ભારતના શેરબજારમાં IPOમાં ઓગસ્ટ 2025માં 43 કંપનીઓ આવી
- શેરબજાર(Stock market)માં ખરીદી અને વેચાણ અટકતા જ નથી, રોકાણકારોનો ઉત્સાહ ચરમસીમાએ
- રોકાણકારો દ્વારા જોખમ લેવામાં દેખાઈ રહેલી વધારાની સાહસિકતા, છૂટક રોકાણકારો કમાઈ લેવા માટે બજારમાં ઘૂસ્યા
- 43 કંપનીઓએ ઓગસ્ટ મહિનામાં રૂ. 17252 કરોડ પબ્લિક ઇશ્યૂના માધ્યમથી એકત્રિત કર્યા
ઓગસ્ટ 2025 દરમિયાન 43 કંપનીઓએ મળીને કુલ રૂ. 17,252 એકત્રિત કર્યા છે. નાના અને મધ્યમ કદની કંપનીઓએ મળીને એક મહિનામાં ભરપૂર ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે. શેરબજારમાં પૂરતી પ્રવાહિતા-Liquidity જોવા મળતા રોકાણકારોએ દિલથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ દર્શાવે છે કે શેરબજારનું રોકાણ અન્ય રોકાણ કરતાં થોડું વધારે જોખમી હોવા છતાંય રોકાણકારોમાં જોખમ લેવાની માનસિકતા મજબૂત બની રહી છે.
ઓગસ્ટ 2025માં નાના અને મધ્યમ કદની કંપનીઓના 28 પબ્લિક ઇશ્યૂ ઓગસ્ટ 2025માં આવ્યા છે. તેની સામે રૂ. 10 કરોડથી વધુની પેઈડ અપ કેપિટલ-ભરપાઈ થયેલી મૂડી ધરાવતી 15 મોટી અને ખાનગી કંપનીઓ- main board companies- પબ્લિક ઇશ્યૂના માધ્યમથી નાણાં એકત્રિત કરી ગઈ છે. એસએમઈ એક્સચેન્જ-SME exchanges મારફતે છ ટકા આઈપીઓ આવ્યા છે. તેમણે રૂ. 1345 કરોડ એકત્રિત કર્યા છે. જુલાઈ મહિનામાં એસએમઈ એક્સચેન્જના માધ્યમથી આવેલી કંપનીઓએ રૂ. 1274 કરોડ એકત્રિત કર્યા હતા. 2025ની વાત કરવામાં આવે તો એક જ મહિનામાં એસએમઈની કેટેગરીમાં આવતી સૌથી વધુ 28 કંપનીઓ ઓગસ્ટ મહિનામાં તેમના પબ્લિક ઇશ્યૂ લઈને માર્કેટમાં આવી છે. જુલાઈ 2025માં એસએમઈ સેક્ટરની 24 કંપનીઓ આઈપીઓ-IPO- લઈને બજારમાં આવી હતી.
આ જ રીતે મેઈનબોર્ડ એટલે કે ખાનગી અને મોટી કંપનીઓ ઓગસ્ટ 2025માં આઈપીઓના માધ્યમથી રૂ. 15,907 કરોડ એકત્રિત કરવામાં આવ્યા છે. જુલાઈ 2025માં 13 કંપનીઓએ મળીને રૂ. 16,126 કરોડ આઈપીઓ માર્કેટમાંથી એકત્રિત કર્યા હતા.
2025ના આખા વરસની વાત કરવામાં આવે તો કુલ મળીને 215 પબ્લિક ઇશ્યૂ આવી ગયા છે. તેમાંથી 162 આઈપીઓ નાના અને મધ્યમ કદની કંપનીઓ લઈને આવી હતી. જ્યારે મેઈનબોર્ડ કંપનીઓ મળીને 53 પબ્લિક ઇશ્યૂ લઈને બજારમાં આવી ચૂકી છે.
આ સાથે જ પ્રાઈમરી માર્કેટમાં 2025ના વર્ષમાં ધમધમાટ સારો રહ્યો છે. પ્રાઈમરી માર્કેટમાં આવતા આઈપીઓમાં રસ લેનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે પછી ગ્રો, ટાટા કેપિટલ, ઝેપ્ટો, ફોન પે, હીરો ફિનકોર્પ અને ફેબ ઇન્ડિયા જેવી કંપનીઓ આઈપીઓ લઈને બજારમાં આવવા તત્પર છે. નિષ્ણાતો માને છે કે આગામી દોઢથી બે વર્ષ સુધી આઈપીઓના માર્કેટમાં તેજીની ચાલ ચાલુ જ રહેશે. એસએમઈ સેગમેન્ટમાં મજબૂત બિઝનેસ મોડેલ ધરાવતી કંપનીઓની સંખ્યા વધી રહી હોવાથી તેમના આઈપીઓ આવતા રહેશે તેવી ધારણા છે. 2024ના વર્ષમાં કુલ 151 આઈપીઓ આવ્યા હતા. આ આઈપીઓ 100 ગણા છલકાયા હતા. તેમાથી એસએમઈ કેટેગરીના 141 આઈપીઓ હતા. છતાંય રોકાણકારોએ આઈપીઓના આ ઘોડાપૂરમાં તણાઈને કમાઈ થશે જ થશે તેવી માન્યતાથી પ્રેરાઈને આંધળુકીયા રોકાણો ન કરવા જોઈએ.
આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવા માગતા ઇન્વેસ્ટર્સે એક્સપર્ટની એડવાઈઝ લઈને તેમ જ કંપનીના નફા-નુકસાનના સરવૈયા અને તેના પ્રોડક્ટ્સની આવનારા સમયમાં ડીમાન્ડ વધશે કે ઘટશે તેનો પોતે અભ્યાસ કરીને તેમાં રોકાણ કરવું જોઈએ કે નહિ તે અંગે નિર્ણય લેવો જોઈએ. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ પણ આઈપીઓ માર્કેટના માધ્યમથી રોકાણ કરવા ઉત્સુક હોવાનું જણાઈ રહ્યું છે. સ્ટાર્ટ અપ, વેન્ચર કેપિટાલ આપતી કંપનીઓ પણ તેજીના આ પ્રવાહમાં પોતાને માટે ફંડ ઊભું કરી લેવાન તક ઝડપી લે તેવી સંભાવના રહેલી છે.