top of page

LIC : રૂ.૭.૩4 લાખનું પ્રીમિયમ ભરનારાને પાકતી મુદતે રૂ. ૪.૬૦ લાખ ચૂકવ્યા

  • Team Vibrant Udyog
  • May 3, 2022
  • 4 min read

Updated: May 25, 2022



દરેક પોલીસી ધારકના ભવિષ્યના સલામત કરવાના હેતુથી જીવન વીમાની પોલીસી લે છે. તેમની ગેરહયાતીમાં તેમના પરિવારના સભ્યોની આર્થિક સલામતી જળવાઈ રહે તેની તકેદારી રાખવાનું પસંદ કરે છે. યોગ ક્ષેમ વહામ્યહમ જ જીવન વીમાનું સૂત્ર છે. પરંતુ આ સૂત્રનો જીવન વીમા નિગમ જ અનાદર કરી રહી હોવાની લાગણી જન્મી રહી છે. તેનાથી સિત્તરથી વધુ વર્ષથી સક્રિયી જીવન વીમા નિગમની પોલીસી લેનારાઓ હતાશ થઈ રહ્યા છે.


LICની જીવન સરળ પોલીસીએ વૃદ્ધોનું જીવન કઠીન બનાવ્યું

આ રહ્યું તેનું ઉદાહરણ. જીવન સરળની પોલીસી લેનારાઓએ રૂપિયા ૭.૩૪ લાખના પ્રીમિયમ ભરનારા અને વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલી વ્યક્તિને મેચ્યોરીટે એમાઉન્ટ તરીકે લોયલ્ટી બોનસ સહિત માત્ર રૂપિયા ૪.૬૦ લાખ પકડાવી દેવામાં આવ્યા છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં દેવર્ષિ બંગલોઝમા રહેતા કીરીટ એન. પટેલે તેમના પ્રીમિયમ કરતાંય મેચ્યોરીટી એમાઉન્ડ 60 ટકા જેટલી ઓછી આવતા ઇન્સ્યોરન્સ ઓમ્બ્ડુસમાનમાં ધા નાખી છે. નવાઈની વાત એ છે કે ઇન્સ્યોરન્સ ઓમ્બ્ડુસમાને તેમની વાતનો અસ્વીકાર કરી દીધો છે. ઇન્સ્યોરન્સ ઓમ્બ્ડુસમાનને ફરિયાદ કરવામાં આવતા તેમણે પણ ફરિયાદનો ગંભીરતાથી વિચાર કર્યા વિના જ જીવન સરળની વીમાપોલીસી ધારક વૃદ્ધની ફરિયાદ મહિનાઓ સુધી અવગણ્યા કરી હતી. પરિણામે વૃદ્ધાવસ્થામાં જીવન સરળ બનાવવાના દાવા સાથે લોન્ચ કરાયેલી પોલીસીમાં તેમની જાહેરાત પ્રમાણેનું વળતર ન મળતા કિરીટ પટેલનું જીવન કઠીન બની ગયું છે. બાર વર્ષ બાદ તેમને જીવન સરળ પોલીસી લેવા બદલ પસ્તાવો થઈ રહ્યો છે.


પોલીસી ઇશ્યૂ કરતી વખતે વીમો લેનારાઓની વયમર્યાદા દર્શાવાઈ નહોતી, ૮.૮૧થી ૯.૮૮ ટકાનું વળતર આપવાનું વચન આપ્યું હતું

તેમણે સતત બાર વરસ સુધી દર વરસે રૂ. ૬૧,૨૪૮નું પ્રીમિયમ જમા કરાવ્યું છે. જમા કરાવેલા પ્રીમિયમની કુલ રકમ રૂ. 7,34,976 થાય છે. તેના પર તેમને રૂ. ૧.૬૩,૪૮૮ના લોયલ્ટી બોનસ આપ્યું છે. લોયલ્ટી બોનસ સાથે તેમને માત્ર રૂપિયા ૪,૬૦,738ની મેચ્યોરિટી એમાઉન્ટ આપવામાં આવી છે. તેમણે ભરેલા પ્રીમિયમમાંથી 40 ટકા રકમ કાપી લઈને રૂ. 1,63,488ના લોયલ્ટી બોનસ સાથે પાકતી મુદતના વીમાની રકમ આપવામાં આવી છે.


કીરીટ પટેલે તેમના જીવન સરળની પોલીસી લેવાની અરજીમાં પણ પોલીસી લેવા પાછલનો ઉદ્દેશ જીવન સામેના જોખમ કવર કરવાની સાથે સાથે જ નાણાંની બચત કરીને વળતર મેળવવાનો હોવાનું સ્પષ્ટ જણાવેલું છે. છતાં પાકતી મુદતે ઓછું વળતર આપવા માટેનું કારણ બ્રાન્ચ અધિકારીઓને પૂછવામાં આવતા જીવન વીમા નિગમના અધિકારીઓએ જણાવ્યું હતું કે ૩૫ વર્ષથી મોટી વયની જે વ્યક્તિઓએ જીવન સરળ પોલીસી લીધી છે તેમને આ સમસ્યા નડી રહી છે. તેમણે તેમને લોયલ્ટી બોનસ સાથે પૈસા મળશે પૂરા કે વધુ પૈસા મળશે તેવી અપેક્ષા રાખવી જોઈએ નહિ. તેમને તેમણે ભરેલા પૈસા પૂરા પાછા મળે કે ન મળે ચલાવી લેવાનું રહેશે. તેમનો આ જવાબ ખાનગી વીમા કંપનીના સંચાલકો કરતાંય જાય તેવો છે. જીવન વીમા નિગમ તેના પોલીસી ધારકો ન જડતા હોય તો પણ તેમને શોધી શોધીને તેમના વળતર તેમના સ્વજનો સુધી પહોંચાડતું હોવાના દાવાઓ વરસોથી કરવામાં આવી રહ્યા છે. પરંતુ અમદાવાદના કિરીટ પટેલ સાથે બનેલી ઘટના એલઆઈસીની ઇમેજને ધક્કો પહોંચાડે તેવી છે. તેમાંય ચોથી મેએ એલઆઈસીનો પબ્લિક ઇસ્યૂ આવી રહ્યો છે ત્યારે આ વલણ તેના આઈપીઓ સબસ્ક્રાઈબ કરાવનારાઓના વિશ્વાસને પણ કદાચ ડગાવી શકે છે.

આઘાત જનક બાબત તો એ છે કે જીવન સરળ નામની આ પોલીસી લોન્ચ કરવામાં આવી ત્યારે ૨૦૦૮-૦૯માં અમદાવાદના ટાઉન હોલમાં બેઠક યોજીને આ પોલીસીનું ભરપૂર માર્કેટિંગ કરવામાં આવ્યું હતું.

તેનું માર્કેટિંગ કરતી વેળાએ તેમાં ૩૫ વર્ષની વય મર્યાદા સુધીના જ નાગરિકોને તે પોલીસી મળવા પાત્ર હોવાનું જણાવવામાં જ આવ્યું નહોતું. અત્યારે ૩૫ વર્ષથી નાની ઉંમરના લોકોએ પોલીસી લીધી હશે તો જ તેઓ પૂરા વળતરને પાત્ર ગણાશે તેવી દલીલ ગળે ઉતરે તેવી નથી. વીમા પોલીસી લેતી વખતે અરજદારની વય સહિતની તમામ વિગતો અરજીના ફોર્મમાં લેવામાં આવે છે, છતાંય તેમની વયને ધ્યાનમાં લઈને તેમની અરજીઓ રિજેક્ટ પણ કરવામાં આવી નહોતી. આ સંજોગોમાં 35 વર્ષથી નાની વયની વ્યક્તિઓ માટે જ આ પોલીસી હોવાની દલીલ ગળે ઉતરે તેવી જ નથી.

બીજીતરફ ૨૨મી ડિસેમ્બર ૨૦૧૦ના દિને જીવન વીમાની મુંબઈ ઓફિસના ચીફ એક્ચ્યુરિયલ અધિકારીની સહી સાથે જીવન સરળ પોલીસીમાં રોકાણ કરનારાઓને પાકતી મુદતે ૯.૮૮ ટકાથી માંડીને ૮.૮૧ ટકા સુધીનું વળતર મળશે તેવી રજૂઆત કરવામાં આવી છે. આમ વળતર ન જ મળવાનુ હોય તો એલઆઈસીની ઝોનલ ઓફિસના તે પરિપત્રનું શું તેવો સવાલ પોલીસી ધારકો ઊઠાવી રહ્યા છે. તેમાં પોલીસી ૩૫ વર્ષની વય સુધીના નાગરિકો જ લઈ શકશે તે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી જ પાકતી મુદતે ૩૫ વર્ષની વય મર્યાદાનું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉચિત નથી. તેથી જીવન વીમા નિગમે પણ તેમની સાથે છેતરપિંડી કરી હોવાની લાગણી બળવત્તર બની રહી છે.


આ અંગે બેન્કિંગ ઓમ્બ્ડુસમાનને ફરિયાદ કરવામાં આવી તો મહિનાઓ સુધી તેમણે તેના પર ધ્યાન આપ્યું નહોતું. વારંવાર એકની એક માહિતી માગ્યા કરી હતી. છેવટે ૨૯મી માર્ચ ૨૦૨૨ના દિને વૉટ્સએપ કૉલિંગ પર પોલીસી ધારકની ફરિયાદનું હિયરિંગ રાખ્યું હતું.

આ હિયરિંગ રાખતા પૂર્વે જ તેઓ કઈ કઈ દલીલ કરવાના છે તેની વિગતો ઇન્સ્યોરન્સ ઓમ્બુડ્સમાને વીમા પોલીસી ધારક પાસેથી લેખિતમાં મંગાવી લીધી હતી. વીમા પોલીસી ધારકે બચત કરવાના ઇરાદાથી તેમ જ જીવનની સુરક્ષા વધારવાના હેતુથી પોલીસી લીધી હોવાનું જણાવ્યુ છે. બીજું આ યુનિટ લિન્ક ઇન્સ્યોરન્સ પોલીસી નથી કે તેના નાણાંનું રોકાણ શેરબજારમાં કરવામાં આવ્યું હોય તેવું નથી. તેના પૈસા શેરબજારમાં રોકવામાં આવ્યા હોય તો તેને કારણે સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્કની કન્ડિશન હેઠળ વળતર ઘટી પણ શકે છે. પરંતુ આ પોલીસીના કેસમાં આ પ્રકારની કોઈ જ બાબત સંકળાયેલી નથી. તેથી તેનું વળતર ઘટી જવાનો કોઈ જ અવકાશ નથી.

ઇન્સ્યોરન્સ ઓમ્બ્ડુસમાને વીમા ધારકની આ ફરિયાદને ધ્યાનમાં લીધી જ નથી. ઇન્સ્યોરન્સ ઓમ્બ્ડુસમાને તેના નિર્ણયમાં જણાવ્યું છે કે પોલીસી ધારકે જમા કરાવેલા રૂ. ૭,૩૪, ૯૭૬ના પ્રીમિયમ સામે પોલીસીમાં મેચ્યોરિટી એમાઉન્ટ રૂ. ૨,૯૭,૨૫૦નો છાપવામાંઆવેલો છે. તેની સામે ડેથ કે એક્સિડન્ટ બેનિફિટ રૂ.૧૨.૫૦ લાખ દર્શાવવામાં આવ્યો હતો. પોલીસીની શરતો જોઈને તમને ૧૫ દિવસમાં તે અંગે નિર્ણય લેવાની અને તમારા રિસ્કના અને મેડિકલ ચાર્જની રકમ બાદ કરીને તમારું પ્રીમિયમ આપી દેવા તૈયાર છીએ, તેમ પણ જણાવવામાં આવેલું છે. ઓમ્બ્ડુસમાનનું કહેવું છે કે આ પોલીસીની અનિયમિતતા અંગે વીમા ધારકે આ અગાઉ ક્યારેય વાંધો ઊઠાવ્યો નહોતો. પોલીસી ધારકે નવ ટકાના દરે વળતર છૂટવાની આશા સાથે પોલીસ લીધી હોય તો તેમાં જીવન વીમા નિગમની ભૂલ નથી. ૨૦૦૯થી ૨૦૨૧ સુધી પ્રીમિયમ સ્વીકાર્યું ત્યારે વીમા ધારકની વય જ ન જોનાર એલઆઈસીના ઓમ્બ્ડુસમાનની આ દલીલ ગળે ઉતરે તેવી ન હોવાનું પોલીસી ધારકોનું કહેવું છે.

લોયલ્ટી બોનસ આપતી બીજી યોજનાના વળતરમાં પણ ધાંધિયા થવાની શક્યતા

આ સાથે જ માત્ર જીવન સરળની પોલીસી જ નહિ પરંતુ લોયલ્ટી બોનસ સાથેની અન્ય પોલીસીઓમાં પણ ધાંધિયા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે . જે પોલીસીઓમાં ધાંધિયા થવાની સંભાવના છે તે પોલીસીઓના નામ નીચે મુજબ છે. - એલઆઈસી બિમા ગોલ્ડ -એલઆઈસી બિમા બચત - એલઆઈસી જીવન રક્ષક -એલઆઈસી આધારશીલા -એલઆઈસી આધારસ્તંભ

Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page