અમેરિકાએ H-1B વિઝા પર લાદેલી આકરી ફીથી ભારતની આઇટીના કામકાજ ઘટશે, આવક ઘટશે
ઇન્ફોસિસે ક્ત વિઝા ફી પર જ એક અબજ અમેરિકન ડૉલર એટલે કે લગભગ રૂ. 9,000 કરોડનો વધારાનો ખર્ચ વેંઢારવાનો આવ્યો હોત
અમેરિકાના તરંગી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વર્ક વિઝા માટે જાહેર કરેલી નવી 1 લાખ ડૉલર(લગભગ 90 લાખ રૂપિયા)ની ફીને પરિણામે ભારતની આઇટી અને આઇટી એનેબલ્ડ સર્વિસિસ એટલે કે ITeS-Information Technology Enabled Services પૂરી પાડતી કંપનીઓ માટે અમેરિકા H-1B વિઝા પર મોટી સંખ્યામાં કુશળ ભારતીય કર્મચારીઓ અમેરિકા મોકલવાનું કઠિન બની ગયું છે. આ કંપનીઓમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ઇન્ફોસિસ, વિપ્રો અને કોગ્નિઝન્ટનો સમાવેશ થાય છે. દર વર્ષે અમેરિકા સામાન્ય કેટેગરીમાં 65,000 અને ઉચ્ચ ડિગ્રી ધરાવનારા સ્કીલ્ડ વર્કર્સ માટે 20,000 મળીને કુલ 85000 H-1B વિઝા ઇશ્યુ કરે છે તેને માટે લાખો અરજી મળ્યા પછી લોટરી સિસ્ટમથી ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે.
એચ-1બી વિઝા મેળવવા માટે ઘણી આઇટી સ્ટાફિંગ કંપનીઓ લોટરી જીતવાની સંભાવના વધારવા માટે એક જ ઉમેદવાર માટે એકથી વધુ અરજીઓ કરીને સિસ્ટમનો દુરુપયોગ કરે છે. આ રીતે ‘સિસ્ટમ સ્પામ’થી ઓછી લાયકાત ધરાવતા લોકોને અમેરિકામાં નોકરી મળવાની સંભાવના વધી જાય છે. આ લોકો અમેરિકન કામદારો કરતાં ઓછા પગારે નોકરી સ્વીકારવા તૈયાર હોય છે, જેને લીધે અમેરિકનોને મળવાપાત્ર નોકરી ભારતીયોને મળી જાય છે અને અમેરિકાનું પગારનું બજાર પણ નીચું આવી જાય છે. પરિણામે અમેરિકાના યુવાનોનું અહિત થાય છે.
એક 1 લાખ ડૉલરનો ફી કરીને અમેરિકા સુનિશ્ચિત કરવા માંગે છે કે, ફક્ત લાયક ભારતીયોને જ અમેરિકામાં પ્રવેશ મળે. તેમ કરવાથી કંપનીઓ માત્ર ને માત્ર લાયકાત ધરાવતા ઉમેદવારો સિવાય કોઈપણ વ્યક્તિ પાછળ આટલી મોટી રકમનો ખર્ચ કરશે નહિ. તેથી અમેરિકાનું પગાર બજાર પણ નીચું નહીં જાય અને સ્થાનિકોને પણ નોકરી મળશે. ચાર વર્ષ પહેલાથી આ ફી લાગુ કરી દીધી હોત તો એટલે કે મે 2020થી મે 2024ના ગાળામાં લાગુ કરી દીધી હોત તો ભારતીય કંપનીઓને માથે બહુ જ મોટો આર્થિક બોજો આવી જવાની સંભાવના હતી.
ઇન્ફોસિસે 10,400થી વધુ નવા H-1B વિઝા માટે આ ફી ચૂકવી પડી હોત. આ તેમની એ જ સમયગાળાની નવી H-1B નિમણૂકોના ખર્ચથી 93થી વધુ છે. ફક્ત વિઝા ફી પર જ એક અબજ અમેરિકન ડૉલર એટલે કે લગભગ રૂ. 9,000 કરોડનો વધારાનો ખર્ચ વેંઢારવાનો આવ્યો હોત. આ જ રીતે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે 6,500 કર્મચારી માટે આ ફી ચૂકવવાની નોબત આવી હોત. તેની અસર નવા નિયુક્ત થનારા કર્મચારીઓના H-1B સ્ટાફના 82 ટકા સ્ટાફ પર તેની અસર પડી હોત. કોગ્નિઝન્ટે 5,600થી વધુ કર્મચારી માટે આ ચાર્જનો સામનો કરવાનો આવ્યો હતો. આ ખર્ચ કંપનીની તેમની નવી H-1B ભરતીના 89 ટકા જેટલો જ થયો હોત. આમ આંકડા દર્શાવે છે કે નવો ફી વધારો આ કંપનીઓના નફા પર સીધી અસર કરશે. આ ખર્ચ તેમની સેવા લેનાર અમેરિકી કંપનીને માથે નાખવો મુશ્કેલ બને તેમ છે. પરિણામે આ જવાબદારી તેમના માથા પર જ આવી હોત. કંપનીના નફામાં મોટી કપાત થઈ જવાની સંભાવના રહેલી છે.
આ જાહેરાત પછી સ્ટૉક માર્કેટ અને ગ્રાહકોને શાંત રાખવા માટે મોટી આઇટી કંપનીઓએ તાત્કાલિક પ્રતિભાવ આપ્યા છે. આ ફી વધારાથી કોગ્નિઝન્ટના કામકાજ પર મર્યાદિત અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કોગ્નિઝન્ટના સૂત્રોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે વિઝા પરની અમારી નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. ઇન્ફોસિસના સૂત્રોનું કહેવું છે કે અમારી કંપનીમાં અમેરિકામાં મર્યાદિત સ્પોન્સરશિપની નીતિ છે. પરિણામે ગ્રાહક સેવામાં કોઈ વિક્ષેપ આવશે નહિ.
કંપનીઓ કેવા વિકલ્પો અજમાવી શકે?
એક, ઓફશોરિંગ અને નજીકના સ્થળેથી સેવાઓ (Nearshoring): અમેરિકામાં બેઠેલા કર્મચારીઓ પર આધારિત રહેવાને બદલે ભારતમાં આવેલા વિકસિત ડિલિવરી સેન્ટર્સમાંથી વધુ પ્રોજેક્ટ્સ ચલાવવા પર આ કંપનીઓ ફોકસ કરશે. તેમ જ કેનેડા, મેક્સિકો જેવા નજીકના દેશોમાં પોતાના કેન્દ્રો સ્થાપવાની નીતિને પણ અનુસરવામાં આવી શકે છે. બે, અમેરિકામાં ભરતી કરવા માટે અમેરિકન નાગરિકો અને સ્થાયી ગ્રીન કાર્ડ ધારક ભારતીયોને પ્રાથમિકતા આપવી.
ત્રણ, એક કામ ફરી ફરી કરવાનું હોય તેવા કિસ્સામાં એટલે કે પુનરાવર્તિત અને ઓછા કૌશલ્યવાળું કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશન ટૂલ્સનો ઉપયોગ કરીને કામ કરાવી લેવાનું પસંદ કરશે. આમ કરવાથી કર્મચારીઓ પરની નિર્ભરતામાં ઘટાડો આવી જશે. ચોથું, ઉચ્ચ-કૌશલ્ય પ્રોફાઇલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરશે. માત્ર જે કામ માટે H-1B વિઝાની ખરેખર જરૂર છે, ફક્ત તેવી જ ઊંચા દરજ્જાની નોકરીઓ માટે જ આ વિઝાનો ઉપયોગ કરવાના વિકલ્પને પસંદ કરવામાં આવશે. પાંચમું, ટ્રમ્પ વહીવટી તંત્રએ ફી વધારાની યોજના રજૂ તો કરી દીધી, પણ એની સામે તરત જ કાનૂની પડકારો ઊભા થયા છે. અમેરિકા ચેમ્બર ઑફ કોમર્સ અને કેટલાક રાજ્યોની સરકારોએ આ ફીના અમલીકરણ સામે અદાલતમાં કેસ કર્યા છે. તેમનું કહેવું છે કે આ પ્રકારે મોટી ફી લાદવાની વહીવટી તંત્રને કાયદેસર સત્તા જ નથી. આ રીતે ફી લાદીને અમેરિકી બિઝનેસને ભયંકર નુકસાન પહોંચાડશે. જોકે ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન સંબંધિત ઘણી યોજનાઓ અદાલતોમાં અટકાવાઈ છે અથવા રદ કરાઈ છે. આગામી કાનૂની સુનાવણી નક્કી કરશે કે આ ફી લાગુ થશે કે નહીં.
હાલ તુરંત તો આ ફી વધારો ભારતીય આઇટી કંપનીઓ માટે સંકટ સમાન જણાઈ રહ્યો છે, પરંતુ લાંબા ગાળે આ પગલું ભારતીય આઇટી ઉદ્યોગમાં પરિવર્તન આવશે. હવે આઇટી કંપનીઓએ ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા એનાલિટિક્સ, AI, સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવી ઉચ્ચ-મૂલ્યની, ઉચ્ચ-કૌશલ્ય ધરાવતી સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પડશે. તેને લીધે કંપનીઓનો ઓવરઓલ ગ્રોથ વધશે.
દેશમાં દરેક ક્ષેત્રમાં સ્વદેશીને પ્રોત્સાહન આપવાની લહેર વધતી જતી હોવાથી આઇટી કંપનીઓએ પણ હવે દેશના દરેક પ્રદેશમાં સ્થાનિક પ્રતિભા વિકસાવવી પડશે. જેમ જેમ વધુ જટિલ અને ઉચ્ચ-કૌશલ્યનું કામ ભારતમાં થવા લાગશે, તેમ તેમ દેશમાં જ ઉચ્ચ ગુણવત્તાની રોજગારીનું સર્જન થતું જશે, જેને લીધે બ્રેઇન ડ્રેઇન પણ ઘટશે.




