GST એક્ટની જોગવાઈનો દુરુપયોગ કરતાં અધિકારીઓને અટકાવો
- Team Vibrant Udyog
- Dec 31, 2022
- 8 min read
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કાઉન્સિલ એક્ટની જોગવાઈઓના ડિક્રિમિનલાઈઝેશનની પ્રક્રિયા GSTની ચોરી ઘટાડશે કે પછી વધારશે?
પ્રોવિઝનલ એટેચમેન્ટ એક વર્ષ પછી આપોઆપ જ રદ થઈ જતી હોવા છતાં વેપારીઓ પરના એટેચમેન્ટ ત્રણ ત્રણ વર્ષ હેઠળ હટાવાતા નથી.

હવે સરકાર જીએસટીના ડિક્રિમિનલાઈઝેશનની દિશામાં વિચાર કરતી થઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો જીએસટીમાં ગોટાળા કરનારાઓ સામે કોર્ટ કાર્યવાહી ક્યારે કરવી તે અંગેની રકમની મર્યાદામાં ફેરફાર કરવા જઈ રહી છે. અત્યારે જીએસટી એક્ટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ જીએસટીની ચોરીની રકમ અથવા તો ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લેવાની રકમ રૂ. 5 કરોડ કે તેનાથી વધુ હોય તો જ તેની સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવે છે.
જીએસટીની ચોરી કરનાર સામે કોર્ટ કાર્યવાહી કરવા માટે કે પછી ખોટી રીતે ઇનપુટ ટેક્સક્રેડિટ લેનાર સામે કોર્ટ કાર્યવાહી કરવા માટે મિનિમમ પાંચ કરોડની રકમ હોવી જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે. ડિસેમ્બરની 17મીએ મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે.રૂ. 20 કરોડથી મોટી રકમની ચોરી હશે કે ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હશે તો જ હવે પછી તે વેપારી કે ગુનેગાર સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. જીએસટીનું ઇવેઝન રૂ. 20 કરોડથી ઓછું હશે તો તે વ્યક્તિની મિલકતને ટાંચ પણ લગાડવામાં આવશે નહિ. નજીવી ભૂલ અને જાણી બૂઝીને કે પછી સમજી વિચારીને કરવામાં આવેલા ફ્રોડ વચ્ચેનો ભેદ ક્લિયર કરી દેવામાં આવશે.
તદુપરાંત જ કમ્પાઉન્ડિંગ ચાર્જિસની જોગવાઈ હેઠળ ગુનામાં સંડોવાયેલી રકમના 50 ટકા રકમ કમ્પાઉન્ડિંગ ચાર્જ તરીકે ભરવાની ફરજ પાડવામાં આવે છે. તેમાં મિનિમમ રૂ. 10,000 ભરવા જ પડે તેવી જોગવાઈ કરવામાં આવી છે. કમ્પાઉન્ડિંગની જોગવાઈ હેઠળ મહત્તમ ચાર્જ રૂ. 30,000 અથવા તો ભરવાને પાત્ર થતી ટેક્સની રકમના 150 ટકા જેટલી નક્કી કરવામાં આવી છે. બેમાંથી જે વધુ હોય તે વસૂલવાની જોગવાઈ હાલ અસ્તિત્વમાં છે.
