• 20 October, 2026 - 10:05 AM

ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વેપારનો આજથી અમલ: ભારતીય નિકાસ પર શૂન્ય ટેરિફ, ટેક્સટાઈલ અને ફાર્મા ક્ષેત્રે મોટો ઉછાળો આવશે

ભારત-ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) નો આજથી અમલ: ભારતીય નિકાસ પર શૂન્ય ટેરિફ, ટેક્સટાઈલ અને ફાર્મા ક્ષેત્રે મોટો ઉછાળો આવશે

સુરત અને અમદાવાદના ટેક્સટાઈલ ઉદ્યોગ તેમજ વાપી-અંકલેશ્વરના ફાર્મા અને કેમિકલ હબ માટે આ કરાર નવી તકોના દરવાજા ખોલશે.

ગુજરાતના ટેક્સટાઈલ અને ગાર્મેન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગને તથા ભારતના લેધર (ચામડાની બનાવટો), કૃષિ પ્રોડક્ટ્સ, પ્રોસેસ્ડ ફૂડ સેક્ટરને જંગી લાભ મળશે.

અમદાવાદઃ આજથી એટલે કે ૨૦મી ઓક્ટોબર ૨૦૨૬થી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ- FTA-મુક્ત વેપારનો અમલ શરૂ થઈ રહ્યો છે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય નિકાસ પરના તમામ ટેરિફ (જકાત) નાબૂદ કરવામાં આવ્યા છે, જેનાથી ભારતીય ઉત્પાદનો માટે ન્યૂઝીલેન્ડનું બજાર સંપૂર્ણપણે ખુલ્લું થશે. આ કરારથી ભારત અને ખાસ કરીને ગુજરાતના ટેક્સટાઈલ અને ગાર્મેન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, લેધર (ચામડાની બનાવટો), કૃષિ પ્રોડક્ટ્સ, પ્રોસેસ્ડ ફૂડ અને કેમિકલ સેક્ટરને જંગી લાભ મળશે. સુરત અને અમદાવાદના ટેક્સટાઈલ ઉદ્યોગ તેમજ વાપી-અંકલેશ્વરના ફાર્મા અને કેમિકલ હબ માટે આ કરાર નવી તકોના દરવાજા ખોલશે.

નિકાસનો વર્તમાન આંકડો, સંભવિત વધારો અને વેપારનું કદ

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ના એડિશનલ ડાયરેક્ટર જનરલ સંપત કુમારના જણાવ્યા મુજબ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેના મુક્ત વેપારને આ કરારની સૌથી મોટી વિશેષતા એ છે કે ન્યૂઝીલેન્ડની ૧૦૦ ટકા ટેરિફ લાઈન્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી શૂન્ય (૦ ટકા) થઈ ગઈ છે, જ્યાં અગાઉ ૧૦ ટકા સુધીની આયાત જકાત લાગતી હતી.

  • વર્તમાન નિકાસ: હાલમાં ભારતની ન્યૂઝીલેન્ડ ખાતેની નિકાસ વાર્ષિક આશરે રૂ. ૪,૫૦૦ કરોડથી રૂ. ૫,૦૦૦ કરોડ ($૫૫૦-૬૦૦ મિલિયન) ની આસપાસ છે.

  • આગામી વર્ષોમાં સંભવિત વધારો: મુક્ત વ્યાપાર કરારના અમલ પછી આગામી ૧ થી ૨ વર્ષમાં ભારતમાંથી ન્યૂઝીલેન્ડ ખાતે થતી નિકાસમાં ૪૦ ટકાથી ૫૦ ટકાનો સીધો ઉછાળો આવવાની ગણતરી છે, જે વધીને રૂ. ૭,૫૦૦ કરોડથી રૂ.૮,૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે.

  • કુલ દ્વિપક્ષીય વેપારમાં વૃદ્ધિ: આગામી ૫ વર્ષમાં બંને દેશો વચ્ચેનો કુલ આયાત-નિકાસ વેપાર જે હાલમાં આશરે રૂ.૧૦,૦૦૦ કરોડ ($૧.૨ અબજ)ની આસપાસ છે, તે વધીને રૂ. ૨૦,૦૦૦ કરોડ ($૨.૪ અબજ) થી વધુ થવાનો અંદાજ છે.

ભારતમાંથી નિકાસ થનારી વસ્તુઓ અને ન્યૂઝીલેન્ડથી ભારત આવનારી આયાત

  • ભારતમાંથી ન્યૂઝીલેન્ડ મોકલાતી મુખ્ય વસ્તુઓ

    • રેડીમેડ ગાર્મેન્ટ્સ, કોટન ફેબ્રિક અને હોમ ટેક્સટાઈલ્સ (સુરત/અમદાવાદ).

    • જેનરિક દવાઓ, રસીઓ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈંગ્રેડિયન્ટ્સ – API (વાપી/અંકલેશ્વર).

    • ચામડાના બૂટ, બેગ અને એક્સેસરીઝ.

    • ચોખા, મસાલા, પ્રોસેસ્ડ ફૂડ, ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનો અને ચા-કોફી.

    • એન્જિનિયરિંગ ગુડ્સ, આઈટી સોફ્ટવેર અને ઓટો પાર્ટ્સ.

  • ન્યૂઝીલેન્ડથી ભારતમાં વધુ પ્રમાણમાં આવનારી વસ્તુઓ

    • ઉચ્ચ ગુણવત્તાવાળું ઊન (Wool) – જેનાથી ભારતીય ગાર્મેન્ટ્સ ઈન્ડસ્ટ્રીને સસ્તો કાચો માલ મળશે.

    • ડેરી પ્રોડક્ટ્સ અને પ્રોસેસ્ડ મિલ્ક ડેરિવેટિવ્ઝ (પસંદગીના પ્રીમિયમ સેગમેન્ટમાં).

    • કીવી ફ્રુટ, સફરજન અને વાઈન.

    • લાકડું અને પલ્પ (Timber & Wood Pulp).

    • પ્રીમિયમ મસૂર/કઠોળ અને કુદરતી ખનિજો.

ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળામાં ભારતીય ક્ષેત્રોને મળનારો લાભ

  • ટૂંકા ગાળામાં ટેક્સટાઈલ, લેધર અને ફાર્મા ક્ષેત્ર: ૧૦ ટકા સુધીની ટેરિફ નાબૂદ થતાં ભારતીય કાપડ, દવાઓ અને ચામડાની બનાવટો ન્યૂઝીલેન્ડના બજારમાં તરત જ સસ્તી અને સ્પર્ધાત્મક બનશે. નિકાસકારોને તાત્કાલિક નવા ઓર્ડર મળવાનું શરૂ થશે.

  • મધ્યમ ગાળામાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ ક્ષેત્ર: ભારતના ઓર્ગેનિક અનાજ, મસાલા અને ફળો માટે ન્યૂઝીલેન્ડમાં વિશાળ માર્કેટ ઊભું થશે.

    એન્જિનિયરિંગ અને કેમિકલ્સ: ઓટો પાર્ટ્સ, મશીનરી અને કેમિકલ પ્રોડક્ટ્સનું શિપમેન્ટ વધશે.

  • લાંબા ગાળામાં સેવાઓ (Services Sector) અને આઈટી: ભારતીય આઈટી વ્યાવસાયિકો, એન્જિનિયરો અને કૌશલ્ય ધરાવતા યુવાનો માટે ન્યૂઝીલેન્ડમાં કામ કરવાની અને સેવાઓ પૂરી પાડવાની નવી તકો ખુુલશે.

    MSME અને રોકાણ: ભારતના એમએસએમઈ (MSME) એકમો માટે વૈશ્વિક સપ્લાય ચેઈનનો ભાગ બનવાની અને ટેકનોલોજી ટ્રાન્સફરની મોટી તક ઊભી થશે.

Read Previous

બજારના કડાકામાં પણ ₹૫૦થી નીચા આ સ્મોલ-કેપ સ્ટોકના ભાવમાં ૩.૬૦ ટકાનો ઉછાળો 

Most Popular