ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ યુનિટદીઠ રૂ.12થી ઊંચા ભાવે વીજળી નહિ વેચી શકે
- Team Vibrant Udyog
- Apr 3, 2022
- 3 min read

સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને(સર્ક-CERC) ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ(IEX) પર આખા દેશના રાજ્યોને વીજળીનું વેચાણ કરતી ખાનગી કંપનીઓને સ્પોટ માર્કેટ(SPOT PRICE OF POWER)માં યુનિટદીઠ રૂ. 12થી વધુ ભાવ ન વસૂલવા આદેશ કર્યો છે. અગાઉ આ મર્યાદા રૂ. 20ની હતી. રૂ. 20ની અપર લિમિટ સામે યુનિટદીઠ રૂ. 2.50થી ઓછા ભાવે વીજળી ન વેચવાની મર્યાદા પણ અગાઉ મૂકવામાં આવેલી હતી. કેન્દ્રિય વીજ નિયમન પંચના આ પગલાંને પરિણામે વીજ વિતરણ કંપનીઓની પાવર પરચેઝ કોસ્ટ મર્યાદિત રહેશે અને વીજવપરાશકારોએ ચૂકવવાના થતાં વીજબિલમાં પણ મોટો વધારો આવતો અટકી જશે. પહેલી માર્ચે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં વીજળીના યુનિટદીઠ સરેરાશ ભાવ રૂ. 3.9 હતા. તે 25મી માર્ચ સુધીમાં વધીની યુનિટદીઠ સરેરાશ રૂ. 18. 70 થઈ ગયા હતા.
ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં વીજળીના હાજર બજારના ભાવમાં માત્ર માર્ચ મહિનામાં જ 350-400ટકાનો વધારો નોંધાયો
કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવરે દેશમાં વીજળીની વધી રહેલી ડિમાન્ડ સામે ઘટી રહેલા સપ્લાયને કારણે ખાનગી વીજ ઉત્પાદકો દ્વારા યુનિટદીઠ રૂ. 18.70 સુધીના ઊંચા ભાવ વસૂલાતા હોવાથી મહત્તમ ભાવ મર્યાદા રૂ. 12ની કરી આપવામાં આવી છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં પણ વીજળીના સપ્લાય રેટમાં બહુ જ મોટી વધઘટ જોવા મળતી હોવાથી પણ તેમણે મહત્તમ ભાવની મર્યાદા બાંધી હોવાનું જાણવા મળ્યું છે, એમ એનર્જી સેક્ટરના એક્સપર્ટ કે.કે બજાજનું કહેવું છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં વીજળીના હાજર બજારના ભાવમાં માત્ર માર્ચ મહિનામાં જ 350-400ટકાનો વધારો આવી ગયો છે. તેનાથી ચેતી જઈને પણ વીજ નિયમન પંચે આ પગલું લીધું હોવાનું માનવામાં આવે છે.

વીજળીના ઊંચા ભાવ થતાં અને ગુજરાત સરકારની વીજ કંપનીઓ તેની ઉત્પાદન ક્ષમતાના માંડ 35થી 40 ટકા વીજળી પેદા કરીને કૃત્રિમ તંગી ઊભી કરવામાં ફાળો આપી રહી હોવાથી ગુજરાતના 1.3 કરોડ વીજવપરાશકારોને પણ રાહત થશે. હજી 30મી માર્ચે જ ગુજરાતમાં ગરમીને કારણે 18750 મેગાવોટ વીજળીનો વપરાશ થવા માંડ્યો હતો. આ ઊનાળામાં સખત ગરમી પડવાની સંભાવના છે. તેથી ડિમાન્ડ 20,000 મેગાવોટથી પણ ઉપર જાય તેવી સંભાવના છે. ભારતભરની ખાનગી વીજ પુરવઠા કંપનીઓ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ પર તેમની વીજળી વેચવા આવે છે. ડિમાન્ડ એન્ડ સપ્લાયને ધોરણે એક્સચેન્જમાં વીજળીના ભાવ નક્કી થાય છે. આ ઊનાળામાં ડિમાન્ડમાં જંગી વધારો થવાની શક્યતાને કારણે યુનિટદીઠ રૂ.20ની સપાટીને આંબી જાય તો દેશભરમાંથી સરકારની વિરોધમાં બૂમ ઊઠવાની શક્યતાને કારણે પણ મહત્તમ વીજદર યુનિટદીઠ રૂ. 12 રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
છ મહિના પૂર્વે કોલસાની અછતને પરિણામે દેશભરમાં વીજળીને નામે બૂમ પડી ગઈ હતી તેવી જ બૂમ આ ઊનાળા દરમિયાન પડવાની સંભાવનાથી ચેતી જઈને કેન્દ્રિય વીજ નિયમન પંચે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. છ મહિના પૂર્વે ગુજરાત સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓએ એનર્જી એક્સચેન્જમાંથી યુનિટદીઠ રૂ. 16.50 કે તેનાથીય ઊંચા ભાવે વીજળી ખરીદી હોવાથી ગુજરાતના વીજ વપરાશકારોને માથે ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ-એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ યુનિટદીઠ રૂ. 2.98નો બોજ આવી ગયો હતો. એફપીપીપીએ ફોર્મ્યુલા હેઠળ કોલસા, લિગ્નાઈટ કે પછી કુદરતી ગેસ જેવા ઇંધણના ભાવમાં થતી વધઘટની અસર આવે તે વીજળીના યુનિટદીઠ દરમાં ઉમેરીને પછી યુનિટદીઠ ચાર્જ નક્કી કરવામાં આવે છે. આ જ રીતે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ (શેરબજારની માફક હાજરના ભાવથી વીજળીનું વેચાણ કરતાં ઓનલાઈન એક્સચેન્જ)માંથી ખરીદવામાં આવતી વીજળીની કિંમત અને સરકારી વીજ કંપનીઓ દ્વારા પેદા કરવામાં આવતી વીજળીની કિંમતને આધારે કુલ વીજ સપ્લાયના યુનિટનો સરેરાશ ભાવ ગણીને વીજબિલમાં તે પ્રમાણે ચાર્જ લેવામાં આવે છે.
છેલ્લા પાંચ છ વર્ષથી વીજ દરમાં વધારો આપવામાં આવતો ન હોવાનું ગુજરાત વીજ નિયમન પંચ કહ્યા કરે છે. પરંતુ એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠલ દર ત્રણ મહિને વીજ કંપનીઓ યુનિટદીઠ 10 પૈસાનો ઉમેરો કરી જ લે છે. આ રીતે દર વર્ષે યુનિટદીઠ ચાર્જમાં 40 પૈસાનો વધારો તો આવ્યા જ કરે છે. આ રીતે પાંચ વર્ષમાં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં યુનિટદીઠ ચાર્જમાં 35 ટકાનો વધારો આવી જ ગયો છે.
ગુજરાતમાં ખેડૂતોને વીજળીનો આઠ કલાક દિવસે સપ્લાય આપવાની જાહેરાત કર્યા પછી વીજળીના હાજર બજારના ભાવ ઊંચા ગયા હોવાથી સરકારી વીજવિતરણ કંપનીઓને ખેડૂતોને મોંઘી વીજળી યુનિટદીઠ 60 પૈસા અને હોર્સ પાવરદીઠ રૂ. 200ના ભાવે વીજળી આપવી પરવડે તેવી નહોતી તેથી તેમનો સપ્લાય ઘટાડતા ગુજરાત ભરમાંથી ખેડૂતોએ વિરોધ કર્યો હતો. તેથી ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોને આઠ કલાક વીજ પુરવઠો આપવા માટે અને ગ્રાહકો પર વીજબિલનો વધુ બોજ ન આવે તે માટે ઔદ્યોગિક એકમોને અપાતી વીજળીના પુરવઠા પર અઠવાડિયે એક દિવસનો કાપ મૂકવાની જાહેરાત કરી છે. ગુજરાતના 33 જિલ્લામાં અઠવાડિયે એક દિવસ ઉદ્યોગોને વીજ પુરવઠો આપવાનો અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Comentarios