• 22 October, 2026 - 3:07 PM

એગ્રીવોલ્ટિક્સ ક્રાંતિ: સહકારથી સમૃદ્ધિ વધારવાનો નવો વિકલ્પ

એગ્રીવોલ્ટિક્સ ક્રાંતિ: સહકારથી સમૃદ્ધિ વધારવાનો નવો વિકલ્પ

-ખેડૂતો હવે જમીન પર ખેતી અને ઉપર સોલાર પેનલ બેસાડી આવક કરશેઃ છાયડામાં પાલક, મેથી, કોથમીર અને તાંદળજાની ખેતી કરીને ઝડપથી આવક વધારી શકાશે.

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી ૭મી ‘એગ્રીવોલ્ટિક્સ વર્લ્ડ કન્ફરન્સ’માં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને નવી તેમજ પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ રજૂ કરેલા વિઝન હેઠળ ખેતરોમાં જમીન પર પાક ઉગાડવામાં આવે છે અને તેની ઉપર ઊંચાઈ પર સોલાર પેનલ્સ ગોઠવવામાં આવે છે. આનાથી ખેડૂતો એક જ જમીન પરથી અન્ન ઉત્પાદન અને વીજળી ઉત્પાદન બંને મેળવી શકશે, જે ભારતીય કૃષિ ક્ષેત્રમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. જોકે સોલાર પેનલ ઉપર હોય તો તડકો જમીન પર ઓછો પડવાને કારણે કેટલાક પાક લેવામાં તકલીફ પડશે. પરંતુ છાયડામાં લઈ શકાય તેવા પાક આસાનીથી લઈ શકાશે. આમ એક જ જમીન પરથી કમાણીના બે વિકલ્પો ઊભા કરી શકાશે.

ઓછા તડકામાં-છાંયડામાં આસાનીથી થઈ શકતા પાક

પાંદડાવાળા શાકભાજી છાયડામાં સારી રીતે થઈ શકે છે. તેમાં પાલક, મેથી, કોથમીર, તાંદળજોનો સમાવેશ થાય છે. આ શાકભાજીને વધારે પડતા કાળઝાળ તડકાની જરૂર હોતી નથી. છાંયડામાં પાંદડાં નરમ અને લીલાછમ રહે છે તેમજ ઝડપથી વિકાસ પામે છે. આ પાકનો બીજો ફાયદો એ છે કે તે 35થી 45 દિવસમાં વળતી આવક શરૂ કરાવી દે છે. છાયડામાં સારી રીતે થઈ શકતા અને ટૂંકા ગાળામાં વળતર આપી દેવાનું શરૂ કરી દેતા આ પાક સોલાર પેનલની નીચે ઉગાડી શકાય છે.

છાયડાંમાં થતાં મૂળવાળા શાકભાજી

આદુ અને હળદર: આ બંને પાકોને આંશિક છાંયડો ખૂબ જ અનુકૂળ આવે છે. સોલાર પેનલની નીચે જમીનમાં ભેજ જળવાઈ રહેતો હોવાથી આદુ અને હળદરનો વિકાસ ઉત્તમ થાય છે. સોલાર પેનલની હાઈટ વધારી દેવામાં આવે અને પંદરથી વીસ ફૂટ ઊંચે સોલાર પેનલ લગાડવામાં આવે તો સવારે અને સાંજે તડકો મળી શકે છે. આમ મર્યાદિત તડકાનો લાભ લઈને ખેતી અને સોલાર પાવર જનરેશનની બમણી આવક કરી શકે છે.

બટાટા, મૂળા અને બીટ: આ પાકો પણ ઓછા તડકામાં જમીનની અંદર સારો વિકાસ કરી શકે છે. કઠોળ અને શાકભાજી પણ ઓછા તડકામાં થઈ શકે છે. મગ, અડદ અને વાલ માટે પણ ઓછો તડકો જ જોઈએ છે. કઠોળ વર્ગના પાકોને ઓછો તડકો મળે તો પણ તે નાઇટ્રોજન ફિક્સેશન કરીને સારો પાક આપે છે.

મરચાં અને ટામેટાં: ઉનાળાની સખત ગરમીમાં ટામેટાં અને મરચાં પર પેનલનો છાંયડો રહેવાથી તે કરમાઈ જતા નથી અને ફળનું ઉત્પાદન સારું રહે છે. છાયડામાં ઔષધીય અને સુગંધિત વનસ્પતિઓ પણ થાય છે. આ વનસ્પતિઓમાં ફુદીનો, એલોવેરા-કુંવારપાઠું અને બ્રાહ્મીનો સમાવેશ થાય છે. આ પ્રકારની ઔષધીઓ છાંયડાવાળા અને ભેજવાળા વાતાવરણમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે.

વધુ તડકાની જરૂરિયાત વાળા  પાક

આ એવા પાક છે જેમને સંપૂર્ણ વિકાસ અને પ્રકાશસંશ્લેષણ-ફોટો સિન્થેસિસ માટે દિવસમાં ૬ થી ૮ કલાક સીધા સૂર્યપ્રકાશની સખત જરૂર હોય છે. તેમને સોલાર પેનલની નીચે વાવવાનું ટાળવું જોઈએ. ખાસ્સા તડકાની જરૂરિયાત વચ્ચે ઉછરતા પાકમાં ઘઉં અને બાજરીનો સમાવેશ થાય છે. આ પાકોને દાણા ભરાવવા અને પાકવા માટે પૂરતો તાપ અને તડકો જોઈએ છે. છાંયડામાં વાવવાથી દાણા નાના રહે છે અથવા ઉતારો ઘટી જાય છે. ડાંગરના પાકને સીધો સૂર્યપ્રકાશ અને ઊંચું તાપમાન જરૂરી હોવાથી પેનલની નીચે ઉત્પાદન ઘટી શકે છે. તડકામાં તેલીબિયાં અને રોકડિયા પાક પણ સારી રીતે ઉછરે છે. કપાસના ઝીંડવા ખીલવા માટે અને કપાસની ગુણવત્તા જાળવવા માટે આખો દિવસ તડકો હોવો અનિવાર્ય છે. રાયડો અને સૂર્યમુખીની ખેતી માટે પણ તડકાની ખાસ્સી જરૂર છે. સૂર્યમુખી જેવા પાકનું નામ જ સૂર્ય પરથી છે, તેને સીધો સૂર્યપ્રકાશ ન મળે તો ફુલ આવતા નથી અને તેલીબિયાંનો ઉતારો બેસતો નથી. મગફળીના છોડને પૂરતો પ્રકાશ ન મળે તો તેમાં શૂળ ઓછી બેસે છે અને ફોતરાં ખાલી રહે છે. શેરડી ખૂબ ઊંચો વધતો પાક છે અને તેને પુષ્કળ સૂર્યપ્રકાશની જરૂર હોય છે. પેનલની ઊંચાઈ ઓછી હોય તો શેરડી વાવી શકાતી નથી અને છાંયડામાં તેનો રસ ઓછો બને છે.

વીજળીના પુરવઠાની સમસ્યાનો ઉકેલ અને ખેડૂતોને ફાયદો

ભારતના ૮૫ ટકા નાના અને સીમાંત ખેડૂતો છે, જેમની સરેરાશ જમીન માત્ર ૦.૯૬ હેક્ટર છે. ખેડૂતો માટે સિંચાઈ અને રોજિંદા વપરાશ માટે વીજળીની અનિયમિતતા મોટો પ્રશ્ન રહી છે. એગ્રીવોલ્ટિક્સ સિસ્ટમથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે. આજે ગુજરાતમાં પણ વીજપુરવઠાની સમસ્યા છે. આ સમસ્યાનો ઉકેલ ગ્રામીણ વિસ્તારમાં ખેતરે ખેતરે સોલાર પેનલ બેસાડવાથી આવી શકે છે. સોલાર પેનલને કારણે દિવસના સમયે વીજળીની ઉપલબ્ધ થઈ શકે છે. પીએમ-કુસુમ યોજના હેઠળ અગાઉથી જ ૩૦ લાખ પંપોને સોલાર સાથે જોડવામાં આવ્યા છે. આ નવી પદ્ધતિથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી અને ભરોસાપાત્ર વીજળી મળી રહેશે.

અન્નદાતા બનશે ઉર્જાદાતા

ખેતર પર સોલાર પેનલ બેસાડવાને કારણે ખેડૂતોને વધારાની આવક થશે. અત્યાર સુધી અન્નદાતા ગણાતો ખેડૂત હવે પછી ઉર્જાદાતા પણ બની જશે. ખેડૂતો માત્ર ‘અન્નદાતા’ મર્યાદિત નહીં રહે, પરંતુ વીજળી ઉત્પન્ન કરીને ‘ઉર્જાદાતા’ પણ બનશે અને વધારાની વીજળી ગ્રીડમાં વેચીને કમાણી કરી શકશે. ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યુટ’-ટેરી ના અભ્યાસ મુજબ ભારતમાં આ ટેકનોલોજી માટે ૪૭.૫ મિલિયન હેક્ટર જમીન યોગ્ય છે, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ મુખ્ય છે.

