
દરેક વિદ્યાર્થીને મારે કહવું છે કે મોટું સપનું જુઓ, અથાગ પ્રયત્ન કરો અને નમ્ર રહો.
સફળતા ફક્ત ટોચે પહોંચવામાં નથી, પરંતુ ટોચે પહોંચ્યા પછી નમ્ર રહેવામાં છે.
અમદાવાદઃ વિશ્વના અનેક દેશોમાં તનાવભરી સ્થિતિ હોવાથી ઊભા થતાં પડકારોને પહોંચી વળીને ભાર મજબૂતીથી આગળ વધી રહ્યું છે. આમ રેસમાં જે જીતે તેને જ સિંકદર ગણવામાં આવે છે. પરંતુ પ્રધાનમંત્રી મોદીની ગતિશીલ નેતાગીરી હેઠળ ભારત જીતશે. ભારત આગળ વધશે. ભારત દુનિયાને બદલશે. એમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગાંધીનગરમાં પીડીપીયુ ખાતે 13માં પદવીદાન સમારોહમાં બોલતા જણાવ્યું છે.
પીડીપીયુમાં ગ્રેજ્યુએટ્સને સંબોધન કરતાં મુકેશ અંબાણીએ તેમની યાત્રાને માર્ગદર્શન આપનારા ચાર મૂલ્યોની વાત કરતાં જણાવ્યું હતું કે જિજ્ઞાસા, હિંમત, અથાગ પ્રયત્ન અને કૃતજ્ઞતા-ઉપકારનો ભાવ અનુભવવાની માનસિકતાએ પ્રગતીનો માર્ગ ખોલી દીધો છે. જિજ્ઞાસા એ તમારમાં રહેલું બાળક છે, આ બાળક તમને વારંવાર પૂછે છે ‘શા માટે?’ અને ‘એ કેમ નહીં? વિદ્યાર્થીઓએ ઉદાસિનતા છોડીને સતત પ્રશ્ન પૂછતા રહેવાની માનસિકતા કેળવવી જરૂરી છે. મારી જિંદગીને આગળ ધપાવવામાં પણ આજ જિજ્ઞાસાની મોટી ભૂમિકા રહી છે.
PDEU (પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી)ના 13મા કન્વોકેશન સમારંભમાં બોલતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ભારતના ભવિષ્ય વિશેનું પોતાનું દ્રષ્ટિકોણ રજૂ કરતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીવર્ગ કશુંક ઇન્નોવેટિવ લાવીને નેતૃત્વ લેવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સાથે જ તેમણે PDEUના સિદ્ધિઓની પ્રશંસા કરીને યુનિવર્સિટીના ઝડપી વિકાસ ઉપરાંત નવસંસ્કરણ-ઇન્નોવેશન તથા પેટેન્ટ ફાઈલિંગમાં નોંધપાત્ર યોગદાન આપી રહી હોવાની બાબતની સરાહના કરી હતી. અમારી યુનિવર્સિટીએ સોંકડો અસરકારક સંશોધન પેપર્સ પ્રકાશિત કર્યા છે અને સો કરતાં વધુ પેટન્ટ ફાઈલ કર્યા છે, NIRF 2025 રેન્કિંગ મુજબ PDEU ઇન્નોવેશનની બાબતમાં ટોચના 50માં સ્થાન ધરાવે છે.
ભારતને ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં યુનિવર્સિટીની અગત્યની ભૂમિકા ભજવી શકે તેમ હોવાનું જણાવતા કહ્યુ હતું કે PDEUએ ગ્રીન એનર્જી, ગ્રીન મટિરિયલ્સ અને ગ્રીન અર્થતંત્રની રેસ જીતવામાં પોતાનો યોગદાન આપવું જ પડશે, ભારતની એનર્જી નીતિ માટે નવીનતા લાવવા માટે પીડીઈયુએ કરેલા પ્રયાસની પણ તેમણે પ્રશંસા કરી હતી.
વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતની હાલની સ્થિતિ પર પણ વિચારની વાત કરતાં મુકેશ અંબાણીએ જણાવ્યુ હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા 2.5 ટકા કરતાં ઓછી ગતિએ વિકસી રહી છે ત્યારે ભારત લગભગ 8 ટકાની ગતિએ આગળ વધી રહ્યું છે. આ વૃદ્ધિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતાગીરી અને દ્રષ્ટિ સાથે જોડીને વિદ્યાર્થીઓને વિગતવાર સમજણ આપી હતી. ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બને તે માટેના પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. ભૂતકાળ પર નજર નાખીને વિચારીએ તો જણાય છ કે કોઈપણ દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મજબૂત બને ત્યારે જ આર્થિક મહાસત્તા બને છે. અમેરિકા, યુરોપ, જાપાન અને ચીન જેવા શક્તિશાળી દેશોની સાથે સરખામણી કરતાં તેમણે જણાવ્યું કે હવે ભારતનો સમય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સ્પેસ ટેકનોલોજી અને ન્યૂક્લેયર ફ્યુઝન જેવા ઊભરી રહેલા ક્ષેત્રોમાં આગેવાની કરવાની ભારતના યુવાનો માટે નવી તક છે.
તેમણે કહ્યું હતું કે AI-આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં સૌથી વધુ જવાબો જે વ્યક્તિ પાસે હોય તેને સ્માર્ટ ગણવામાં આવે છે. પરંતુ જેની પાસે સૌથી સારા પ્રશ્નો હોય તે લીડર છે. સહુ વિદ્યાર્થીઓએ લીડર બનવા તરફ અગ્રેસર થવું જોઈએ. તમારા માટે લીડર બનવાની તક છે. હા, આ સફળતા મેળવવા માટે માત્ર 100 મીટરની દોડમાં દોડવાનું નથી. આ એક અત્યંત લાંબી અને ધીરજ માગી લેતી મેરેથોન રેસ છે. આ રેસ અનંત છે. તેથી નિરાશામાં પણ આગળ વધવાની માનસિકતા રાખવી જોઈએ. તેની સાથે જ તેમણે કહ્યુ હતું કે સફળતા ફક્ત ટોચે પહોંચવામાં નથી, પરંતુ ટોચે પહોંચ્યા પછી નમ્ર રહેવામાં છે.