રૂ. 20 કરોડથી ઓછી રકમની જીએસટીની ચોરી કરનારને જેલની સજામાં પણ ઘટાડો કરવાની દરખાસ્ત છે. અત્યારે અમલમાં ચાલતી જોગવાઈ મુજબ રૂ. 5 કરોડ કે તેનાથી વધુ રકમની ચોરી કરનારાઓ પકડાય અને તેનો ગુનો પુરવાર થાય તો તેને પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવે છે. જેલની સજામાં પાંચ વર્ષથી ઘટાડો કરીને ત્રણ વર્ષ કરી દેવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. રૂ. 2થી 5 કરોડની જીએસટીની ચોરી હશે તો ત્રણ વર્ષની જેલની સજા કરવામાં આવશે. તેમ જ રૂ. 1થી 2 કરોડની જીએસટીની ચોરી કરવામાં આવી હશે તો તેમને એક જ વર્ષની જેલની સજા કરવાની નવી જોગવાઈ દાખલ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારનો ગુનો ફરીવાર કરશે તો જેલની સજા 5 વર્ષની કરવામાં આવશે. વર્તમાન જોગવાઈ હેઠળ રૂ. 1 કરોડની ચોરી કરનાર અને રૂ. 5 કરોડની ચોરી કરનાર માટે એક જ સરખી જેલની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. જીએસટી કાઉન્સિલની નવી બેઠકમાં કાયદેસર કાર્યવાહી કરવાની અને દંડ કરવાની જોગવાઈ પણ હળવી કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યુ છે. દંડની રકમ પણ ઓછી જ રાખવામાં આવશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટમાં ઇન્ડિયન પીનલ કોડની કેટલીક જોગવાઈઓ જોડવામાં આવેલી છે. આ જોગવાઈઓની ચકાસણી કરીને તે અઁગે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ આ જોગવાઈઓ નાબૂદ કરી દેવાનો કે તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવશે.
જીએસટી કાઉન્સિલની 17મી ડિસેમ્બરે મળનારી બેઠકમાં જીએસટીના અમલીકરણને કારણે રાજ્ય સરકારની આવકમાં 14 ટકાના સરેરાશ વાર્ષિક વધારા સાથે પડનારી ઘટને કેન્દ્ર સરકાર સરભર કરી આપે તેવી પાંચ વર્ષની મુદત માટેની જોગવાઈની પાંચ વર્ષની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. તેમ છતાંય દેશના ઘણાં રાજ્યો આ જોગવાઈને વધુ પાંચ વર્ષ માટે લંબાવી આપવાની માગણી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરે તેવી સંભાવના છે.
આડેધડ એરેસ્ટ કરવાનું બંધ કરો
એડવોકેટ અને ટેક્સ કન્સલ્ટન્ટ્સ વારિસ ઇશાની કહે છે, “જીએસટી એક્ટની કલમ 132 જોખમી બની ગઈ છે. તેમાં વેપારીઓની એરેસ્ટ કરવામાં આવે છે. સરકારે ઓગસ્ટ મહિનામાં ઇન્સ્ટ્રક્શન બહાર પાડીને આડેધડ સમન્સ આપવાની મનાઈ ફરમાવી હતી. કલમ 70 હેઠળ વેપારીઓને આડેધડ સમન્સ આપવામાં આવે છે. સમન્સનો છેલ્લા હથિયાર તરીકે જ ઉપયોગ કરવો જોઈએ. નાની નાની બાબતો માટે સમન્સ પાઠવીને વેપારીઓની પરેશાની વધારવાનું બંધ કરવા જણાવવામાં આવ્યું છે. તેમાં ગાઈડલાઈન્સ પણ બહાર પાડી છે. તેમ જ આડેધડ એરેસ્ટ કરવાની