ઉદ્યોગોને 25 ટકા CNG સપ્લાય સ્પોટ પ્રાઇસથી મળશે
- Team Vibrant Udyog
- Mar 21, 2022
- 7 min read
મોરબીના સિરામિક ઉદ્યોગના નિકાસના ગણિતો ફેરવાઈ જશે
CNGના વિકલ્પ તરીકે કોલસાનો ઉપયોગ વધતા કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી કરવાના પ્રયાસો પર પાણી ફરી વળશે
CNG મોંઘો થતાં સિરામિક, ફાર્મા અને કેમિકલ ઉદ્યોગને ફટકો

કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવ દર પખવાડિયે નવી ઊંચાઈ આંબી રહ્યા છે. ક્રૂડે અર્થતંત્રની કમર તોડવાની સાથે ઉદ્યોગની હાલત ખસ્તા કરવા માંડી છે. આ ઓછું હોય તેમ વાહનોમાં વપરાતા સીએનજી અને ઉદ્યોગોને આપવામાં આવતા પીએનજીના ભાવ ઊંચા જઈ રહ્યા છે. વાહનો ચલાવવા વપરાતા સીએનજીના ભાવ વધશે તો આમ આદમીનો રિક્ષામાં ફરવાના ખર્ચમાં તોતિંગ વધારો આવી જશે. લિક્વિડ નેચરલ ગેસનો દરેકના રસોડામાં પણ સપ્લાય આપવામાં આવે છે. રસોઈ કરવા માટે વપરાતા ગેસના ભાવ પણ ગૃહિણીઓને અકળાવનારા સાબિત થશે. બીજા શબ્દોમાં કહીએ તો ડગલે ને પગલે મોંઘવારી પડછાયાની જેમ આમ પ્રજાની સાથે ચાલ્યા જ કરશે. તેમના ખિસ્સામાં બાકોરું પાડતી જ રહેશે.
આયાતી ગેસ પર મદાર દેશને ભારે પડશેઃ
વિશ્વ બજારમાં પીએનજીના ભાવ વધી રહ્યા છે. ભારતમાં થતાં એલએનજી કુલ વપરાશમાંથી 45 ટકાથી વધુ આયાતી ગેસ પર મદાર બાંધી બેઠેલો દેશ છે. ભારતમાં ગેસના ઉત્પાદનના ક્ષેત્રમાં ઓએનજીસીનું કામ બહુ જ મોટું છે. તેના ઉત્પાદન અને ભારતના ઉદ્યોગોની ડિમાન્ડ વચ્ચેનો ગાળો સતત વધી રહ્યો છે. બીજી તરફ એડમિનિસ્ટર્ડ પ્રાઈઝ મિકેનિઝમ હેઠળ ભારત સરકાર દ્વારા આપવામાં આવતા ગેસના પુરવઠામાં 15થી 20 ટકા જેટલી અછત છે. તેથી ગેસના આંતરરાષ્ટ્રીય બજારના ભાવની અસર ભારતના સીએનજી અને પીએનજીના ભાવ પર અસર મોટી આવે છે. પરિણામે શહેરી વિસ્તારોમાં ગેસ વિતરણનું કામ કરતી કંપનીઓએ ઊંચા ભાવનો ગેસ ખરીદીને આપવો પડી રહ્યો છે. વાહનોમાં વપરાતા સીએનજીનો કિલોદીઠ ભાવ વધીને રૂ.73.09 થઈ ગયો છે.
ગુજરાતના ઉદ્યોગોને 25 ટકા સપ્લાય સ્પોટ પ્રાઈસથી અને 75 ટકા સપ્લાય એપીએમ પ્રાઈસથી અપાશે
આંતરરાષ્ટ્રીય બજારમાંથી ગેસનો સપ્લાયનો જથ્થો ન આવતો હોવાથી અછત સર્જાઈ છે. “આંતરરાષ્ટ્રીય બજારમાં સીએનજીના ભાવ બહુ જ ઊંચા રહ્યા હોવાથી ભારતના લેવાલો ખરીદી રહ્યા નથી. કારણ કે ભાવ 40 ડૉલરનો ભાવ હતો. 40 ડૉલરના ભાવે ગેસ ખરીદવામાં આવે તો સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ 112થી 115ની આસપાસનો આવી શકે છે. તેની સામે કિલોના માપથી તેનો ભાવ કાઢવામાં આવે તો તેનો ભાવ રૂ. 150ની આસપાસનો ભાવ સ્ટાન્ડ આવી શકે છે. અત્યારે બજારમાં રૂ.73ના ભાવે ગેસ વેચાઈ રહ્યો છે. ખરીદી ભાવ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ખર્ચનો ઉમેરો કરતાં ભાવ ખાસ્સો ઊંચો ગયો છે. ભારતમાં સમગ્રતયા સીએનજી કે કુદરતી ગેસની અંદાજે 25 ટકા સપ્લાય ઓછો આવી રહ્યો છે. કંપનીઓની ડિમાન્ડ સામે માત્ર 75થી 80 ટકા સપ્લાય આપી રહ્યો છે. રશિયા યુક્રેનના યુદ્ધને કારણે બજારમાં માલની ભાવ વધ્યા છે અને સપ્લાય ઘટ્યો છે. અગાઉ ગેસની ખરીદી કરીને આવેલી કંપનીઓ અત્યારે આંતરરાષ્ટ્રીય એક્સચેન્જમાં વેચવા તૈયાર છે. તેથી એડમિનિસ્ટર પ્રાઈસ મિકેનિઝમ હેઠળના ગેસનો સપ્લાય 20થી 25 ટકા ઓછો છે. ગેઈલે સપ્લાય 20 ટકા જેટલો ઘટી ગયો છે.”
ઊંચા ભાવના ગેસને જૂના ભાવના ગેસ સાથે મિક્સ કરીને વેચવામાં આવે તો પણ ભાવ અત્યારે પરવડે તેવા જ નથી. યુદ્ધવિરામ ન થાય ત્યાં સુધી અનિશ્ચિતા રહેવાની જ છે. યુદ્ધવિરામ થયા પછી ભાવ ઘટવાની શરૂઆત થશે. ગેઈલે સપ્લાયમાં 20 ટકાન કાપ મૂક્યો છે. ગેસ ડીમાન્ડ સામે માત્ર 80 ટકા સપ્લાય જ આપે છે. તેઓ જૂના ભાવે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ખરીદેલો ગેસ અત્યારે પાછો આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવે વેચી રહ્યા છે. પરિણામે મોરબી સહિતના ઉદ્યોગોને 25 ટકા સપ્લાય સ્પોટ પ્રાઈઝથી અને બાકીનો 75 ટકા ગેસ એડમિનિસ્ટર્ડ પ્રાઈસ મિકેનિઝમથી આપતા ભાવથી આપવામાં આવશે. આ આ સંજોગોમાં ઉદ્યોગોનું ઇંધણનું બિલ જંગી પ્રમાણમાં વધી જવાની શક્યતા જણાઈ રહી છે. આ સ્થિતિમાં મોરબીના ઉદ્યોગોને તેમનો વપરાશ ઘટાડવાની ફરજ પડશે.
ભારતમાં સપ્લાય ઘટવાનું આ પણ છે કારણઃ
ઉદ્યોગોને આપવામાં આવતા પીએનજીનો ભાવ રૂ. 58નો છે. તેમાં હજીય 15 રૂપિયાની આસપાસનો વધારો આવે તેમ છે. આમ રૂ. 62.50ના ભાવે મળત ગેસ રૂ. 79થી વધી જવાની સંભાવના છે. માર્ચ 2021માં વિશ્વ બજારમાં એમએમબીટીયુ એટલે કે 26.8 ક્યુબિક મીટર ગેસના ભાવ 6થી 8 અમેરિકી ડૉલર હતા, આજે વિશ્વ બજારમાં 1 એમએમબીટીયુના તેના ભાવ 40થી 50 અમેરિકી ડૉલરના ભાવ બોલાઈ રહ્યા હોવાનું ગુજરાતની અગ્રણી ગેસ કંપની જાણકાર સુત્રોનું કહેવું છે. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ આ વધેલા ભાવનો લાભ લેવા માટે સ્થાનિક બજારમાં આપવાનો ગેસનો જથ્થો પરદેશના બજારમાં ઊંચા ભાવે વેચી રહ્યો હોવાથી પણ સ્થાનિક બજારમાં સપ્લાયમાં ઘટ પડી રહી હોવાનું કહેવાય છે. તેને 10 ડૉલરની પડતરનો ગેસ વર્તમાન ભાવે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવાની તક મળી રહી હોવાથી તેને 30થી 35 ડૉલરનો નફો કમાવાની તક મળી રહી છે. તેથી પણ તેનો સપ્લાય ભારતમાં ઘટ્યો છે. આ પણ ભારતમાં એલએનજીની ઘટ માટેનું એક કારણ હોવાનું મનાય છે. તેથી જ પહેલી એપ્રિલથી સીએનજીના ભાવમાં એપ્રિલથી રૂ. 15 સુધીનો વધારો આવવાની શક્યતા જોવાઈ રહી છે.

ટેક્સટાઈલ ઉદ્યોગ કોલસાના ઉપયોગ તરફ વળ્યોઃ
અત્યારે મોંઘા ભાવના નવા ગેસની સાથે જૂનો સસ્તાભાવનો ગેસનું મિશ્રણ કરીને આપવામાં આવતા મોટો વધારો ન આવ્યો હોવાનું જાણકાર સુત્રોનું કહેવું છે. લિક્વિડ નેચરલ ગેસના ભાવની તુલનાએ રૂ. 10 જેટલો સસ્તો ગણાતા પ્રોપેનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રોપેનનો ભાવ પણ વધી રહ્યો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં પ્રોપેનનો વપરાશ કરતાં પણ દસ ટકા એકમો છે. બીજી તરફ આયાતી કોલસાના ભાવ પણ ખાસ્સા ઊંચા ગયા છે. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ કોલસાનો ટનદીઠ ભાવ 250 ડૉલર હતા તે વધીને 450 ડૉલરને વળોટી ગયા છે. તેથી ટેક્સટાઈલ ઉદ્યોગને પણ કોલસો પણ હવે મોંઘો લાગવા માંડ્યો છે. એક સમયે ટેક્સટાઈલ પ્રોસેસિંગમાં પણ ગેસ વાપરવામાં આવતો હતો. પરંતુ ગેસ મોંઘો પડતાં તેમાં કોલસો વપરાવા માંડ્યો છે. જોકે કોલસાની કેલરીફિક વેલ્યુ અંદાજે 4500થી 5000ની છે. તેની સામ ગેસની કેલરીફિક વેલ્યુ 8500થી 9000ની છે. ગેસના ભાવ વધતા કોલસાનો વપરાશ તરફ વળે તો સતત કથળી રહેલી હવાનું સ્તર વધુ કથળશે. આમ વાતાવરણમાં ભળતા કાર્બનના પ્રમાણને અંકુશમાં રાખવાના પ્રયાસો પર પાણી ફરી વળવાની શક્યતા વધી રહી છે. વાતાવરણ વધુ પ્રદુષિત થઈ રહ્યું હોવાનું જણાતા યુરોપિયન સંઘના દેશોએ કોલસાથી ચાલતા 40થી વધુ પાવર પ્લાન્ટ થકી વીજળી પેદા કરવાનું ઝડપથી બંધ કે ઓછું કરી દીધું છે. કોલસાથી ચાલતા વીજ ઉત્પાદન મથકો ઝડપથી બંધ કરવા માંડ્યા છે. પરિણામે કુદરતી ગેસની ડિમાન્ડ વધી ગઈ છે.
યુરોપિયન સંઘની ડિમાન્ડ વધતા ભાવ વધ્યાઃ
યુરોપિયન સંઘના દેશોમા જ કુદરતી ગેસની ડિમાન્ડ બમણાથી વધુ થઈ જતાં તેના ભાવમાં ઊછાળો આવ્યો છે. તેમના આ ઉતાવળા નિર્ણયની અસર પણ આંતરરાષ્ટ્રીય ગેસના બજાર પર પડી હોવાનું જાણકાર સુત્રોનું કહેવું છે. કોલસા અને ગેસથી ઉત્પાદન કરવામાં આવતી વીજળીના વિકલ્પ સોલાર અને વિન્ડ પાવરથી પેદા કરવામાં આવતી વીજળીનો ઉપયોગ થઈ શકે છે. પરંતુ આ વીજળી સૂરજની ગેરહાજરીમાં રાત્રિ દરમિયાન વાપરી શકાય તે માટે તેનું સ્ટોરજ થઈ શકતું નથી. તેથી તે એક સારો વિકલ્પ હોવા છતાંય સંપૂર્ણ વિકલ્પ બની શકતો નથી.
રશિયા-યુક્રેનના યુદ્ધની અસરઃ
ક્રૂડના ભાવ સાથે જ કુદરતી ગેસના ભાવ પણ સંકળાયેલા છે. ક્રૂડના મોટા સપ્લાયર રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધને પરિણામે ક્રૂડના સપ્લાય પર બ્રેક લગાવી છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઝડપથી વધારો થવા માંડ્યો છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેને પરિણામે ગિન્નાયેલા અમેરિકાએ રશિયા સામે આર્થિક નાકાબંધીના પગલાં લીધા તેના પ્રતિભાવ રૂપે રશિયાએ ક્રૂડનો સપ્લાય ખોરવી નાખીને ક્રૂડના આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી ઊથલપાથલ સર્જી દીધી છે. ક્રૂડના બેરલદીઠ વધીને 130થી 140 ડૉલરની સપાટીને આંબી ગયા છે.
સિરામિક, ગ્લાસ, એગ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રી પર અવળી અસર પડશેઃ
વિશ્વ બજારના ભાવને જોઈને જ ગુજરાતના સિરામિક ઉદ્યોગને, ટેક્સટાઈલ ઉદ્યોગને કે પછી કેમિકલ ઉદ્યોગને પીએનજીનો સપ્લાય આપવાનો આવે તો સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસના અત્યારના ભાવથી બમણા કે ત્રણ ગણા ભાવ કરી દેવાની નોબત આવી શકે છે એમ જણાવતા ગુજરાતની અગ્રણી ગેસ કંપનીના સૂત્રોનું કહેવું છે કે મોરબીના સિરામિક, અમદાવાદ-અંકલેશ્વર, દહેજ ને ભરૂચના કેમિકલ, તથા સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને તકલીફ પડશે. ફાર્મા ઉદ્યોગના કોસ્ટિંગ પણ તેનાથી ઊંચા જવાની સંભાવના રહેલી છે. ગ્લાસ અને એગ્રોકેમિકલ ઉદ્યોગ પર પણ તેની અવળી અસર આવી શકે છે.
કેમિકલની નિકાસમાં નફા પર કાપ મૂકાશેઃ
ભારત સરકાર દ્વારા એડમિનિસ્ટર્ડ પ્રાઈઝ મિકેનિઝમ હેઠળ આપવામાં આવતા ગેસનો સપ્લાય પૂરતો નથી આવી રહ્યો. તેથી ફાઈનલ કન્ઝ્યુમરને ગેસનો સપ્લાય આપતા ડીલર્સ કે સપ્લાયર્સ કંપનીઓને પણ સસ્તા દામે કુદરતી ગેસનો સપ્લાય આપવામાં તકલીફ પડી રહી છે. એલએનજીનો ભાવ વધી રહ્યો હોવાથી સસ્તા દામે સપ્લાય આપવો શક્ય જ ન હોવાનું સપ્લાયર્સ કંપનીઓનું કહેવું છે. ગુજરાતમાં કેમિકલ ઉદ્યોગ મોટો છે. વટવા, નરોડા, વાપી, અંકલેશ્વર, દહેજ સહિતના વિસ્તારોમાં કેમિકલના ઉત્પાદન સાથે સંકળાયેલા એકમો છે. ભૂરેલાલ કમિટિની ભલામણ પછી ગુજરાતના ઉદ્યોગો એર પોલ્યુશન ઘટાડવા માટે સીએનજીનો ઉપયોગ કરવા તરફ ડાયવર્ટ કરી દેવાયા હતા.

નરોડા એન્વિરો પ્રોજેક્ટ લિમિટેડના પૂર્વ પ્રમુખ શૈલેશ પટવારીનું કહેવું છેઃ “ગુજરાતના કેમિકલ હબમાં 400થી 500 એકમો 2008ના અરસાથી સીએનજીનો વપરાશ કરતા થઈ ગયા છે. ગુજરાતના કેમિકલ ઉદ્યોગની કુલ ટર્નઓવર અંદાજે 15000 કરોડથી વધુનું છે. તેમની નિકાસ અંદાજે 10,000 કરોડથી વધારેની છે. ગેસના ભાવ વધી જતાં ચાર મહિના પૂર્વેની ઓર્ડરબુક પ્રમાણે સપ્લાય કરવો કઠિન બનશે. કારણ કે આયાતકારો તેમને વધેલા ભાવનો ગાળો આપતા નથી. પરિણામે તેમની નિકાસના સોદામાં નફા કપાઈ જશે. કેટલાક નિકાસકારોને તો નુકસાન પણ જઈ શકે છે. તેની સાથે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ વધતા અન્ય રૉ મટિરિયલ્સના, ટ્રાન્સપોર્ટના અને કન્ટેઈનર્સના ખર્ચાઓ પણ વધી રહ્યા છે. તેને કારણે પડેલા મારની અસર અલગથી ગણવાની રહેશે.”
કેમિકલ, એગ્રોકેમિકલના ભાવ વધી શકે છેઃ

તેમની વાતમાં સુર પુરાવતા કેમેક્સિલના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ ભૂપેન્દ્ર પટેલ કહે છે, “ગેસના ભાવમાં 12થી 15 રૂપિયાનો વધારો આવે તો તેમની પડતર કિંમત 10થી 12 ટકાની આસપાસ ઊંચી જઈ શકે છે. બોઈલરનો ઉપયોગ કરીને કેમિકલની પ્રોસેસ કરનારાઓ પર તેની અસર આવી શકે છે. બીજીતરફ કેમિકલ ઉદ્યોગને જોઈતા રૉ મટિરિયલના ભાવમાં ગેસના ભાવમાં આવનારા વધારાને કારણે વધારો આવી શકે છે. તેના ભાવ વધારાની અલગથી અસર આવી શકે છે.” આ જ રીતે એગ્રોકેમિકલ્સના ભાવમાં પણ વધારો આવી શકે છે.
ગુજરાતના સિરામિક ઉદ્યોગ પર ભાવવધારાની અસર:
કેમિકલ જ નહિ સિરામિકના પ્રોડક્ટ તૈયાર કરવા માટેના 1200 જેટલા એકમો ધરાવતા મોરબીના સિરામિક પ્રોડક્ટના હબની કેડ પણ ગેસના ભાવ વધારાને કારણએ તૂટી જાય તેવી શક્યતા રહેલી છે. મોરબીના સિરામિકના ઉત્પાદકોને આપવામાં આવતા પીએનજી કુદરતી ગેસનો સપ્લાય પૂરો પાડવામાં ગુજરાત ગેસ ખેંચ અનુભવી રહ્યું છે. તેથી તેમને હાલ તુરંત તો એડમિનિસ્ટર્ડ પ્રાઈઝ મિકેનિઝમ હેઠળ આપવામાં આવતા સપ્લાયમાં ઘટ આવી રહી છે. આ ઘટ જેટલો સપ્લાય ઓછી કરવામાં આવી રહ્યો હોવાનું મોરબી સિરામિક ઉદ્યોગના વિટ્રીફાઈડ ડિવિઝનના પૂર્વ પ્રમુખ મુકેશ ઉઘ્રેચાનું કહેવું છે. પહેલી એપ્રિલથી ગેસના સપ્લાય અને ગેસના ભાવ અંગે નિર્ણય લેવામાં આવશે. ગેસનો ભાવ વધે અને સપ્લાય નોર્મલ રહેશે કે કેમ તે પણ નક્કી થશે. આ માટે આગામી 22મી કે 25મી માર્ચે સપ્લાયર કંપની નિર્ણય લઈને તેમને જાણ કરશે.

ટાઈલ્સના એક બોક્સની પડતર કિંમતમાં 35 ટકા હિસ્સો ઇંધણ-ફ્યુઅલનો એટલે કે ગેસનો જ હોય છે. કેટલાક ઉત્પાદકો પ્રોપેન અને એલપીજીનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાત ગેસ દ્વારા આપવામાં આવતા ગેસના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ રૂ. 58નો ભાવ છે . તેના પર છ ટકાના દરે જીએસટી પણ લેવાય છે. ટેક્સ સાથે તેના અંદાજે રૂ. 62.50નો સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે ખર્ચ આવે છે. તેમાં રૂ.15નો સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ વધારો થઈ જાય તો તેમની પડતર કિંમતમાં ઇંધણ ખર્ચ 45 ટકાથી ઉપર પહોંચી જાય તેમ છે. બીજીતરફ નિકાસ માટેના કન્ટેઈનરના ભાવ 300થી 400 ટકાનો વધારો આવી ગયો છે. ગલ્ફ કંટ્રીમાં ટાઈલ્સની નિકાસ કરવા માટેના કન્ટેઈનરના ભાવમાં પણ વધારો થઈ ગયો છે. રૉ મટિરિયલના ભાવ પણ વધી રહ્યા છે. તેની અસર પણ આવશે. મોરબીના જ સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા કૌશિક મહેતાનું કહેવું છે કે, “પીએનજીના ભાવ વધારા ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી આવતી સિરામિક્સ માટેની જુદાં જુદાં પ્રકારની માટીની કિંમત પણ વધી રહી છે. સિરામિક્સ ટાઈલ્સ અને વિટ્રીફાઈડ ટાઈલ્સના ચોરસ ફૂટદીઠ રૂ. 2થી3નો નો વધારો આવી જાય તેમ છે.”
મોરબી સિરામિક ઉદ્યોગના વિટ્રીફાઈડ ડિવિઝનના પૂર્વ પ્રમુખ મુકેશ ઉઘ્રેચાનું કહેવું છે કે “વિશ્વના 140 દેશોમાં નિકાસ કરતાં મોરબીનો સિરામિક ઉદ્યોગનું ટર્નઓવર રૂ. 60,000 કરોડનું છે. તેમાંથી અંદાજે રૂ. 15000 કરોડની નિકાસ કરે છે. આ વરસે રૂ. 18000 કરોડની નિકાસ કરવાનો ટાર્ગેટ હતો. કદાચ આ ટાર્ગેટ પુરો થાય તેમ જણાતું નથી.” ગુજરાતમાં મોરબી સિરામિક ઉદ્યોગનું મોટામાં મોટું કેન્દ્ર છે. તદુપરાંત મહેસાણા, કલોલ અને હિમ્મતનગર જેવા કેન્દ્રોમાં સિરામિક્સ પ્રોડક્ટ્સના ઉત્પાદનના છૂટાંછવાયા એકમો છે.
ઓએનજીસીને કારણે મહેસાણમાં કુદરતી ગેસ સરળતાથી મળી રહેતો હોવાથી ત્યાં પણ થોડા એકમો છે. મોરબીના એકમોને ગેસનો સપ્લાય આપતા ગુજરાત ગેસના સંચાલકોએ અમારો મોરબીના ઉત્પાદકોનો સંપર્ક કરીને ગેસના પુરવઠામાં અનિશ્ચિતતા અંગે ચર્ચા કરી છે. આ અંગે 22થી 25મી માર્ચના ગાળામાં સપ્લાયર સાથે અમારી મિટિંગ થવાની છે. ત્યારબાદ જ ગેસના ભાવ વધારાની અસલ અસરનો અંદાજ આવશે.
Comments