• 17 December, 2025 - 10:35 PM

અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલ ગ્રુપના ૩૫ સ્થળે  આવકવેરાની ટીમ ત્રાટકી, ગુલમહોર ક્લબના પ્રમોટરો પર પણ દરોડા

તુલીપ બંગલોઝમાં મિત્તલ બંધુઓના ચાર બંગલા પર દરોડાઃ એકના બંગલામાંથી રૂ. ૨૧.૫૦લાખ રોકડા ને દાગીના મળ્યા
દાગીનાનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું

વિનોદ મિત્તલ, નિર્મલ મિત્તલ, સુરેશ મિત્તલ અને અનિલ મિત્તલના બંગલા પર પણ દરોડાઃ હરિયાણામાં જમીનનો મોટી રકમનો સોદો થયો હોવાનું બહાર આવતા રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ગ્રુપને પણ આવરી લેવાયું

જમીન અને મિલકતના વહેવારોને લગતા કાગળો મળતાં ગુલમહોર ગ્રુપને પણ દરોડામાં આવરી લેવામાં આવ્યુ

અમદાવાદઃ આવકવેરા ખાતાએ મંગળવારે સવારથી અમદાવાદના વિનોલ ટેક્સટાઈલ ગુ્રપ પર ચાલુ કરેલા દરોડા દરમિયાન હાથ લાગેલા વિગતોને પરિણામે હરિયાણામાં થયેલા મિલકતના થયેલા મોટા સોદાની વિગતો બહાર આવતા અમદાવાદના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ત્રિલોક પરીખના આવાસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરોડામાં તેમની ગુલમહોર ક્લબ અને મકરબા ખાતેના તેમના બંગલાને પણ આવરી લેવામાં આવ્યા છે.

વિનોદ ટેક્સટાઈલના ચાર પ્રમોટર કે માલિક સુરેશ મિત્તલ, નિર્મલ મિત્તલ, વિનાદ મિત્તલ અને અનિલ મિત્તલના તુલીપ બંગલોઝમાં આવેલા ચાર બંગલાઓને પણ દરોડા  હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તદુપરાંત પીપળજ, નારોલ, પીરાણા અને સૈજપુર ખાતેના તેમના એકમોને પણ દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. દરોડા હેઠળ આવરી લેવામાં આવેલી વિનોદ ગ્રુપની કંપનીઓમાં અનિલ એક્સપોર્ટ્સ, સિટાડેટલ ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ, ફ્લેક્સન ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ, કે.એ. ટેક્સટાઈલ, મિરીન ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ, મિત્તલ પોલીકોટ ગુજરાત-એલએલપી, ઓટ્ટી કોટ ફેબ પ્રા.લિ., ટી.એચ. ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ, યુનાઈટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ, વૈષ્ણવી કોટ ફેબ એલએલપી, વિનોદ કોટફેબ પ્રા.લિ, મેસર્સ વિનોદ ડેનિમ લિમિટેડ, વિનોદ ડેનિમ લિમિટિેડ, મેસર્સ વિનોદ ફેબ્રિક્સ પ્રા.લિ, મેસર્સ વિનોદ સ્પિનર્સ પ્રાઈવેટ લિમિટેડ, વિનોદ ટેક્સ વર્લ્ડ પ્રા.લિ. અને વિનોદ ટેક્સવર્લ્ડ લિમિટેડનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ તુલીપ બંગલોઝમાંના મિત્તલ બંધુઓના એક બંગલામાંથી રૃા.૨૧.૫૦ લાખ રોકડા મળી આવ્યા છે. તેમ જ સોના-ચાંદીના દાગીનાઓ પણ હાથ લાગ્યા છે. સોના-ચાંદીના દાગીનાનું મૂલ્યાંકન આવતીકાલે પૂરું થઈ શકશે.

ટેક્સટાઈલના ઇમ્પોર્ટ એક્સપોર્ટના કામકાજમાં વિનોદ ગ્રુપની કંપનીઓએ મોટા ગોટાળાઓ કર્યા હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. તદુપરાંત તેમણે હરિયાણા ખાતે જમીનનો મોટો સોદો પણ કર્યો હોવાનું વિગતો બહાર આવી રહી છે. આ સોદામાં ગુલમહોર ગ્રુપના ત્રિલોક પરીખ અને અલ્પેશ પરીખ સંડોવાયેલા હોવાનું જણાતા તેમને પણ દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રિલોક પરીખના કદમ્બ બંગલો પર મોટી સંખ્યામાં અધિકારીઓ પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેમના બંગલાની બહાર એક સામટી પાંચ ઇન્નોવા ખડકી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ તેમના એકલાના ઘરે જ ૧૫થી ૨૦ અધિકારીઓની ટીમ પહોંચી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. વહેલી સવારથી ચાલુ કરવાાં આવેલા આ દરોડામાં આવકવેરા વિભાગના ૧૫૦થી વધુ અધિકારીઓ જોડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિનોદ ટેક્સટાઈલ નારોલમાં ડેનિમ મેન્યુેફેક્ચરિંગનું એકમ ધરાવે છે.તદુરાંત પીપળજમાં પ્રોસેસ હાઉસ ધરાવે છે. આ બંને સ્થલે દરોડા પાડવામાં આવ્યા છે. તેમ જ જગન્નાથ મંદિરની નજીક ગાય સર્કલના પરિસરમાં તેમના વિવિંગ સ્પિનિંગના એકમોને પણ દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લાના ધોળકા વિસ્તારમાં પણ તેમના આયાત અને નિકાસના કાકમાજ કરતાં એકમને દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યું છે.

આવકવેરા અધિકારીઓએ દરોડા દરમિયાન રિયલ એસ્ટેટને લગતા અને એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતાં સંખ્યાબંધ દસ્તાવેજો જપ્ત કર્યા હોવાનું જાણવા મળી રહ્યં છે. આ દસ્તાવેજોને આધારે તપાસ અગળ વધે અને બહુ જ મોટી રકમના ગેરકાયદે વહેવારો પકડાવાની સંભાવના છે. તેથી જ આવકવેરાની ચોરીનો આંક બહુ જ ઊંચો જવાની સંભાવના પણ વ્યક્તિ કરવામાં આવી રહી છે. દરોડાની કાર્યવાહી વધુ બે દિવસ સુધી ચાલુ રહેવાની સંભાવના રહેલી છે.
દરાડો પાડનારા અધિકારીઓએ કોમ્પ્યુટર ડેટા, મોબાઈલ ડેટા મેળવવા માટે તેમના મોબાઈલ અને કોમ્પ્યુટર પણ ઉપાડી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. મોબાઈલ અને કોમ્પ્યુટરની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.

 

 

Read Previous

દેશના 20% શોપિંગ મોલ ‘ભૂતિયા મોલ’ કેમ બની ગયા છે? વડોદરામાં સંપૂર્ણપણે ધમધમે છે શોપિંગ મોલ

Read Next

અમેરિકા ભારતમાંથી થતી ચોખાની આયાત પર ટેરિફ લગાવે તેવી સંભાવના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular