કરદાતાઓના ઇન્કમટેક્સના રિફંડ કેમ અટકી ગયા, પ્રામાણિક કરદાતાઓને પણ આવકવેરાની નોટિસ મળતા અચંબામાં

ફોર્મ 16 અને રિટર્નમાં દર્શાવેલી આવક વચ્ચે તફાવત, ફોર્મ 26AS અને રિટર્ન વચ્ચેના TDSમાં તફાવત તથા AISમાં દર્શાવેલી વ્યાજ આવક રિટર્નમાં ન હોવાથી નોટિસ અપાઈ
છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરના હજારો કરદાતાઓને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી અચાનક નોટિસ મોકલીને કે ઈ-મેઈલ મોકલીને તેમણે કરેલો રિફંડ દાવો “રિસ્ક મેનેજમેન્ટ પ્રક્રિયા હેઠળ આવતો હોવાનું જણાતા તેમના રિફંડ અટકાવી દેવાયા હોવાની જાણ કરતો ઇ-મેઈલ પણ પાઠવી દેવામાં આવ્યો છે. તેથી જ તેમના રિફંડની પ્રક્રિયા હાલ માટે હોલ્ડ પર મૂકવામાં આવી હોવાની જાણ કરવામાં આવી છે. આ નોટિસ મેળવનારાઓમાં ઈમાનદાર કરદાતાઓને પણ સમાવી લેવામાં આવ્યા છે.
પરિણામે ગુજરાત સહિત દેશભરમાં હજારો કરદાતાઓના રિફંડ લાંબા સમયથી અટકી ગયા છે. તેમ જ 31મી ડિસેમ્બર સુધીમાં તેના આવકવેરાના રિટર્નને સુધારીને નવેસરથી ટેક્સની જવાબદારી પોતે જ નક્કી કરી કે કરાવીને બાકીનો આવકવેરો 31મી ડિસેમ્બર સુધીમાં જમા કરાવી દેવાની સૂચના આપતી પ્રેસનોટ પણ બહાર પાડવામાં આવી છે. આ એલર્ટથી એટલા માટે વધુ ચિંતા ફેલાઈ છે કારણ કે અનેક લોકો માને છે કે તેમણે કંઈ ખોટું કર્યું નથી, છતાં તેમની સાથે ઘણા કિસ્સાઓમાં આ માન્યતા સાચી પણ હોઈ શકે છે. નિયમિત રીતે રિફંડની અપેક્ષા રાખનારા પગારધારક કરદાતાઓ માટે આ મેસેજ અસ્વસ્થ કરી દેનારો છે. કારણ કે નોટિસમાં ક્યાંય લખેલું નહોતું કે ભૂલ શું છે, કઈ કાર્યવાહી ફરજિયાત છે કે રિફંડ કેટલા સમય સુધી અટકશે.
કરદાતાઓ સવાલ કરે છે કે આ સ્ક્રુટિની કે પછી દંડ કે કોઈ ઔપચારિક નોટિસ છે? આ સમગ્ર ઘટનાના કેન્દ્રમાં ટેક્સ વિભાગની ઓટોમેટેડ ચકાસણી સિસ્ટમ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિભાગે એવી સિસ્ટમ વિકસાવી છે જે રિટર્નમાં દર્શાવેલી આવક અને નોકરીદાતા, બેન્ક, મ્યુચ્યુઅલ ફંડ વગેરે પાસેથી મળતા ડેટાની સરખામણી કરે છે. આ માહિતી ફોર્મ 16, ફોર્મ 26AS અને Annual Information Statement (AIS) મારફતે મળે છે. તેમાં અસંગતતા (mismatch) દેખાય છે ત્યાં રિફંડ રોકી દેવામાં આવે છે અને રિફંડની રકમ છોડતા પહેલાં રિટર્નની સમીક્ષા કરવામાં આવે છે.
ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટનું કહેવું છે કે “આ પરંપરાગત નોટિસ નથી. રિફંડ છોડતાં પહેલાં કરદાતાઓને તેમનો દાવો ફરી તપાસવા માટેનો સંકેત છે,” ટેક્સ વ્યાવસાયિકોના મતે આ પગલું દંડાત્મક નહીં પરંતુ દંડમાંથી બચાવવા માટે નોટિસ આપવામાં આવી છે. ખોટી રકમ રિફંડ આપી પછી વસૂલવા કરતાં ભૂલ પહેલેથી જ પકડી લેવાનો પ્રયાસ છે.
