• 18 December, 2025 - 2:16 AM

આવકવેરા કચેરીના અધિકારીઓનું મનસ્વી વલણ: એપેલેટ ટ્રિબ્યુનલમાં નીકળી ગયેલા કેસોમાં દસ વર્ષ સુધી રિફંડ અપાતા જ નથી

– પોર્ટલ પરથી ટ્રિબ્યુનલના ઓર્ડરની વિગતો અપલોડ કરી ડિમાન્ડ રદ ન કરતાં નવા રિફંડ પણ વરસો સુધી ડિમાન્ડ સામે એડજસ્ટ થયા કરે છે, કરદાતાઓ પરેશાન થાય છે

– 2013-14ના આકારણી ઓર્ડરની ટેક્સ ડિમાન્ડ 2019માં કાઢી નાખવામાં આવી હોવા છતાંય 2024-25ના રિફંડની રકમ પણ ડિમાન્ડ સામે એડજસ્ટ થયા કરે છે

આવકવેરાના રિટર્નની આકારણી વખતે કરદાતાની આવકમાં ઉમેરો કરીને ટેક્સની ડિમાન્ડ નોટિસ મોકલવાના કેસ કમિશનર અપીલથી આગળ એપેલેટ ટ્રિબ્યુનલમાં ડિમાન્ડને રદ કરતો ઓર્ડર કરી દેવામાં આવ્યો હોવા છતાંય આવકવેરાના અધિકારીઓ ટ્રિબ્યુનલના ઓર્ડરને ઇફેક્ટ ન આપતા હોવાથી પેન્ડિંગ-જૂની ટેક્સ ડિમાન્ડ સામે કરદાતાઓના ટેક્સ રિફંડના નાણાં તે પછીય આઠથી દસ વર્ષ સુધી એડજસ્ટ થતાં જ રહે છે. બીજા શબ્દોમાં ટ્રિબ્યુનલના ઓર્ડરને આકારણી અધિકારીઓ ડિમાન્ડને ઓનલાઈન પેન્ડિંગ જ રહેવા દેતા હોવાથી વરસોના વરસ સુધી તેમના રિફંડ  એડજસ્ટ થતાં રહે છે. આમ રિફંડની રકમમાં જ રિકવરી કરવામાં આવી રહીછે.

બીજું અધિકારીઓના આ વલણને પરિણામે આવકવેરા ખાતાએ છ ટકાને બદલે નવ ટકા વ્યાજ પેન્ડિંગ રકમ પર ચૂકવવું પડતું હોવા છતાં તેમના રિફંડના નાણાં આઠથી દસ વર્ષ સુધી છૂટા કરવામાં ન આવતા હોવાની પ્રચંડ બૂમ કરદાતાઓમાંથી ઊઠી રહી છે.

અમદાવાદના દિનેશ ખોડાભાઈ પટેલના 2013-14માં આકારણી કરવામાં આવી તે પછી તેમની સામે રૂ. 46 લાખથી વધુર રકમની ડિમાન્ડ કાઢવામાં આવી હતી. 19મી સપ્ટેમ્બર 2019ના ટ્રિબ્યુનલે ઓર્ડર કરીને દિનેશ પટેલ સામેની ડિમાન્ડ અયોગ્ય હોવાનું ઠેરવી દેતો ઓર્ડર કરી દીધો હતો. આમ 2013-14થી 2019 સુધી રિફંડ એડજસ્ટ કર્યું હતું તે પાછું લેવાનું થતું હતું. આ રકમ તો પાછી આપી જ નથી. પરંતુ 2019થી 2025 સુધીમાં જેટલા રિફંડ લેવાના થતાં હતા તેટલા તમામ રિફંડના નાણાં હજીય એડજસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ અંગે ઇન્કમટેક્સના કમિશનર, પ્રધાનમંત્રી કાર્યાલયને 10થી 15 વાર ફરિયાદ કરી હોવા છતાં આ સમસ્યાનો ઉકેલ આવતો જ નથી.

આવકવેરા અધિકારીઓ ઇન્કમટેક્સના પોર્ટલ પર ઊભી કરેલી ડિમાન્ડ કેન્સલ જ કરતાં નથી. તેથી નવા જેટલા રિફંડ આવે તે તમામ એડજસ્ટ જ થતાં રહે છે. સીપીસી તેમાં ઊંડું ઉતરતું જ નથી. તેને ઓનલાઈન જે દેખાય તેની સામે એડજસ્ટ કર્યા જ કરે છે. વાસ્તવામાં આ પ્રકારના કિસ્સાઓમાં કરદાતાને નવ ટકા વ્યાજ અને અન્ય કિંમત ચૂકવવાની આવકવેરા કચેરીને ફરજ પાડે છે. વાસ્તવમાં સરકારને પણ તેને કારણે વધુ રકમ ચૂકવવાની આવતી હોવાથી આકારણી અધિકારીને પણ સરકારની તિજોરી પર આવી રહેલા વધારાના ખર્ચબોજ પ્રમાણેના નાણાંનો દંડ કરવામાં આવે તો આ સમસ્યા હળવી થઈ શકે છે. આ માત્ર ને માત્ર અધિકારીઓની બેદરકારી અને બદમાશી જ છે. આવકવેરા અધિકારની આ દોંગડાઈ અંગે પ્રધાનમંત્રીના કાર્યાલયને પણ સી.પી. ગ્રામના માધ્યમથી ફરિયાદ કરવામાં આવી છે. છતાંય સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. કમિશનર, ચીફ કમિશનરને આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ જ દિન સુધી કોઈએ પગલાં લીધા જ નથી. દિનેશ ખોડાભાઈ પટેલ સામે કુલ રૂ. 46,46, 450ની ટેક્સ ડિમાન્ડ ઊભી કરવામાં આવી હતી. નાણાંકીય વર્ષ 2024-25માં પણ દિનેશ પટેલના રિફંડ એડજસ્ટ કરવામાં આવેલા છે. આ પ્રકારના અનેક કેસો પેન્ડિંગ પડ્યા છે. આ અંગે રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હોવા છતાંય કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.

આ જ સ્થિતિ એનઆરઆઈ શૈલેશ જે વકીલની 2017-18ના વર્ષની આકારણીમાં આ જ પ્રકારની સમસ્યા ઊભી થઈ હતી. તેમની સામે રૂ. 81,82,620ની ટેક્સ ડિમાન્ડ ઊભી કરવામાં આવી હતી. સીઆઈટી-કમિશનર અપીલે 7મી જાન્યુઆરી 2022ના ડિમાન્ડ કાઢી નાખી હતી. આ જ સુધી તેમને રિફંડ આપવામાં આવ્યું નથી. 2022 પછીના આકારણની વરસમાં પણ એટલે કે 2021-22, 2022-23, 2023-24, 2024-25ના વરસના રિફંડ પણ તેમની રૂ. 81 લાખની ડિમાન્ડ સામે એડજસ્ટ કરવામાં આવી છે. શૈલેશ વકીલ વરસોથી અમેરિકામાં સ્થાયી થઈ ગયેલા છે. તેમણે મીઠાખળીમાં આવેલા તેમના પૂર્વજોના રહેઠાણના વેચાણ થકી તેમણે મેળવેલી આવકમાં આ ડિમાન્ડ નોટિસ કાઢવામાં આવી હતી. આ અંગે આજે પણ હવે સી.પી.ગ્રામમાં ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રકારના કિસ્સામાં રિફંડની રકમ પર નવ ટકાના દરે વ્યાજ ચૂકવવાની ફરજ પડે છે. આવકવેરા કચેરી આ રકમ જવાબદાર અધિકારી પાસેથી વસૂલવાની શરૂઆત કરે તો તેવા સંજોગોમાં કરદાતાઓને રાહત મળી શકે છે.

 

Read Previous

સોવરિન ગોલ્ડ બોન્ડ્સ પર RBI નું મોટું અપડેટ: 2954 નું રોકાણ કરીને પ્રતિ યુનિટ 12801 કમાઓ, કોને ફાયદો થશે?

Read Next

બજેટને લઈ ટેક્સટાઈલ ઉદ્યોગની શું અપેક્ષા છે? રંગનાથ શારદાએ કહ્યું, ટ્રેડર્સ, લૂમ્સ, પ્રોસેસિંગ હાઉસ, વિવિંગ, વેલ્યુ એડીશન કરનાર માટે અલગ અલગ નીતિ બનાવે સરકાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular