ઈન્ડસઈન્ડ બેંકના રૂપિયા 1960 કરોડના કૌભાંડ અંગે ફરીથી તપાસનો ધમધમાટ
ઈન્ડસઈન્ડ બેંકમાં રૂ. 1950 કરોડના કૌભાંડની તપાસ ફરીથી શરૂ થતા નાતાલની રજા પછી કાલે બજાર ખુલતા જ આ બેંકના શેરમાં કડાકો બોલે, તેવી સંભાવનાઓ જણાવાઈ રહી હતી.
ઈન્ડસઈન્ડ બેંક સામે રૂ.1959.89 કરોડના છેતરપિંડીના કેસમાં હવે બેંકની ફરીથી તપાસ શરૂ થઈ છે. ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી છે, જેના કારણે રોકાણકારોમાં ફરી ચિંતાનો માહોલ છે.
આ સમાચાર પછી શેર પર તેની શું અસર થશે તેના પર સૌની નજર છે, કારણ કે જ્યારે આ કૌભાંડ પહેલીવાર સામે આવ્યું હતું ત્યારે બેંકના શેરમાં ભારે કડાકો બોલી ગયો હતો.
ગઈકાલે બેંકે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ તપાસની જાણકારી આપી હતી. આ તપાસ એ જ મુદ્દાઓ સાથે સંબંધિત છે જે બેંકે અગાઉ જાહેર કર્યા હતાં. તેમાં ઈન્ટરનલ ડેરિવેટિવ્ઝ ટ્રેડનું એકાઉન્ટીંગ, અન્ય અસ્ક્યામતો અને જવાબદારીઓ હેઠળ દર્શાવવામાં આવેલ અસ્પષ્ટ બેલેન્સ, અને બેંકના માઈક્રોફાઈનાન્સ બિઝનેસમાંથી મળતી વ્યાજ અને ફીની આવકમાં રહેલી ખામીઓનો સમાવેશ થાય છે. આ તપાસ કંપની એકટ, 2013 ની કલમ 212 હેઠળ કરવામાં આવી રહી છે, જે કેન્દ્ર સરકારને કોર્પોરટ છેતરપિંડીના ગંભીર અને જટિલ કેસો એસએફઆઈઓને સોંપવાની સત્તા આપે છે.
બેંકે જણાવ્યું કે તેને 21 ડિસેમ્બર, 2025 ના એસએફઆઈઓ તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં તપાસ સંબંધિત માહિતી અને દસ્તાવેજો માગવામાં આવ્યા હતાં. એસએફઆઈઓની આ તપાસ આ વર્ષે 2025 ની શરૂઆતમાં સામે આવેલી ગંભીર એકાઉન્ટિંગ સંબંધિત ચિંતાઓને પગલે શરૂ થઈ છે. એપ્રિલ મહિનામાં બેંકના બાહ્ય ઓડિટરે ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં અનિયમિતતાઓને કારણે 31 માર્ચ 2025 સુધીના પ્રોફિટ એન્ડ લોસ ખાતા પર રૂ.1959.89 કરોડની ગેરરીતિનો પર્દાફાશ કર્યો હતો.
આ ઉપરાંત અન્ય એક બાહ્ય એજન્સીના રિપોર્ટમાં ડેરિવેટિવઝના વ્યવહારોમાં થયેલી ભૂલોને કારણે બેંકની સંપત્તિ પર રૂ.1979 કરોડની નકારાત્મક અસરનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. જ્યારે ઈન્ડસઈન્ડ બેંકમાં છેતરપિંડીનો આ મામલો પહેલીવાર સામે આવ્યો હતો, ત્યારે તેના શેરમાં સુનામી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને રોકાણકારોના અબજો રૂપિયા ડૂબી ગયા હતાં. ફેબ્રુઆરીમાં આ શેર રૂ.1086 ની પર-સપ્તાહની ઊંચી સપાટીએ હતો, પરંતુ કૌભાંડના સમાચાર આવતા જ તે 60 ટકા જેટલો તૂટીને રૂ.606 ના સ્તરે આવી ગયો હતો. હવે ફરીથી શરૂ થયેલી આ તપાસની અસર બેંકના શેર પરજોવા મળી શકે છે.
શેરબજારમાં સામાન્ય કારોબાર વચ્ચે ઈન્ડસઈન્ડ બેંકનો શેર રૂ.848.90 પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે, આજે ગુરુવારે નાતાલ નિમિત્તે શેરબજાર બંધ છે અને હવે શુક્રવારે કારોબાર ફરી શરૂ થશે, ત્યારે આ બેંકના શેરમાં ભારે કડાકો બોલવાની આશંકાઓ સેહવાઈ રહી છે.
આ ડેરિવેટિવ્ઝ અનિયમિતતાઓને કારણે ઘણાં વરિષ્ઠ મેનેજમેન્ટ સભ્યોએ રાજીનામું આપ્યું હતું અને બોર્ડે એક્સિસ બેંકના રાજીવ આનંદને ખાનગી ધિરાણકર્તાના વડા તરીકે નિયુક્ત કર્યા હતાં. બેંકે નુક્સાનને ઓળખ્યું હતું અને તેમને નાણાકીય વર્ષ 2025 ના કમાણીમાં સમાવી લીધા હતાં, જેના પરિણામે ચોથા ક્વાર્ટરમાં એક વખતના રાઈટ-ઓફ અને જોગવાઈઓ પછી ચોખ્ખું નુક્સાન થયું હતું. મૂડી અને ચોખ્ખી કિંમતને 2 થી 2.5 ટકા કરવેરા પછીનું નુક્સાન થયું હતું, જેના કારણે બફરમાં ઘટાડો થયો હતો. વૃદ્ધિની ભૂખ ઓછી થઈ હતી અને મૂડી મૂલ્યાંકન પર અસર પડી હતી.
રોકાણકારોએ કમાણીની વિશ્વસનીયતા અને શાસનનું ફરીથી મૂલ્યાંકન કર્યું હોવાથી ડેરિવેટિવ્ઝ નુક્સાનને કારણે બેંકના શેર ઘટ્યા હતાં. તપાસમાં બોર્ડ, મેનેજમેન્ટ અને ઓડિટ સમિતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેના કારણે નિયમનકારી દબાણ અને સેબીની દેખરેખમાં વધારો થયો હતો.