સાચા કરદાતાઓને પણ સંદેશો કેમ?
આ નોટિસ મેળવનારા ઘણા કરદાતાઓને લાગે છે કે તેમણે કંઈ ખોટું કર્યું નથી અને ઘણા કિસ્સામાં આ સાચું પણ હોય છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો નોકરિયાત તરફથી દસ્તાવેજ મોડા કે અધૂરા હોવાથી deduction મંજૂર ન થાય તેવી શક્યતા છે. તેમ છતાં કરદાતા પાસે સાચા પુરાવા હોય તો તેઓ રિટર્ન ફાઈલ કરતી વખતે કાયદેસર રીતે deduction લઈ શકે છે. પરંતુ સિસ્ટમને employer દ્વારા અપલોડ કરાયેલ ડેટા અને રિટર્ન વચ્ચે mismatch દેખાય છે, જેના કારણે રિફંડ અટકાવી દેવામાં આવ્યું છે. તેમના રિફંડના ક્લેઈમ સાચા હોય તો પણ તેમણે સ્પષ્ટતા તો કરવી જ પડશે.
🔹 કરદાતા પર જવાબદારી
આ સમગ્ર મામલો ખાસ કરીને સંવેદનશીલ બન્યો છે કારણ કે 31 ડિસેમ્બર, 2025 અંતિમ તારીખ છે. 31મી ડિસેમ્બર પહેલા રિટર્ન રિવાઈઝ ન કરે તો દંડ થવાની શક્યતા રહેલી છે. જેમના રિફંડ હોલ્ડ પર છે તે કરદાતાઓને 31 ડિસેમ્બર પહેલાં રિટર્નની સમીક્ષા કરીને જરૂરી હોય તો revised return ફાઈલ કરવાની અપેક્ષા છે.
31 ડિસેમ્બર સુધીમાં રિવાઈઝ રિટર્ન ફાઈલ ન કરનારા કરદાતાઓએ ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. 31 ડિસેમ્બર પછી ફક્ત updated return જ ફાઈલ કરી શકાય છે, જેમાં રિફંડનો દાવો શક્ય નથી. એટલે સમયસર પગલું ન ભરવાથી રિફંડ મેળવવાનો સરળ રસ્તો બંધ થઈ શકે છે. કરદાતાનો દાવો સાચો હશે અને દસ્તાવેજોનું સમર્થન હોય તો રિટર્ન સુધારવાની જરૂર નથી. છતાં નોટિસ મળવાથી કરદાતાઓને ખરાબ લાગ્યું છે. તેમને કયા કારણસર નોટિસ મળી છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
સામાન્ય રીતે રિફંડ હોલ્ડ કેમ થાય છે?
- ફોર્મ 16 અને રિટર્નમાં દર્શાવેલી આવક વચ્ચે તફાવત
- ફોર્મ 26AS અને રિટર્ન વચ્ચે TDS mismatch
- AISમાં દર્શાવેલી વ્યાજ આવક રિટર્નમાં ન હોવી
- પગારની સરખામણીમાં રિફંડ રકમ વધારે લાગવી
- નાની ભૂલ પણ ટ્રિગર બની શકે છે
હવે કરદાતાઓએ શું કરવું?
- એલર્ટ મળ્યો હોય તો ગભરાવાની જગ્યાએ સાવધાનીથી પગલું ભરવું જોઈએ.
- સૌ પ્રથમ ઇન્કમ ટેક્સ પોર્ટલ પર જઈને રિટર્ન, ફોર્મ 16, ફોર્મ 26AS અને AISની સરખામણી કરવી.
- જો ખરેખર ભૂલ હોય તો સમયસર સુધારેલી રિટર્ન ફાઈલ કરી દેવું જોઈએ. જો કંપનીના માલિક તરફથી ખોટી માહિતી આપવામાં આવી હોય તો સુધારાની માંગણી કરવી જોઈએ. નોટિસને અવગણવાથી રિફંડ વધુ મોડું પડી શકે છે અથવા પ્રક્રિયા વધુ જટિલ બની શકે છે.



