• 17 December, 2025 - 12:42 PM

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભરપૂર ઉપયોગ કરી રહેલી ભારતીય ફાર્મા કંપનીઓ

  • નવી દવાના સંશોધન, ક્લિનિકલ ટ્રાયલ, મેન્યુફેક્ચરિંગમાં ક્વોલિટી કંટ્રોલ કરવા, પેકેજિંગ અને સપ્લાય ચેઈનને અસરકારક બનાવવા સેલ્સ એનાલિસિસ સહિતના કામકાજ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો થઈ રહેલો ઉપયોગ
  • લેબોરેટરીમાં તેના અખતરા કરવા કે જાનવરો પર તેના ટ્રાયલ લેવાની કામગીરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદ કરે છે. ત્યારબાદ જ માનવ પર તેના અખતરાઓ કરવામાં આવે છે.

 

ભારત અને ગુજરાતમાં આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ, એનએલપી અને જનરેટીવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધી રહ્યો છે. ગુજરાતની ફાર્મા ઇન્ડસ્ટ્રી તેનો ભરપૂર લાભ ઊઠાવવા માંડી છે. નવી દવાઓના સંશોધન કરવામાં, ક્લિનિકલ ટ્રાયલ લેતા પહેલા ડ્રગનું સ્ક્રિનિંગ કરવા માટે, ક્લિનિકલ ટ્રાયલનો સંપૂર્ણ રોડમેપ તૈયાર કરવા માટે, મેન્યુફેક્ચરિંગમાં ક્વોલિટી કંટ્રોલ કરવા, ફાર્માકોવિજિયલન્સ માટે, પેકેજિંગ અને સપ્લાય ચેઈનમાં દવાનું પગેરું રાખવા, પર્સનાલાઈઝ મેડિસિન અને માર્કેટિંગ, સેલ્સ એનાલિસિસ સહિતના વ્યાપારિક કામકાજ કરવા માટે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થવા માંડ્યો છે. પ્રી ક્લિનિકલ સ્ક્રિનિંગમાં ડ્રગ ટેસ્ટિંગ, ડ્રગથી થતી સારવાર, લેબોરેટરીમાં તેના અખતરા કરવા કે જાનવરો પર તેના ટ્રાયલ લેવાની કામગીરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદ કરે છે. ત્યારબાદ જ માનવ પર તેના અખતરાઓ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટ્રીટમેન્ટની અસરકારકતાનો અને ક્લિનિકલ ટ્રાયલ આગળ વધારવી યોગ્ય છે કે નહિ તેનું માર્ગદર્શન આપવાનું કામ કરે છે.

ડ્રગ્સ-દવાઓના મિશ્રણથી નવો મોલેક્યુલ્સ કયો તૈયાર થઈ રહ્યો છે તેની આગાહી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરી આપી શકે છે. આ મોલેક્યુલ્સમાંના વિષારી તત્વો, તેના જેવા અન્ય તે જ મોલેક્યુલ્સમાંથી કયા મોલેક્યુલ્સનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવું તે અંગે માર્ગદર્શન આપી શકે છે. આ રીતે દવા પર સંશોધન કરવા માટેના સમયમાં ઘટાડો લાવી શકે છે. આજે સન ફાર્મા જેવી મોટી ફાર્મા કંપનીઓ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતી થઈ ગઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માર્કેટિંગના સમયમાં ઘટાડો કરી આપે છે. દવાની ક્વોલિટીમાં સુધારો કરે છે. સપ્લાય ચેઈનને વધુ સંગીન બ નાવે છે. ફાર્મા કંપનીઓ ડેટા ગવર્નન્સમાં રોકાણ કરે અને ક્વોલિટીમાં સુધારો કરવા પર ફોકસ કરે તો સારા પરિણામ મળી શકે છે. ભારતીય કંપનીઓની વાત કરીએ તો સન ફાર્મા, ઝાયડસ લાઈફ સાયન્સ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, બાયોકોન, ટાટા એલેક્સિ એન્ડ ટીસીએસ લાઈફ સાયન્સ, મેનકાઇન્ડ ફાર્મા જુદાં જુદાં કામ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે દરેક કામ ઝડપથી થાય છે. તેથી સમયની બચત થાય છે. તેમ જ કામ માટે કરવો પડતો ખર્ચ ઓછો થાય છે. કામની ગુણવત્તામાં સુધારો થાય છે. કામમાં કોઈક અનિયમિતતા હોય તો તે પકડી પાડવાના સંકેતો વધુ ઝડપથી આપી શકે છે. આમ દવાની સલામતી અને અસરકારકતામાં સુધારો કે વધારો કરે છે. તેમ જ કોઈપણ નિર્ણય લેવામાં ટેકો આપે છે. છતાં તેના પર માનવ નજર રાખે અને બધું જ બરાબર ચાલી રહ્યું હોવાની બાબતને સમર્થન આપે તે જરૂરી છે. ચોક્કસ દરદીના ડેટાને આધારે તેને માટે કઈ થેરપી પસંદ કરવી તેનું માર્ગદર્શન પણ આપી જ શકે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI ટ્રાયલ લેવા માટેનો રોડમેપ તૈયાર કરી આપવામાં, ટ્રાયલ માટેની પાત્રતા નક્કી કરી આપવામાં, ટ્રાયલ માટેની પાત્રતા ધરાવતી વ્યક્તિઓને શોધી આપવામાં, તેમ જ અધવચ્ચેથી ટ્રાયલમાંથી નીકળી જવાની સંભાવના ધરાવતી વ્યક્તિઓને પારખી લેવામાં, તેમ જ ટ્રાયલના અંતિમ પરિણામોનો અંદાજ આપવામાં તથા જૂના ડેટાને આધારે સિન્થટિક કંટ્રોલ ઊભો કરવામાં મદદ કરે છે. સિન્થેટિક કંટ્રોલ એ એક આંકડાંકીય માહિતી છે. સિન્થેટિક કંટ્રોલ ગ્રુપમાંથી સિંગલ યુનિટ આપવાથી થનારી અસરનો અંદાજ આપી શકે છે. એક કરતાં વધુ કંટ્રોલ યુનિટમાંથી કયા કયા યુનિટના કોમ્બિનેશનથી વધુ અસરકારકતા લાવી શકાય તેનો અંદાજ આપે છે.

દવાઓ અને રસીને કારણે રોગને ફેલાતો અટકાવવામાં અને રોગરની સારવાર કરવામાં ખાસ્સી મદદ મળે છે. પરંતુ દવા કે રસીના લાભ શું થશે તેનો દાવો કરતા પહેલા તેની અનિચ્છનિય આડઅસરનો અભ્યાસ કરીને તેને નિષ્ક્રિય કરવામાં તથા દવાને લગતા અન્ય પ્રશ્નોનું નિવારણ લાવવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદ કરે છે. તેને ફાર્માકોવિજિલન્સ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આમ દવાની સલામતી વધારવામાં અને તેની ખરાબ અસરને નિવારવામાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદ કરે છે. તેનો ડોઝ નક્કી કરવામાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદ કરે છે. સન ફાર્માએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એડવાન્સ ટેકનોલોજી અપનાવી છે. અમદાવાદની ટોરેન્ટ ફાર્માએ પણ ડ્રગ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા માંડ્યો છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દવા બનાવવાની સમગ્ર પ્રોસેસમાં રહી ગયેલી ખામીનો પણ નિર્દેશ આપી જ શકે છે. તેમ જ દવા બનાવવાના ઉપકરણોની જાળવણી અને તેના થકી મહત્તમ ઉત્પાદન મેળવવામાં પણ મદદ કરે છે. તેના પેકેજિંગમાં મદદ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવટી કે ડુપ્લિકેટ દવાઓને અલગ તારવી આપવામાં પણ મદદ કરે છે. સપ્લાયમાં શોર્ટેજ હોય તો તેનો પણ નિર્દેશ આપી દે છે. સપ્લાય ચેઈનને વધુ અસરકારક બનાવવા  માટેનું માર્ગદર્શન પણ આપે જ છે. દવાના સપ્લાયના રૂટ પણ ગોઠવી આપી શકે છે.ઝાયડસ કેડિલાએ સપ્લાય ચેઈન માટે તેનો પ્રભાવક ઉપયોગ કર્યો છે. તદુપરાંત દવાના માર્કેટિંગ અને કોમર્શિયલ એનાલિસિસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકો આપી શકે છે. ઝાયડસ કેડિલાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારીત પક્ષાઘાતના દરદીઓ માટેનું નેટવર્ક ગુજરાતમાં લોન્ચ કર્યું છે. આ આર્ટિફિશિલય ઇન્ટેલિજન્સ આધારિત ક્લિનિકલ કેરનું ઉદાહરણ જ છે. ભારતની 50 ટકાથી વધુ ફાર્મા કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ઇન્ટરનેટ ઓફ થિન્ગ્સનો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરી રહી છે. માર્કેટિંગ, પેકેજિંગ, સપ્લાય ચેઈન અને પ્રોડક્ટ્સના ટ્રેકિંગ માટે આ ટેકનોલોજીઓનો ઉપયોગ કરી રહી છે. મેનકાઈન્ડ ફાર્મા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પુષ્કળ ઉપયોગ કરતી કંપની છે. ભારતની ફાર્મા કંપનીઓ મોલેક્યુલ પ્રેડિક્શનમાં, મોલેક્યુલની ઓળખવામાં, મોલેક્યુલના વિષારી તત્વોને પારખવા માટે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને ઝડપી બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેજિલન્સનો ઉપયોગ કરે છે. તેને કારણે ડ્રગ ડિસ્કવરી ટાઈમમાં 30થી 50 ટકા ઘટાડો થઈ જાય છે. 

સિપ્લા, એરિસ ગ્લોબલ ઇન્ડિયા પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લઈ રહી છે. એઆઈની મદદથી દવાની સલામતી અંગેના લાખો અહેવાલોનો સ્કીન કરીને તેનો ડેટા થોડી મિનિટોમાં જ મેળવી શકાય છે. દવાના વિપરીત રીએક્શન આવતા હોય તો તેનો અંદાજ પણ આ રિપોર્ટ્સ પરથી મળી જાય છે. મેન્યુઅલ ટી દવાની સલામતીનો રિપોર્ટ તૈયાર કરે તે પહેલા જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેની સલામતી અંગેની વિગતો પૂરી પાડી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એનએલપી મોડેલમાં કામ કરીને ઘણું કામ આસાન કરી શકાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એનએલપી મોડેલ માનવ ભાષાને સમજીને તેના પર પ્રક્રિયા કરી શકે છે. તેમ જ માનવ લાગણીનું વિશ્લેષણ કરી શકે છે. તેનું ભાષાંતર કરીને તેને આધારે લખાણ તૈયાર કરીને આપી શકે છે. તેને માટે Glenmark Pharmaceuticals આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સિગન્લ ડિટેક્શન ટુલ્સનો ઉપયોગ કરે છે. એકથી વધુ ડ્રગ વચ્ચે થતાં ઇન્ટરેક્શન એટલે કે મલ્ટી ડ્રગ ઇન્ટરેક્શનની વિગતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઝડપથી આપી શકે છે. પ્રદેશવાર જિનોમિક્સના ડેટા પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તૈયાર કરી આપી શકે છે. દરેક પ્રાન્તના લોકોની જિનોમિક્સની સિક્વન્સ અલગ અલગ હોય છે તેનો ડેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઝડપથી એકત્રિત કરી શકે છે. તેને આધારે દવાનો ડોઝ પણ નક્કી કરી આપી શકે છે. ટોક્સોકોલોજીના પ્રેડિક્શન માટે Jubilant Biosys આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પ્રોડક્ટની ડિમાન્ડની વિગતો મેળવી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારા પ્રોડક્ટ્સની ડિમાન્ડ કેવી રહેશે તેની આગાહી કરવામાં પણ સહાય કરી શકે છે. તેમ જ તેને માટે કઈ ટેરેટરી-પ્રદેશ કઈ રીતે વિભાજિત કરવો તે અંગ પણ માર્ગદર્શન આપી શકે છે. આ જ રીતે ડૉક્ટર અને દરદીના વર્તન અંગે પણ પ્રેડિક્શન કરી શકે છે. તદુપરાંત પર્સનલાઈઝ માર્કેટિંગમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને મદદ કરી શકે છે. સપ્લાય ચેઈનમાં સપ્લાયને ઓછા ખર્ચ સરળ બનાવવાની કામગીરીમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદ કરી શકે છે. સિપ્લા કંપનીએ તેના પ્રોડક્ટ્સની ડિમાન્ડ અંગે માહિતી મેળવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો છે. મેનકાઈન્ડ ફાર્માએ તેના વેચાણ માટેના માનવબળની કામગીરીનું વિશ્લેષણ કરવા માટે એઆઈનો ઉપયોગ કર્યો છે. આ જ રીતે અમદાવાદની ઇન્ટાસ ફાર્માએ કોલ્ડ ચેઈન સપ્લાયને મેનેજ કરવા માટે પ્રેડિક્શન-આગાહી કરતાં ઉપકરણોનો ઉપયોગ પણ કર્યો છે. મેનકાઈન્ડ ફાર્માએ વેલ્યુ ચેઈનમાં પ્રોડક્ટ્સના વેચાણ, માર્કેટિંગ, ડિમાન્ડ પ્લાનિગ, પ્રોક્યુરમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો છે. ડૉ. રેડ્ડીઝ લોરેટરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિગની મદદથી ડ્રગ ડિસ્કવરી પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. બાયોકોને ઓરલ કેન્સરના સ્કેનિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સ્માર્ટ ફોન એપ તૈયાર કરાવડાવી છે. તેમાં ઇમેજનું એનાલિસિસ કરવાની, મશીન લર્નિંગ મોડેલનો સમાવેશ કર્યો છે. Zifo Technologies ફાર્મા ઉદ્યોગમાં એઆઈના ઉપયોગ અંગે વ્હાઈટ પેપર પબ્લિશ કર્યું છે.

 

Read Previous

ફાસ્ટફૂડ બિનતન્દુરસ્ત હોવાથી તેનો ઉપયોગ ઘટાડવા તેના પર વધુ જીએસટી વધારવા વિચારણા

Read Next

ભારતની સૌથી મોટી એરલાઇનમાં ક્રૂની અછત, 70 થી વધુ ફ્લાઇટ્સ રદ, કંપનીના શેર પર અસર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular