top of page

STOCK TRANSFER માં પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ રોકવા SEBI એ ગાઈડલાઈન્સ બહાર પાડી

  • Team Vibrant Udyog
  • Apr 5, 2022
  • 2 min read

ડિમેટ ડેબિટ કે પ્લેજિંગ ઇન્સ્ટ્રક્સન માટે ડિપોઝિટરી શેર્સના ખાતાધારકોને ફરજ ન પાડી શકે

શેરબજારમાં થતાં સોદા પ્રમાણે સિક્યોરિટીઝની ડિલીવરીના દસ્તાવેજો રજૂ કરવાનું અને નાણાંકીય લેવડદેવડ પૂરી કરવા માટે Power Of Attorney નો દુરુપયોગ થતો અટકાવવા માટેની વિગતવાર માર્ગદર્શિકા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-સેબીએ સોમવારે બહાર પાડી છે. Karvy સ્ટોક બ્રોકિંગે પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરીને તેના ખાતેદારોની જાણ બહાર જ તેમના શેર્સ મોર્ટગેજ મૂકી દીધા હતા. આ એક અનૈતિક અને ગેરકાયદેસર પગલુ હતું. તેથી સેબીએ કારવી સ્ટોક બ્રોકિંગ સામે પગલાં લીધા હતા. પહેલી જુલાઈ 2022થી નવી ગાઈડલાઈન્સ અમલમાં મૂકી દેવામાં આવશે.


Shares માં ઇન્વેસ્ટ કર્યા પુછી લાંબા સમયગાળા સુધી જે Demat Account માં લેવડદેવડ ન થતી હોય તે ખાતાઓમાંના શેર્સમાં કારવી સ્ટોક બ્રોકિંગ લિમિટેડે પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરીને ગેરકાયદે મોર્ટગેજ મૂકી દેવાની ગરબડ કરી હતી. લાખો સ્ટોક ઇન્વેસ્ટર્સના ખાતાઓમાંથી અબજોના મૂલ્યના શેર્સ મોર્ટગેજ મૂકી દેવામાં આવ્યા હતા. તેથી પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ ન થાય તે માટે સેબીએ આ માર્ગદર્શિકા બહાર પાડી છે. નવી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા શેર્સનું ટ્રેડિંગ કરનારા સભ્યોની તરફેણમાં કે ક્લિયરિંગ આપનારા સભ્યોની તરફેણમાં ડિમેટ ડેબિટ અને પ્લેજિંગની એટલે કે શેર્સ પ્લેજિંગ-ગિરો મૂકવા અને રિ-પ્લેજિંગ કરવા કે ફરીથી ગિરો મૂકવાને લગતી છે.


સેબીએ બહાર પાડેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શેરધારક દ્વારા તેના શેરદલાલને આપવામાં આવતા પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ ન થાય તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે. ઇન્ટરનેટ આધારિત Trading માં પણ શેરધારકની સ્પષ્ટ મંજૂરી વિના ડિમેટ ડેબિટ અને પ્લેજિંગ ઇન્સ્ટ્રક્શનનો અમલ કરી શકાશે નહિ. તેના પર સ્ટેમ્પિંગ થયેલું અને શેરધારકની ડિજિટલ સિગ્નેચર હોવી જરૂરી છે.


અત્યારની વ્યવસ્થા હેઠળ શેરધારક દ્વારા આપવામાં આવેલો પાવર ઓફ એટર્ની શેરધારક રદ ન કરે ત્યાં સુધી તે કાયદેસર માન્ય ગણાય છે. સેબીની માર્ગદર્શિકામાં સ્પષ્ટ શબ્દો જણાવવામાં આવ્યું છે કે ડિમેટ ડેબિટ અને પ્લેજિંગ ઇન્સ્ટ્રક્શન (ડીડીપીઆઈ) માટે શેરબ્રોકર કે ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ્સ શેરધારકને ફરજ પાડી શકશે નહિ. ખાતાધારક સહી ન કરે તો ડિપોઝિટરી તેને સેવા આપવાનું અટકાવી શકે નહિ. પાવર ઓફ એટર્ની એક વૈકલ્પિક વ્યવસ્થા છે. શેરદલાલોએ કે પછી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સે ખાતેદારોને ખાતું ખોલાવવા માટે પાવર ઓફ એટર્ની આપવાની ફરજ પાડવી જોઈએ નહિ. સ્ટોક એક્સચેન્જના સત્તાવાળાઓને તથા શેર્સના ખાતા ધરાવનારાઓને આ બાબતની જાણકારી વ્યાપક સ્તરે મળતી થાય તે માટે પગલાં લેવાની સૂચના પણ સેબીએ આપી છે.

Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page