પણ મનાઈ ફરમાવી છે. તેને પરિણામે કરપ્શન વધતું હોવાનું પણ સરકારે અનુભવ્યું છે.” વેપારીને નોટિસ આપો. ત્યારબાદ તે હાજર ન થાય તો જ તેમને સમન્સ આપો. જે આવે તેને પાંચ કરોડથી વધુની ડિમાન્ડ થાય તેમ જણાવીને એરેસ્ટ કરતાં રહેવાનું અને જેલમાં ધકેલી દેવાનું વલણ ઉચિત નથી. આ વલણ ઉચિત નથી. કયા સંજોગમાં એરેસ્ટ કરી શકાય તે સંદર્ભમાં કલમ 132 અને કલમ 133માં ફેરફાર કરવાના અનુસંધાનમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. અધિકારીઓ તેનો દુરુપયોગ કરે છે. તેમને કોઈ વેપારી પરની તપાસમાં સાદી ડાયરી મળી આવે તો પણ તેની ચોરી રૂ. 5 કરોડથી વધી જતી હોવાનું જણાવીને તેને જેલમાં નાખી દે છે. તેમાં ડાયરી સાચી છે કે ખોટી છે તેની ચકાસણી કરવામાં આવતી જ નથી. તેથી તેની સામે વેપારીને રક્ષણ આપવા માટે કલમ 132માં ફેરફાર કરવાનો વિચાર કરવામાં આવશે. કયા સંજોગોમાં એરેસ્ટ કરી શકાય અને ન કરી શકાય તે માટેની ગાઈડલાઈન્સ પણ તૈયાર કરવામાં આવી છે. પરંતુ તેનો અમલ આજે વ્યવસ્થિત રીતે થતો નથી. અધિકારીઓ કાયદાનો દુરુપયોગ કરીને આડેધડ એરેસ્ટ કરી રહ્યા છે. તેથી જીએસટીની ચોરીની રકમ રૂ. 5 કરોડ ઉપર એટલે કે રૂ. 20 કરોડની હોય તો તેવા સંજોગોમાં જ તેને એરેસ્ટ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી રહી છે.

વેપારી સામેની તપાસમાં એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડના અધિકારીઓ શા માટે શામેલ?
બીજું જીએસટીના અધિકારીઓ વેપારીઓ સામેની તપાસમાં આર્થિક ગુના નિવારણ શાખા અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને પણ સાથે રાખતી થઈ ગઈ છે. એટીએસ-એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડના અધિકારીને સાથે રાખવાના વલણ સામે કોર્ટે પણ જીએસટી કચેરીના અધિકારીઓને ખખડાવ્યા છે. એડિશનલ મેટ્રોપોલીટન કોર્ટના ન્યાયાધીશે તેમને ખખડાવ્યા છે. તેમાં એટીએસને સાથે શા માટે રાખવામાં આવ્યા તે અંગે ખુલાસો પણ માગવામાં આવ્યો છે. આ ખુલાસો માગનાર જજની પણ બદલી કરી દેવામાં આવી છે. આવકવેરાના દરોડામાં પણ અધિકારીઓની સલામતી માટે પોલીસને સાથે રાખવામાં આવે છે. પરંતુ દરોડાની કાર્યવાહીમાં તેમનો કોઈ રોલ જ હોતો નથી. જ્યારે એટીએસના અધિકારીઓ વેપારીઓની ધરપકડ કરવા સુધી તરત જ પહોંચી જાય છે. આમ કાયદાકીય જોગવાઈથી વેપારીઓને ડરાવવાનું કામ જીએસટી અધિકારીઓ કરી રહ્યા છે. જીએસટીના કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કાર્યક્ષેત્રની બહારની પોલીસની મદદ લઈ શકાતી નથી. તેમ છતાંય તેઓ ગમે ત્યારે ગમે તે સ્થળેથી ગમે તે પોલીસની મદદથી ઊઠાવી રહ્યા છે. જેલમાં ધકેલી રહ્યા છે. તેને કારણે વેપારી આલમમાં ફફડાટનો માહોલ છે.
ત્રણ ત્રણ વર્ષ સુધી એટેચમેન્ટ હટાવાતા નથીઃ
કલમ 83 હેઠળ વેપારીએ ટેક્સ ચોરી કરી હોય તો તેના પર પ્રોવિઝનલ એટેચમેન્ટ લાગવવામાં આવે છે. પ્રોવિઝનલ એટેચમેન્ટ મૂક્યા પછી તે એક વર્ષ સુધી જીએસટી અધિકારી દ્વારા કોઈ જ પગલાં લેવાતા નથી. એક વર્ષ પૂરું થઈ ગયા પછી તે એટેચમેન્ટ આપોઆપ જ રદ થઈ જાય છે. તેમ છતાં જીએસટીના અધિકારીઓ ત્રણ ત્રણ વર્ષ સુધી એટેચેમેન્ટ ઊઠાવતા જ નથી. આ સંદર્ભમાં હાઈકોર્ટમાં સંખ્યા બંધ પીટીશન થયેલી છે. આમ અધિકારીઓ દ્વારા કાયદાકીય જોગવાઈનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કાયદાકીય જોગવાઈનું અધિકારીઓ જ ઉલ્લંઘન કરી રહ્યા છે. આ અધિકારીઓ સામે પણ પગલાં લેવાવા જોઈએ. કલમ 83માં એક બીજી સમસ્યા એ છે કે તપાસ કરનાર અધિકારીને એમ લાગે કે વેપારીના કેસમાં રિકવરી ઊભી થાય તેમ છે અન તે જવાબદારી અદા કરી શકે નહિ. તેવા સંજોગમાં અધિકારીઓ એટેચમેન્ટ લગાવી દે છે. એટેચમેન્ટ કરવાનો ઓર્ડર પાસ કર્યા વિના જ એટેચમેન્ટ કરી દે છે. આ એટેચમેન્ટ કરવાનો તેને અધિકાર નથી તેવુ નથી. પરંતુ તેમ કરવા માટેના યોગ્ય કારણો તેણે લેખિતમાં મૂકવાના રહે છે. આ કારણો મૂક્યા વિના જ અધિકારીઓ વેપારીઓના એકાઉન્ટ અને મિલકત પર એચેટમેન્ટ લગાવી દે છે. કલમ 83 હેઠળ આપવામાં આવેલી સત્તાનો આમ અધિકારીઓ દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આમ જીએસટીની પ્રોવિઝનનો અધિકારીઓ દ્વારા કરવામાં આવતા દુરુપયોગને અટકાવવો જરૂરી છે.
વેપારીઓમાં ફફડાટ ફેલાવવાની વૃત્તિ સામે વિરોધઃ
વેપારીઓને કાયદાની જોગવાઈથી અધિકારીઓ કનડે છે. પરંતુ અધિકારી સામે કાયદાકીય જોગવાઈ હેઠળ પગલાં આવે તો તેમને ગમતું નથી. આ રહ્યું તેનુ તાજું ઉદાહરણ. બોગસ ઇ-વૅ બિલ બનાવીને સ્ટીલના સળિયા કાઢી જવાનો પ્રયાસ કરવા બદલ સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના એન્ફોર્સમેન્ટ અધિકારી પ્રીતિશ દૂધાત અને સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારી નીરજ મીણાની ભાવનગરની પોલીસી ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કરી હતી. ભાવનગરમાંથી લોખંડના સળિયા લઈ જતી પકડાયેલા ટ્રક માટે તૈયાર કરવામાં આવેલા બોગસ ઇ-વે બિલના કૌભાંડ બહાર આવ્યું હતું. સામાન્ય રીતે ઓનલાઈન જીએસટીના પોર્ટલ પરથી ઇશ્યૂ કરવામાં આવતા ઈ-વે બિલ ઓફલાઈન બનાવી દઈને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઇ-વે બિલ સ્ટેટ જીએસટીના અધિકારી પ્રીતેશ દૂધાત અને સેન્ટ્રલ જીએસટીના અધિકારી નીરજ મીણાએ બનાવ્યું હોવાનું પ્રસ્થાપિત થતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓની ધરપકડ થતાં અધિકારીઓનો ફફડાટ વધી ગયો હતો. તેથી તેમણે પોતાની સાથે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે તેમની ધરપકડ કરવાની જોગવાઈનો પણ વિરોધ કરવા માંડ્યો છે. વેપારીઓને ફફડાટ હેઠળ રાખતા અધિકારીઓ પોતે પણ હવે ઉચ્ચક જીવે કામ કરી રહ્યા છે. કલમ 72 હેઠળ પોલીસની મદદ લેવાનો જીએસટી અધિકારીઓને હક મળેલો છે. તેમને તેમના કાર્યક્ષેત્રની જ પોલીસની મદદ લેવાનો અધિકાર છે. આ સંજોગોમાં ગમે તે સ્થળની પોલીસની મદદથી વેપારીઓની ધરપકડ કરીને તેમનામાં ફફડાટ ફેલાવવાની પ્રવૃત્તિ ઉચિત નથી જ નથી.

ચેકપોસ્ટને લગતી કલમમાં ફેરફાર પણ જરૂરીઃ
જોકે ચેકપોસ્ટને લગતી કલમ 129 અને કલમ 130માં પણ ફેરફાર કરવાની જરૂર હોવાનું જણાવતા જીએસટીના એક્સપર્ટ વારિસ ઇશાની કહે છે, “ચેકપોસ્ટને લગતી આ કલમ છે. રસ્તા પરથી માલ વહન કરવામાં આવતો હોય ત્યારે ટ્રક ચાલક પાસે વેલિડ-માન્યતા ધરાવતું ટેક્સ ઇન્વોઈસ હોવું જરૂરી છે. ઈ-વે બિલ હોવું જરૂરી છે. તેમ જ માલ રવાનગીના પુરાવા તરીકે લોરી રિસિપ્ટ-એલઆર પણ હોવી જરૂરી છે. ચેકપોસ્ટના અધિકારીએ આ ત્રણ વસ્તુઓની જ ચકાસણી કરવાની હોય છે. ઉપરાંત બિલમાં જે માલ દર્શાવ્યો છે તે જ માલ છે કે નહિ તે પણ ચકાસી લેવાનું હોય છે.બિલમાં દર્શાવેલી વસ્તુ કરતાં અલગ વસ્તુ હોય તો તે ચાલે નહિ. આ બધુ જ બરાબર હોય તો તપાસ કરનારા અધિકારીઓ એવું કારણ આપે છે કે જે વેપારી પાસેથી તેં માલ ખરીદ્યો છે તેની બોગસ ખરીદીઓ પોર્ટલ પર બતાવે છે. તેથી તારે ગાડી સાઈડમાં ઊભી રાખવી પડશે. ત્યારબાદ તે ગાડીમાં રૂ. 1 લાખનો માલ અને 18 ટકા જીએસટી મળીને રૂ. 1.18 લાખની વેલ્યુ થતી હોય તો તેના પર જીએસટી અધિકારી કલમ 130 હેઠલ માલની કિંમત, વત્તા 18 ટકા ટેક્સ, વત્તા 18 ટકા પેનલ્ટી, વત્તા 18 ટકાની કોન્ફિસ્કેશનની પેનલ્ટી મળીને રૂ. 1.54 ભરવાની માગણી કરી છે. આ વાત માન્ય ન હોય તો આઉટ ઓફ વે જઈન સેટલમેન્ટ કરવા દબાણ કરે છે. અન્યથા ગાડી છોડતા નથી.” ચેકપોસ્ટ અધિકારીઓને તેનાથી ઉપરની કોઈ જ સત્તા ન હોવા છતાં તે ગાડી જવા દેતા નથી. તેણે જ્યુરિડિક્શનલ ઓફિસરને તે કેસમાં તપાસ કરવાની સૂચના આપવાની સત્તા છે. પરંતુ તેમ કરવાને બદલે તેઓ વેપારીને ટટળાવીને હેરાનપરેશાન કરી મૂકે છે.
સમગ્રતયા વાત કરવામાં આવે તો વેપારીઓને ટેક્સ ભરવો નથી. ગુડ્સ અને સર્વિસ લેનારને પણ ટેક્સ ભરવો નથી. બીજીતરફ અધિકારીને પણ પ્રામાણિકતાથી કામ કરવામાં રસ નથી. વેપારીને દબાવીને દબડાવીને પોતાનો હિસ્સો મેળવી લેવો છે. સરકારની આવક થાય કે ન થાય અધિકારીની આવક થવી જોઈએ. આ માનસિકતા સાથે જ અધિકારીઓ કામ કરે છે. આમ ત્રણેય પક્ષની માનસિકતા નહિ બદલાય ત્યાં સુધી ગમે તેટલા કાયદાકીય ફેરફારો કરવામાં આવે તો પણ જીએસટીની ચોરી અટકશે નહિ અને કેસોની વણઝાર પણ રોકાશે નહિ

GST એપેલેટ ટ્રીબ્યુનલની રચના જ પહેલી જરૂરિયાત
જીએસટીમાં 2018થી અપીલ દાખલ કરવાની ચાલુ કરી દેવામાં આવી છે. સૌથી પહેલા ચેકપોસ્ટને લગતા કેસોમાં અપીલ દાખલ કરવાનું ચાલુ કરી દેવાયું હતું. 2021 પછી એસેસમેન્ટ થયા તેની અને લીગલ મુદ્દાઓ ઊભા થયા છે તેની અપીલો દાખલ કરવામાં આવી છે.
અત્યારે જીએસટીમાં રજિસ્ટ્રેશન માટેની અરજીઓ રદ કરવામાં આવી હોય તેવા કેસમાં અપીલોનું હિયરિંગ ચાલુ કરવામાં આવ્યું છે. અપીલમાં વેપારી હારી જાય તો તેણે સીધા હાઈકોર્ટમાં જવું પડે છે. હાઈકોર્ટ આ પ્રકારની અપીલ સાંભળવા તૈયાર નથી. કમિશનરનું કામ હાઈકોર્ટ કરે તો તેનો સમય વધુ વપરાઈ જાય છે. તેથી એપેલેટ ટ્રિબ્યુનલ બનાવી દેવામાં આવે તે જરૂરી છે. અપીલોના કેસ ચલાવી નિકાલ વહેલો થાય તેવી હાઈકોર્ટની પણ ઇચ્છા છે.
જીએસટી એક્ટની કલમ 107માં અપીલ દાખલ કરો તે પછી એક વર્ષમાં કમિશનરે અપીલનો નિકાલ કરી દેવાનો છે. કલમ 107(13)માં તેનો એક વર્ષમાં નિકાલ કરી દેવાની જોગવાઈ છે. પરંતુ તેમ થતું નથી. આ કામ ન કરતી જીએસટી કચેરી કલમ 168 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને દર એક વર્ષે બાદ તેની મુદત એક વર્ષ માટે લંબાવી દે છે. આમ કાયદાકીય જોગવાઈનો દુરુપયોગ જીએસટી અધિકારીઓ કરી રહ્યા છે. વેપારીઓના કેસો ટલ્લે ચઢાવી રહ્યા છે.
અપીલ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવે છે. 90 દિવસમાં અપીલ ન થઈ શકે તો તે પછી 30 દિવસનો વધારાનો સમય આપવામાં આવેલો છે. આ સમય આપવો કે ન આપવો તે નિર્ણય લેવાનું કમિશનરના હાથમાં છે. જીએસટીમાં ડિલે કોન્ડોનની કોઈ જ જોગવાઈ કરવામાં આવેલી નથી. તેથી વેપારીઓ રઝળી પડે છે. અપીલ કરવાનો વેપારીઓનો અધિકાર છીનવાઈ જાય છે. અપીલના ઓર્ડર ઓનલાઈન આપે છે, વેપારીને તેના ઓર્ડરની ખબર જ પડતી નથી. તેની સામે એક્શન આવે અને તેની મિલકત એટેચ થાય તે પૂર્વે તેને તેની સામે થઈ ગયેલા ઓર્ડરની જાણકારી જ નથી હોતી. તેથી ડિલે કોન્ડોનની જોગવાઈ હોવી જ જોઈએ.
બીજું અપીલમાં જાય તો વેપારીએ તેની સામેની ડિમાન્ડના 10 ટકા રકમ જમા કરાવવી પડે છે. અપીલ હારી જાય અને ટ્રીબ્યુનલમાં જાય તો બીજા 20 ટકા ભરવા પડે છે. આમ કુલ 30 ટકા રકમ ભરવી પડે છે. આ રકમ બહુ જ મોટી હોવાથી વેપારીઓ અપીલમાં જઈ શકતા નથી. એક્સાઈઝમાં આટલી મોટી રકમ ભરવાની આવતી નહોતી. અપીલ કરવાની રહી ગઈ હોય તેવા વેપારીઓને અપીલ કરવાની તક આપતી ઝુંબેશ જીએસટી કચેરી દ્વારા ચાલુ કરવી જોઈએ. તેમ નહિ કરવામાં આવે તો હાઈકોર્ટમાં કેસોનો ભરાવો વધી જશે. હજી સુધી જીએસટીની એપેલેટ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવાની ચર્ચા પણ જીએસટી કાઉન્સિલની 17મી ડિસેમ્બરની મિટિંગમાં શોધવામાં આવશે. એપેલેટ ટ્રિબ્યુનલ ન હોવાથી વેપારી આલમની વધી રહેલી કઠણાઈને ધ્યાનમાં લઈને તત્કાળ નિર્ણય લેવો જોઈએ.
ઓનલાઈન ગેમિંગ કે કેસિનો પર 28 ટકા જીએસટી લાગશે
ઓનલાઈન ગેમિંગ, અશ્વદોડ અને કેશીનો પર કેટલો જીએસટી લાદવાનો છે. આ મુદ્દે અંગે પણ 17મી ડિસેમ્બરે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. આ સંદર્ભમાં મેઘાલયના મુખ્યમંત્રી સંગમાના વડપણ હેઠળની કમિટીના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આ રિપોર્ટ પણ તૈયાર થઈ જશે. આ રિપોર્ટમાં કેશિનો, અશ્વદોડ અને ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા જીએસટી લાદવાની ભલામણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ 28 ટકા ગેમ રમાડનારાઓ દ્વારા લેવાથી ફીની રકમ પર લેવા કે પછી ગેમિંગ દરમિયાન થતાં સંપૂર્ણ આર્થિક વહેવારની રકમ પર લેવા તે અંગે રિપોર્ટમાં નિશ્ચિત રજૂઆત કરવામાં ન આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. નાણાંકીય વર્ષ 2023-24ના બજેટની તૈયારી ચાલુ થઈ ગઈ હોવાથી માત્ર કોઈ અલગ ડેસ્ટિનેશન પર જઈને નહિ, પરંતુ વિડીયો કોન્ફરન્સની સિસ્ટમથી જ આખી મિટિંગનું આયોજન કરવામાં આવશે.
પહેલા: | સંભવતઃ |
રૂ. 5 કરોડની ચોરી સામે કોર્ટ કાર્યવાહી | રૂ. 20 કરોડની ચોરી સામે કોર્ટ કાર્યવાહી |
નજીવી ભૂલમાં પણ મિલકત પર ટાંચ | 20 કરોડથી વધુના ઈવેઝન પર જ ટાંચ |
સંડોવાયેલી રકમના 50 ટકા રકમ કમ્પાઉન્ડિંગ ચાર્જ | ટેક્સની રકમના 150 ટકા અથવા મહત્તમ રૂ. 30,000 ચાર્જ |
રૂ. 5 કરોડની ચોરી પર પાંચ વર્ષ સુધી જેલની સજા | રૂ. 20 કરોડ સુધીની ચોરી પર ત્રણ વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ |
રૂ. 1થી 5 કરોડની ચોરી માટે સમાન સજા | રૂ. 1-5 કરોડ માટે દંડ તથા જેલની સજા હળવી કરાશે |
留言