• 17 December, 2025 - 11:56 AM

રૂપિયાને મજબૂત કરવા માટે ભારતીય રિઝર્વ બેન્કે ડૉલરની મોટી વેચવાલી કરી

ડૉલર સામે ભારતીય રૂપિયો તૂટીને 91થી નીચે, ચાલો કારણોને સમજીએ

આગામી મહિનાઓમાં ભારત અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદશે તો પણ ડૉલરની ડિમાન્ડ વધી જવાની સંભાવના છે

મંગળવારે અમેરિકી ડૉલર સામે તૂટેલા રૂપિયાને મજબૂત કરવા માટે ભારતીય રિઝર્વ બેન્કે અંદાજે 8થી 10 અબજ ડૉલરનું વેચાણ કરતાં ભારતીય રૂપિયો મજબૂત થઈને ડૉલર સામે 90.21ની સપાટીએ આવી ગયો છે. આમ રિઝર્વ બેન્કે રૂપિયાને તૂટતા અટકાવવા ડૉલરની ભારે વેચવાલી ચાલુ કરી દીધી છે.

ફિનરેક્સના ફોરેક્સ એક્સપર્ટ ચિંતન માસ્ટરનું કહેવું છે કે રૂપિયાને તાબડતોબ મજબૂત કરવા માટે અંદાજે 8થી 10 અબજ ડૉલરનું વેચાણ કર્યું હોવાનું અનુમાન લગાવી શકાય છે. જોકે ડૉલરની વેચવાલીનો આંકડો બપોરો સાડા ત્રણ વાગ્યા પછી સ્પષ્ટ થશે.

વિદેશી હૂંડિયામણના બજારમાં મંગળવારે ડોલર સામે રૂપિયો 91ની સપાટી પાર કરવાથી ચિંતા વધી ગઈ છે. 2025ના કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયાનો લગભગ 6 ટકાનો ઘટાડો થયો છે. 2000ની સાલ પછી USD-INR જોડીમાં સરેરાશ જોવા મળતા વાર્ષિક 3 ટકાના ઘટાડાની સરખામણીએ લગભગ બમણો છે. જોકે, અલગ-અલગ વર્ષોની વાત કરીએ તો રૂપિયાનો ઘટાડો ઘણી વખત આ કરતાં પણ વધુ રહ્યો છે. ઉદાહરણ તરીકે, 2022માં રૂપિયો 11.3 ટકા ઘટ્યો હતો, 2018માં 9.2 ટકા ઘટ્યો હતો અને 2008ની વૈશ્વિક આર્થિક મંદી દરમિયાન તો આશરે 24 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો.

હાલના ઘટાડા પાછળ અનેક કારણો જવાબદાર છે. પ્રથમ, અમેરિકા સાથે ચાલી રહેલી ટ્રેડ વોરને કારણે ભારતીય નિકાસકારો સ્પર્ધામાં નબળા પડી રહ્યા છે. તેથી, RBI વિદેશી બજારમાં ભારતીય ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બને તે માટે રૂપિયાને થોડો ઘટવા દેવા તૈયાર છે.  ચીને પણ 2018માં અમેરિકા સાથેની ટ્રેડ વોર દરમિયાન પોતાના ચલણને તૂટવા દીધું હતું. ચીનનું ચલણ યુઆનને 10 ટકાથી વધુ ઘટવા દેવામાં આવ્યો હતો.

અત્યારે ભારતની RBI ફોરેક્સ બજારમાં મર્યાદિત હસ્તક્ષેપ કરી રહી છે. આમ રૂપિયાને ધીમે ધીમે ઘટવા દે છે. વર્તમાન કેલેન્ડર વર્ષ દરમિયાન RBIએ આશરે 45 અબજ ડોલર નેટ વેચાણ કર્યું છે. તેમ જ રૂપિયાને નિયંત્રિત કરવા માટે ફોરવર્ડ્સ તથા એક્સચેન્જ-ટ્રેડેડ ડેરિવેટિવ્સનો ઉપયોગ કરી રહી છે.

આ મર્યાદિત હસ્તક્ષેપથી ફોરેક્સ બજારના સટ્ટાબાજોને સંકેત મળી રહ્યો છે કે તેઓ ઓફશોર નોન-ડિલિવરેબલ ફોરવર્ડ (NDF) બજારમાં USD-INR જોડીમાં શોર્ટ પોઝિશન લઈ શકે છે. ખાસ કરીને 90ની સપાટી તૂટ્યા બાદ છેલ્લા અઠવાડિયાઓમાં આવી પોઝિશનોએ રૂપિયાના ઘટાડાને વધુ વેગ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે.

પરંતુ રૂપિયાના ઘટાડા પાછળનું વધુ ઠોસ કારણ એ છે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) ઈક્વિટી અને ડેટ — બન્ને બજારોમાંથી નાણાં બહાર ખેંચી રહ્યા છે. ડિસેમ્બર 2025 દરમિયાન FPIઓએ ઈક્વિટી બજારમાંથી રૂ.17,242 કરોડની રકમ પાછી ખેંચી છે, જ્યારે એ જ સમયગાળા દરમિયાન ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝમાંથી રૂ.8,977 કરોડનું નેટ વેચાણ કર્યું છે. નોંધનીય છે કે જુલાઈથી નવેમ્બર દરમિયાન તેઓ ભારતીય ડેટ માર્કેટમાં નેટ ખરીદદારો હતા, જેના કારણે ઈક્વિટીમાંથી થતા આઉટફ્લોને થોડીક હદ સુધી સંતુલિત કરી શકાયા હતા.

તેમ છતાં, આ સમયે રૂપિયાને ટેકો આપતા કેટલાક પરિબળો પણ હાજર છે. જેમ કે ડોલરની નબળાઈ, ભારતમાં ઊંચા બોન્ડ યિલ્ડ, નવેમ્બરમાં નિકાસ ક્ષેત્રે દેખાયેલી મજબૂતી અને તાજેતરના ત્રિમાસિક ગાળામાં ‘ઇન્ડિયા ઇન્કોર્પોરેશનનું મજબૂત પ્રદર્શન. તેથી શક્ય છે કે કોઈ એક નાનું ટ્રિગર પણ રૂપિયાના ઘટાડાને અટકાવી દિશા બદલાવી શકે છે.

ભારતના રશિયા સાથેના રૂપિયામાં કરેલા વેપારની બજાર પર ખાસ્સી અસર ન પડે તેવી સંભાવના છે. રૂપિયાના મૂલ્યમાં સોદા કરવાની મર્યાદા લાગુ પડવાથી તેની બહુ મોટી અસર ન પડે તેવી સંભાવના છે. ભારતમાંથી રશિયામાંથી એક્સપોર્ટ બહુ કરવામાં આવતું નથી. વોસ્ટ્રો એકાઉન્ટમાં રૂપિયામાં એક્સપોર્ટ કરવાની ચોક્કસ મર્યાદા છે. તેથી ઓછી અસર પડશે.

બીજીતરફ ભારતે અમેરિકા પાસેથી એલએનજી ખરીદવાનું ચાલુ કર્યું હોવાથી ભારતની ડૉલરની ડિમાન્ડ વધી રહી છે. તેથી ડૉલર સામે રૂપિયો વધુ મજબૂત બનવાની શક્યતા સીમિત છે. આગામી દિવસો કે મહિનાઓમાં અમેરિકા પાસેથી ક્રૂડની ખરીદી કરવાની ફરજ પડે તો તેવા સંજોગોમાં પણ રૂપિયો વધુ તૂટી શકે છે. સાઉદી અરેબિયા પાસથી પણ ક્રૂડની ખરીદી ચાલુ હોવાથી ડૉલરની ડિમાન્ડ વધારે જ છે. અમેરિકા સાથે ટ્રેડ ડીલ થાય તો જ રૂપિયો થોડો નીચે આવી શકશે. રૂપિયો ઘટીને ડૉલર સામે રૂ. 89.50ની સપાટીએ આવી શકે છે.

 

Read Previous

યુવાપેઢીનો પગાર મોટો પણ બચત નાની, કારણો જાણવા આટલું વાંચો

Read Next

બાર દિવસમાં રણવીર સિહની ધુરંધરે ભારતમાં રૂ. 411.25 કરોડની કમાણી કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular