• 19 December, 2025 - 5:30 PM

અમેરિકાએ ગ્રીન કાર્ડ લોટરી સ્થગિત કરી દીધી, પરંતુ ભારતીય નાગરિકો પર અસર નહિ પડે

ગ્રીન કાર્ડ લોટરી સિસ્ટમ હેઠળ જુદાં જુદાં દેશોમાંથી આવીને અમેરિકામાં આતંકી હુમલા કરવાના કિસ્સાઓ ધ્યાનમાં આવતા ગ્રીન કાર્ડ લોટરી સ્થગિત કરી

બ્રાઉન યુનિવર્સિટી શૂટિંગના આરોપી તરીકે પોર્ટુગીઝ મૂળના વ્યક્તિની ઓળખ થયા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીન કાર્ડ લોટરી કાર્યક્રમને સ્થગિત કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ શંકાસ્પદ વ્યક્તિ પર એમઆઇટી (MIT)ના એક પ્રોફેસરની હત્યાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયને અનુસરીને અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટી વિભાગની સચિવ ક્રિસ્ટી નોમે સોશિયલ મીડિયા પર નિવેદન આપીને જણાવ્યું છે કે ટ્રમ્પના આદેશ મુજબ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ને ડાયવર્સિટી ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ (DV Program) એટલે કે ગ્રીન કાર્ડ લોટરી પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય નાગરિકોને આ નિર્ણયથી સીધી અસર થવાની શક્યતા નથી. કારણ કે ભારત પહેલેથી જ ડાયવર્સિટી વિઝા કાર્યક્રમ માટે પાત્ર નથી. અમેરિકામાં ભારતીય ઇમિગ્રેશનનો દર ઊંચો હોવાથી ભારત, ચીન, મેક્સિકો, ફિલીપાઇન્સ, કેનેડા, દક્ષિણ કોરિયા અને વિયેતનામ જેવા દેશોને આ યોજનામાં સામેલ કરવામાં આવતા નથી.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ DV-2026 સૂચનાઓ અનુસાર 55,000 ડાયવર્સિટી વિઝા ફાળવવાના હતા, પરંતુ ટ્રમ્પના નવા આદેશને કારણે હવે આ યોજના અંગે અનિશ્ચિતતા છવાઈ ગઈ છે. અમેરિકાના વિદેશ ખાતાએ સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં 50,000થી વધુ નાગરિકો અમેરિકા ગયા હોય તે દેશોના નાગરિકો DV-2026 માટે પાત્ર નથી. આ યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આ જાહેરાત કરવામાં આવી તેના પહેલા મેસેચ્યુસેટ્સની યુએસ અટોર્ની લિયા બી. ફોલીએ પણ જણાવ્યું હતું કે પોર્ટુગલમાં જન્મેલા ક્લાઉડિયો મેન્યુઅલ નેવેસ વેલેન્ટેને 2017માં કાયદેસર રીતે અમેરિકામાં પરમનેન્ટ રેસિડન્સ (ગ્રીન કાર્ડ) મળ્યો હતો. 48 વર્ષીય પોર્ટુગીઝ નાગરિક ક્લાઉડિયો નેવેસ વેલેન્ટેને યુનિવર્સિટી શૂટિંગ સાથે જોડાયેલા શંકાસ્પદ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો તે પછી ક્રિસ્ટી નોમે આ વિઝા કાર્યક્રમ પર સવાલ ઊભા કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ દ્વારા તેમને અમેરિકામાં કાયદેસર દરજ્જો મળ્યો હતો.

ક્રિસ્ટી નોમે X (ટ્વિટર) પર લખ્યું હતું કે, “બ્રાઉન યુનિવર્સિટીનો શૂટર ક્લાઉડિયો મેન્યુઅલ નેવેસ વેલેન્ટે 2017માં ડાયવર્સિટી લોટરી ઇમિગ્રન્ટ વિઝા (DV-1) મારફતે અમેરિકા આવ્યો હતો અને તેને ગ્રીન કાર્ડ આપવામાં આવ્યો હતો. આવા ભયાનક વ્યક્તિને ક્યારેય આપણા દેશમાં પ્રવેશ મળવો જોઈતો નહોતો. 2017માં ન્યૂયોર્ક સિટી ટ્રક હુમલા બાદ પણ ટ્રમ્પે આ કાર્યક્રમ બંધ કરવાની કોશિશ કરી હતી. તે હુમલામાં ઉઝબેકિસ્તાનના સાયફુલ્લો સાઈપોવે આઈએસઆઈએસના નામે આતંકી હુમલો કરી 8 લોકોની હત્યા કરી હતી. તેને 2023માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ હુમલાખોર પણ DV-1 કાર્યક્રમ મારફતે અમેરિકા આવ્યો હતો.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ અનુસાર જ હું તરત જ USCISને DV-1 કાર્યક્રમ સ્થગિત કરવા આદેશ આપી રહી છું. જેથી વધુ કોઈ અમેરિકનને આ વિનાશક કાર્યક્રમના કારણે નુકસાન ન થાય. નવેમ્બર મહિનામાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર કરનાર તરીકે એક અફઘાન નાગરિકની ઓળખ થઈ હતી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ જ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક વિદેશી નાગરિકો અને ‘થર્ડ વર્લ્ડ દેશો’ માટે અમેરિકા પ્રવેશ પર કડક નિયંત્રણો જાહેર કર્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓમાં સ્પષ્ટ થયું છે કે ટ્રમ્પ ફક્ત ગેરકાયદે ઇમિગ્રેશન જ નહીં, પરંતુ કેટલીક કાયદેસર ઇમિગ્રેશન યોજનાઓને પણ નિશાન બનાવી રહ્યા છે.

ગ્રીન કાર્ડ લોટરી અથવા ડાયવર્સિટી ઇમિગ્રન્ટ વિઝા શું છે?

આ કાર્યક્રમનો ઉદ્દેશ અમેરિકામાં આવનારા ઇમિગ્રન્ટ્સમાં વૈવિધ્યતા વધારવાનો છે. USCISની અધિકૃત વેબસાઇટમાં જણાવ્યા મુજબ દર વર્ષે આશરે 50,000 ઇમિગ્રન્ટ વિઝા આ યોજના હેઠળ આપવામાં આવે છે. ઓછી ઇમિગ્રેશન ધરાવતા દેશોના નાગરિકોને લોટરી દ્વારા પસંદ કરવામાં આવે છે. આ યોજના મુખ્યત્વે આફ્રિકાના અને અન્ય ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા દેશોના લોકો માટે છે. લોટરીમાં નામ પસંદ થયા પછી વ્યક્તિને ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની તક મળે છે અને તેને અન્ય તમામ અરજદારો જેવી જ ચકાસણી, ઇન્ટરવ્યૂ અને કાયદેસર પ્રક્રિયા પસાર કરવી પડે છે. આ વિઝા માટે લાયક બનવા માટે વ્યક્તિ એવા દેશનો નાગરિક હોવો જોઈએ જ્યાંથી અમેરિકામાં ઇમિગ્રેશન ઓછું છે, તેમજ ઓછામાં ઓછું હાઈસ્કૂલ પાસ અથવા યોગ્ય કામનો અનુભવ હોવો જરૂરી છે. એસોસિએટેડ પ્રેસ (AP) મુજબ, 2025ની લોટરી માટે લગભગ 2 કરોડ લોકોએ અરજી કરી હતી. તેમાંમાંથી 1.31 લાખથી વધુ લોકો પસંદ થયા હતા. પોર્ટુગીઝ નાગરિકોને ફક્ત 38 સ્લોટ મળ્યા હતા.

 

Read Previous

અમેરિકાએ H-1B વિઝા પર લાદેલી આકરી ફીથી ભારતની આઇટીના કામકાજ ઘટશે, આવક ઘટશે

Read Next

નવો વીમા કાયદો વિકાસ અને સુલભતા માટે ગેમ-ચેન્જર બનશે : LIC CEO અને MD આર. દોરાઈસ્વામી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular