માર્ચને અંતે Wholesale Price Index 14.55 ટકાની ઊંચી સપાટીએ
- Team Vibrant Udyog
- Apr 19, 2022
- 3 min read
Updated: May 25, 2022

રિઝર્વ બેન્ક મોનિટરી પોલીસી નક્કી કરવા માટે હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સનો ઉપયોગ કરે છે
ફેક્ટરી આધારિત હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ માર્ચ મહિનાને અંતે 14.55 ટકાની ચાર મહિનાની ઊંચામાં ઊંચી સપાટીને આંબી ગયો છે. ફેબ્રુઆરી 2022ના અંતે આ હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્શન 13.11 ટકાની સપાટીએ હતો. ગયા અઠવાડિયે કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાએ આ આંકડાઓ જાહેર કર્યા છે. બિઝનેસ ટુ બિઝનેસ થતાં સોદાઓની કિંમત આ દર્શાવે છે. ફુગાવાનો દર નક્કી કરવા માટે હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ અને કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ ધ્યાનમાં લેવામાં આવે છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ 6.95 ટકા સાથે 17 માસની ઊંચામાં ઊંચી સપાટીએ પહોંચ્યો છે. પરિણામે રિઝર્વ બેન્ક દ્વારા જૂન મહિનામાં જાહેર કરવામાં આવનારી નાણાં નીતિ-Monetary policyમાં વ્યાજના દરમાં વધારો કરવામાં આવે તેવી સંભાવના વધી ગઈ છે. નાણાં નીતિ તૈયાર કરવા માટે સીપીઆઈ મહત્વનો ગણાય છે.
ક્રૂડ ઓઈલના ભાવને કારણે હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં સૌથી મોટો વધારો આવ્યો છે. ફેબ્રુઆરી કરતાંય માર્ચમાં ક્રૂડના ભાવમાં આવેલા વધારાની મોટી અસર હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ પર જોવા મળી હતી. ઘઉંના ભાવમાં કિલોએ રૂ. 5થી વધુનો આવેલો વધારો કે લીંબુંના ભાવમાં કિલોએ રૂ. 400ની સપાટીને આંબી જવાની બાબતની અસર પણ તેના પર પડી હોવાનું માનવામાં આવે છે. તે જ રીતે ડાંગર, બટાટા, દૂધ, ઇંડાં, માંસ અને માછલીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો.
માર્ચ મહિના દરમિયાન આહાર સામગ્રીના ભાવ થોડા ઓછા થયા હતા. આ ભાવનું વજન 8.19 ટકાથી ઘટીને 8.06 ટકા પર આવ્યું હતું. તેની સામે શાકભાજીના ભાવમાં આવેલા અકલ્પ્ય વધારાની અસર 19.88 ટકા જેટલી જોવા મળી હતી. જોકે ફેબ્રુઆરીમાં આ અસર 26.93 ટકા જેટલી મોટી જોવા મળી હતી. બીજું, ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 9.8 ટકાની સપાટીએ હતો તે માર્ચ મહિનામાં વધીને 10.8 ટકાની સપાટીને આંબી ગયો હતો. ત્રીજું, ખાદ્યતેલના ભાવ વધારાને કારણે તેનો ઇન્ડેક્સ પણ 14.9 ટકાથી વધીને 16.06 ટકાએ પહોંચી ગયો હતો. આ ઇન્ડેક્સ છેલ્લા 28 મહિનાથી ડબલ ડિજિટમાં જ છે. માર્ચ મહિનામાં કોર ઇન્ફ્લેશન-Core inflation વધીને 10.9 ટકા થઈ ગયો હતો. કોર ઇન્ફ્લેશન વીજળી અને આહાર સિવાયના એટલે કે માલ-ગુડ્સ અને સર્વિસના દરમાં આવેલા વધારાનો નિર્દેશ આપે છે. ઉદ્યોગમાં વપરાતી પાયાની ધાતુઓના, કેમિકલ્સના, ટેક્સટાઈલની ચીજ વસ્તુઓના ભાવમાં આવેલા વધારાને કારણે તેમાં વધારો આવ્યો હતો. આ ભાવ વધારાનો બોજ ગ્રાહકોને માથે નાખવા જાય તો વેપાર ઘટી જવાની દહેશતને કારણે મેન્યુફેક્ચરર્સના માર્જિન ઘટવા માંડ્યા છે. બીજીતરફ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં પણ જંગી વધારો જોવા મળ્યો છે. તેની સીધી અસર પણ ચીજવસ્તુઓની કિંમતમા દરમાં વધારો લાવે છે. અત્યારના સંજોગોને ધ્યામમાં લેતા 2022-23ના આખા નાણાંકીય વર્ષમાં હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ ઊંચી સપાટીએ રહેવાની ધારણા છે. ક્રૂડ ઓઈલના ભાવ નીચા આવી રહ્યા હોવાથી એપ્રિલને અંતે હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ થોડો નીચે રહેવાની ગણતરી માંડવામાં આવી રહી છે. તેમ છતાંય તેનાથી જૂન માસમાં રેપો રેટમાં વધારો થવાની શક્યતા રહેલી છે.
હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ શું છે
હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ ફેક્ટરીના ગેટ પર માલની પડતર કિંમત દર્શાવે છે. કન્ઝ્યુમર પાસે તે વસ્તુ વપરાશ કરવા માટે પહોંચે તે પૂર્વેની ફેક્ટરીને લાગતી કિંમત દર્શાવે છે. આ પડતર કિંમતે ફેક્ટરીઓ દ્વારા હોલસેલર્સને તે માલનો સપ્લાય આપવામાં આવે છે. મોટા જથ્થામાં આ માલ વેચવામાં આવે છે.
મેન્યુફેક્ચરર્સ ટુ બિઝનેસમેન એટલે કે બી ટુ બીના લેવલે આ કિંમતે તેનું વેચાણ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો હોલસેલર્સને વેચવામાં આવતા માલના ભાવમાં આવેલા તફાવતનો નિર્દેશ આપે છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ રિટેઈલર્સને આપવામાં આવતા માલના ભાવમાં આવેલા તફાવતનો નિર્દેશ આપે છે. આ ભાવનો ઉપયોગ બહુધા વિશ્લેષકો કરે છે. તેને આધારે સપ્લાય અને ડિમાન્ડ અંગેના તારણો કાઢે છે. હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ વધે એટલે અર્થતંત્ર પર ફુગાવાનો બોજ વધતો હોવાનો નિર્દેશ મળે છે. હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ ઘટે તો ફુગાવાનો જોર ઘટતું હોવાનો નિર્દેશ મળે છે. દર મહિને હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સના આંકડાઓ જાહેર કરવામાં આવે છે.
કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ શું છે
છૂટક ગ્રાહક દ્વારા ઘર વપરાશ માટે લેવામાં આવેલી વસ્તુના ભાવમાં થતાં વધારા ઘટાડાનો નિર્દેશ કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સના માધ્યમથી મળી રહે છે. ગુડ્સ ઉપરાંત જુદી જુદી સર્વિસ માટે ચૂકવવામાં આવતા ચાર્જનો પણ કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સમાં સમાવેશ કરવામાં આવે છે. રિઝર્વ બેન્ક તેની મોનેટરી પોલીસી અને ક્રેડિટ પોલીસી નક્કી કરવા માટે સીપીઆઈ-છૂટક ફુગાવાના દરનો ઉપયોગ કરે છે. પહેલી એપ્રિલ 2017થી હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ નક્કી કરવા માટેનું પાયાનું વર્ષ 2004-05થી બદલીને 2011-12 કરી દેવામાં આવ્યું છે.
માસિક હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ નક્કી કરવા માટે નક્કી કરવામાં આવેલા વસ્તુને-ચીજને ચોક્કસ ટકા વેઈટેજ આપવામાં આવે છે. જે તે વિસ્તારમાં જે કોમોડિટીનો વધુ વપરાશ થતો હોય તેને આધારે એટલે કે તેના મહત્વ પ્રમાણે તેને ઇન્ડેક્સમાં સમાવીને તેને વેઈટેજ આપવામાં આવે છે. અર્થતંત્રના જુદાં જુદાં સ્તરેથી આ કોમોડિટીની પસંદગી કરવામાં આવે છે. તેમ કરવાથી સર્વગ્રાહી અને સત્યની નજીક હોય તેવો હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સના તારણ પર આવી શકાય છે. 2011-12ના નાણાંકીય વર્ષમાં હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ નક્કી કરવા માટે 697 ચીજવસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ નક્કી કરવા માટે ધ્યાનમાં લેવામાં આવેલી ચીજવસ્તુઓમાં આહારની અને બિનઆહાર બંને ચીજોનો સમાવેશ કરવામાં આવે છે. આહારની વસ્તુઓમાં અનાજ, ઘઉં, કઠોળ, શાકભાજી, ફળ, દૂધ, ખાંડ, પ્રાણીજ ચરબી, ઇંડા, માંસ અને માછલીનો સમાવેશ થાય છે. તેમ જ બિનઆહારની વસ્તુઓમાં તેલીબિયાં, ખનીજ ધાતુઓ અને ક્રૂડ પેટ્રોલિયમ સહિતની વસ્તુઓના ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે. તદુપરાંત ઇંધણ(પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ, રાંધણ ગેસનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મેન્યુફેક્ચરિંગના સેગમેન્ટમાં આવતી ટેક્સટાઈલ, એપરલ, પેપર-કાગળ, કેમિકલ, પ્લાસ્ટિક, સિમેન્ટ, ધાતુઓનો પણ હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ નક્કી કરવા માટે પસંદ કરવામાં આવેલી 697 આઈટેમ્સમાં સમાવેશ કરવામાં આવેલો છે.
コメント