Cadila Pharmaceuticalsએ હડકવાની ત્રણ ડોઝવાળી રસી બજારમાં મૂકી
- Team Vibrant Udyog
- Apr 9, 2022
- 3 min read

અઢારમીથી દેશના 11 રાજ્યોમાં આ રસી મળતી થઈ જશેઃ અમદાવાદમાં કૂતરું કરડવાના વરસે ૪૦૦૦ કેસ
કૂતરું કરડવાના કેસની સારવાર કરવામાં સુસ્તી દાખવે તો 78 ટકા કેસ જોખમી કે જીવલેણ સાબિત થઈ શકે
કૂતરું કરડી જવાથી થતી હડકવાની બીમારી સામે રક્ષણ આપવા માટે અમદાવાદની ફાર્માસ્યૂટિકલ કંપની કેડિલા હેલ્થકેરે ફાર્માએ ત્રણ ડોઝમાં આપી શકાતી રસી વિકસાવી છે. આ રસીનો ડોઝ પહેલા, ત્રીજા દિવસે જ આપવાનો રહેશે. અઢારમી એપ્રિલથી આ રસીનો ડોઝ બજારમાં ઉપલબ્ધ બનાવવામાં આવશે. રસીના એક ડોઝની કિંમત અંદાજે રૂ. 715ની આસપાસની રહેશે. અત્યારે પ્રવર્તતી સિસ્ટમ હેઠળ રસીના પાંચ ડોઝ લેવાના થાય છે. કુલ 28 દિવસના ગાળામાં આ ડોઝ આપવાના હોય છે. તેમાં પહેલા બે ત્રણ ડોઝ લીધા પછી ઘણાં લોકો આગળના ડોઝ લેતા ન હોવાથી હડકવાની સમસ્યા વકરી જતાં તેમને માટે જીવલેણ સાબિત પણ થતો હોવાનું જોવા મળે છે. આ પરિસ્થિતિમાં ત્રણ ડોઝની આ રસી કૂતરું કરડવાની ઘટનાનો શિકાર બનેલા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
વિશ્વમાં હડકવાને કારણે દર વર્ષે 59000 લોકોના થતાં મૃત્યુઃ પાંચ ડોઝ લેવામાં સુસ્તી દાખવનારા માટે જીવલેણ બની રહેલી હડકવાની બીમારી ૨૦૩૦ સુધીમાં હડકવા મુક્ત દેશ બનાવવાનો લક્ષ્યાંક પૂરો કરવામાં રસી મોટો ફાળો આપશે
કેડિલા ફાર્માના ચીફ મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદીએ વેક્સિન લોન્ચ કરતાં જણાવ્યું હતું કે વિશ્વની આ પહેલી ત્રણ ડોઝવાળી રસી છે. તેને 'ThRabis' નામ આપવામાં આવ્યું છે. કૂતરું કરડવાની ઘટના બન્યાના પહેલા, ત્રીજા અને સાતમાં દિવસે આ રસી આપવાથી હડકવા સામે રક્ષણ મળી શકે છે.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સના પ્રેસિડેન્ટ ડોમેસ્ટીક બિઝનેસ- શ્રી સુરેશ ગુપ્તા જણાવે છે કે “ThRabis® એ એક મહત્વની શોધ છે અને તે ઘણાં રેબીસ સંબંધિ મોત રોકી શકે છે. હડકવાની અન્ય રસીઓની તુલનામાં ThRabis® ત્રણ ડોઝની વેક્સિન છે અને આ ત્રણ ડોઝ અઠવાડિયાની અંદર જ આપવાના રહે છે. આ કારણે માત્ર 7 દિવસમાં અપાયેલ 3 ડોઝથી ક્લિનિકલ અસરકારકતાની ખાત્રી રહે છે અને સંપૂર્ણ વેક્સિન કોર્સ આપવાનું શક્ય બને છે.”આ અંગેના એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં 1.5 કરોડ લોકોને કૂતરું કે જાનવર કરડવાના કેસો બને છે. તેમાંથી માત્ર 30 લાખ લોકો જ સારવાર માટે ડૉક્ટરનો સંપર્ક કરે છે. 30 ટકા લોકો ચોથો ડોઝ લેવાનું સુસ્તીને કારણે છોડી દે છે. જ્યારે 40 ટકા લોકો પાંચમો ડોઝ લેવા જતાં જ નથી.

શેરીના કૂતરા કે અન્ય જાનવરો કરડી ગયા પછી હડકવાથી બચવા માટે પાંચ ડોઝ લેવાની સિસ્ટમમાં હડકવાની રસીના માત્ર ત્રણ ડોઝ લીધા પછી બાકી બે ડોઝ લેવામાં સુસ્તી દાખવનારાઓ હડકવાનો શિકાર બની જતાં હોવાના કિસ્સાઓ બનતા હોવાનું એસોસિયેશન ઑફ પ્રીવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ રેબિઝ ઇન ઇન્ડિયાના ડૉ. અમ.કે. સુદર્શને આજે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું. તેથી જ ત્રણ ડોઝવાળી રસી ડેવલપ કરવામાં આવી છે. અમદાવાદમાં વરસે દહાડે કૂતરું કરડવાના ૪૦,૦૦૦ કેસ બને છે. તેમને હડકવાથી બચાવવા માટે અમ્યુકો દ્વારા હડકવાની રસીના ૪૦,૦૦૦ ડોઝ આપવામાં આવે છે. ભારતમાં દર વર્ષે કૂતરું કરડવાના દોઢ કરોડ કેસો બને છે.
હડકવાની સારવાર માટેની અત્યારની સિસ્ટમમાં હડકવાની હાલની તમામ રસીમાં સંપૂર્ણ કોર્સ માટે ૨૮ દિવસના ગાળામાં પાંચ ઈન્જેક્શન આપવાની જરૃર પડે છે. જેમને પશુઓ કરડયા હોય તેવા ઘણાં દર્દીઓ ડોઝ લેવાના લાંબા શિડયુલને કારણે પાંચ ડોઝનો કોર્સ પૂરો કરવામાં નિષ્ફળ જાય છે. હોસ્પિટલની અવારનવાર મુલાકાતને કારણે ખર્ચ પણ વધુ થાય છે. આ કારણે ભોગ બનેલા લોકો અસુરક્ષિત રહે છે અને હડકવા થવાનો ભય રહે છે. આ જોખમી સ્થિતિમાંથી મુક્તિ આપવા માટે Cadila Pharmaceuticalsએ હડકવાની ત્રણ ડોઝની નવી રસી 'ThRabis' વિકસાવી છે. આ રસીની મદદથી લોકોને હડકવાનો શિકાર બનતા લોકોને બચાવી શકાશે. નવી રસીનો ડોઝ પહેલા, ત્રીજા અને સાતમાં દિવસે આપવામાં આવે છે. આ રસી હડકવાના કેસો ઘટાડવામાં અને ૨૦૩૦ સુધીમાં દેશને હડકવા મુક્ત બનાવવામાં મોટું યોગદાન આપશે.

એક અંદાજ મુજબ વિશ્વમાં અંદાજે ૩.૫ કરોડ રખડતા કૂતરાઓ છે. આ કૂદરાઓ વરસે દહાડે અંદાજે ૧.૭૫ કરોડ લોકોને કરડે છે. તેમાંથી ૭૮ ટકા લોકોને ગંભીર હડકવા થવાનું જોખમ રહેલું છે. સમગ્ર વિશ્વમાં દર વરસે ૫૯૦૦૦ લોકો કૂતરા કે જાનવર કરડવાથી થતાં હડકવાને કારણે મૃત્યુ પામે છે. ભારત અને ગુજરાતમાં પણ આ સંખ્યા મોટી જ છે. એકલા અમદાવાદમાં વરસે દહાડે ડોગ બાઈટ-કૂતરું કરડવાના 40,000 કેસ બને છે. તેમને અમ્યુકો દ્વારા રસીનો ડોઝ આપવામાં આવે છે. ભારતના આંકડા જોઈએ તો પ્રાણી કરડવાના ઘટનાનો શિકાર બનેલા ઓછામાં ઓછા ૨૦,૦૦૦ લોકો તેમની હડકવાની રસીના પાંચ ડોઝ પૂરા કરી શકતા નથી. તેથી તેમને માટે હડકવા જીવલેણ બની રહ્યો છે. નવી રસી વાયરસ લાઈક પાર્ટિકલ-વીએલપી ટેકનોલોજીની મદદથી રેબીઝ જી પ્રોટીન રસી વિકસાવવામાં આવી છે. આ રસીનો ડોઝ સીધો સ્નાયુઓમાં આપવામાં આવે છે. રસીનો ડોઝ એન્ટીબોડીઝ તૈયાર કરે છે. આ એન્ટિબોડીઝ હડકવાના વાયરસને અસરહીન બનાવે છે અને અનેકના જીવ બચાવવામાં મદદ કરે છે. આગામી વરસોમાં આ રસી ગેમ ચેન્જર બની રહેવાની સંભાવના છે. હડકવાની આ રસીના ડોજને ઝીરોથી આઠ ડિગ્રી ટેમ્પરેચરમાં સાચવી રાખવો પડે છે.આ રસીને ડીજીસીઆઈ-ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ મંજૂરી આપી દીધી છે.
Comments