામાં આવેલું છે. તેણે એકમ ચાલુ કરતાં દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવાની આગોતરી પરવાનગી મેળવી નથી. તેમ જ વૉટર એક્ટ, એર એક્ટ અને હેઝાર્ડસ વેસ્ટ કોન્સોલિડેટેડ કન્સેન્ટ અને ઓથોરાઈઝેશન લીધી નથી. પરંતુ આઘાતજનક બાબત તો એ છે કે આ યુનિટ પર બેરોકટોક ચાલુ જ છે. કૃષ્ણા કોટનનું વીજ જોડાણ કપાયેલું હોવા છતાં આસપાસના એકમો પાસેથી વીજ જોડાણ લઈને એકમ ચલાવવામાં આવી રહ્યું છે. આ ત્રણેય એકમ ઉપરાંત બાકીના 11થી 12 એકમો અંગેની એક ફરિયાદ જીપીસીબીને તથા મંત્રી કક્ષાએ આપવામાં આવેલી છે. પરંતુ આજદિન સુધી તેમની સામે કે બાકીના બાર જેટલા એકમો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે આખો રસ્તો દૂષિત પાણી અને તેની ગંધથી રસ્તા પરથી પસાર થનારાઓ માટે માથાના દુઃખાવા સમાન બની ગયો છે.