પાકને થનારા વિશેષ લાભો અને ઉત્પાદકતામાં વધારો

ઘણા લોકો માને છે કે સોલાર પેનલ હોવાથી પાકને નુકસાન થશે, પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે આ પદ્ધતિથી પાકને ફાયદો થાય છે. એક, સોલાર પેનલ લગાવ્યા પછી પાકના ઉત્પાદનમાં ૧૦ થી ૨૦ ટકાનો વધારો થતો જોવા મળે છે. આ અંગેના અભ્યાસો દર્શાવે છે કે સોલાર પેનલના છાંયાને કારણે ઉનાળાની કાળઝાળ ગરમી અને વધુ પડતા સૂર્યપ્રકાશથી પાકનું રક્ષણ થાય છે. ભેજ જળવાઈ રહે છે, જેનાથી પાકની ગુણવત્તા અને ઉત્પાદકતામાં ૧૦ થી ૨૦ ટકા સુધીનો વધારો થઈ શકે છે. સોલાર પેનલ્સ જમીન પર સીધા તાપમાનને વધવા દેતી નથી, જેથી જમીનમાંથી પાણીનું બાષ્પીભવન ઘટે છે અને પાણીની મોટી બચત થાય છે.

રોકાણ અને યોજના: સરકાર પીએમ-કુસુમ યોજનાના આગામી તબક્કા હેઠળ એક મહત્વાકાંક્ષી એગ્રીવોલ્ટિક્સ પ્રોગ્રામ લાવવા જઈ રહી છે. જો કે, પેનલની ઊંચાઈ, બે પેનલ વચ્ચેનું અંતર અને ટ્રેક્ટરો જેવા કૃષિ યંત્રો સરળતાથી ફરી શકે તેવું આયોજન કરવું જરૂરી છે.

રોજગારીની તકો: આ સેક્ટરથી ગ્રામીણ વિસ્તારોમાં અંદાજે ૩.૩૨ લાખ પૂર્ણ-સમયની સ્થાનિક રોજગારીની તકો ઊભી થશે. યુવાનો અને મહિલાઓને આ ઉપકરણોના સંચાલન, રિપેરિંગ અને જાળવણી માટે તાલીમ આપવામાં આવશે. સંભવિત ખરાબ અસરો અને પડકારો

કોઈપણ નવી ટેકનોલોજીની જેમ આમાં પણ કેટલાક જોખમો રહેલા છે, જેના પર સરકારે ગંભીર ધ્યાન આપ્યું છે. એક, સોલાર પેનલ લગાડવાથી જમીનનો બગાડ અને ધોવાણ થઈ શકે છે. જો યોગ્ય વોટર ડ્રેનેજની એટલે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવે, તો સોલાર પેનલ્સ પરથી પડતા પાણીથી જમીનનું ધોવાણ થઈ શકે છે.

કંપનીઓ અધવચ્ચે પ્રોજેક્ટ છોડી દેવાનું જોખમ રહેલું છે. જો કોઈ સોલાર કંપની કરાર પૂર્ણ થયા પહેલા પ્રોજેક્ટ અધવચ્ચે મૂકીને જતી રહે અથવા કરાર પૂરો થયા બાદ પેનલ્સ હટાવવામાં સમસ્યા સર્જાય, તો ખેડૂતોને નુકસાન થઈ શકે છે. આ માટે સરકારે કડક સુરક્ષા કવચ અને નીતિઓ બનાવવી પડશે. એગ્રીવોલ્ટિક્સ પદ્ધતિ ખેડૂતો માટે બેવડી આવકનો માર્ગ ખોલે છે. જો પેનલ્સની ઊંચાઈ, યોગ્ય પાકની પસંદગી અને ગ્રીડ કનેક્ટિવિટીનું યોગ્ય આયોજન કરવામાં આવે, તો નાના અને સીમાંત ખેડૂતો આર્થિક રીતે વધુ સબળ બની શકશે.

Read Previous

ખાંડ-ઇથેનોલ પરના નિયંત્રણોથી ઓટો ઇન્ડસ્ટ્રીના E20 ટાર્ગેટ સામે પડકાર: OMCs પર ₹813 કરોડનો બોજ વધવાની શક્યતા

Most Popular