• 15 January, 2026 - 10:13 PM

હોમ સ્ટેના વીજ જોડાણધારકો પાસેથી કોમર્શિયલ વીજ કનેક્શનના ચાર્જ વસૂલો

 ટુરિઝમને પ્રોત્સાહન આપવા હોમ સ્ટેની કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારાના વીજ જોડાણને રેસિડન્ટ કનેક્શન ગણવાની દરખાસ્ત અનુચિત: ટેરિફ પિટીશનમાં માત્ર ટોરેન્ટ પાવરે વીજદરમાં યુનિટે 17 પૈસાનો વધારો માગ્યો- જર્ક

અમદાવાદઃ હોમ સ્ટેનો બિઝનેસ કરનારાઓના વીજ જોડાણને રેસિડન્ટના વીજ જોડાણ ગણવાની ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓએ ટેરિફ પિટીશનમાં કરેલી રજૂઆત સામે વિરોધ થવા માંડયો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળની ચાર વીજ વિતરણ કંપનીઓએ ૨૦૨૬-૨૭ના નાણાંકીય વર્ષ માટેના વીજદરના વધારા માટે રજૂ કરેલી ટેરિફ પિટિશનમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે હોમ સ્ટેના બિઝનેસ કરનારાઓના વીજ જોડાણને રેસિડન્ટની કેટેગરીમાં પ્રસ્તુત માગણી કરવામાં આવી છે.

ટેરિફ પિટીશનના અનુસંધાનમાં પોતાની રજૂઆત કરતાં ગુજરાત કૃષિ વીજ ગ્રાહક સુરક્ષા સંગઠનના મહામંત્રીનું કહેવું છે કે હોમ સ્ટેની પ્રવૃત્તિ એ સંપૂર્ણપણે કોમર્શિયલ એક્ટિવિટી જ છે. તેને રેસિડન્ટની કેટેગરીમાં ન મૂકવી જોઈએ. આ વલણ અન્ય વીજ ગ્રાહકોને માટે અન્યાયકર્તા છે. આ જ રીતે ગાય ભેંસના તબેલાની પ્રવૃત્તિ પશુપાલનની હોવા છતાં કોમર્શિયલ પ્રવૃત્તિની નજીકની કેટેગરીાં આવે છે. તેથી તે વીજ જોડાણને પણ રેસિડન્ટની કેટેગરીમાં મૂકવો અનુચિત છે.

ગુજરાત સરકારે હોમ સ્ટેની પોલીસી માટેનો મુસદ્દો જાહેર કર્યો હોવાથી તેના અનુસંધાનમાં વીજ વિતરણ કંપનીઓએ પ્રસ્તુત હોમ સ્ટે વાળાના વીજ જોડાણને રહેઠાણના વીજ જોડાણ ગણવાની માગણી કરી છે.ગુજરાત વીજ નિયમન પંચે હોમ સ્ટેની પોલીસીના મુસદ્દાની નકલ પણ અરજદાર કંપનીઓ પાસેથી મંગાવી છે.

ઇંટભઠ્ઠાના જોડાણને કૃષિ જોડાણ ન ગણવા જોઈએ

આ જ રીતે ઇંટભઠ્ઠાનું ઉત્પાદન કરનારાઓને આપવામાં આવતા વીજ જોડાણને ગયા વર્ષથી કૃષિ હેતુ સરનાર જોડાણ ગણવાનું નક્કી કરવાના નિર્ણય સામે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઇંટ ભઠ્ઠા ચલાવનારા મેન્યુફેક્ચરિંગની પ્રવૃત્તિ કરે છે. ટેરિફ પીટિશનની હિયરિંગ ફેબુ્રઆરીની મધ્યમાં થવાની સંભાવના છે. ટોરેન્ટ પાવરે ૩૦ લાખથી વધુ વીજ જોડાણ ધારકો પાસેથી જૂના બાકી લેણા રિકવર થઈ શકે તે માટે વીજદરમાં યુનિટદીઠ ૧૭ પૈસા વધારી આપવા માગણી કરી છે.

ટોરેન્ટ પાવરે યુનિટદીઠ ૧૭ પૈસાનો વધારો માગ્યો

જોકે ગુજરાતની એક પણ સરકારી વીજ વિતરણ કંપનીએ વીજળીના યુનિટદીઠ ચાર્જમાં કોઈપણ વધારો કરવાની દરખાસ્ત મૂકી નથી. માત્ર ટોરેન્ટ પાવરે તેના જૂના બાકી લેણા વસૂલી શકાય તે માટે યુનિટ દીઠ ૧૭ પૈસાનો વધારો કરી આપવાની માગણી કરી છે.

આ સાથે જ દેશના અન્ય રાજ્યો માસિક ૧૦૦થી માંડીને ૩૦૦ યુનિટ સુધીની વીજળી મફત આપી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે પણ રહેઠાણના વીજવપરાશકારોને ઇલેક્ટ્રિસિટી ડયૂટીમાં માફી આપવી જોઈએ. તેઓ કોઈ જ કોમર્શિયલ પ્રવૃત્તિ કરતાં નથી. ગુજરાતમાં રહેઠાણોમાં માત્ર ૧૫ ટકા વીજળી વપરાય છે. તેની સામે કૃષિ હેતુથી ૧૭ ટકા અને ઔદ્યોગિક વપરાશ માટે ૬૩ ટકા વીજળી વપરાય છે. મફત વીજળી ન આપે તો ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી નાબૂદ કરવાનું પગલું લઈ શકે છે.

ખેતીના વીજ જોડાણના ચાર્જના તફાવતને દૂર કરો

આ જ રીતે ખેતીવાડી માટે ગુજરાતમાં આપવામાં આવતા વીજ જોડાણના યુનિટદીઠ ચાર્જમાં રાખવામાં આવેલા ભેદ પણ દૂર કરી દેવાની માગણી કરવામાં આવી છે. ખેતી માટેના નોર્મલ વીજ જોડાણ માટે યુનિટદીઠ ૬૦ પૈસા ચાર્જ લેવામાં આવે છે. જ્યારે તત્કાળ કે પછી સિંચાઈના પાણી આપવા માટે એચ.ટી. અને એલ.ટી. વીજ જોડાણ લેનારા પાસેથી યુનિટદીઠ ૮૦ પૈસા વસૂલવામં આાવી રહ્યા છે. વીજળીના ચાર્જની બાબતમાં આ પ્રકારનો ભેદભાવ રાખવો અનુચિત છે.

એફપીપીપીએના ચાર્જ અલગથી દર્શાવો

એફપીપીપીએ-ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટના સંયુક્ત પણ લેવાતા ચાર્જને બદલે ફ્યુઅલ પ્રાઈસ અને પાવર પરચેઝના અલગ અલગ ચાર્જ દર્શાવવાની પણ માગણી કરી છે.વીજ વિતરણ કંપનીઓ ખાનગી સપ્લાયર પાસે કેટલા ભાવે વીજળી ખરીદીને લોકોને માથે યોગ્ય કે અયોગ્ય રીતે ખર્ચભાર નાખે છે તે સમજી શકાય તે માટે બંને ચાર્જ અલગથી દર્શાવવા જરુરી હોવાની માગણી કરવામાં આવી છે.

 

Read Previous

 મિલકતના સોદાની જૂની સ્ટેમ્પડયૂટી ભરવા ઓનલાઈન અરજી કરનારોને મહિના સુધી ચલણ અપાતા નથી

Read Next

ન્યુક્લિયર પાવર જનરેટ કરવા સક્રિય બની રહેલી ચાર કંપનીઓ શેર્સ પર નજર રાખી શકાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular