PNGનો વ્યાપ વધતા LPG સિલિન્ડરની એજન્સીઓના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ
– શહેરમાં મોટાભાગના ઘર, હોટેલ-રેસ્ટોરાંમાં પાઈપથી ગેસ પહોંચતા LPGના બિઝનેસને ફટકો
– વિકલ્પ તરીકે પેટ્રોલ પંપ, ઈવી ચાર્જિંગ સ્ટેશનની પરવાનગી આપવા ગેસ એજન્સીઓની રજૂઆત

ગેસની એજન્સીમાં ફોન કરીને ગેસ સિલિન્ડર બુક કરાવવો, શિયાળામાં 21 દિવસ પહેલા ગેસ ન પૂરો થાય તેની કવાયત કરવી, કોઈ વખત એક સિલિન્ડર પૂરો થઈ જાય અને બીજો હાજર ન હોય ત્યારે પાડોશી પાસે સિલિન્ડર માંગવા જવું… મોટા ભાગના લોકોના સ્મૃતિ પટલમાં આ યાદ ભૂલાઈ જવા આવી હશે. ગેસની પાઈપલાઈન આવી ગયા બાદ હવે ઘણા ઓછા ઘરોમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) નો વ્યાપ વધતા LPG સિલિન્ડરનો બિઝનેસ 60 ટકા કરતા વધુ ઘટી ગયો છે. આ કારણે ગેસ સિલિન્ડરનો સપ્લાય કરતી એજન્સીઓને અસ્તિત્વ ટકાવવા માટે હાલ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
LPG સિલિન્ડરની ડિમાન્ડ ઘટવાના મુખ્ય બે કારણો છેઃ એક, તેના ભાવમાં થયેલો ભડકો અને બીજું, પાઈપલાઈનનો વધતો વ્યાપ. ઘરેલુ અને કોમર્શિયલ ગ્રાહકોને હવે પાઈપલાઈન માફક આવી ગઈ છે. તેમાં સિલિન્ડરની જેમ ગેસ પૂરો થઈ જવાનું ટેન્શન નથી હોતું, સેફ્ટી વધારે છે અને રસોડામાં જગ્યા પણ ઓછી રોકાય છે. વળી, વીજળીની જેમ ગેસનું બિલ પણ ઓનલાઈન ભરી શકાય છે. બીજું, LPGના ભાવમાં છેલ્લા થોડા વર્ષોમાં અધધ વધારો થયો છે. હાલની જ વાત કરીએ તો ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 903 છે જ્યારે કોમર્શિયલ સિલન્ડર રૂ. 1735ની તોતિંગ કિંમતે વેચાઈ રહ્યા છે. PNG તેના કરતા લગભગ અડધી કિંમતે મળી જાય છે.
LPG સિલિન્ડરના ઘટતા વેચાણ અંગે વાત કરતા અમદાવાદની સંતોષ ગેસ સર્વિસના ઓનર અને ઓલ ઈન્ડેન ડિસ્ટ્રિબ્યુટર્સ એસોસિયેશન, ગુજરાતના જનરલ સેક્રેટરી શૈલેષ પટેલ જણાવે છે, “હાલ LPG સિલિન્ડરનું માર્કેટ કેટરિંગ અને સ્ટ્રીટ વેન્ડર્સ સુધી સીમિત રહી ગયું છે. શહેરમાં 90 ટકા ઘર, હોટેલ-રેસ્ટોરાંમાં હવે પાઈપલાઈન દ્વારા ગેસ પહોંચે છે જેને કારણે LPG બિઝનેસને ભારે ફટકો પડ્યો છે.”
નડિયાદની જ વાત કરીએ તો અગાઉ નડિયાદ અને આજુબાજુના વિસ્તારમાં મહિને 9 એજન્સીઓ મારફતે લગભગ 63,000 જેટલા સિલિન્ડર ડિસ્ટ્રિબ્યુટ થતા હતા. આ સંખ્યા હવે ઘટીને 30,000 થઈ ગઈ છે. ઓલ ઈન્ડેન ડિસ્ટ્રિબ્યુટર્સ એસોસિયેશન, ગુજરાતના પ્રમુખ ચિરાગ પટેલ જણાવે છે, “સરકારની ઉજ્જવલા યોજના અંતર્ગત ગ્રાહકોની સંખ્યા વધી છે પરંતુ તેમાંથી મોટા ભાગના ગ્રાહકો એવા છે જે વર્ષમાં ત્રણથી ચાર સિલિન્ડર મંગાવે છે. પરિણામે વેચાણમાં ખાસ વધારો થયો નથી. વળી, PNGની સરખામણીએ LPG ઘણો મોંઘો પડે છે. તેના માટે સિક્યોરિટી ડિપોઝિટ સહિત તમારે રૂ. 3000થી 3500નો ખર્ચ કરવો પડે છે. છેલ્લા 1 વર્ષમાં LPGના ભાવમાં સાત વખત કુલ રૂ. 325 જેટલો વધારો થયો છે. 2015-16ની સરખામણીએ ગેસના ભાવમાં ત્રણ ગણો વધારો થઈ ગયો છે. વળી, મે 2020થી તેના પર સરકાર દ્વારા અપાતી સબસિડી પણ બંધ થઈ ગઈ છે. આવા અનેક કારણોસર ગ્રાહકો પીએનજી તરફ વળ્યા છે.”
ગુજરાતમાં 500 જેટલી એજન્સીઓ પાસે LPGની ડિસ્ટ્રીબ્યુટરશિપ છે અને તેમાંથી 7000થી 8000 લોકોને રોજગારી મળે છે. શૈલેષ પટેલ જણાવે છે, “સરકારે ડિફેન્સ, અનએમ્પ્લોય્ડ ગ્રેજ્યુએટ, સ્પોર્ટ્સમેન, ફ્રીડમ ફાઈટર વગેરે રિઝર્વ ક્વોટામાં લોકોને રોજગારી આપવા માટે ગેસની ડિસ્ટ્રીબ્યુટરશિપ આપવાનું શરૂ કર્યું હતું. સરકાર કેરોસિનની જેમ ધીમે ધીમે હવે LPGનું વેચાણ પણ સાવ ઘટાડી દેવા માંગે છે. આથી રિઝર્વ ક્વોટામાં લોકોને રોજી રળવા જે માધ્યમ આપવામાં આવ્યું હતું તે જ બિઝનેસ બંધ થવાની કગાર પર આવી ગયો છે. “

LPG ગેસ ઈન્ડસ્ટ્રીમાં બિઝનેસનો રૂખ બદલાઈ રહ્યો છે અને એજન્સીઓ અસ્તિત્વ ટકાવવા મથામણ કરી રહી છે. બદલાતા વહેણને જોઈને તેમણે સરકાર પાસે પેટ્રોલ પમ્પ, ઈલેક્ટ્રિક વેહિકલ માટેના ઈવી ચાર્જિંગ સ્ટેશન વગેરેની પરવાનગી આપવાની વિનંતી કરી છે જેનો હાલ સુધી સરકારે કોઈ ઉત્તર આપ્યો નથી. નિયમ મુજબ જે કંપની સરકાર સાથે LPG ડિસ્ટ્રિબ્યુટરશિપનો એગ્રીમેન્ટ કરે તે બીજો કોઈ બિઝનેસ કરી શકતી નથી. આ અંગે વાત કરતા ચિરાગ પટેલ જણાવે છે, “ઘણા ડિસ્ટ્રિબ્યુટર્સ ત્રણથી ચાર દાયકાથી ડિસ્ટ્રિબ્યુટરશિપમાં છે. તેમના પબ્લિક રિલેશન્સ સારા છે, કંપની સાથે પણ તેમના સારા સંબંધો છે. કંપનીને તેમના બેકગ્રાઉન્ડ, આર્થિક ક્ષમતાનો ખ્યાલ છે. જે ડિસ્ટ્રિબ્યુટર્સે શરૂઆતમાં કંપનીને લોકો સુધી પહોંચવામાં મદદ કરી, તેમને હવે કંપની પાસેથી મદદની આશા છે. આવામાં તેમને રિટેલ આઉટલેટ ખોલવાની પરવાનગી આપવામાં આવે તો તેમની મુશ્કેલીઓ હળવી થાય.”
એક વાત સ્પષ્ટ છે કે LPG સિલિન્ડરના ડિસ્ટ્રિબ્યુટર્સ માટે આગળ કપરાં ચઢાણ છે. હવેના પાંચ વર્ષ આ બિઝનેસ માટે નિર્ણાયક સાબિત થશે.