top of page

શેરબજારના આ ટ્રેન્ડમાં ફસાશો તો મોટું નુકસાન થઈ શકે છે

  • Team Vibrant Udyog
  • Jul 21, 2022
  • 8 min read
શેરબજારમાં ઇન્વેસ્ટર્સને ગેરેન્ટેડ રિટર્ન અપાવવાના કરવામાં આવી રહેલા દાવા
SEBIએ રોકાણકારોને અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મથી ચેતતા રહેવાની કેમ સૂચના આપી?
જયપુરમાં એક માર્કેટ પ્લેયરે અલ્ગો ટ્રેડિંગને કારણે એક જ દિવસમાં રૂ. 250 કરોડની ખોટ ખાવી પડી


સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)એ રોકાણકારોને દસમી જૂને એક ચેતવણી આપી છે- અલ્ગોરિધેમિક ટ્રેડિંગ પ્લેટફોર્મ્સની ગેરેન્ટેડ રિટર્નની માયાજાળમાં ન ફસાતા. અલ્ગોરિધમિક ટ્રેડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ ઓટોમેટેડ ટ્રેડિંગ માટે કરવામાં આવે છે. વાસ્તવમાં અલ્ગો રિધેમિક ટ્રેડિંગ પ્લેટફોર્મ એક કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ છે. મુંબઈ શેરબજારના પૂર્વ ડિરેક્ટર અનિલ શાહ કહે છે, “અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ ઓટોમાઈઝ્ડ ટ્રેડ છે. તેમાં કોડિંગ કરીને બજારમાં ટ્રેડિંગ કરવાનું એક સોફ્ટવેર તૈયાર કરીને ટ્રેડિંગ કરવા માટેની એક સ્ટ્રેટજી આપી દેવામાં આવે છે. આ સ્ટ્રેટજી પ્રમાણે સોદા પડ્યા કરે છે. દરેક મોટા પ્લેયરની પોતાની ટ્રેડિંગની પદ્ધતિ હોય છે. આ પદ્ધતિ જ સ્ટ્રેટજી તરીકે ઓળખાવીને તેનું માર્કેટિંગ કરવામાં આવે છે. દરેક ખેલાડીની પોતાની સ્ટ્રેટજી હોઈ શકે છે.”


