એક કેમિસ્ટ અને એક ફાર્માસિસ્ટનો નિયમ લાગુ કરીને ફાર્મસી કાઉન્સિલ નવા ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી દરેક કેમિસ્ટની તપાસ કરશે


- દોષિત ઠરનારા કેમિસ્ટ ને કે પછી ફાર્માસિસ્ટને ત્રણ મહિનાની જેલની સજા અને રૂ. બે લાખ સુધીનો દંડ કરવામાં આવશે.
- ગેરરીતિ આચરનારના ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન રદ કરી દેવા સુધીની સજા કરવામાં આવશે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાત એક ફાર્માસિસ્ટ એક જ કેમિસ્ટને ત્યાં નોકરી કરે તેવી વ્યવસ્થાનો ચુસ્ત અમલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ આયોજનને અમલ કરવા માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાત અલગથી ફાર્મસી કાઉન્સિલ ઇન્સ્પેક્ટરની ટીમ પણ બનાવશે. ફાર્મસી એક્ટ 1948ની કલમ 26-એમાં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ ફાર્મસી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવાની સત્તા પણ ગુજરાત ફાર્મસી કાઉન્સિલને ભારત સરકારની દેખરેખ હેઠળ કામ કરતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી પણ દીધી છે. આ અંગેની ફરિયાદો પણ ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ગઈ હોવાથી આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ ફાર્મસી એક્ટ–1948ની કલમ 42માં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ જ એલોપથીની દવાઓ પ્રિસ્ક્રિપ્શન પર વેચાણ કરવાની સત્તા ધરાવે છે. ભારતમાં ફાર્માસિસ્ટની પ્રેક્ટિશના વ્યવસાય પર નિયંત્રણ રાખવા અને ફાર્મસીના શિક્ષણ પર નિયંત્રણ રાખવા માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને તેની નીચે ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતની રચના કરેલી છે.
અમદાવાદમાં મોટાભાગના કેમિસ્ટ ફાર્માસિટ્ટના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માસિક રૂ. 1500થી 2000ના ભાડાં પર લઈને કામ ચલાવી દે છે. તેની અવેજીમાં બારમું નાપાસ થયેલો છોકરો એલોપથીનું વેચાણ કર્યા કરે છે. પરિણામે દરદીઓને ખોટી દવાઓ અપાઈ જવાનો ખતરો વધી જાય છે. દરદીને ગંભીર પરિણામોનો સામનો કરવ પડી શકે છે.
જનવિશ્વાસ (એમેન્ડમેન્ટ ઓફ પ્રોવિઝન) એક્ટ 2023ની જોગવાઈ હેઠળ ફાર્માસિસ્ટ વિના દવાઓનું વેચાણ કરતાં પકડાશે અને દોષિત ઠરશે તો તેને માટે તેને ત્રણ મહિનાની જેલની સજા કરવામાં આવશે. તેમ જ રૂ. બે લાખ સુધીનો દંડ કરવામાં આવશે. તદુપરાંત ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન રદ કરી દેવા સુધીની સજા કરવામાં આવશે.
આ સાથે જ ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતના ઉપપ્રમુખ કશ્યપભાઈનું કહેવું છે કે, નિયમ મુજબ સવારે 9 વાગ્યાથી સાંજે નવ વાગ્યાના બાર કલાક માટે એક ફાર્માસિસ્ટ રાખવાનો નિયમ છે. આ નિયમનું ઉલ્લંઘન કરીને કેમિસ્ટો સવારે નવ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી એક જ ફાર્માસિસ્ટ પર કેમિસ્ટો દુકાન ચલાવ્યા કરે છે. હોસ્પિટલના સત્તાવાળાઓ, મેડિકલ સ્ટોરના માલિકો અને ફાર્માસિસ્ટોને રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની હાજરીમાં જ દવાઓનું વેચાણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે.



