Zomato અને Swiggy પ્રાઈઝિંગ પોલીસી અંગે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા તપાસ કરશે
- Team Vibrant Udyog
- Apr 6, 2022
- 2 min read

ઝોમેટો અને સ્વિગી રેસ્ટોરાંને બલ્ક ઓર્ડર આપીને તેનાથી સસ્તા ભાવે બજારમાં વેચીને તેમના ધંધાને નુકસાન પહોંચાડતી હોવાની ફરિયાદ
સ્વિગી અને ઝોમેટો તેમની પાસે ઓર્ડર બુક કરાવનારાઓને જરૂર કરતાં ઘણું વધુ ડિસ્કાઉન્ટ ગેરવાજબી નીતિઓને અનુસરીને બજાર પર કબજો જમાવી રહી હોવાની ફરિયાદ અંગે તપાસ કરવા કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયા તૈયાર થયું છે. તેમ જ રેસ્ટોરાંને તેમના બિલના નાણાં ચૂકવવામાં વિલંબ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ગેરવાજબી ભાવે આહારની ડિલીવરી આપવાની અને રેસ્ટોરાંને પેમેન્ટ વિલંબથી આપવાની સ્વિગી અને ઝોમેટોની નીતિ અંગે નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ કરેલી ફરિયાદના અનુસંધાનમાં કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયાએ પ્રસ્તુત નિર્ણય લીધો છે. આ ફરિયાદમાં કેટલું તથ્ય છે તેની ચકાસણી સીસીઆઈ કરશે. નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઇન્ડિયા દેશની 50,000થી વધુ રેસ્ટોરાંનું પ્રતિનિધિત્વ કરે છે. કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયા મોનોપોલીનો કોઈ ગેરલાભ ઊઠાવવા માંડે તો તેની સામે તપાસ કરીને ચૂકાદો આપે છે.

સ્વિગી અને ઝોમેટોના ઓનલાઈન પ્લેટફોર્મ રેસ્ટોરાં પાર્ટનર્સ સાથે સંકળાયેલા છે. તેમ જ ક્લાઉડ કિચન (એટલે કે એક સ્થળે રસોઈ તૈયાર કરી જુદા જુદાં સ્થળે ડિલીવરી આપવાની વ્યવસ્થા) ધરાવતી રેસ્ટોરાં અને તેમની ખાનગી બ્રાન્ડ્સને પહેલી પસંદગી આપીને કાયદાની કલમ 3(4) અને તેની સાથે વંચાણે લેવાતી કલમ 3(1)નો ભંગ કરી રહી હોવાના મુદ્દે પણ તપાસ કરવામાં આવશે.
રેસ્ટોરાં એસોસિયેશનની ફરિયાદ છે કે સ્વિગી અને ઝોમેટો દ્વારા ફૂડ સપ્લાયર રેસ્ટોરાં પાસેથી એટલા ઊંચા કમિશન માગવામાં આવી રહ્યા છે કે રેસ્ટોરાં માટે તેમનું અસ્તિત્વ ટકાવવું કઠિન બની ગયું છે. આ કમિશન 20થી 30 ટકા જેટલું ઊંચું છે. આટલું ઊંચું કમિશન પરવડે તેવું નથી. રેસ્ટોરાંને આપવામાં આવતા ઓર્ડરની કિંમતના 27.8 ટકા કમિશન સ્વિગી અને ઝોમેટો માગે છે. ક્લાઉડ કિચન પાસેથી 37 ટકા કમિશન માગી લે છે.
કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયાએ તેના ડિરેક્ટર જનરલને આ મુદ્દે તપાસ કરીને 60 દિવસની અંદર રિપોર્ટ રજૂ કરી દેવા આદેશ કર્યો છે.
Comments