ગુજરાત સરકારે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025 લોંચ કરી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સરકાર દ્વારા ઇન્ટિ ગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું ગુરુવારે ગાંધીનગર ખાતે લોન્ચીંગ કરાયું હતું. આ પોલિસી, રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ, નવીનતા અને ગ્રીડ સ્થિરતાને પ્રોત્સાહન આપીને ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ક્લીન એનર્જી હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું હોવાનું રાજય સરકારે જણાવ્યું હતું.
રાજ્યની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નેતૃત્વની પરંપરાને આગળ વધારતાં અને વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખી, ભારતના વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ ઇંધણ આધારિત ઊર્જા ક્ષમતાના લક્ષ્યાંકમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025 જાહેર કરવામાં આવી હતી.
આ પોલિસી સરળ અને એકીકૃત ફ્રેમવર્ક દ્વારા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને સુગમ બનાવવાનો, નવીન અને ઇમર્જિંગ ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાનો, ગ્રીડની સ્થિરતા વધારવાનો, ગ્રીન ઉર્જા ક્ષેત્રે રોજગારી સર્જવાનો અને ઊર્જા સુરક્ષા, વ્યાજબી દરો તથા ટકાઉ આર્થિક વિકાસ સુનિશ્ચિત કરતાં ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રિન્યુએબલ એનર્જી હબ તરીકે સ્થાપિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે, તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું.



