• 18 December, 2025 - 6:12 AM

ખાદી બની ગુજરાતનું નવું ગૌરવઃ ત્રણ વર્ષમાં રૂ. 1,700 કરોડથી વધુનું વેચાણ

ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારનું જીવંત સ્વરૂપ એટલે ‘ખાદી’. રાજ્યમાં ખાદીને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજયની સ્થાપનાથી ‘ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ’ની રચના એક વૈધાનિક બોર્ડ તરીકે કરવામાં આવી હતી. રાજ્યમાં ખાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૪-૨૫ દરમિયાન રૂ. ૧,૭૦૦ કરોડથી વધુનું વેચાણ કરીને સ્વદેશી અભિયાનમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજે રૂ. ૬૮૩ કરોડથી વધુ ખાદી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવ્યું છે. ખાદી ઉત્પાદન પ્રવૃત્તિ ક્ષેત્રે સંકળાયેલા હજારો કાંતનાર-વણનાર કારીગરોને સતત રોજગારી મળી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશભરમાં ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સમગ્ર દેશમાં ખાદીનું વેચાણ કરનાર રાજ્ય તરીકે અગ્રેસર બની રહ્યું છે. ખાદી બોર્ડ સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા ગ્રામીણ કારીગરોને રોજગારી પૂરી પાડીને તેમજ વિરાસતરૂપી આ કળાને જીવંત રાખીને રાજ્યના આર્થિક-સામાજિક વિકાસમાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપવામાં આવી રહ્યું છે.

નાગરિકો કેમ ખાદી તરફ આકર્ષાઈ રહ્યા છે
આજે આધુનિક યુગમાં પણ યુવાઓની પહેલી પસંદ ખાદી રહી છે, ત્યારે ગાંધીજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન ૧૦ ટકા ઉપરાંત વધારાનું ૨૦ ટકા બજાર પ્રોત્સાહન સંસ્થાઓને આપવામાં આવે છે. આ પ્રોત્સાહન, સંસ્થાએ છૂટક વેચાણ દરમિયાન ગ્રાહકોને આપવાનું હોય છે. જેથી આમ નાગરિકોને ખાદી ઉત્પાદનો મૂળ કિંમત પર ૩૦ ટકાના ડિસ્કાઉન્ટ ભાવે મળે છે. જેના પરિણામે મોટા પ્રમાણમાં નાગરિકો ખાદી ખરીદવા આકર્ષાય છે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ખાદી ઉત્પાદન સાથે સંકળાયેલી માન્ય સંસ્થાઓને અન્ય યોજનાઓ દ્વારા પણ વિવિધ સહાય આપવામાં આવે છે. આમ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ પ્રધાન નરેશ પટેલ અને રાજ્ય પ્રધાન સ્વરૂપજી ઠાકોરના સબળ નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખાદીના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત અને સુદ્રઢ કરવામાં આવી રહ્યો છે.

ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન–KVIC માન્ય ખાદી સંસ્થાના વેચાણ કેન્દ્રો દ્વારા સુતરાઉ, સિલ્ક, વૂલન અને પોલીવસ્ત્ર ખાદી તેમજ સાડી, ધોતી-કુર્તા, જેકેટ, શાલ, હેન્ડીક્રાફ્ટ જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ખાદી ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિદેશમાં પણ પોતાની ગુણવત્તા અને ડિઝાઇન માટે જાણીતી બની છે.

Read Previous

સુરતનાં કાપડ ઉદ્યોગને ચોમેરથી ફટકો, ગારમેન્ટ ઈન્ડસ્ટ્રી માંગે છે ડયુટી ફ્રી એકસ્પોર્ટ, પેમેન્ટને લઈ હારાકીરી, યાર્નનાં ભાવમાં વધારો, વેપાર ઠપ્પ

Read Next

નવો વિવાદ: વલસાડી હાફૂસ કેરીને GI ટેગ,સાંસદ ધવલ પટેલે આપ્યું સમર્થન, મહારાષ્ટ્રનાં વિપક્ષોનો વિરોધ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular