મહાજનના હોદ્દેદારો સભ્યોનું હિત જાળવી શકતા ન હોવાથી સ્ટેજ પરથી ઉતરી જવા ફરજ પાડી
- રેવડી બજારની બેઠકમાં હોબાળો થયો, સભ્યોનો આક્રોશ વધ્યો
- કાયદેસરની દુકાન ધરાવનારા તમામ દુકાનદારોને એક સમાન માપની દુકાન ફાળવી આપવાની માગણી કરવામાં આવી
અમદાવાદઃ રેવડી બજારના મહાજનની આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં મળેલી બેઠકમાં કાયદેસરની દુકાન ધરાવનારાઓના હિતનું રક્ષણ મહાજનના હોદ્દેદારો ન કરી શકતા હોય તો તેમણે સ્ટેજ પરથી ઉતરી જવું જોઈએ તેવી માગણી સાથે આજે ભયંકર ઊહાપોહ મચી ગયો હતો. છેવટે મહાજનના હોદ્દેદારોએ સ્ટેજ પરથી ઉતરી જવું પડ્યું હતું.
કાપડના વેપાર સાથે સંકળાયેલા રેવડી બજારમાં કાયદેસરની દુકાન ધરાવનારા વેપારીઓએ કહ્યું હતું કે નવું બજાર બને ત્યાર દરેક દુકાન ધારકને તેમના માપ પ્રમાણેની સરખી દુકાન મળવી જોઈએ. તેની સાથે જ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર દુકાન ફાળવવાના વિવાદનો પણ ઉકેલ લાવી દેવાનો રહેશે. મહાજનના હોદ્દેદારો ફાળવે તે પ્રમાણે દુકાન સ્વીકારી લેવાની કાયદેસરની દુકાન ધરાવનારા સભાસદે સ્પ્ટ ના પાડી દીધી હતી.
તદુપરાંત કાયદેસરની દુકાન ધરાવનારાઓનો સમગ્ર પ્લોટ ફાળવી દેવા અંગ અમ્યુકોના સત્તાવાળાઓ સાથે અગાઉ થયેલા સોદામાંથી ચૂકવાયેલી રકમ ઉપરાંત ચૂકવવાની બાકી રહેલી રકમ પર 10 ટકાના દરે વ્યાજ ચૂકવવાની અમ્યુકોની દરખાસ્તને મહાજને સ્વીકારી તેની સામે પણ સભાસદોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે આટલા વરસોથી તેઓ ભાડું ચૂકવી રહ્યા છે તેથી સોદો થયા પછી વિવાદ થતાં બાકી રહેલી રકમ પર અમ્યુકોએ વ્યાજ ન માગવું જોઈએ. રેવડી બજારના મહાજનના હોદ્દેદારોએ અમ્યુકોની દરખાસ્ત સ્વીકારતા કાયદેસરની જગ્યા ધરાવનારાઓ નારાજ થયા છે.
બીજીતરફ ગેરકાયદે મેમ્બરોને છાવરવાની અમ્યુકોના અધિકારીઓની માનસિકતાનો પણ આજની બેઠકમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ અનધિકૃત દુકાન ધરાવનારાઓને દૂર કરવાની માગણી પણ કરવામાં આવી છે. તેમને દૂર કરવામાં આવે તો કાયદેસરના સભ્યોને વધારે જગ્યા મળવાની સંભાવના છે. મહાજનના હોદ્દેદારોએ અનધિકૃત સભ્યોને છાવરવાનું બંધ કરી દેવું જોઈએ. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રાણીસતી હોલમાં સવારે બાર વાગ્યે મળેલી બેઠકમાં થયેલા હોબાળા અંગે મહાજનના પ્રમુખ રામ ચાવલા અને ઉપપ્રમુખ હરીશ લાખિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ બંનેએ આ વિવાદ અંગે આજે વાત કરવાની ના પાડી દીધી હતી.
રેવડી બજારમાં ૪૫૫ કાયદેસર ને ૬૮ ગેરકાયદેસર કબજેદારો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આમ રેવડી બજારના નવીનીકરણની રામાયણ લાંબા સમયથી ચાલુ જ છે. નવા મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો કોને ફાળવવી અને ફર્સ્ટ ફ્લોરની દુકાનો કોને ફાળવવી તે મુદ્દે બે જૂથો આમનેસામને આવી ગયા છે.
અમદાવાદના કાપડના માર્કેટ રેવડી બજારમાાં ૬૮ ગેરકાયદેસર દુકાનદારોએ કાયદેસરના ૪૫૫ દુકાનના કબજેદારોની જગ્યા પર તરાપ મારી હોવાથી તેમને માર્કેટમાંથી દૂર કરીને જ નવા મકાનને ડેવલપ કરવાની માગણી કરી હોવાથી ૪૫૫ કાયદેસર અને ૬૮ ગેરકાયદેસર દુકાનો ધરાવતા કબજેદારો વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. આ અંગે ચર્ચા કરવા માટે રવિવાર સાતમી ડિસેમ્બરે ૨૦૨૫ના એક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં કાયદેસર અને ગેરકાયદેસરના કબજેદારો વચ્ચે તડાફડી થવાની સંભાવના છે. કારણ કે આજે રેવડી બજારમાં જ અલગ અલગ જૂથોની બેઠક થઈ હતી. આવતીકાલને બેઠકમાં કેવો વ્યૂહ અપનાવવો તે અંગે ચર્ચા થઈ હતી.
અમ્યુકોના કરપ્ટ અધિકારીઓએ ગેરકાયદેસર કબજેદારોને રૃા. ૭૫ લાખમાં ૪૫૫ કબજેદારોની જગ્યામાંથી ૧૦૦૦ ચોરસ મીટરનો પ્લોટ ફાળવી દીધી હોવાથી આ રામાયણ ઊભી થઈ રહી છે. ગેરકાયદેસર કબજેદારોને જગ્યા આપી દેવામાં આવી હોવાથી હવે નવા ડેવલપ થનારા માર્કેટમાં નીચેના પ્લોટના ગેરકાયદે કબજેદારો નીચે જગ્યા મળે તેવો આગ્રહ રાખી રહ્યા છે. તેની સામે કાયદેસરના કબજેદારો તેમને પણ ગ્રાઉન્ડ ફ્લોર પર જ જગ્યા મળે તેવો આગ્રહ રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે કાયદેસરના કબજેદાર હોવાને નાતે નીચેની ઓફિસો તેમને ફાળવવી જોઈએ.
કાયદેસરના કબજેદારોનું કહેવું છે કે ગેરકાયદેસરના કબજેદારોને ૯૦ દિવસનો બ્રિથિંગ પિરિયડ આપીને તેમને દૂરકરી દેવાનો હાઈકોર્ટનો ચૂકાદો હોવા છતાંય અમ્યુકાનો આધિકારીઓએ તેમને દૂર કરવાના પગલાં લીધા નથી. આ દલીલો સાથે કાયદેસરના કબજેદારો આવતીકાલની બેઠકમાં તેમનો મત મૂકવાના છે. રેવડી બજારના જનરલ સેક્રેટરીએ મહિના પૂર્વે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમ્યુકોના નીતિ નિયમ અનુસાર સ્વખર્ચે મંજૂરી કે પરવાનગીઓ મેળવીને બાંધકામ કરવાનું રહેશે. ૪૬૦ કબજેદારનું લિસ્ટ પણ તૈયાર કરવાનું જણાવવામાં આવ્યું છે. આ સ્થિતિમાં ૪૬૦ ઉપરાંતના ૬૮ કબજેદારોનું શું થશે તે એક સવાલ છે. તેમના નામનો યાદીમાં સમાવેશ કરવામાં આવશે તે મુદ્દે જ ચડસાચડસી થવાની સંભાવના છે. ગેરકાયદેસરના કબજેદારો પોતાની તાકાત લગાવી રહ્યા હોવાથી સંઘર્ષ વધી રહ્યો છે.