દર વખતે નફો થાય તે જરૂરી નથીઃ


બજાર સાથે સંકળાયેલા ઘણાં ટ્રેડર્સ ઓપરેટર્સ ટેકનિકલ એનાલિસિસથી કામ કરે છે. માર્કેટમાં ચોક્કસ બિહેવિયર જોવા મળે તેને આધારે માર્કેટ પ્લેયર પોતાના ટ્રેડ ગોઠવે છે. પોતાના ટ્રેડ ગોઠવવાની પદ્ધતિ પ્રમાણે જ ઝડપથી સોદા કરવા સોફ્ટવેર તૈયાર કરાવડાવે છે. તેને જ અલ્ગોરિધમિક ટ્રેડિંગ પ્લેટફોર્મ તરીકે ઓળખાવવામાં આવે છે. દરેક ખેલાડી પોતાના ટ્રેડની એક પેટર્ન બનાવી દે છે. પેટર્નના પેરામીટર સેટ કરી દે છે. તેના પ્રમાણે જ સ્ટ્રેટજી તૈયાર થાય છે. બજારમાં આ પેટર્ન બન્યા પછી સોફ્ટવેર તેની મેળે જ ટ્રેડ ફાયર કરી દે છે. તેમાં માણસની જરૂર પડતી નથી. તેથી અનિલ શાહ કહે છે, “દરવખતે તેમાં નફો થાય તેવું હોતું નથી.” હા, આજે ભારતના શેરબજારમાં 50થી 70 ટકા વોલ્યુમ અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મથી છે. તેને કારણે વોલ્યુમમાં વધારો થઈ ગયો છે. દરેક સ્ક્રિપ અને ટ્રેડમાં વોલ્યુમ તેનાથી વધ્યુ છે. અલ્ગોરિધમિક ટ્રેડિંગ પ્લેટફોર્મને કોમ્પ્યુટરના એક સોફ્ટવેર તરીકે પણ ઓળખાવી શકાય છે. તેમાં તમે જે ફીડ કરો તે પ્રમાણે શેર્સના સમયે સમયે સોદા પડ્યા જ કરે છે. તમારા વતી ક્યારે ખરીદી કરવી અને ક્યારે વેચાણ કરવું તેનો નિર્ણય આ સોફ્ટવેર પોતાની રીતે લે છે. આમ તમારા બાયિંગ સેલિંગની રેન્જ અંગેના નિર્ણયનો કમાન્ડ સોફ્ટવેર આપો આપ અમલ કરતું જ રહે છે. એફ એન્ડ ઓના સોદાઓમાં કે પછી સ્ક્રિપ્સની લે-વેચના સોદાઓ આ સોફ્ટવેર કર્યા જ કરે છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જના પૂર્વ ડિરેક્ટર અને અમદાવાદના સ્ટોક બ્રોકર અનિલ શાહનું કહેવું છે. “અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ પર અપાઈ ગયેલા એક અલગ કમાન્ડમાં કે અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ ફાટી જતાં એટલે કે તેને આપેલા કમાન્ડથી વિપરીત રીતે કામ કરી દે તો તેવા સંજોગોમાં થતાં સોદાઓને કારણે એક સામટી મોટી નુકસાનીમાં ટ્રેડર્સ-ઇન્વેસ્ટર્સ આવી જાય છે. તાજેતરમાં જ જયપુરમાં એક માર્કેટ પ્લેયરે એક જ દિવસમાં રૂ. 250 કરોડનું નુકસાન સહન કરવામાં આવ્યું હોવાની ઘટનાને પગલે જ કદાચ સેબીએ તેમાં ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ કરતાં પહેલા ચેતતા રહેવાની સૂચના આપી હોવાનું માનવામાં આવે છે.”







ભૂલ થાય તો મોટી નુકસાની આવી શકેઃ


સેબીએ એવી પણ ચેતવણી આપી છે કે અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ તરીકે ઓળખાતા સોફ્ટવેરના માધ્યમથી સોદાઓ કરવાનું સ્વીકારતી વખતે તમારા પોતાના ઇન્વેસ્ટમેન્ટ કે પછી ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં કરવામાં આવેલા અન્ય સોદાઓ કે ઇન્વેસ્ટમેન્ટ અંગેની તમામ વિગતો આપતા પહેલા સો વાર વિચાર કરજો. આ વિગતો આપ્યા પછી તમારો પોર્ટફોલિયો સાફ થઈ જવાની પણ સંભાવના રહેલી છે. અનિલ શાહ કહે છે, “અલ્ગોરિધમમાં માણસની જરૂર વિના સોદા પડી છે. અલ્ગોરિધમિક ટ્રેડિંગ કરનારા માસ્ટર્સ સારા પૈસા કમાઈને જતાં હોવાનું પણ જોવા મળે છે. મેન્યુઅલ ટ્રેડર કરતા અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ સોદાને વધુ ઝડપથી પકડી શકે છે. તેથી મેન્યુઅલ ઓપરેટર કરતાં તેઓ વધુ સારી કમાણી કરી શકે છે. છતાં તેમાં ભૂલ થાય તો મોટી નુકસાની આવી શકે છે.” તેથી જ તમારા ચોક્કસ સોદાને જ અલ્ગો રિધમિક ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ચઢાવવા જોઈએ. તમે જે સ્ક્રિપમાં સોદો કરવા માગતા હોય કે એફ એન્ડ ઓના જે ટ્રેડ કરતાં હોવ તેનાથી આગળની વિગતો આપવી જ ન જોઈએ.


ગેરેન્ટેડ રિટર્નના દાવાઓ કરતાં અસંખ્ય અલ્ગો રિધમિક ટ્રેડિંગ પ્લેટફોર્મ આજે ભારતમાં સક્રિય છે. તેની સંખ્યા દિનોદિન વધતી જ જઈ રહી છે. અનિલ શાહ કહે છે, “બજારના જેટલા ખેલાડી હોય તેઓ પોતાની એક્સપર્ટાઈઝ પ્રમાણે તેમના સોફ્ટવેર તૈયાર કરાવે છે. તેમાં ફાયદો થાય છે. તેમાં નુકસાન આવે ત્યારે બહુ જ મોટું નુકસાન આવે છે. તેથી જ તો હવે અલ્ગોરિધમિક ટ્રેડિંગ પ્લેટફોર્મના સોદાના ઇન્શ્યુરન્સ પણ નીકળતા થઈ ગયા છે.”


હા, આજની તારીખે તેના પર કોઈનું પણ નિયંત્રણ નથી. આજે મોટા ભાગના મોટા ટ્રેડર્સ પાસે અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. તેથી તેની સૂચના અને તેણે દેખાડેલા મૂંગેરીલાલના સપનાંઓ કડડભૂસ થઈ જાય તે પછી તેની સામે કોઈ જ ફરિયાદ કરી શકાતી નથી. તેથી જ સેબીએ ચેતવણી આપી હોવાનું માનવામાં આવે છે. દરેકનો વ્યૂહ કમાણી જ કરાવે તે સહજ પણે કોઈ જ સ્વીકારી શકે નહિ. કારણે કે મલ્ટીપલ ખેલાડીઓની ચાલથી બજાર ચાલે છે.


સોફ્ટવેરને કારણે મેન્યુઅલ ટ્રેડરોએ નોકરી ગુમાવીઃ



અલ્ગોરિધમિક પ્લેટફોર્મને કારણે મેન્યુઅલ ટ્રેડિંગ કરનારા જોબરોમાંથી 70થી 80 ટકા તેમના કામકાજ ગુમાવી ચૂક્યા છે. પહેલા 3 લાખ જોબર્સ માર્કેટમાં હતા, આજે તેમાંથી 2.5 લાખ જોબરો કમાણી કરી શકતા નથી. કારણ કે મશીનને ચેલેન્જ કરી શકે તેવી ઝડપ તેમની પાસે નથી. માત્ર થોડાગણા સ્માર્ટ જોબર્સ જ બજારમાં આજે બચી ગયા છે. અલ્ગોરિધમમાં બે કમાન્ડ સાથે પણ આપી શકાય છે. લેવાલી અને વેચવાલીના સોદા સાથે પણ કરી શકાય છે. નાના નાના બ્રોકરો બે-બે ત્રણ-ત્રણ રૂપિયાની મુવમેન્ટમાં પાંચ પચ્ચીસ હજારના શેરના સોદા કરી લે છે. તેઓ 25 પૈસા ફેરથી સોદાઓ મૂકી દે છે. તેઓ 10-20 પૈસા ઉપર કે નીચેના સોદા મૂકી જ શકે છે. તેમના શેર્સની લિમિટ આવી જાય તે પછી તેના સોદાઓ આપોઆપ જ અટકી જાય છે. અલ્ગોરિધમ ટ્રેડિંગ પ્લેટફોર્મને ફંડામેન્ટલ આધારિત સ્ક્રિપમાં બહુ કામ આપતું નથી. અનિલ શાહ કહે છે, “અલ્ગોરિધમ ટ્રેડિંગ પ્લેટફોર્મમાં મર્યાદિત નુકસાન થાય છે.”


કરોડપતિ બનવાના સપના દેખાડી દે છે પ્લેટફોર્મઃ


અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ ચલાવનારાઓ રોકાણકારોને રોકાણ કરવા માટે લલચાવવા માટે જાતજાતના ઇન્વેસ્ટમેન્ટ વ્યૂહની વાતો લઈને આવે છે. તેમ જ તેમની ઇન્વેસ્ટમેન્ટ સ્ટેટ્રજીના પણ ટ્રીપલ ‘એ’ રેટિંગ હોવાનું દર્શાવ્યા કરે છે. આમ પોતાની ઇન્વેસ્ટમેન્ટ એપ થકી જનરેટ કરવામાં આવેલી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટર્જીસને રેટિંગ પણ આપવામાં આવે છે. તેની સાથે જ એવા દાવાઓ પણ કરવામાં આવે છે કે આ સ્ટ્રેટર્જીથી સોદા કરીને તમે જંગી કમાણી કરી શકો છો. તમારા ઇન્વેસ્ટમેન્ટ પર તમને ભવિષ્યમાં જંગી વળતર મળશે. આ રીતે મોટામોટા દાવાઓ કરનારાઓની વાતથી ભોળવાઈ ન જવા પણ સેબીએ દરેક ઇન્વેસ્ટર્સને ચેતવણી આપી છે. ઇન્વેસ્ટમેન્ટ પોર્ટલ પર ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટર્જીઓનું - રોકાણ માટેના વ્યૂહોનું માર્કેટિંગ કરવામાં આવે છે. તેની મદદથી ભવિષ્યમાં કરોડપતિ અને અબજપતિ બની જવાના સપનાં દેખાડે છે.


સેબીએ જણાવ્યું છે કે, "અલ્ગોરિધમિક પ્લેટફોર્મ સુપર ફાસ્ટ સ્પીડથી ઓર્ડર જનરેટ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો માર્કેટમાં તે સુપરફાસ્ટ સ્પીડથી બાય અને સેલ કરી શકે છે. તેને માટે ગણિત પર આધારિત મોડેલનો મશીન ઉપયોગ કરે છે. આ મોડેલ અત્યાધુનિક ટ્રેડિંગ મોડેલ હોય છે. આ અલ્ગોરિધમિક ટ્રેડિંગ પ્લેટફોર્મના માધ્યમથી સોદા કરીને ભવિષ્યમાં તગડું રિટર્ન મેળવી શકાય છે તેવા દાવાઓ કરવામાં આવે છે."



છૂટક રોકાણકારો માટે અલ્ગો પ્લેટફોર્મ જોખમી છેઃ


સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ આ ટ્રેડિંગ પ્લેટફોર્મનો અભ્યાસ અને કરવા માટે એક કમિટિની રચના પણ કરી છે. આ ચર્ચા કરીને પેપર તૈયાર કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. જોકે છૂટક રોકાણકારો માટે અલ્ગોટ્રેડિંગ પ્લેટફોર્મ જોખમી છે. શેરબજાર અંગે પૂરતી સમજ ન ધરાવનારા ઇન્વેસ્ટર્સ માટે અલ્ગોરિધમિક ટ્રેડિંગ પ્લેટફોર્મ વધુ જોખમી બની શકે છે.


શેરબજારમાં ચાર દાયકાથી ટ્રેડિંગ કરતાં કિરણ શાહ જણાવે છે, “આલ્ગોરિધમિક ટ્રેડિંગ પ્લેટફોર્મ ગણાતા તો મશીનમાં ‘આલુ ડાલો અને સોના નિકાલો’ જેવી વાત કરવા જેવું છે. બટાકા નાખીને સોનું જનરેટ કરવું શક્ય જ નથી. તેવું શક્ય હોય તો દરેક વ્યક્તિ પચાસ લાખથી કરોડ રૂપિયા લગાડીને બેસી જશે. અલ્ગોરિધમમાં મશીનથી બાયિંગ અને સેલિંગ કરવામાં આવે છે. પરંતુ તેમાં માનવ મન જેવા ગણિતો બેસી શકે નહિ. મશીન માનવ મનની કે બુદ્ધિ જેવી ચતુરાઈથી બે પક્ષી ચાલ ચાલી શકે નહિ. માર્કેટ ઓપરેટર બીજાને કમાવા ન દેવાના વ્યૂહ તૈયાર કરે છે. ઓપરેટર કોઈને જ કમાવા જ ન દે. બીજાને માર્કેટ ઓપરેટર કમાવા દેશે તેવી માન્યતા સાથે પ્રવેશનાર વહેલો ખાલી થઈ જાય છે. મોટા ઓપરેટર બહુ મોટા રૂપિયા લગાડે છે. તેઓ બાયિંગ અને સેલિંગ કેમ કરવું તે નક્કી કરે છે. મોટા ઓપરેટર્સ અલ્ગોરિધમને ફેઈલ કરાવી શકે છે. તેમના ખેલ સામે આલ્ગોરિધમ ચાલી શકે નહિ. સોફ્ટવેરમાં તેમાં બાયિંગ સેલિંગના વિનિંગ કોમ્બિનેશન આપોઆપ મળી શકે નહિ. શેરબજારના ઓપરેટર્સ કે મોટા પ્લેયર્સ બાયિંગ અને સેલિંગ સાથે જ કરતાં હોવાનું જોવા મળે છે. તેથી માર્કેટ ઓપરેટર્સ આલ્ગોરિધમને ફેઈલ કરાવી શકે છે. આ રીતે નુકસાન થવાની શક્યતાને બે તરફથી બ્લોક કરવાની કોશિશ કરે છે. તેમ જ બજારની રૂખ પ્રમાણે માનવ ઓપરેટર તેની રૂખ પણ બદલે છે. તેટલો બદલાવ કદાચ સોફ્ટવેરમાં આવી શકતો નથી. તેને બદલે એક જ સ્ટ્રેટજીથી બિઝનેસ કરનાર આલ્ગોરિધમિક મશીનના ગણિતોને માર્કેટ ઓપરેટર ફેઈલ કરી દે છે. જો મશીન ડાહ્યું જ હોય તો શેરબજારમાં રૂપિયા ગુમાવશે કોણ? મશીન બધાંને જ કમાઈ આપશે તો પૈસા ગુમાવશે કોણ?”


માર્કેટ ઓપરેટર્સ કમાય છે, ખેલાડીઓ નહિઃ



સામાન્ય વાત કરતાં કિરણ શાહ કહે છે કે જ્યોતિષ હાથ જોઈને પ્રેડિક્શન કરે તે રીતે જ શેરબજાર પ્રેડિક્શનની એવરેજ પર ચાલે છે. આ એવરેજ બીજી એવરેજને સપોર્ટ કરે તો તેજી થાય અને ન કરે તો મંદી થાય છે. મશીનથી પણ આ કામ થાય છે. શેરબજારમાં દેશમાંથી રોકાણ કરનારા દરેકને ખંખેરી લેવા માટે બીજો ખેલાડી તૈયાર જ હોય છે. એક જણે પૈસા લગાડ્યા નથી ને બીજો તેને ખંખેરી લઈને કમાઈ લેવા ટાંપીને બેઠાં જ હોય છે. શેરબજારમાં માત્ર મશીન પર મદાર બાંધીને ચાલી શકાય નહિ. મશીનના નોલેજ પર આગળ વધી ન શકાય. પોતાના નોલેજ પર જ શેરબજારમાં ચાલી શકાય છે. પોતાના નોલેજ પર આગળ વધનાર બજારમાં વધુ સફળ થઈ શકે છે. પોતાના નોલેજ વિના બજારમાં જંપલાવનાર ખાલી થઈ ને જ બજારમાંથી બહાર નીકળે છે. નોલેજ ન ધરાવનારાઓ એકથી બે ટકાનો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરે છે. તેના સ્ટોપલૉસના કમાન્ડને આલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ વળગી રહેશે. માર્કેટ ઓપરેટર સ્ટોપલૉસથી નીચે જ બજાર ખૂલે તેવી વ્યવસ્થા કરે તો સ્ટોપલૉસ રાખનારાઓ પણ પૈસા ગુમાવીને જ નીકળે છે. સ્ટોપલૉસના સોદાના અલગ ડેટાને આધારે આ ખેલ કરી શકાય છે. બજારમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં અને કેવી રીતે કરવું તેની સમજણ જ ન હોવાથી માર્કેટ ઓપરેટર્સ ખૂબ જ કમાય છે. સોફ્ટવેર કે મશીન માનવ બુદ્ધિથી આગળ જઈ શકે નહિ.


કાર્ટેલ રચવાનો કારસો પણ હોઈ શકેઃ


અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ અંગે સેબીએ ગયા ડિસેમ્બરમાં એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું. તેની સાથે એવું સૂચન પણ કર્યું હતું કે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસના માધ્યમથી જનરેટ કરવામાં આવતા દરેક ઓર્ડરને અલ્ગો ઓર્ડર તરીકે જ જોવાના રહેશે. તેના પર નિયંત્રણ રાખવાની જવાબદારી સ્ટોક બ્રોકરની રહેશે. તેની સાથે એવું પણ સૂચન કરવામાં આવ્યું તું કે એપીઆઈ-એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસના માધ્યમથી જે કોઈપણ ઓર્ડર મળે અને તેને આધારે ટ્રેડિંગ થાય તો તે ટ્રેડિંગના યુનિક આઈડી રાખવાના રહેશે. આ યુનિક આઈડી સ્ટોક એક્સચેન્જે પૂરા પાડવાના રહેશે. તેને અલ્ગો માટે મંજૂર કરવાના રહેશે. સ્ટોક બ્રોકરે દરેક અલ્ગો ટ્રેડિંગ માટે સ્ટોક એક્સચેન્જ પાસેથી મંજૂરી લેવાની રહેશે. બજારના નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે નિયંત્રણ વિના જ ચાલતા અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ માર્કેટ સામે પણ જોખમ ખડું કરે છે. તેની મદદથી પદ્ધતિસર માર્કેટને મેન્યુપ્યુલેટ કરી શકાય છે. તેનાથી માર્કેટમાં મોટી ઊથલપાથલ પણ મચાવી શકાય છે. કારણે કે મોટી સંખ્યામાં અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તેઓ એક સામટા મોટી ઇફેક્ટ લાવી શકે છે. તેમની કાર્ટેલ પણ રચાઈ શકે છે.



શેરબજારમાં અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેની લોકપ્રિયતા પણ સતત વધી રહી છે. આ અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ પર સોફ્ટવેરના માધ્યમથી બજારમાં અને સ્ક્રિપમાં થતી વધઘટનું વિશ્લેષણ કરવામાં આવે છે. સ્ક્રિન પર જે તે સ્ક્રિપમાં કે પછી ફ્યુચર એન્ડ ઓપ્શનમાં થતાં સોદાઓને આધારે સ્ક્રિપનું અને એફ એન્ડ ઓનું વિશ્લેષણ કરે છે. તેને આધારે એફ એન્ડ ઓમાં ઇન્વેસ્ટ કરવા માટેના વ્યૂહ પણ નક્કી કરી આપે છે. અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ ગેરેન્ટિડ રિટર્નના ખોટા દાવાઓ પણ કરતાં હોવાનું જોવા મળે



છે. સેબીની આ માન્યતા સાચી પણ છે, નાના રોકાણકારોને લલચાવવા માટે ગેરેન્ટેડ રિટર્નના ખોટા દાવાઓ કરીને તેમને ભોળવી લેનારાઓ ખેલ કરી જાય તેવી સેબીને દહેશત છે. અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ પદ્ધતિસર છેતરપિંડી કરવાનું જોખમી પ્લેટફોર્મ ન બની જાય તે પણ સેબીની ચિંતાનો જ વિષય છે. તેથી જ દરેક સ્ટોક બ્રોકરને અલ્ગો ટ્રેડિંગના દરેક અલગ અલગ સોદાઓ માટે એક્સચેન્જ પાસેથી અલગથી મંજૂરી મેળવવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવેલી છે. આ પ્રક્રિયા બ્રોકરોને અત્યંત ગૂંચવાડા ભરી અને કંટાળાજનક લાગે છે.


સોફ્ટવેરની ઘણી મર્યાદા છેઃ



બ્લુ પેલિકન વેલ્થ મેનેજમેન્ટના વેલ્થ એડવાઈઝર અને સ્ટોકમાર્કેટ નિષ્ણાત ગૌરવ સિંઘવીનું કહેવું છે, “અલ્ગોરિધમ ટ્રેડિંગ પ્લેટફોર્મ જે ઓટોમેટિક ટ્રેડિંગ કરવા માટેનું સોફ્ટવેર છે. તે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં વધુ ચાલે છે. તેમાં ટ્રેડિંગની લિમિટ નાખી દેવાની હોય છે. તેનાથી બેથી ત્રણ રૂપિયા ઉપર જાય ત્યારે સૂચના પ્રમાણે લે વેચ કરી દે છે. સોફ્ટવેરને આપેલી રેન્જમાં લે વેચ થયા કરે છે. તેમાં સફળતા પણ મળે છે. આઈ.ટી. કંપનીના નિષ્ણાતો તે તૈયાર કરે છે. દરેકે પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે સોફ્ટવેર તૈયાર કરાવવું પડે છે. એક જ સોફ્ટવેર પર બધાં જ ટ્રેડિગં કરે તો તેનાથી સરખું વળતર મળે તેવી શક્યતા નથી. દરેકના કમાન્ડ પણ એક સરખા ન હોવાથી આમ બનતું હશે. આ સોફ્ટવેર ટેકનિકલ પર વધુ ચાલે છે. બીજું તેમાં વોલ્યુમ પણ જોવાય છે. વોલ્યુમને આધારે સોફ્ટવેર નિર્ણય લેતું હોવાનું મનાય છે. તેમાં કમાન્ડ આપવામાં આવે તે પ્રમાણે સોફ્ટવેર એક્ટ કરે છે. આ સોફ્ટવેર કંપનીના ટેકનિકલ એનાલિસિસ પર વધુ ચાલે છે. વોલ્યુમ પ્રમાણે તે કામ કરે છે, તે ફંડામેન્ટલ પર ચાલતા નથી. આ ટ્રેડિંગની એક પેટર્ન જ બતાવે છે. તેને એક પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખાવી શકાય છે. તેમાં ડે ટ્રેડિંગ વધુ થાય છે. તેમાં લાબા ગાળાના રોકાણના કરી શકાતા નથી.” તેને માટે ઇન્વેસ્ટમેન્ટ શબ્દનો ઉપયોગ કરવો પણ ઉચિત નથી. ટ્રેડિંગ કે, સ્પેક્યુલેશન માટે કે શોર્ટ ટર્મ ગેઈન મેળવવા માટેનું આ સોફ્ટવેર છે. વાસ્તવમાં કંપનીના ફંડામેન્ટલ્સ મંજબૂત હોય તો રિટર્ન મળશે જ મળશે. સામાન્ય રીતે ફંડામેન્ટલ્સ જોઈને લાંબા ગાળા માટે રોકાણ કરનારાઓને લાભ જ થાય છે. રિલાયન્સ, ટીસીએસ કે ઇન્ફોસિસના શેર્સને બાય કરો તો લાંબા ગાળે તે લાભ જ અપાવશે. પરંતુ આ સોફ્ટવેરમાં તેવું થતું નથી.

Comentários


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page